અધૂરી વાર્તા - 3 Hukamsinh Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી વાર્તા - 3

3.
શોર્વરી તેની મમ્મ્મીના પગ પાસે બેસીને જોર જોરથી રડી રહી હતી.
હળવેકથી હવેલીનો દરવાજો ખુલ્યો. એક હાથમાં ફાનસ અને બીજા હાથમાં લાકડીના ટેકાથી ચાલતો એક એક વૃદ્ધ અંદર દાખલ થયો. તેણે ફાનસ ઊંચું કરી, ‘કોણ રડી રહ્યું છે !’ એ જોવાનો પ્રયત્ન કર્યો. તે શોર્વરી પાસે આવ્યો. તેના ખભા પર હાથ મૂક્યો.
‘કોણ છે બેટા તું ? અને શા માટે રડી રહી છે ?’
શોર્વરી ઝબકીને ઊભી થઇ ગઈ. તેણે આસપાસ જોયું. આ શું ! કોઈ નહીં ! બધા અહીં તો હતા ! ક્યાં ગયા ! તેને હવેલી ભયંકર ભાસ્વા લાગી. ચારે બાજુ અંધકાર... વૃદ્ધના હાથમાં રહેલા ફાનસમાંથી ધીમું ધીમું અજવાળું ટપકી રહ્યું હતું.
‘કોણ છે બેટા તું ? અને અત્યારે અહીં ? દાદા સાહેબની પૌત્રી તો નહીં ?’ વૃદ્ધે ફરી પૂછ્યું.
‘હા, દાદા. હું શોર્વરી. દાદા સાહેબની પૌત્રી. પણ દાદા તમે અત્યારે અહીં ?’
‘હું તો દરરોજ પહેલા પ્રહરે આ બાજુ નીકળી આવું છું. અહીંથી રડવાનો અવાજ સંભળાયો એટલે અહીં આવ્યો. મને લાગ્યું કે કોઈ માણસ હશે. કારણ કે અત્યારે તો બ્રહ્મ પ્રહર ચાલે છે એટલે પ્રેત તો હોય નહીં. પણ બેટા તું અત્યારે અહીં ? અને રડતી શા માટે હતી ?’
‘કંઈ નહીં દાદા બસ એમ જ.’
‘ઘરનાની યાદ આવી ગઈ ? પણ તું આવી ક્યારે ? રાતે અહીં ન આવીએ.’
‘કેમ દાદા ?’
‘એ બહુ લાંબી વાત છે. પછી ક્યારેક. ચાલ અત્યારે ઘરે જઈએ.’
વૃદ્ધ અને શોર્વરી બંને હવેલીની બહાર આવ્યા.
‘ત્યાં કંઈક બત્તી જેવું લાગે છે જો તો બેટા પીપળાની નીચે.’ વૃદ્ધે કહ્યું.
શોર્વરીએ જોયું તો પોતાનો મોબાઈલ હતો.
‘કંઈ નહીં દાદા, મારો ફોન છે.’ તેને યાદ આવ્યું મોબાઈલ તો અહીં જ પડી ગયો હતો. રાત્રે પોતે આ પીપળામાં અથડાઈ ત્યારે.પચાસ મિસ કોલ ! સિદ્ધાર્થના લાગે છે.
‘ત્યાં કેમ ઊભી છે, ચાલ બેટા.’
‘હા દાદા ચાલો.’
બંને ગાડીમાં ગોઠવાયા.
શોર્વરી હજુ આશ્ચર્યમાં હતી. પોતે જોયું એ બધું શું હતું ? આવું કેવી રીતે બની શકે ? મારા પરિવારના તો બધા મૃત્યુ પામ્યા છે. તો...બધા જીવિત કઈ રીતે હતા ? એકદમ આમ આંખો સામે હતા ! સપનું ? સપનું કઈ રીતે હોઈ શકે પોતે સૂતી જ ક્યાં હતી ? તો આ બન્યું એ શું હતું ?!
‘ક્યાં ખોવાઈ ગઈ બેટા ? ચાલો...’
‘હા દાદા ચાલો. કયા રસ્તે લઉં ?’
પૂર્વ દિશામાં સૂર્યના આગમનનો અણસાર વરતાઈ રહ્યો હતો. અડધું ગામ જાગી ગયું હતું. શોર્વરીના મનમાં એ જ વિચારો ઘુમેરાયા કરતા હતા.
બંને ગાડીમાંથી ઉતર્યા. ઘરમાં દાખલ થયા. ઘરમાં કોઈ દેખાયું નહીં એટલે શોર્વરીએ પૂછ્યું.
‘તમે અહીં એકલા રહો છો દાદા ?’
‘હા બેટા. બે દીકરા છે તે પોતાના પરિવાર સાથે મુંબઈ રહે છે. મને ત્યાં ગમતું નથી એટલે હું અહીં એકલો જ રહું છું.
* * *
દાદા હું ગામમાં થોડું ફરી આવું, એવું કહી શોર્વરી ગામમાં નીકળી. તેને હજુ સમજાતું ન હતું કે રાતે જે બન્યું હતું એ શું હતું ! મોબાઈલ રણક્યો. જોયું તો સિદ્ધાર્થનો ફોન. ઉપાડ્યો.
