પ્રતિશોધ પ્રથમ અંક - 11 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ પ્રથમ અંક - 11

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:11

ઓક્ટોબર,2019, દુબઈ

શિવ મંદિરમાંથી પોતાનાં ફ્લેટ ઉપર આવ્યાં બાદ આધ્યા કલાક સુધી હોલમાં જ બેસી રહી. પૂજારી આખરે પોતાને શું કહેવા ઈચ્છતા હતાં અને એમને પોતાનાં અને સમીર વચ્ચેનાં બગડેલાં સંબંધો વિશે કેમની ખબર? આ પ્રશ્નનો જવાબ ઘણું વિચાર્યા છતાં આધ્યાને મળી ના શક્યો. આખરે થાકીહારીને એને પોતાનાં માટે થોડું જમવાનું બનાવ્યું અને જમ્યાં બાદ ટેલિવિઝન સામે ગોઠવાઈ ગઈ.

કોઈ સારો શૉ જોઈને પોતાનાં મનનો ભાર હળવો થશે એવી આધ્યાની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે કલાક સુધી ટેલિવિઝન પર ચેનલો બદલ્યા પછી પણ આધ્યાનાં મગજમાંથી પૂજારીજીની વાતો દૂર ના થઈ શકી.

"આધ્યા, તારે એકવાર સમીરને કોલ કરવો જોઈએ; જો પૂજારીજીએ કહ્યું એ સત્ય હોય તો માનવતા ખાતર તારે સમીરને ચેતવવો જોઈએ.!" પોતાની સાથે જ વાત કરતી હોય એમ આધ્યા મનોમન બોલી. આખરે એને વ્હોટ્સઅપ પર સમીર સાથે વાત કરવાનું નક્કી કર્યું.

"હેલ્લો, હાઉ આર યુ?"

સમીરને એક વ્હોટ્સઅપ મેસેજ કર્યાં બાદ આધ્યા બ્લુ ટીક થવાની મતલબ કે સમીર દ્વારા એનો કરેલો મેસેજ સીન થવાની રાહ જોતી અડધો કલાક સુધી ફોન હાથમાં લઈને બેસી રહી. રહીરહીને આધ્યાને લાઈટ થઈ કે સમીરનો લાસ્ટ સીન ગઈકાલે રાતે અગિયાર વાગ્યાનો હતો. છેલ્લાં ચોવીસ કલાકથી સમીર ઓનલાઈન નથી થયો એ વાત આધ્યાને થોડી અજુગતી લાગી.

એનાં મનને ઉદ્વેગ ઘેરી વળ્યો. શું સાચેમાં સમીરની જીંદગી જોખમમાં હતી? એ વિચારતાં-વિચારતાં આધ્યાએ એનો નંબર ડાયલ કર્યો.

આધ્યાનાં આશ્ચર્ય વચ્ચે સમીરનો ફોન સ્વીચ ઓફ આવ્યો. સમીર જ્યારે બીજાં દેશમાં જતો ત્યારે પણ એનો નંબર ચાલુ જ રહેતો, એટલે એનાં ફોનનું આમ સ્વીચ ઓફ આવવું આધ્યાની ચિંતા વધારી રહ્યું હતું.

એને પાંચ-છ વાર સમીરને કોલ કરી એની સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી જોઈ, પણ દર વખતે એનાં હાથમાં નિષ્ફળતા જ લાગી. આવતીકાલે સવારે પોતે સમીરની ઓફિસનાં નંબર પર કોલ કરશે એવું મનોમન નક્કી કરી આધ્યા સુઈ ગઈ.

સવારે આધ્યા ફ્રેશ થઈને બુક સ્ટોર જવા નીકળી એ પહેલાં એને સમીરની ઓફિસનો નંબર ડાયલ કર્યો. ઓફિસમાંથી કોઈ મહિલાએ આધ્યાનો કોલ રિસીવ કર્યો.

સમીર સાથે પોતાને કોન્ટેક્ટ કરાવવા આધ્યાએ એ મહિલાને કહ્યું. એ મહિલાએ પોતાની રીતે સમીર તથા સમીરની જોડે ઈન્ડિયા ગયેલાં અન્ય ચાર લોકોનાં નંબર પર પણ સંપર્ક સાધવાની કોશિશ કરી જોઈ પણ એમાંથી કોઈ જોડે સંપર્ક સાધવામાં સફળતા ના મળી.

પોતાની કંપનીનાં ભારતમાં રહેલાં અન્ય સ્રોતો દ્વારા સમીરનો સંપર્ક સાધીને અડધા કલાકમાં પોતે કોલ કરશે એમ કહી સમીરની ઓફિસમાં કામ કરતી એ મહિલાએ આધ્યા સાથે સંપર્ક વિચ્છેદ કરી દીધો.

