khuni kabrastan - 2 books and stories free download online pdf in Gujarati

ખૂની કબ્રસ્તાન - 2

“બધા લોકો પોતપોતાની જગ્યાએ છુપાયા છે. અમને લાગ્યું કે તમે લોકો નહિ આવો. ચાલો કહી વાંધો નહિ. હવે રમત ફરીથી ચાલુ કરવી પડશે.” કહીને પ્રણય પાછળ ફર્યો.
“લાગે છે તમે રમીને જ રહેશો..” પ્રણયએ ધીમેથી હસીને કહ્યું જે જય અને પાર્થે કદાચ સાંભળ્યું નહિ.

“પલ્લવી, શીન્નીયા, શ્રીજેશ, હિતેશ” પ્રણયએ બુમ પાડી. તેની બુમ સાંભળીને બધા પોત પોતાની છુપાયેલી જગ્યાએથી બહાર નીકળી આવ્યા.

પ્રણયએ બધાની ઓળખાણ આપતા કહ્યું, “આ પલ્લવી છે. આ શીન્નીયા, શ્રીજેશ અને આ હિતેશ.”

“શીન્નીયા આ કેવું અજીબ નામ છે?” મજાક ઉડાવતાં જયએ કહ્યું.

“હું માત્ર શીન્ની છું. આ લોકો અહી શું કરી રહ્યા છે?” શીન્નીએ ચીડાતા કહ્યું.

“મેં એમને અહી આપણી સાથે રમવા માટે બોલાવ્યા છે.” જવાબ આપતા પ્રણયએ કહ્યું.

“આપણે એટલા લોકો પૂરતા જ હતાં. એમની આપણને કોઈ જરૂર નથી.” શીન્નીએ કહ્યું.

“કેમ જરૂર નથી? જેટલા વધુ લોકો હશું એટલી જ રમવાની મજા આવશે.” પ્રણયએ દલીલ કરી.

“આ બન્ને ડરપોક બચ્ચાઓ તો નથી ને?” શીન્નીએ હસતા કહ્યું.

“અહી વળી ડરવાવાળી શું વાત છે?આ બસ માત્ર એક કબ્રસ્તાન છે. અહી તો કોઈ જીવતું છે પણ નહિ.” જયએ જવાબ આપ્યો.

“બધું તું વિચારે છે એમ નથી.” વિચિત્ર હાસ્ય સાથે શીન્નીએ કહ્યું.

“શું કેહવા માંગે છે તું?” ગભરાઈને પાર્થએ કહ્યું.

“શું તમે લોકોએ પેલા ચોકીદારની વાર્તા નથી સાંભળી?” ધીમેથી શીન્નીએ કહ્યું.

“કોની? એ કોણ છે?” ઉત્સુકતાથી પાર્થએ પૂછ્યું.

“થોડા વર્ષો પહેલા એક ચોકીદાર હતો. જે આ કબ્રસ્તાનની રખેવાળી કરતો હતો. અને અહીની દરેક કબર એ પોતાના હાથથી ખોદતો હતો. કોઈ પણ જાતના ઓજારની મદદ વગર. એ વિચારતો હતો કે તે અહીનો માલિક છે, એટલે રાતે આંટો મારવા નીકળી પડતો. એ પણ બિલકુલ એકલો. અને ધ્યાન રાખતો હતો કે ક્યાંક કોઈક એની જગ્યામાં ઘુસીતો નથી ગયું ને. જયારે અહી કોઈ ના હોય ત્યારે તે જંગલમાં એની ઝુપડીમાં રહેતો. અને એનું માઉથ ઓર્ગન વગાડતો.” શીન્નીએ ક્હ્યું.

“આ માત્ર તારી જાતે ઉપજાવી કાઢેલી વાર્તા છે.” મોઢું બગાડતા જયએ કહ્યું.

“જો ના માન્યો તો બહુ જ પછતાઈશ.. એવું કહેવાય છે કે એ ચોકીદાર થોડો પાગલ હતો. એક દિવસ એને એક છોકરાને એની ઝુપડીમાંથી કંઈક ચોરતા પકડ્યો. પછી એને એની કુહાડી નીકાળી અને પછી એ છોકરાના હાથ કાપી નાખ્યા. એ પછી એક દિવસ એ ચોકીદાર કબર ખોદી રહ્યો હતો, અચાનક જ કબ્રસ્તાનની દીવાલ એના પર પડી. બિચારો જીવતો જ દફનાઈ ગયો. કોઈ કોઈ લોકો કહે છે કે એ હજુ પણ આ કબ્રસ્તાનની રખેવાળી કરે છે. અને તેની એ ખૂની કુહાડી.. તેમાં હજુ એ છોકરાઓનું ખૂન લાગેલું છે. અને ક્યારેક જો બિલકુલ અવાજ ના હોય તો એના માઉથ ઓર્ગનનો અવાજ પણ સંભળાય છે. દુર ક્યાંક જંગલમાંથી.” શીન્નીએ વાત પૂરી કરી.

“આ તો કઈ ડરવાની વાત છે? આના કરતા વધારે ડરાવની વાર્તા તો મારી દાદી કહે છે. એમની વાર્તાના ભૂત સૌથી વધુ ડરાવના હોય છે. જેનાથી કોઈ પણ ડરી જાય. એમની આગળ તારી પણ હોશિયારી નીકળી જશે શીન્નીયા.” જયએ કહ્યું.

“નહિ. માત્ર શીન્ની.” શીન્નીએ ચીડાતા કહ્યું.

“હા એ જે પણ હોય.” જયએ હસતા કહ્યું.

“પેલો ચોકીદાર અહી જ ક્યાંક હશે. તારી રાહમાં.” ડરાવતા શીન્નીએ કહ્યું.

“હું માત્ર એના પર જ વિશ્વાસ કરું છું જે દેખાય છે.” વિશ્વાસ સાથે જયએ કહ્યું.

“તમારી વાતો પતી ગઈ હોય તો આપણે કઇક રમીએ?” અકળાઈને પલ્લવીએ કહ્યું.
“હા જરૂર રમીશું. અને એ પણ બધા સાથે મળીને. આ ઝાડને આપણે મુખ્ય જગ્યા બનાવીએ. બધા જ્યાં ઈચ્છો ત્યાં છુપાઈ જાઓ. પણ ધ્યાન રાખજો કે સીમાની બહાર કોઈ નહિ જાય. આગળ જંગલ ચાલુ થાય છે. ત્યાં આપણામાંથી કોઈ નહિ જાય. રાતે એટલા અંધારામાં ત્યાં જવું ખતરાથી ઓછું નથી. હવે શ્રીજેશ તું દાવ આપ. સૌથી પહેલા જે પકડાશે એનો દાવ આવશે.” પ્રણયએ હુકમ આપ્યો.
શ્રીજેશ ઝાડ પાછળ આંખો બંધ કરીને ઉભો રહી ગયો.

“તૈયાર છો? તો ભાગો. એક, બે, ત્રણ, ચાર, પાંચ...” શ્રીજેશએ ગણવાનું ચાલુ કર્યું.

બધા છુપાવા માટે ભાગ્યા.

જય અને પાર્થ બંને એક સાથે છુપાવા માટેની જગ્યા શોધવા લાગ્યા. “આ કેવી ફાલતું રમત છે. મને તો અત્યારથી જ કંટાળો આવી રહ્યો છે. હું તો ઘરે જવાનું વિચારી રહ્યો છું.” જયએ અકળામણ સાથે કહ્યું.

“એવું ના કરીશ જય. જો તું એવું કરીશ તો એ લોકો આપણા મિત્ર ક્યારેય નહિ બને.” પાર્થએ મુંઝવાતા કહ્યું.
ત્યાં જ એક કબર પર પાર્થ રોકાયો અને તેના પર લખેલું વાંચવા લાગ્યો, “અહીથી પસાર થતા મુસાફર એક વાત હમેંશા યાદ રાખજે, આ જ જગ્યા પર મેં પણ જોયું હતું એક સ્વપ્ન, જીવનનું સત્ય છે કે એક દિવસ બધાને છે મરવાનું.”

“વળી આનો શું મતલબ થયો?” જયને કહેવા માટે પાર્થ આગળ દોડ્યો.

“લાગે છે અહી કોઈને દાટવામાં આવશે.” નીચે ખોદેલા ખાડાને બતાવીને જય બોલ્યો.

જય એ ઊંડા ખાડામાં ઉતરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, “જય તું આ શું કરી રહ્યો છે?” જયને આમ કરતા જોઇને પાર્થ ગભરાઈ ગયો.

“નાના બાળકો જેવી વાતો ના કર પાર્થ. આ છુપાવા માટે સૌથી સારી જગ્યા છે.” જયએ રોકાઈને કહ્યું.

“ના જરાય નહિ. મને એવું જરાય નથી લાગી રહ્યું. આ બહુ જ ખતરનાખ કામ છે. હું અહી બિલકુલ નથી સંતાવાનો.” મોઢું ફેરવતા પાર્થએ કહ્યું.

અચાનક જ કોઈક સંગીતનો અવાજ સંભળાયો. “ચુપ.....” કાન લગાવીને સાંભળતા જ જય અવાજની દિશા તરફ દોડ્યો. પાર્થને એક હાથથી પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો.

