રંગ દોસ્તીનો Zala Aartiba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગ દોસ્તીનો

"નિશા" એક એવી છોકરી જેની સામે ચાંદની ની ચમક પણ ફિક્કી લાગે, અતિ લાગણીશીલ અને હેતાળુ એવો એનો સ્વભાવ દરેકને તેની તરફ એવી રીતે આકર્ષિત કરતો કે જેમ એક ચુંબક લોખંડને પોતાની તરફ આકર્ષે, મુસ્કાન પણ નિશાના આવા વાત્સલ્યમય સ્વભાવ થી અછૂતી ના રહી શકી અને બંનેની દોસ્તીનો એવો રંગ જામ્યો કે માનો કોઈ એડ્રેસ વગરની ટપાલને પોતાનુ સરનામું ના મળ્યું હોય!
બંનેની પ્રથમ મુલાકાત થઈ ત્યારે શું ખબર હતી કે આ દોસ્તી એવો રંગ લેશે કે સુકાઈને ખરી પડેલા પાનખરનાં પર્ણ સમાન બંનેના જીવનમાં એકમેક ના મિલન થી વસંતનું આગમન થશે અને જીવન કાંઈક અલગ જ દિશામાં અને અલગ જ સપનાઓ તરફ દોડશે,
મુસ્કાન સાથેની મુલાકાત પહેલા નિશાનુ જીવન કાંઈક અલગ જ હતું, નિશા પોતાના બાળપણને હંમેશા ધિક્કારતી અને કહેતી કે આ જીવન જ ખરાબ છે, તેની આ પ્રકારની વિચારસરણી પાછળ કયાંક ને કયાંક તમે, હું અને આપણો આ પિતૃસતાત્મક સમાજ છે,
નિશાના પરિવારમાં એક મોટો ભાઈ, મમ્મી, પપ્પા અને દાદી છે, તેના જન્મ પહેલાં જ તેના દાદી અને પપ્પાએ કહી દીધેલું કે જો દિકરી જન્મે તો તેને લઈને આ ગૃહમાં પ્રવેશ કરવો નહીં, અને સંજોગો અનુસાર બન્યુ પણ એવુ નિશાનુ એક દિકરીના સ્વરૂપમાં જ આ ધરતી પર આગમન થયું પરંતુ નાસમજ અને દુનિયાના દંભ તેમજ કુરીતિ થી અજાણ એવી એ નિશા ને શું ખબર હતી કે આ દુનિયામાં તેને બાળપણથી જ સંઘર્ષ કરવાનો છે અને એ પણ પોતાના લોકો સાથે,
બાળપણમાં દરેક બાળકને પોતાના માતા-પિતાની હૂંફ મળતી હોય છે અને બાળક તેના માતા પિતાનો હાથ પકડીને દુનિયાની સફર ખેડવા આગળ વધતુ હોય છે પરંતુ નિશાનુ બાળપણ કાંઈક અલગ જ હતું તેની આંગળી પકડીને તેની સાથે ચાલવા તેના પપ્પાની ઓથ ન હતી અને જે વાત્સલ્ય તેમજ પ્રેમની ઝંખના દરેક બાળકને હોય છે એ ઝંખના તો નિશાના જીવનમાં ઉડતા સમાન કયારની ઉડી ગઈ હતી, આવુ બાળપણ જેનુ વિત્યુ હોય એ વ્યક્તિનુ જીવન નિ:રસ બનવું સ્વાભાવિક છે,
પરંતુ કહેવાય છે ને કે સમય બદલાતા વાર નથી લાગતી અને દરેક પરિસ્થિતિ એકસમાન નથી હોતી, જેમ પાણીનું ટીપું વૃક્ષના મૂળ સુધી પહોંચીને વૃક્ષના ઉછેરમાં સહાય કરે છે તેમજ નિશાના જીવનમાં મુસ્કાનનુ આગમન થાય છે,
મુસ્કાન એક મોજીલી અને જિંદાદિલ છોકરી, એને ભૂતકાળ નો કોઈ અફસોસ નહતો કે પછી નહતી ભવિષ્યની કોઈ ચિંતા, તે તો બસ ખુશમિજાજી, હંમેશા પોતાની ધૂનમાં મસ્ત રહેનાર અને લોકોને હસાવી ને હસાવનાર, રફ અને ટફ છોરી હતી,
ઘીમે ઘીમે બંને દોસ્તો એક બીજાને મળતા થયા અને એક બીજા સાથે વાતચીત કરતાં થયાં તેમ દોસ્તીનો રંગ ગહેરો થતો ગયો અને એ પછી તો થોલ સુધીની લોંગ ડ્રાઈવ અને ગુરૂદ્રારા ની લંગોરો સાથે જમાવા લાગી,
મુસ્કાન માં નિશાને કોઈક પોતાનુ દેખાતુ અને ધીમે ધીમે નિશા પણ નકારાત્મક વિચારો છોડીને એક જીવનને માણનાર વ્યક્તિ બની, મુસ્કાનના સાથએ તેનો અધૂરપો પુરો કર્યો અને બાળપણ થી જ કોઈને આંગળી પકડીને ચાલવાની જિજીવિષા રાખનાર નિશાને, મુસ્કાનનો હાથ જ નહી પરંતુ દિલ ખોલીને રડવા માટે એક ખભ્ભો, મોટે મોટે થી હસવા એક સથવારો અને તેને સમજનાર એક સાચી દોસ્ત મળી,
મુસ્કાનને પણ નિશા એની આસપાસ રહે, તેની સાથે હસે અને વાતો કરે તો એવુ લાગતુ કે જાણે અહીં જ સમય અટકી જાય, મુસ્કાન એક મોજીલી છોકરી હોવાની સાથે સાથે એક "એથ્લેટ" પણ હતી, તેના મનમાં પણ જેમ દરેક ને કાંઇક કરી બતાવવાની જિજીવિષા હોય તેવી જ ઉત્સુકતા હતી અને તે દિન - રાત મહેનત પણ કરતી હતી પરંતુ જો જીવનમાં બધુ જ આપણી ઈચ્છાઓ અનુસાર થવા લાગે અને કોઈ પણ પ્રકારના ઉતાર- ચઢાવ વગર જીવનરૂપી રેખા સીધી લાઈન સમી ચાલે તો પછી જીવનનુ મહત્વ જ શું? મુસ્કાનની તબિયત લથડી અને તેને લાંબા સમયનો "બેડ રેસ્ટ" આવ્યો,
સુખના સમયમાં અને મજા મસ્તીમાં તો દરેક સાથ આપે છે પરંતુ જયારે ખરા અર્થમાં જરૂર હોય અને ઢાલ સમાન કોઈ મળી જાયને ત્યારે જ ખરા અર્થમાં દોસ્તી પરિભાષિત થાય છે, નિશાના ચહેરા ની મુસ્કાન તો આ મુસ્કાને પાછી લાવી દઈને પોતાની દોસ્તીની મિસાલ ઉભી કરી હતી પરંતુ હવે કસોટી નિશાની હતી અને નિશા પણ પોતાની દોસ્તી પર સ્વાર્થનો કલંક લગાવવા નહતી માંગતી,
પોતાના પરિવારની સાથે ઝઘડીને પણ નિશા, મુસ્કાન કે જેને જીવનમાં અનેરી ખુશી અને જીવવાનો કોઈ હેતુ સમજાવ્યો હતો તેને મળવા આવતી, તે મુસ્કાનની પાસે બેસીને કલાકો સુધી બંને એ સાથે વિતાવેલ સમયની વાતો કરતી અને કહેતી કે એ મુસ્કાન! ચાલ હવે બહુ થયાં તારા નખરા, ઉભી થા અને લઈ જા મને થોલની લોંગ ડ્રાઈવ પર અને મુસ્કાન પણ સામે હસતી અને કહેતી ચલ મેરે સાથી! આમ જ વાત - વાત માં સમય વહેતો ગયો અને એક દિવસ એ આવ્યો જ જેની બધાને ઉત્સુકતા હતી, મુસ્કાન એકદમ તંદુરસ્ત થઈ ગઈ, હવે તો નિશા- મુસ્કાનની દુનિયાની રખડપટ્ટી અને મસ્તીમાં ચાર ચાંદ લાગ્યા હતો, બંને વર્તમાનને દિલ થી માણતા હતાં,
મુસ્કાન શારિરીક રીતે તો સ્વસ્થ થઈ ગઈ હતી પરંતુ લાંબા સમય સુધી કોઈ પ્રેકટીસ ન થતાં તેમજ બિમારીના કારણે તે પોતાની રમતમાં સારો દેખાવ નહતી કરી શકતી જેના કારણે તે માનસીક રીતે અસ્વસ્થ રહેવા લાગી, નિશાને મળતી ત્યારે નિશા પણ તેનો કરમાયેલા ફુલ જેવો ચહેરો જોઈને ઓળખી જતી કે કાંઈક તો થયું છે અને ગમે તેમ કરીને નિશા એ કારણ પણ જાણી લીધુ, હવે બન્યું એવુ કે મુસ્કાનની એથ્લેટિક્સની સ્પર્ધા નજીક આવતી હતી અને એ સ્પર્ધા જીતવા મુસ્કાને ઘણાં સપનાઓ સેવ્યા હતાં તેમજ મહેનત પણ કરી હતી પરંતુ વચ્ચે બનેલા બનાવે બધુ જ ચકનાચુર કરી નાખ્યું હતું, મુસ્કાને તો હાર માની લીધી હતી અને કોઈ જ આશા નહોતી રાખી પરંતુ મુસ્કાનને કયાં ખબર હતી કે તેના સપના ફકત તેના એક ના જ નથી, નિશાએ મુસ્કાનને જાણ કર્યા વગર એ સ્પર્ધાનુ ફોર્મ ભર્યું અને દરરોજ કોઈ ને કોઈ બહાને તેને પ્રેકટીસમાં લઇ જતી અને ચેલેન્જો આપી તેને મજબૂત બનાવતી હતી,
સ્પર્ધાના આગલા દિવસે નિશાએ મુસ્કાનના હાથ માં સ્પર્ધાનુ ફોર્મ મુકયુ અને કહ્યું જીવન થી હું હારી ગઈ હતી અને તે મને પોતાની બનાવી પાછી જીવનની જંગમાં લડતા શીખવ્યું છે, તારા કારણે જ તો એક આશાની કિરણ ઉદ્ભવી છે હવે તારો સમય છે અને તારી તો આ એક નાની એવી સ્પર્ધા જીતવાની છે, "ચલ મેરે શેર હો જા રેડી" આટલુ કહ્યાં પછી પણ મુસ્કાનના ચહેરા પર કોઈ જ ઉત્સાહ ન હતો પરંતુ દોસ્તી નો એક આગવો જ અંદાજ હોય છે જયારે પોતાના પર કોઈ વાત હોય તો થઈ જશે અને કરી લેશુ એવું જ થતુ હોય છે પરંતુ જયારે દોસ્ત કહે "યાર, તું મારા માટે આટલુ પણ નહીં કરી શકે" ત્યારે જો દોસ્તની ઉત્કંઠા નો વધે તો પછી સમજવુ કે દોસ્તીના રંગ માં હજુ ગહેરાઇ નથી, નિશા એ પણ "તું મારા માટે આટલુ પણ નહીં કરે" એવુ દોસ્તીનુ બાણ ચલાવ્યું અને પરિણામ એ આવ્યું કે મુસ્કાનની મુખરેખાઓ જોશ અને જૂનુન થી પ્રજ્વલિત થઈ ઊઠી અને બીજા દિવસે સ્પર્ધામાં એ દોસ્તી નો રંગ "ગોલ્ડ મેડલ" ના સ્વરૂપે જોવા મળ્યો...
આમ નિશા - મુસ્કાન જેવા અનેક દોસ્તો આપણી આસપાસ તથા આપણી પાસે જ હોય છે પરંતુ દરેક નિશા નથી બની શકતા કે પછી દરેક મુસ્કાન નથી બની શકતાં,
"મેં તો જીવનમાં નક્કી કર્યું છે કોઈ મારા સાચા દોસ્ત બને કે નહીં, હું તો હંમેશા દરેકના ચહેરા પર મુસ્કાન લાવવા તત્પર રહીશ"
~ આરતીબા ઝાલા