આધ્યા ઘરેથી નીકળી રેહાનાની બુક સ્ટોર પર આવી ત્યારે સમીરની ઓફિસમાંથી આધ્યા પર કોલ આવ્યો. આ વખતે વાત કરનાર વ્યક્તિ સમીરનો સહકર્મચારી રાઘવ હતો. રાઘવને આધ્યા સારી રીતે ઓળખતી હતી. રાઘવે જણાવ્યું કે સમીર એમની ઓફિસનાં એક ફાઈવસ્ટાર હોટલનાં પ્રોજેકટ અંતર્ગત રાજસ્થાનનાં માધવપુર નામક એક ગામમાં ગયો છે.

રાઘવનાં કહ્યાં મુજબ પરમદિવસ રાતથી સમીર કે સમીરની ટીમનાં કોઈપણ સદસ્ય જોડે સંપર્ક થઈ શક્યો નથી. ગઈકાલે તો ઓફિસનાં હેડ સ્ટાફે આ વાતને વધુ ગંભીરતાથી ના લીધી પણ આજે જ્યારે આધ્યાનો કોલ આવ્યો ત્યારે એમને આ વાતને ગંભીરતાથી લીધી અને પોતાની રીતે સમીર અને એની ટીમ જોડે સંપર્ક સાધવાના પૂરતાં પ્રયત્નો કરી જોયાં.

રાઘવે વધુમાં જણાવ્યું કે

"માધવપુર રાજસ્થાનનાં રણપ્રદેશ વચ્ચે જેસલમેરથી દોઢસો કિલોમીટર દૂર આવેલું એક ગામ છે જે એક ભવ્ય કિલ્લાની અંદર વસેલું છે; જેની એક સરોવર પણ છે. રણની વચ્ચે આ સરોવર કઈ રીતે બન્યું એ લોકોની સમજ બહારની વસ્તુ છે. માધવપુર રાજપૂત રાજા માધવસિંહનું એક સમૃદ્ધ રજવાડું હતું જેનું કોઈ અગમ્ય કારણોસર પતન થઈ ગયું."

"અમારી કંપનીને આ જગ્યાએ એક પાંચ સિતારા હોટલ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો, જેને પ્રાથમિક સ્ટેજ પર પૂર્ણ કરવા સમીર અને ઓફિસનાં અન્ય ચાર કર્મચારીઓ ભારત આવ્યાં હતાં. કંપની દ્વારા જયપુરથી અમુક લોકોને માધવપુર મોકલવામાં આવ્યાં છે, એ લોકો સાંજ સુધીમાં માધવપુર પહોંચી જશે. હકીકતમાં ત્યાં શું બન્યું છે એ જોયાં બાદ એ લોકો કંપનીને રિપોર્ટ કરશે."

જેવી જ પોતાને સમીર કે અન્ય લોકો વિશે કંઈક નક્કર માહિતી મળશે એટલે તુરંત આધ્યાને કોલ કરશે એમ જણાવી રાઘવે આધ્યા સાથે સંપર્ક વિચ્છેદ કરી દીધો.

આધ્યાને ચિંતિત જોઈ રેહાનાએ એની ચિંતાનું કારણ પૂછ્યું તો આધ્યાએ પૂજારી દ્વારા કહેવામાં આવેલી વાત સિવાય બાકીનું બધું જણાવી દીધું.

"મતલબ કે સમીર કે એની ટીમનાં કોઈપણ વ્યક્તિ જોડે કોઈ જાતનો સંપર્ક સ્થાપિત જ નથી થઈ શક્યો.!" આધ્યાની વાત સાંભળી રેહાનાએ કહ્યું. "સમીર જે કંપનીમાં કામ કરે છે એ એક મલ્ટીનેશનલ કન્સ્ટ્રકશન ફર્મ છે; એ લોકો નક્કી સમીર જોડે કોન્ટેક્ટ કરવામાં સફળ રહેશે.

રેહાનાની વાતથી પોતાને નિરાંત થઈ હોય એવાં ભાવ તો આધ્યાએ દર્શાવ્યા પણ હકીકત એ હતી કે એનાં મનમાં ઉચાટ હજુ એમનાં એમ જ હતો. જે સમીર જોડે પોતે ડાયવોર્સ લેવાની હતી એની અચાનક આટલી બધી ચિંતા પોતાને કેમ થઈ રહી હતી એ વાત આધ્યાની સમજ બહારની હતી.

સાંજે પાંચ વાગે રાઘવનો કોલ આવ્યો; આધ્યાએ તુરંત કોલ રિસીવ કર્યો અને આતુરતા સાથે પૂછ્યું.

"સમીર સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો કે નહીં?"

"ભાભી, હજુ સુધી સમીર કે એમની ટીમ જોડે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. અમારી કંપની તરફથી જયપુર ખાતે આવેલી અમારી એક પાર્ટનરશીપ ફર્મનાં પાંચ લોકોને આખરે શું બન્યું છે એની તપાસ માધવપુર મોકલવામાં આવ્યાં."

"તો ત્યાં જઈને એ લોકોને શું જાણવા મળ્યું?" રાઘવની વાત વચ્ચેથી કાપીને આધ્યા બોલી.

"ભારે નિરાશા સાથે કહેવું પડે છે કે એ લોકોને ત્યાં સમીર કે સમીરની ટીમનો કોઈ વ્યક્તિ નથી મળ્યો. એ લોકોએ ત્યાં બનાવેલ ટેન્ટ અને ખોદકામ માટેનાં ઉપકરણો એમનાં એમ પડ્યાં છે પણ ત્યાં કોઈ વ્યક્તિ મોજુદ નથી. સમીર અને એની ટીમની સાથે દસેક સ્થાનિક મજૂરો પણ ત્યાં હાજર હતાં; એમનો પણ કોઈ પત્તો નથી લાગ્યો." રાઘવે પોતાની વાત પૂરી કરી.

"પણ આવું કઈ રીતે બની શકે? એકસાથે પંદર લોકો આમ અચાનક ગાયબ થઈ જાય એ ભારે ચોંકાવનારી વસ્તુ છે. મને લાગે છે ત્યાં ના બનવાનું કંઈક બન્યું છે.!" આધ્યાનાં અવાજમાં હવે સમીરની જીંદગીની ચિંતા અને એને ખોવાનો ડર ભળી ચૂક્યાં હતાં.

"તમે ચિંતા ના કરશો, હું આવતીકાલે સાંજની ફ્લાઈટમાં ત્યાં શું બન્યું છે? અને સમીર તથા ટીમનાં બાકીનાં કર્મચારીઓ ક્યાં છે? એની તપાસ કરવા માધવપુર જવાનો છું. મને વિશ્વાસ છે કે બધાં સહીસલામત જ હશે." રાઘવે કહ્યું.

"હું પણ આવીશ તમારી જોડે..! મને સમીરની બહુ ચિંતા થઈ રહી છે." આધ્યાએ કહ્યું.

"સારું, હું જે ફ્લાઈટમાં જવાનો હોઈશ એનો ફ્લાઈટ નંબર અને ટાઈમિંગ તમને મોકલાવી દઈશ. તમારી ટીકીટ તમારે સ્વખર્ચે બુક કરાવવી પડશે કેમકે કંપની આમ નહીં કરે." દિલગીર થઈને રાઘવે કહ્યું.

"વાંધો નહીં, હું મેનેજ કરી લઈશ.!" આટલું કહીને આધ્યાએ રાઘવ સાથે સંપર્ક વિચ્છેદ કરી દીધો.

રાઘવ સાથે આધ્યા દ્વારા ફોન ઉપર જે વાર્તાલાપ થઈ રહ્યો હતો એની રેહાના મૂક સાક્ષી હતી. સમીરની જીંદગી જોખમમાં હોવાનું અનુમાન રેહાનાને આધ્યાની રાઘવ જોડે થયેલી પરથી આવી ગયું હતું.

"આધ્યા, ચિંતા ના કર. સમીરને કંઈ નહીં થયું હોય.!" આધ્યાનાં ખભે હાથ મૂકી રેહાનાએ કહ્યું.

"ભગવાન કરે સમીર જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય." આધ્યાએ કહ્યું. "પણ હું આ રીતે અહીં હાથ ઉપર હાથ ધરી એનાં સલામત હોવાની પ્રાર્થના કરીને નથી બેસવા માંગતી. કાલે સમીરની ઓફિસમાં કામ કરતો એનો રાઘવ નામનો સમીરનો મિત્ર અને કલીગ સમીર અને એની ટીમ જોડે શું બન્યું એની તપાસ કરવા ઇન્ડિયા જવાનો છે, તો હું પણ એની સાથે ઇન્ડિયા જવાની છું."

"જો તે નક્કી કરી લીધું જ છે કે તું સમીરને શોધવા હિન્દુસ્તાન જવાની છો, તો હું અને યુસુફ પણ તારી જોડે આવીશું." રેહાનાનાં અવાજમાં આધ્યા માટે હમદર્દી સાફ મહેસુસ થઈ રહી હતી. "હું હમણાં યુસુફને કોલ કરી આ વિશે જણાવું છું, એ નક્કી મારી વાત માની જ જશે; સમીર એનો પણ ખાસ મિત્ર છે."

રેહાનાનાં આ સાથ અને સહકારનાં લીધે આધ્યાની ખોવાયેલું સ્મિત થોડાં ઘણા અંશે પાછું આવી ગયું હતું.

થોડીવારમાં આધ્યાનાં મોબાઈલ પર રાઘવનો ફ્લાઈટનો ટાઈમ અને ફ્લાઈટ નંબર જણાવતો મેસેજ આવ્યો. આવતીકાલે સાંજે 4:30 વાગે ઉપડનારી દુબઈથી મુંબઈ થઈને જયપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં રાઘવ જવાનો હતો. આ અંગેની માહિતી આધ્યાએ રેહાનાને આપી દીધી. રેહાનાએ યુસુફને કોલ કરી સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું તો યુસુફે પણ સમીરને શોધવા માટે જતી આધ્યાની જોડે જયપુર જવા હામી ભરી દીધી.

યુસુફ અને રેહાના પણ સમીરને શોધવા પોતાની સાથે આવી રહ્યાં હતાં એ જાણી આધ્યાને માનસિક બળ પ્રાપ્ત થયું હતું. પોતાની ફ્લાઈટનો મુંબઈ ખાતે હોલ્ડ હતો એ મનમાં આવતાં જ આધ્યાએ જાનકીને કોલ કરી બધી ઘટનાથી એને વાકેફ કરવાનું મન બનાવી લીધું. સમીરને શોધવા પોતે જ્યારે માધવપુર જઈ રહી હતી ત્યારે જાનકી પણ શક્ય હોય તો પોતાની જોડે આવે એવી આધ્યાની ઈચ્છા હતી.

★★★★★★

ઓક્ટોબર 2019,મુંબઈ

આફતાબની મોતને સાત દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હતો. પોતાનાં દોસ્તનાં દુઃખદ નિધનથી હતાશ થઈને આદિત્ય ક્યાંક ચાલ્યો ગયો હતો; એ વાતને પણ હવે છ દિવસ જેટલો સમય વીતી ગયો હતો. આ દિવસમાં જાનકીએ આદિત્યને કોલ કે મેસેજ કરીને એ જાણવાની કોશિશ નહોતી કરી કે એ અત્યારે ક્યાં ગયો છે? કેમકે, આમ કરવાની આદિત્યએ એને સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી.

પોતે જો આદિત્યનો સંપર્ક સાધવાની કોશિશ કરશે તો આદિત્ય નક્કી એની ઉપર ભડકશે એ જાણતી હોવાથી જાનકીએ હજુ થોડાં દિવસ આદિત્યના કોલ કે મેસેજની રાહ જોવાનું મન બનાવી લીધું.

જાનકીએ આદિત્યના મિત્ર વેંકટને પણ પૂછી જોયું કે આદિત્ય ક્યાં ગયો છે? તો વેંકટને પણ એટલી જ ખબર હતી જેટલી જાનકીને.! આદિત્યએ એને પણ સ્પષ્ટ કહ્યું હતું કે એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરવો નહીં. આથી એ પણ આદિત્ય સામેથી કોલ કરે એની રાહ જોઈ રહ્યો હતો. આદિત્ય પહેલાં પણ ઘણી વખત આમ જ આઠ-દસ દિવસ માટે ક્યાંક ગાયબ થઈ જતો હતો; આ જાણતો હોવાથી વેંકટને વધુ ચિંતા નહોતી કે આદિત્ય ક્યાં હશે અને શું કરતો હશે.?

જાનકી પોતાનાં રૂમમાં બેસીને આદિત્ય વિશે વિચારી રહી હતી ત્યાં એનાં મોબાઈલની રિંગ વાગી. કોલ કરનાર પોતાની દીદી આધ્યા હતી એ જોઈ જાનકીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વિનાં કોલ રિસીવ કર્યો.

જાનકીને હતું કે પોતાની દીદી જોડે થોડો સમય વાત કરીને મન હળવું થઈ જશે પણ જ્યારે એને આધ્યા જોડેથી સમીરના એની ટીમ સમેત અચાનક ગાયબ થઈ જવાની વાત સાંભળી ત્યારે એનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.

પોતે આવતીકાલે દુબઈથી મુંબઈ થઈને જયપુર જતી ફ્લાઈટમાં આવી રહી છે એવું આધ્યાએ જાનકીને જણાવ્યું તો જાનકી પણ મુંબઈથી એની જોડે આવવા તૈયાર થઈ ગઈ. આધ્યા પણ આવું જ ઈચ્છતી હોવાથી એને જાનકીને પોતાની સાથે આવવાની સહમતી આપી દીધી અને પોતે જે ફ્લાઈટમાં આવી રહી હતી એની બધી ડિટેઈલ વ્હોટ્સઅપ કરી દીધી.

સમીર એની ટીમ સાથે આખરે ક્યાં ગાયબ થઈ ગયો હતો? એ પ્રશ્નનો જવાબ આખરે પોતાની સાથે કેટલાં નવાં રહસ્યો લઈને આવવાનો હતો એ તો બસ ભવિષ્યની ગર્તામાં સમાયેલું હતું.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)