khuni kabrastan - 5 books and stories free download online pdf in Gujarati

ખૂની કબ્રસ્તાન - 5 (અંતિમ ભાગ)

અંતિમ ભાગ

જય અને પાર્થ આગળ વધ્યા. પ્રણયના અવાજથી અચાનક જ બંને ડરી ગયા.

ત્યાં એક કબરમાંથી પ્રણય બહાર નીકળ્યો, “ક્યાં જાઓ છો મિત્રો? માફ કરજો હું તમને ડરાવવા નહોતો ઈચ્છતો.”
“હવે તું જલ્દીથી બહાર નીકળ અને અહીથી ભાગો. કેમકે અમારી પાસે પેલા ચોકીદારનું માઉથ ઓર્ગન છે. એ અમારી પાછળ પડ્યો છે.” પાર્થએ આખી વાત સમજાવી.

“તો તો તમારે એની કુહાડી ચોરી કરવી જોઈતી હતી. સાબિતી તો તમને એના પરથી જ મળવાની હતી.” હસીને પ્રણયએ કહ્યું.
જય અને પાર્થ પ્રણયને હસતા જોઈ રહ્યાં. કેમકે પ્રણયની વાત તેમને કંઈ સમજાઈ નહી.
“પાર્થ, એ ચોકીદારની વાર્તા હવે બહુ જૂની થઇ ગઈ છે. તમે માત્ર રમત પર ધ્યાન આપો. જલ્દી અંદર આવી જાઓ. આ છુપાવા માટે સારી જગ્યા છે.” પ્રણયએ કબર તરફ નજર નાખીને કહ્યું.
“અરે યાર. હવે તો તારી આ રમતને છોડ.” પાર્થની ધીરજ ખૂટી રહી હતી.

“કેમ? તું આ રમવા નથી માંગતો? તમને અહી કોઈ પણ નહિ શોધી શકે. જલ્દી કરો.” કહીને પ્રણય કબરમાં જતો રહ્યો.

જય અને પાર્થ એને અંદર જતો જોઈ રહ્યા હતાં ત્યાં અચાનક જ કોઈના હાથએ એમના ખભાને સ્પર્શ કર્યો. એમને પાછળ ફરીને જોયું તો એ ચોકીદાર હતો.
“અહી શું કરી રહ્યા છો તમે બાળકો?” તેને સવાલ કર્યો.

“અમે...અમે અમારા મિત્રો જોડે થપ્પો રમી રહ્યાં છીએ.” જયએ ગભરાતા જવાબ આપ્યો.

“અહી? આ કબ્રસ્તાનમાં? થપ્પો? તમને કોઈએ જણાવ્યું નથી લાગતું કે આ મારી જગ્યા છે.” આશ્ચર્ય સાથે ચોકીદારએ પૂછ્યું.


જય અને પાર્થ પાછળ ખસવા લાગ્યા.

“તમારી આટલી બધી હિંમત કે તમે મારું માઉથ ઓર્ગન ચોરી કર્યું. પેલા છોકરાઓ પણ તમારા જેવા જ શૈતાન હતાં. એમને તો મેં બરાબર સબક શીખવ્યો. હવે તમારો વારો છે.” કહીને એ ડરાવનો ચોકીદાર પોતાની કુહાડી લઈને આગળ વધી રહ્યો હતો.

તેની આંખો બિલકુલ લાલચોળ હતી. અને તેનો દેખાવ પણ કોઈક ભયાનક રાક્ષસ જેવો હતો. તેના હાથમાં જે કુહાડી હતી તેના પરનું લોહી સુકાઈ ગયું હતું.

“અમને માફ કરી દો. અમે હવે અહી ક્યારેય રમવા નહિ આવીયે.” જયએ આજીજી ભર્યા અવાજમાં કહ્યું.

“આવશો તો તમે ત્યારે જયારે તમે અહીથી જીવતા બચીને બહાર જશો.” કહીને ચોકીદાર એ પોતાની કુહાડી જય અને પાર્થને મારવા માટે હવામાં ઉંચી કરી.

ત્યાં જ હવામાં ગોળીબાર થયો. ગોળી ચોકીદારના હાથમાં આવીને વાગી, અને કુહાડી તેના હાથમાંથી નીચે પડી ગઈ.

“જય - પાર્થ, તમે બંને ઠીક તો છો ને?” દોડીને નજીક આવતાં મયંકભાઈએ કહ્યું.
જય અને પાર્થ બંને પોતાના પપ્પાને વળગી પડ્યા. મયંકભાઈને જોઇને તેમને હાશકારો થયો.
“પકડી લો આ ખૂની ચોકીદારને. અને તેની આ લોહીવાળી કુહાડીને પણ. તેના થી જ બધા ખૂન થયાં છે.” મયંકભાઈએ પોતાના સાથી હવાલદારોને હુકમ કર્યો.
“તો જણાવ હવે મને. તે કેમ કર્યું આ બધું?” ઊંચા અવાજે મયંકભાઈએ ચોકીદારને પૂછ્યું.

“મેં એ બાળકોને બહુ બધી વાર ના કહ્યું હતું કે, આ કબ્રસ્તાન મારી માલિકીનું છે. એ છતાં તેમણે મને અવગણ્યો. મારે તેમને સબક શીખવવો હતો. એટલે મેં એ બધાને મારી કુહાડીથી ઘાયલ કરી દીધા. અને પછી એક દિવાલ ચણી કાઢી. એ બધાને એ દિવાલની સામે સુવડાવીને મેં એ દિવાલ તોડી નાંખી. તે બધા જ તોફાની શૈતાન એ દિવાલ નીચે દબાઈને મરી ગયા.” ખુશ થતાં ચોકીદારએ કહ્યું.
“આ માણસ પાગલ છે. લઇ જાઓ આ ને અહીથી.” મયંકભાઈએ કહ્યું.

હવાલદાર એ ચોકીદારને પકડીને લઇ ગયાં.

“પપ્પા તમને કઈ રીતે આ બધી ખબર પડી?” જયએ પૂછ્યું.

“કાલે રાતે મારું ધ્યાન મારા કેસની ફોરેન્સીક રિપોર્ટ પર પડ્યુ. જેમાં મરવાનો સમય અને દિવાલથી બનેલા ઘાનો સમય મેળ નહોતો ખાઈ રહ્યો. અને તેમના ઘા કોઈક લોખંડના હશે એવો મને અંદાજો આવ્યો. કાલે રાતે પાર્થએ મને જે કુહાડી વાળી વાત કહી હતી, એના પરથી મને વિચાર આવ્યો કે આ ખૂન કુહાડીથી જ થયું હતું. જેનો રીપોર્ટ કાઢવા મેં તારી મમ્મીને આપ્યો. અને રીપોર્ટ આવતાં એ વાત સ્પષ્ટ થઇ કે ખૂન કુહાડીથી થયું હતું. અને આ કુહાડી જરૂર ચોકીદાર પાસે જ હોવી જોઈએ. મેં ઘરમાં જોયું ત્યાં તમે બંને નહોતા. એટલે તમને બચાવવા માટે હું અહી આવી ગયો.”
જય અને પાર્થએ આખી વાત સમજાતાં હકારમાં માથું હલાવ્યું.
“જય પાર્થ તમે બંને અહી શું કરી રહ્યા છો? એ પણ આટલી રાતે?” મયંકભાઈએ પૂછ્યું.
“અમે અહી થપ્પો રમી રહ્યા હતાં.” જયએ જવાબ આપ્યો.

“આટલા અંધારામાં તમે બંને એકલા થપ્પો રમી રહ્યા છો?” આશ્ચર્ય સાથે મયંકભાઈએ પૂછ્યું.”

“નહિ પપ્પા. અમારા મિત્રો સાથે છીએ અમે.. પ્રણય.. શીન્ની.. પલ્લવી.. હિતેશ.. શ્રીજેશ..” પાર્થએ માથાનો પરસેવો લૂછતાં જવાબ આપ્યો.

“આ શું મજાક કરી રહ્યા છો તમે બંને? તમે મારી સાથે પણ વાર્તાઓ કરો છો. આ તો એ જ બાળકો છે જેનું ખૂન આ ચોકીદારએ કર્યું હતું. જરા તમારી આસપાસની કબરો પર મૃતકોના નામ તો વાંચી જોવો.” હસીને મયંકભાઈએ કહ્યું.

જય અને પાર્થનું ધ્યાન કબર પર લખેલા નામ પર પડ્યું. જેના પર પ્રણય દવે લખેલું હતું. જે આજથી 2 મહિના પહેલા જ મરી ગયો હતો.

આ વાંચીને બંનેના ચેહરાનો રંગ જ ઉડી ગયો.

એક પછી એક તેમણે બધી કબર પર પોતાના મિત્રોના નામ વાંચ્યા.

“તમને બંનેને શું થયું? તમે ક્યાંક સાચું ભૂત તો નથી જોયું ને? મયંકભાઈએ બંને તરફ જોઇને કહ્યું.

જય અને પાર્થ ત્યાંથી ઘરે ભાગી ગયા. ફરી કયારેય એ કબ્રસ્તાન તરફ નજર પણ નાંખી નહિ.


-માનસી વાઘેલા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED