ખૂની કબ્રસ્તાન - 3 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની કબ્રસ્તાન - 3

આગળના ભાગમાં આપણે જોયું કે જય અને પાર્થએ ચોકીદારનહ ભૂત જોયું. અને બંને ત્યાં થઈ ભાગી છૂટ્યા. હોવી આગળ..
ભાગતાં ભાગતાં તેમને કબ્રસ્તાન પણ વટાવી દીધું.

“જય... બચાવ મને..” પાર્થે રીતસરની ચીસ પાડી.

જય કબ્રસ્તાનનો દરવાજો કુદી ગયો. પણ જય ઊંચાઈમાં હોવાથી નીકળી ગયો, જયારે પાર્થ ઊંચાઈમાં નાનો હોવાથી જલ્દીથી કુદી શક્યો નહિ અને તેનું પેન્ટ કાટવાળા એ દરવાજામાં ફસાઈ ગયું.

“જય.. મને બચાવ.. મારી મદદ કર.. મારું પેન્ટ ફસાઈ ગયું છે.” પાર્થે જયને બુમ પાડી.

જય દોડીને પાછો આવ્યો અને ખેચતાણમાં પાર્થનું પેન્ટ ફાટી ગયું.

કબ્રસ્તાનનો દરવાજો ફટાફટ કુદીને બંને ભાઈ બહાર નીકળી ગયા. કોઈને જણાવવા પણ ના રહ્યા કે અમે ઘરે જઈ રહ્યા છીએ. અને ઘર તરફ ભાગ્યા. ઘરે આવીને તે એ પણ ભૂલી ગયા કે, તે ઘરે કહ્યા વગર છુપાઈને રમવા માટે ગયા હતાં. ઘરે જઈને પપ્પાને શું જવાબ આપશે તેની ચિંતા કર્યા વગર બંને ભાઈ ઘરનો દરવાજો ખખડાવા લાગ્યા. તે બંને ખુબ જ ડરી ગયા હતા.

જય અને પાર્થના પપ્પા મયંકભાઈ એક મર્ડરનો કેસ જોઈ રહ્યા હતાં. આમ તો એ કેસમાં આગળ કોઈ સાબિતી મળી નહોતી એટલે એને એક અકસ્માત ગણવામાં આવ્યો હતો. પણ ખબર નહિ કેમ મયંકભાઈને તે મર્ડર લાગી રહ્યું હતું.

“કંઇક તો ખૂટે જ છે આ કેસમાં. આ મને અકસ્માત નથી લાગી રહ્યો. એવું લાગી રહ્યું છે કે કોઈક વાત અહીં છુપાવવાની કોશિશ થઇ રહી હોય.. પણ શું?” બધા પેપર ફેરવતાં મયંકભાઈ વિચારી રહ્યાં હતાં.

મયંકભાઈ પોતાના રૂમમાં ટેબલ પર બેસીને કેસના બધા કાગળ વાંચી રહ્યા હતાં. તેમના રૂમનો દરવાજો અને બારી બંને બંધ હતાં. અચાનક જ બારી અને બારણું, બંને પવનથી ખુલી ગયાં. પવનનાં લીધે બારી બારણું જોર જોરથી હલવા લાગ્યા. વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું. એવો ભેજ વાળો પવન ફુંકાવા લાગ્યો કે જાણે કે ઉનાળામાં જ વરસાદ પડવાનો હોય. અને પવનનાં કારણે ટેબલ પર મુકેલા બધા જ કાગળ આખા રૂમમાં ઉડવા લાગ્યાં. મયંકભાઈ રૂમમાં બધા ઉડી રહેલા કાગળ ભેગા કરવા લાગ્યા. પણ પવન એટલો બધો હતો કે તેમના હાથમાં એક પણ કાગળ આવ્યું નહી.

મયંકભાઈ કઈ સમજે તે પહેલા જ તેમના ઘરનો દરવાજો કોઈક ખખડાવી રહ્યો હોય તેવો અવાજ આવવા લાગ્યો.

“તમે બંને? તમે તો તમારા રૂમમાં ઊંઘી ગયા હતાં ને? તો અહી બહાર કઈ રીતે પહોચ્યા?” મયંકભાઈએ જેવો દરવાજો ખોલ્યો તેમની સામે જય અને પાર્થ ખુબ જ ગભરાઈને ઉભા હતાં.

બંને ખુબ જ ડરી ગયા હતાં. અને ધ્રુજી પણ રહ્યા હતાં. મયંકભાઈએ જેવો દરવાજો ખોલ્યો બંને ભાઈઓ તેમને ધક્કો મારીને ઘરમાં ઘુસી ગયા.

“પપ્પા... મને બચાવો...” કહીને પાર્થએ મયંકભાઈની કમર ફરતે પોતાના નાના હાથ વીટાળી દીધા.

“હા હું અહી જ છું બેટા. પણ થયું શું એ મને જણાવીશ?” મયંકભાઈએ પૂછ્યું.

