Hrudaysparshi anubhav books and stories free download online pdf in Gujarati

હૃદયસ્પર્શી અનુભવ

લોકડાઉન સમયમાં, પાંજરાપોળ ના ફુટપાથ પર બનેલો મારી સાથેનો એક બનાવ યાદ આવ્યો,
એ પ્રસંગના શબ્દો અને ભાવનાને વ્યકત કરુ છું :
શિયાળાની કડકડતી ઠંડીમાં, મસ્ત પવનની ઠંડી લહેરો અમદાવાદના કિલ્લોલથી ધમધમતા રસ્તાને પોતાના સુસવાટાથી વધારે જ ધમધમાવતી હતી, ચોતરફ ઠંડીના સુસવાટા બોલતા હતાં, ત્યારે હું પણ મારા દોસ્તો સાથે એ આહ્લાદક લહેરોની સાથે ચા ની ચૂસકી લગાવવા અને ઠંડીને માણવા નિકળી હતી,
સાહેબ આપણે તો મસ્ત લેધરનું જેકેટ, હાથમાં મોજા, પગમાં બુટ અને માથા પર સ્કાફ બાંધીને પ્રકૃતિને માણવા નિકળ્યા હતાં, ત્યાં અચાનક એક નાનુ બાળક જેને જોઈને આપણને લાગે છેલ્લા બે -ત્રણ દિવસથી એને અન્ન નહીં મળ્યુ હોય, શરીરને ઢાંકવા યોગ્ય વસ્ત્રો પણ ન હતાં, આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં તેની મુખરેખાઓ તો કાંઈક અલગ જ સ્મિતથી રેલાતી હતી,
તે બાળક એ મારી પાસે આવીને કહ્યું, દીદી થોડા પૈસા આપને બહુ ભુખ લાગી છે એટલે મેં તરત પૈસા આપવાના બદલે ચા વાળા કાકા ને કહ્યું કાકા આ બાળકને ચા અને મસ્કાબન આપો, તરત બાળક એ મસ્કાબન અમારી સામે ખાવાના બદલે પોતાના હાથમાં લઈને ચાલતો થયો એટલે મને લાગ્યું નક્કી આ ભૂખનો ઢોંગ કરતો હતો અને પૈસા લૂંટવાના કાવતરા રચતો હતો તેથી મેં મારી આ વિચારસરણી કેટલા અંશે સાચી છે એ નકકી કરવા એનો પીછો કર્યો...
એ ઠંડીમાં યોગ્ય રીતે શરીરને ગરમ વસ્ત્રોથી ઢાંકેલુ હોવા છતાં મારા પગ થરથર કાંપતા હતા અને હથેળીઓ ઠરીને થીજી ગઈ હતી, એક એક ડગલું માંડ માંડ ઉપડતુ હતુ ત્યારે એ બાળક તો જાણે આજે એને જંગ જીતી લીધો હોય એમ હાથમાં મસ્કાબનને લઈ એવી ચાલે ચાલતો હતો કે આજ એ વિજયી બન્યો છે અને એના હ્દયની ખુશી, ઉત્સાહ અને લાગણીઓ સામે ઠંડી લહેરો પણ એની સમક્ષ નમેલી હતી,
ચાર -પાંચ મિનિટ પછી અચાનક એ બાળકના નાજુક પગલા અટક્યા અને મેં થોડી આજુબાજુ નજર ફેરવીતો એ વિસ્તારમાં એના જેવા અનેક બાળકો નિર્વસ્ત્ર અને ઠંડીમાં ઠુઠવાતા હતા, હવે હું એ જોવા ઉત્સુક હતી કે મસ્કાબન વાળુ બાળક શું કરશે?
અનેક વિચારો ચાલતા હતા,
શું એ મસ્કાબન બીજા બાળકોને બતાવવા અહીં લાવ્યો છે?
શું તે લોકો એ મસ્કાબન ખાવા અંદરો અંદર ઝઘડશે?
અનેક મારા મનોમંથન પછી મારી દ્રષ્ટિએ જે નિહાળ્યું એ કાંઈક અદ્ભૂત અને હૃદયસ્પર્શી હતું, એ બાળક એ નાના એવા મસ્કાબનના અનેક ટુકડા કરી પોતાના દોસ્તો સાથે બાંટી ને પોતાની ભૂખને સંતુષ્ટિ...
ખરેખર એ જોઈ મેં અચરજ અને કૌતુકતા અનુભવી, આજે જયારે દુનિયા પ્રતિસ્પર્ધાના આ યુગમાં "મારુ - મારુ" કરે છે, પાસે ઘણુ બધુ છે છતાં બાંટતા જીવ ચાલતો નથી ત્યારે આ નાનુ એવુ બાળક કે જેની પાસે અંગ ઢાંકવા પુરતા વસ્ત્રો પણ નથી અને પોતે પણ ૨-૩ દિવસથી ભૂખ્યો છે છતાં તેને પોતાના પહેલા પોતાના "ચડ્ડી - બનિયન" દોસ્તોની યાદ આવે છે અને એક નાના ટુકડામાં જ પોતાની આંતરડીને સંતુષ્ટે છે ત્યારે ખરેખર મારી આંખો ભિંજાણી અને એક વસ્તુ સમજાઈ કે અન્નના ઓડકાર કરતા સંતુષ્ટિ અને પોતાનાપણા ના ઓડકાર મીઠા હોય છે...
પછી એની સાથે થોડી વાતચીત કર્યા પછી એ પણ જાણવા મળ્યું કે એ બાળક મારી પાસે જમવાનું વધારે માંગી શકે એમ ન હતો તેથી પૈસાની ઈચ્છા રાખતો હતો જેથી તે વધારે ખાવાનુ લઈ પોતાના દોસ્તોને પણ ખવડાવી શકે...
ત્યારે સમજાયું કે શંકાની દ્રષ્ટિએ જોવાતા દ્રશ્યો કયારેક આપણી વિચારસરણી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવતા હોય છે...
જય હિંદ🇮🇳
~ આરતીબા ઝાલા

બીજા રસપ્રદ વિકલ્પો