‘હલ્લો.’
‘ક્યાં છે યાર તું શોર્વરી. કેટલા ફોન કર્યા મેં.’
‘હું ગામડે આવી છું સિદ્ધાર્થ.’
‘પણ મને કહીને તો જઈ શકે ને.’
‘નીકળવાનું અચાનક બન્યું એટલે’
‘તો પણ મેસેજ તો કરી શકે ને. એની વે... તારો અવાજ કેમ અલગ લાગે છે ? કંઈ બન્યું છે ?’
તે થોડીવાર ચુપ રહી. વિચારતી રહી. સિદ્ધાર્થને કહેવું જોઈએ કે કેમ...
‘હલ્લો...હલ્લો...’ સામેથી અવાજ આવતો હતો.
‘હા સિદ્ધાર્થ. રાત્રે હું હવેલીમાં ગઈ હતી. ત્યાં જઈને જોયું તો બધું બરાબર હતું. જેમ વરસો પહેલા હતું તેમ. પિતાજી, મા, ભાભી, દાદી, બધા જ હતા સિદ્ધાર્થ. અને...અને... માને સાપ કરડ્યો હતો અને મા... મા...’તે રડવા લાગી.
‘તું શું બોલી રહી છે શોર્વરી. એવું થોડીના હોઈ શકે. એ લોકો તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. તું રડ નહીં. તને સપનું આવ્યું હશે.’
‘ના સિદ્ધાર્થ. હું સૂતી જ નથી. ટ્રસ્ટ મી. મેં આમ બધું જ મારી આંખો સામે જોયું. અને સવારે બધા જ અચાનક ગાયબ...’
‘જો શોર્વરી. મને કંઈ ઠીક નથી લાગી રહ્યું તું પાછી આવી જા.
‘ના સિદ્ધાર્થ. હવે હું બધું જ જાણીને પછી જ આવીશ. તેણે આંસુ લૂછ્યા.
‘ઓકે ઓકે. સાંભળ. તું અત્યારે ક્યાં છે ?’
‘ગામના કોઈ દાદા છે હું એમના ઘરે રોકાઈ છું.’
‘હું કામ પતાવીને અહીંથી નીકળું છું ત્યાં સુધી તું ત્યાં જ રહેજે. કદાચ એક દિવસ જેવુ લાગશે મને. ત્યાં સુધી તું હવેલીમાં જતી નહીં.’
અને અચાનક અવાજ આવવાનું બંધ થઇ ગયું. શોર્વરી ‘હલ્લો... હલ્લો...’ કરતી રહી.
* * *
તે ખાટલા પરથી ઉઠી. તેણે જોયું તો દાદા સૂતા હતા. તેણે મોબાઈલમાં જોયું. રાતના બાર વાગ્યા હતા. તે ધીમે પગલે ઘરની બહાર આવી. આમ તેમ જોઈ હવેલીનો રસ્તો લીધો. અંધકાર ચીરતી ચીરતી તે પંથ કાપી રહી હતી.
બધું આમ સામે જ હતું. બધા સામે જ હતા. દાદા, પિતાજી, ભાભી, દાદી... મારે જાણવું જોઈએ એ શું હતું ! મારે જાણવું જોઈએ હવેલીમાં શું છે ! બધા જીવિત કઈ રીતે હતા !
તે ધીમે ધીમે ચાલતી હતી. અંધારી રાતમાં દૂર દૂર ભૂત જેવા ઓળા કાળાતા હતા. અજાણ્યા અવાજોથી રાત્રી ગાજી રહી હતી. તેને લાગ્યું કોઈ તેની પાછળ પાછળ ચાલી રહ્યું છે. તેમ છતાં તે પાછળ જોયા વગર ધીમે પગલે ચાલતી રહી.
અચાનક પાછળથી કોઈએ તેનો હાથ પકડ્યો અને તે ધ્રુજવા લાગી. તેના અંગે અંગ પાણી પાણી થઇ ગયા. તેણે ડરતા ડરતા પાછળ જોયું. પાછળ ગામડિયણ પણ ડર લાગે એવી જાજરમાન સ્ત્રી હતી.
‘પાછી જતી રહે...’ તે સ્ત્રી ભયંકર અવાજમાં ગરજી.
શોર્વરી પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરવા લાગી.
‘કહું છું જતી રહે આ ગામમાંથી. હવેલીને ભૂલી જા. ફરી ક્યારેય હવેલીમાં જતી નહીં. તને તારો જીવ વહાલો હોય તો જતી રહે અહીંથી.’
શોર્વરી માંડ માંડ હાથ છોડાવીને ભાગી. રડતી રડતી વૃદ્ધ ને ઘેર આવી. તેના શ્વાસ જોર જોરથી ચાલતા હતા. તેને સમજાયું નહીં કે આ શું હતું ! તે ખૂબ ડરી ગઈ. ડરથી તે ધ્રુજતી હતી. રજાઈ ઓઢીને સુઈ ગઈ. તેને છેક પરોઢે નીંદર આવી...
(ક્રમશઃ)