“પપ્પા અમે બંને બહાર પ્રણય જોડે રમી રહ્યાં હતાં.. અને ત્યાં ભૂત આવી ગયું.” ડરતાં ડરતાં પાર્થએ કહ્યું.

“ભૂત? કયું ભૂત?” પાર્થની સામે ઘૂટણીએ બેસીને મયંકભાઈએ પૂછ્યું.

“પેલો ચોકીદાર જેના હાથમાં કુહાડી હતી.. જે શીન્નીની વાર્તામાં હતો.” પાર્થે બધું જ કહી દીધું.

“સારું. હું છું તારી સાથે. તને કઈ નહિ થાય. ચલ હું તને પાણી આપું. અને પછી તું શાંતિથી સુઈ જા.” કહીને મયંકભાઈએ પાર્થને પાણી પીવડાવીને રૂમમાં મોકલ્યો.
“જય.. પાર્થ આ બધું શું કહી રહ્યો હતો?” મયંકભાઈએ પાર્થને પૂછ્યું.

“કઈ નહિ પપ્પા. અમને ઘરમાં ગરમી થઇ રહી હતી તો અમે બંને આંગણામાં ઉભા હતાં. અને મેં એને એક વાર્તા કહી જે ભૂતની હતી. તો એ સાંભળીને પાર્થ થોડો ડરી ગયો.”

“સારું. તમે બંને હવે ઊંઘી જાઓ. હું મારા રૂમમાં જ કામ કરી રહ્યો છું. કઈ જરૂર હોય તો મને જણાવજે.” કહીને મયંકભાઈ પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા.

રૂમમાં પ્રવેશતાંની સાથે જ મયંકભાઈ આશ્ચર્યચકિત થઇ ગયાં. તેમના રૂમમાં થોડા સમય પહેલા જ જોરદાર પવન ફૂંકાયો હતો. અને તે પવનનાં કારણે તેમના ટેબલ પર પડેલા બધા જ કાગળિયાં ઉડીને આખા રૂમમાં પથરાઈ ગયા હતાં. પણ અત્યારે આખો રૂમ સ્વચ્છ હતો. બધા જ કાગળ તેમના ટેબલ પર પહેલાની જેમ ગોઠવાયેલા હતાં.

થોડા સમય પહેલા પવનથી ખુલ્લી થયેલી બારી પણ અત્યારે બંધ હતી. તેમનું ધ્યાન અચાનક જ નીચે પડેલા એક કાગળ પર ગયું. કાગળ ઉઠાવીને મયંકભાઈ તેને વાંચવા લાગ્યા.

“ઓહ હા.. આ તરફ મારું ધ્યાન કેમ ના ગયું?”

એક તરફ મયંકભાઈને તેમના કેસમાં નવો સબુત મળ્યો ત્યારે બીજી તરફ જય પોતાના રૂમમાં પ્રવેશ્યો. પાર્થ હજુ પણ ડરી રહ્યો હતો. પાર્થ પોતાના પલંગ પર પલાઠી વાળીને બેઠો હતો. રૂમની લાઈટ પણ તેને ચાલુ જ રાખી હતી. કદાચ તે જયના આવવાની રાહ જોઈ રહ્યો હતો.

“તું હવે ઠીક છે ને?” પાર્થની બાજુમાં પલંગ પર બેસતા જયએ કહ્યું.

“હા. પણ મેં બધું જ ખરાબ કરી દીધું જય. કાલે સવારે મમ્મી આવીને આપણને બહુ જ બોલશે. એમને ખબર પડશે કે આપણે આવી રીતે છુપાઈને રાતે રમવા ગયા હતાં તો? ત્યારે આપણી તો કાલે ખેર નથી.” નિરાશ થતા પાર્થએ કહ્યું.

“ના. બિલકુલ નહિ. મેં બધું સાંભળી લીધુ છે.” પાર્થના ખભા પર હાથ મુકતા જયએ કહ્યું.

“મતલબ? તું કહેવા શું માંગે છે જય?” આશ્ચર્ય સાથે પાર્થે પૂછ્યું.

“મેં પપ્પાને એવું કહ્યું કે આપણે પવન ખાવાં માટે બહાર ઉભા હતાં. અને મેં તને એક ભૂતની વાર્તા કહી એટલે તું ડરી ગયો. અને બસ તે માની ગયા. એટલે હવે ડરવા જેવી કોઈ જ વાત નથી.” હસતા હસતા જયએ કહ્યું.

“આ તે બહુ જ સારું કર્યું. ચલ હવે સુઈ જઈએ.” કહીને બંને ભાઈ ઊંઘી ગયા.


સવારે બંને એમના ઘરનો બગીચો સાફ કરી રહ્યા હતા. ત્યારે જય કંઇક વિચારી રહ્યો હતો.

“તું શું વિચારી રહ્યો છે જય?” પાર્થએ પૂછ્યું.

“આ બધું જ માત્ર તારા કારણે થયું. જો તને કૂદતાં આવડતું હોત તો તારા કપડા આમ પેલા દરવાજામાં ના ફસાયા હોત. અને તારું પેન્ટ ના ફાટ્યું હોત તો મમ્મી આપણને આમ બગીચો સાફ કરવાની સજા ના આપતી.” ગુસ્સામાં જય બોલ્યો.

“હા પણ જય, તું એ ના ભૂલીશ કે તું જ મને ત્યાં જબરજસ્તી લઇ ગયો હતો.” મોઢું બગડતા પાર્થે કહ્યું.

“શું? હું તને જબરજસ્તી ત્યાં લઇ ગયો હતો? આ જરાય સાચું નથી. તારે જ નવા મિત્રો બનાવવા હતા. અને એટલે જ મેં તને સાથ આપ્યો. જો હું ના હોત તો તું ત્યાં જ હોત હજુ સુધી.” ગુસ્સે થતાં જયએ કહ્યું.
“કાશ પપ્પાની બદલી આવા વિચિત્ર શહેરમાં ના થઇ હોત. તો મમ્મી પપ્પા આપણને ભણાવવા માટે આવી બેકાર જગ્યા એ ના લાવ્યા હોત. તો આપણે પોતાના જુના મિત્રો જોડે ખુશ હોત. અને આવી કોઈ બબાલ થતી જ નહિ.” પાર્થએ કહ્યું.

“એમને એ બધું આપણા માટે જ કર્યું છે. એમની આગળ આ વાત ભૂલથી પણ ના કરતો. હું તેમને દુઃખી કરવા નથી માંગતો.” જયએ સલાહ આપી.
એટલામા ત્યાં પ્રણય અને કાલ રાતના બધા જ મિત્રો ત્યાં એમની સાયકલ લઈને આવી પહોચ્યા.

“સારું ઘાસ કાપો છો બંને. તમારા બગીચાની સફાઈ થઇ જાય પછી મારા ઘરે આવશો?” મજાક ઉડાવતા શીન્નીએ કહ્યું.

જય અને પાર્થે શીન્નીને કોઈ જવાબ આપ્યો નહિ.

“સાંભળો, શું તમે આજે રાતે પણ રમવા આવશો?” પ્રણયએ સાયકલ પરથી ઉતરતા કહ્યું.

“આજે રાતે? ફરીથી?” ગભરાતા પાર્થએ પૂછ્યું.

“હા. કાલે આમ પણ આપણી રમત અધુરી રહી ગઈ હતી ને. એટલે અમે આજે પણ જઈએ છીએ. તમે સાથે આવશો?” પ્રણયએ કહ્યું.

“ના. આજે રાતે અમે નહી આવી શકીએ.” પાર્થએ માથું ધુણાવ્યું.

“કેમ? શું થયું?” હિતેશએ પૂછ્યું.

“બસ. અમને તમારી એ બાળકો વાળી રમતમાં મજા નથી આવી રહી.” જયએ કહ્યું.

“મેં તો પહેલા જ કહ્યું હતું ને કે, આ લોકો ડરપોક છે.” શીન્નીએ ફરી મજાક બનાવી.

“બિલકુલ નહિ.” જય વધુ ઉશ્કેરાયો.

“શીન્નીએ પેલી વાર્તા માત્ર ડરાવવા માટે કહી હતી. અમારા ગ્રુપમાં કોઈ નવું વ્યક્તિ ના આવે એટલા માટે. અને આમ પણ તે જ કહ્યું હતું કે તું ભૂતો પર વિશ્વાસ નથી કરતો.” પ્રણયએ સમજવાનો પ્રયત્ન કર્યો.

“હા. મેં કહ્યું હતું. પણ મેં એવું કહ્યું હતું કે દેખાશે તો જરૂર વિશ્વાસ કરીશ. અને કાલે અમે બંનેએ જોયું.” જયએ ખુલાસો કર્યો.

“શું?” પલ્લવીએ પૂછ્યું.

“પેલા ડરાવના ચોકીદારનું ભૂત.” પાર્થે ખુલાસો કર્યો.

“તે કઈ જ નથી જોયું. વાર્તા સાંભળ્યા પછી તમારા મગજમાં એ જ બધું ફરી રહ્યું હતું. બસ. એ માત્ર તમારો વહેમ હતો. એથી વિશેષ બીજું કહી જ નહિ.” પ્રણયએ કહ્યું.

“અમે સાચે જ કાલે પેલા ચોકીદારને અમારી આંખોથી જોયો.” જયએ કહ્યું.

“આ તો ડરપોક બિલ્લી છે.” પલ્લવીએ પણ મજાક કરી.

“તમારી બકવાસ બંધ કરો. ઠીક છે અમે આજે ત્યાં આવશું.” જયએ દ્રઢ થઈને કહ્યું.



ક્રમશઃ