“આ અવાજ પેલી તરફથી આવી રહ્યો છે. ક્યાંક આ અવાજ પેલો ચોકીદાર તો નથી કરતો ને?” અંધારામાં જંગલ આંગળી બતાવતા પાર્થએ કહ્યું.

“અરે ના. આ લોકોમાંથી જ કોઈક આપણને ડરાવવા માટે આ બધું કરી રહ્યું હશે. એ બસ કાલ્પનિક વાર્તા હતી જેવી દાદી કહેતા હતાં. એમાં ડરવા જેવું કશું જ નથી. ચાલ જઈને એને પકડીએ.” બંને અંધારામાં જંગલ તરફ આગળ વધ્યા.
“આ જો પેલા ચોકીદારની ઝુપડી લાગે છે. ત્યાં જરૂર એનું ભૂત હશે. આપણે અહી ના હોવું જોઈએ જય. મને આ બધું ઠીક નથી લાગી રહ્યું. ચલ બધા આપણને શોધતા હશે.” પાર્થએ હાથના ઈશારાથી બતાવ્યું.

“તું શું બકવાસ કરી રહ્યો છે પાર્થ? આપણા પપ્પા પોલીસ છે. અને તું સાવ આવો ડરપોક કઈ રીતે બની શકે? આ એ લોકો જ છે. તેઓ આપણને ડરપોક સાબિત કરવા માટે આ બધું કરી રહ્યા છે. અને હું છું ને તારી સાથે, તો તને કઈ વાતનો ડર છે?” પાર્થને સમજાવતાં જયએ કહ્યું.

અચાનક જ દરવાજો ખુલવાનો અવાજ આવતા બંને ભાઈઓ ઝાડીઓ પાછળ છુપાઈ ગયા.

સંગીતનો અવાજ વધુ તીવ્ર બનતો ગયો.

“જયારે એ આપણી નજીક આવશે ત્યારે આપણે કુદીને બહાર નીકળીશું અને તેમને ડરાવીશું.” હસતાં હસતાં જયએ કહ્યું.

“હા. બિલકુલ. એમાં મજા આવશે.” ઉત્સુકતાથી પાર્થે કહ્યું.
અચાનક જ કુહાડી લાકડા પર મારવાનો અવાજ આવ્યો.
અવાજ સાંભળીને પાર્થએ કહ્યું, “તને શું લાગે છે જય? માત્ર આપણને ડરાવવા માટે એ લોકો આટલી મોટી કુહાડી પણ લાવ્યા હશે? મને તો કંઇક બીજું જ કારણ લાગી રહ્યું છે.”
“હા. લાવી પડી હશે. જો તે આપણને ડરપોક સાબિત કરવા ઇચ્છતા હશે તો..” જયએ ઉભા થવાનો પ્રયત્ન કર્યો.

પણ પાર્થએ એને નીચે તરફ ખેચીને બેસાડ્યો, “પણ જો આ સાચે જ પેલો ચોકીદાર નીકળ્યો તો? અને તેને આપણને મારવાની કોશિશ કરી તો? આપણને અહી જંગલમાં કોણ બચાવશે? અને એતો એક ભૂત..”
જયએ પાર્થની વાત વચ્ચેથી કાપતા કહ્યું, “તું આવી ભૂતની બધી ફિલ્મ જોવાનું બંધ કરી દે. ભૂત બુત જેવું કંઈ જ હોતું નથી. આ ભૂતની વાતો અને વાર્તાઓ બધું કાલ્પનિક છે. અને એ લોકો એ પણ આ વાર્તા ડરાવવા માટે જ કહી હતી. એટલે ડરવા જેવું કશું જ નથી પાર્થ.”
કહેતાની સાથે જય ઉભો થયો, “કોઈ પણ તો નથી ત્યાં. ક્યાં ગયાં એ લોકો? જોયું.. તારો અવાજ સાંભળીને એ લોકો ભાગી ગયા હશે.”

જયની સાથે પાર્થ પણ ઉભો થયો.

“જો પેલું શું છે?” અંધારામાં ચળકતી કોઈક વસ્તુ બતાવતા પાર્થએ કહ્યું.

“એ તો એક માઉથ ઓર્ગન છે.” ડરીને જયએ કહ્યું.

“ચલ આપણે અહીથી જલ્દી નીકળીએ.” કહીને પાર્થ ભાગ્યો. જય પણ એની પાછળ ભાગ્યો.

ત્યાં આગળ પહોચતા જ એક વૃદ્ધ ભાઈ તેમની સામે કુહાડી લઈને ઉભા હતાં.
બન્નેએ જોરથી ચીસ પાડી. “બચાવો” અને ભાગ્યા ત્યાંથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED