2.
શોર્વરી દોડી... પિતાજીના રૂમ તરફ...
મમ્મીને સાપ કરડી ગયો છે. તેના ઉપર નાના ભાભીએ ચપ્પુ માર્યું છે. ઝેર નીકળી જાય. પણ રાત્રે જ મમ્મી મૃત્યુ પામી હતી. તે દરેક રૂમના દરવાજા પછાડતી પછાડતી દોડવા લાગી. કયો રૂમ પિતાજીનો છે ? પોતાને યાદ નથી. ‘પિતાજી... પિતાજી...’ પણ પિતાજી તો મૃત્યુ પામ્યા છે ને ? એ ક્યાંથી હોય ? તો મમ્મી પણ... ? પણ મમ્મી તો અત્યારે જીવતી છે ! પણ પિતાજીનો રૂમ ક્યાં છે ? કયો રૂમ હશે ? પિતાજી જોશી વેદને બોલાવશે તો મમ્મી બચી જશે. પણ જોશી વેદને તો...? કેમ યાદ નથી આવતું ? પિતાજીનો રૂમ? પિતાજીના રૂમમાં પોતે ક્યારેય ગઈ હતી ?
તે ઉપરના માળે જવા માટે દાદરા ચડવા લાગી... પણ.. આ શું ? અંધકાર...
તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તે ધીમે ધીમે પગ ઉપાડતી નીચે ઉતરવા લાગી. દાદરાની બાજુના રૂમમાંથી કંઈક અવાજ આવતો હતો. તે બિલ્લી પગે એ તરફ વળી. કંઈક ધીમા ધીમા સિસકારા એ તરફથી સંભળાતા હતા. તેણે દુપટ્ટાને કસીને પકડ્યું. ડરતી ડરતી એ રૂમના દરવાજે આવી.રૂમમાં આછું આછું ફાનસ પ્રકાશી રહ્યું હતું. કોઈ વૃદ્ધ સ્ત્રી જૂની બનાવટના ખાટલા પર બેઠી હતી. તેણે ઉપર માથા સુધી સાડી જેવું કંઈક પહેર્યું હતું. તેની પીઠ દરવાજા તરફ હતી. તે વૃદ્ધા કોઈ સાથે વાત કરી રહી હતી.
શોર્વરીને લાગ્યું આ અવાજ તો તેણે ક્યાંક સાંભળ્યું છે ! દાદીમાં ? દાદી જીવતા છે ? અને શું બોલી રહ્યા છે ? કોને કહી રહ્યા છે ? હા, એ જ દાદી... એ જ અવાજ... એ જ વાર્તા... તેણે કાન સરવા કર્યા. ડરતી ડરતી કમરમાં દાખલ થઇ.
‘...હા, રાજકુમારી. એકદમ તારા જેવી જ. તે ઘોડા પર જઈ રહી હતી. મધ્યરાત્રીએ... ના, સાથે કોઈ ન’તું. એ એકલી હતી. એક જંગલમાં. એ જંગલમાં એક ખંડેર હતું. તેના પૂર્વજોની રાજધાની. હા, જંગલમાં. હા, અડધીરાતે જતી હતી. ક્યાં જતી હતી ? ક્યાં જતી તે પોતાના પરિવારને છોડાવવા. હા, આ ખંડેરમાં તેના પરિવારને કેદ કરવામાં આવ્યા હતા. હા, કેદ કરવામાં આવ્યા હતા. એક ‘ખવીસ’ હતો. એણે કેદ કર્યા હતા. ખવીસ એક ભૂત છે. જેને ક્યારેય પરાજીત કરી શકાતો નથી. એને માથું નથી હોતું માત્ર ધડ હોય છે...’
આ વાર્તા તો દાદી કહેતા હતા. પોતે નાની હતી ત્યારે. તો આ દાદી જ છે. પરંતુ એ વાર્તા કોને કહી રહ્યા છે ! કોઈ દેખાતું તો નથી ! તે હળવે હળવે દાદી તરફ ચાલી. બિલાડી ? દાદી બિલાડીને વાર્તા કહી રહ્યા છે !
બિલાડી દાદી સામે બેઠી હતી.
તેણે ડરતા ડરતા દાદીના ખભા પર હાથ મૂક્યો. દાદીની ગરદન તેની સામે ફરી.
‘દાદી...’ તે પાછળ હટતા દીવાલ સાથે અથડાઈ. અને પડી ગઈ. રાડો પાડતી પાડતી બહાર આવી. દીવાલ પાસે ઊભી રહી. એ શું હતું ? દાદીને ચહેરો જ નહીં ? તેના પગ ધ્રુજતા હતા. મમ્મી ? તેને મમ્મી યાદ આવી અને તે હોલ તરફ દોડી...
હોલમાં આવી. દરવાજો ખોલી બહાર આવી. પણ આ શું ? બહાર પણ હવેલી ! તે દરેક રૂમનો દરવાજો ખખડાવતી દોડવા લાગી. બધા દરવાજા અંદરથી બંધ હતા.
તે એક દરવાજા પાસે આવીને અટકી ગઈ. આ રૂમ તો તેનો ને મમ્મીનો હતો. તેની આંખો છલકાઈ આવી. તેણે દરવાજો ખોલવા હાથ લંબાવ્યો. તેનો હાથ ધ્રુજવા લાગ્યો. મમ્મી ? મમ્મીને સાપ કરડ્યો છે. પિતાજીને શોધવા પડશે. નહીતર...
તે ફરી પરસાળમાં દોડી... ઉપરના માળે જવાના દાદરા પાસે તે અટકી. તેણે સામેના રૂમ તરફ નજર કરી.બે ડગલા એ તરફ ભર્યા. એ જ અવાજ. દાદી ? પણ દાદી તો સામેની હવેલીમાં હતી ! તો અહીં પણ !
‘શોર્વરી...’ એ ભયાનક સાદ ફરી તેના કાને અથડાયો અને તે ચમકી ગઈ. મો પર હાથ દાબી તે ત્યાં જ ઊભી રહી.
‘શોર્વરી, વાર્તા...’ દાદીના કમરામાંથી અવાજ આવ્યો.
તેને લાગ્યું પોતે દોડીને અહીંથી ભાગી જાય. પણ જાય ક્યાં ? બહાર પણ હવેલી ! અહીં પણ હવેલી ! જાય તો જાય ક્યાં ? તેની નજર દાદીના કમરા તરફ ગઈ. તે એ તરફ ચાલવા લાગી. એ રૂમમાંથી દાદીનો પેલો ભયાનક અવાજ આવતો હતો. સાથે બિલાડીના રડવાનો અવાજ પણ આવતો હતો. કોઈ રડતું હોય એવા ધીમા સિસકારા સંભળાતા હતા. તેના પગ માંડ માંડ ઉપડતા હતા. દુપટ્ટાથી પરસેવો લૂછ્યો. મો પર દુપટ્ટો દબાવી તે ધીમે પગલે ચાલતી રહી...
‘... હા, રાજકુમારી આવી ખંડેરમાં. પણ તે ત્યાં અટવાઈ ગઈ. ખવીસની રમત એ સમજી શકી નહીં. તે ભટકતી રહી ખંડેરમાં... હા, ડરતી હતી. ડર તો લાગે જ ને. તે ડરતી ડરતી ફરી રહી હતી. પોતાના પરિવાર માટે તે બધું કરવા તૈયાર હતી. પવનના સુસવાટા અને પાંદડાનો સરસરાટ... કુતરાના ભસવાના અવાજો અને બિલાડીના રડવાના... દૂર દૂર વરુઓ ધીમા સાદે ભૂતના ભણકારાની જેમ રાત્રી ગજાવતા હતા. ઘુવડ નાના બાળકો જેવું રડતા હતા. તમારાઓ હાલરડાં ગાઈ રહ્યા હતા. ચુડેલના વાંસા જેવી અંધારી રાત બિલ્લી પગે વહી રહી હતી. દૂર દૂર કોઈ માણસના રડવાના આભાસ થતાં હતા. આવી ભયાનક રાત્રીમાં રાજકુમારી ખંડેરમાં ભટકી રહી હતી. અચાનક તે પડી ગઈ. તેના પગમાં કંઈક અટવાયું હતું. તેને ઝીણી નજરે જોયું તો એ તેની મા હતી. તે જમીન પર પડી હતી. તેણે પોતાની માને ઉઠાડવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ તેની મા ઉઠી નહીં. આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહીં. તેને વૈદે કીધેલી વાત યાદ આવી. કમળનો ફૂલ... હા,કમળના ફૂલથી તેની મા જાગી શકે. પણ ફૂલ શોધે ક્યાં ? તે દોડી...’
શોર્વરીએ હળવેકથી દાદીના કમરામાં પગ મુક્યો. દાદી કોને વાર્તા કહી રહી છે ? કોઈ દેખાતું તો નથી.
દાદીની પીઠ તેના તરફ હતી. તેને યાદ આવ્યું. પોતે દાદીને બોલાવશે તો દાદી પીઠ ફેરવશે. અને ચહેરા વગરનું ધડ...ના. દાદીને બોલાવવી નથી. પણ દાદી શું ખાઈ રહી છે ? એમના હાથમાં શું છે ?
જોવા માટે તે આગળ વધી.તેના પગ કંપતા હતા. તેને લાગ્યું હૃદય હમણાં બહાર આવી જશે.
તેણે જોયું. દાદીના હાથમાં બિલાડી હતી. દાદી બિલાડી ખાઈ રહ્યા છે ? તેને ઉલટી થઇ. નશો ખેંચાવા લાગી. તે દોડીને બહાર આવી ગઈ. દીવાલ પાસે ઊભી રહી ગઈ. તેને ઉબકા આવતા હતા. પેટમાં ડચૂરો થઇ આવ્યો. તે ત્યાં જ ઊભી રહી, આંખો બંધ કરીને. આંખોમાં પાણી છલકાઈ આવ્યું અને મમ્મી યાદ આવી ગઈ. તે દોડી હોલ તરફ... અંધકાર ચીરીને...
હોલમાં આવી અને પગમાં કંઈક આવતા તે ઢળી પડી. તે બેઠી થઇ. આંખો ખોલી. ત્યાં પ્રકાશ...પ્રકાશ...
શોકસભા ! કોણ મરી ગયું છે ? મોટાભાભી, દાદી, પિતાજી, કાકા... બધા સફેદ કપડામાં ? આ કોણ સફેદ ચાદર ઓઢીને સૂતું છે ? બધા કેમ રડે છે ? આ કોણ મરી ગયું છે ? આ કોની લાશ પડી છે ?
તે ઢસડાતી ઢસડાતી લાશની બાજુમાં આવી. મોઢા પરથી કપડું ખસેડવા હાથ લંબાયો. તે ડરતી હતી. હાથ ધ્રુજતા હતા. તેણે ધીરેકથી કપડું ખસેડ્યું...
અને તેની રાડ ફાટી ગઈ...મમ્મી...
(ક્રમશઃ)