અજનબી હમસફર - ૧૬ Dipika Kakadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજનબી હમસફર - ૧૬

હમીરગઢથી આવ્યા પછી રૂપલે તેના ભાઈને ઘણી વખત ચિઠ્ઠી લખી પરંતુ તેનો કોઈ જવાબ ના આવ્યો . એ રાતની ગોઝારી ઘટના બાદ અમારા પગમાં એટલી હિંમત ન હતી કે અમે પાછા ત્યાં કદમ મુકીએ.અમારા નવા જીવનની શરૂઆત મારા મા બાપના મૃત્યુથી થઈ તે ડંખ મને હંમેશા રહ્યો . થોડા વર્ષોના સંઘર્ષ પછી અમારી જિંદગીની ગાડી પાટે ચડી ગઈ અને તેમાં તું અને આશિષ ઉમેરાયા .

તેના પપ્પાની વાત સાંભળી દિયાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કમલેશભાઈ અને રેશમા બહેનની આંખોમાં પણ આંસું હતા .

"દિયા બેટા ..તને અમે નાનપણથી જ સ્વતંત્રતા આપી છે અને તે અમારા વિશ્વાસનો ક્યારેય ફાયદો નથી ઉઠાવ્યો કે ક્યારેય તોડ્યો નથી. અમને તારા પર વિશ્વાસ છે અને તું પણ અમારા પર વિશ્વાસ રાખજે કે અમે હંમેશા તારી સાથે છીએ. તારી જિંદગીમાં કોઈપણ નીર્ણય હશે તેમાં અમારો સાથ હશે .અમે ફક્ત એટલું જ ઈચ્છીએ કે અમારી જિંદગીમાં જે થયું તેવુ કંઈપણ તારી જિંદગીમાં ના બને . કમલેશભાઈએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

આ સાંભળી દિયા રેશમાબહેનના ખોળામાં માથું મૂકીને રડવા લાગી અને કહ્યું , "તમે સાથે છો તો એવું ક્યારેય નહીં થાય . "

કમલેશ ભાઈ અને રેશ્માબહેને એક બીજા સામે જોયું . વર્ષોથી તેના મનમાં જે બોજ હતો તે આજે ઉતરી ગયો .

તે રાતે દિયા સુઈ ના શકી તેને વારંવાર તેના પપ્પાની કહેલી વાતો યાદ આવતી." શું પ્રેમ આટલું બધું બલિદાન માંગે છે? પોતે પણ રાકેશને પ્રેમ કરવા લાગી હતી અને તે પણ અલગ અલગ જ્ઞાતિનો હતો . તેના મમ્મી-પપ્પાએ આડકતરી રીતે આ સંબંધને મંજૂરી આપી દીધી હતી પણ રાકેશના પરિવારનુ શું ? હું પણ શું વિચારવા લાગી છું. રાકેશના મનમાં મારા માટે કઈ છે કે નહીં એ પણ નથી જાણતી અને કેટલું બધું વિચારવા લાગી."આવા વિચારો કરતા કરતા દિયાને ઊંઘ આવી ગઈ.

બીજે દિવસે સવારે દિયા આમોદમાં ઓફિસે પહોંચી. કોમલે જોયુ‌ તો દિયાના ચહેરા પર ઉદાસી હતી. તેણે પૂછ્યું પણ ખરું પરંતુ દિયાએ થાકનું બહાનું કાઢીને વાત જવા દીધી.

સાંજે ઓફિસેથી દિયા ઘરે આવી અને પોતાના રૂમમાં ગઈ. તેનું મન ખૂબ જ બેચેન હતું . તે થોડીવાર એકલી રહેવા માગતી હતી એટલે તે તળાવે ગઈ અને બેઠી .સવારમાં પડેલા વરસાદના લીધે વાતાવરણ ઠંડુ હતું . તેની નજર તળાવના પાણીમાં સ્થીર હતી પણ મનમાં એક અજીબ ઉથલપાથલ ચાલતી હતી . કેટલી વાર સુધી તે ત્યાં બેઠી રહી . અચાનક કોઈનો હાથ તેના ખભા પર મૂકાયો અને તે પોતાના વિચારો માંથી બહાર આવી .

"શું થયું છે દિયા ? તુ ઠીક છે ? "રાકેશે પુછ્યુ.

"હા એકદમ ઠીક છું"

"તો કોઈ ને કહ્યા વગર, ફોન ઘરે મૂકી ને અહી આટલી ઉદાસ કેમ બેઠી છે . ?"

"તને ખબર તો છે કે મને આ જગ્યા ખુબ જ ગમે છે તો આજે મન થયું તો બેસવા આવી"

"પણ તું ક્યારેય એકલા અહીંયા બેસવા નથી આવી તો આજે કેમ ?"

"ક્યારેય નથી આવી તેનો મતલબ એ તો નથી જ ને કે ક્યારેય ના આવું ?"

"તુ વાત નહીં બદલ ... તને કઈ થયું તો નથી ને ?" રાકેશે ચીંતીત સ્વરે પુછ્યુ.

"કીધું ને કે કઈ નથી થયું" દિયાએ ગુસ્સામાં કહ્યું અને ઘરે જતી રહી .

ઘરે આવતા જ શારદા બાએ પુછ્યુ , " ક્યાં જતી રહેલી બેટા? ફોન પણ ઘરે મૂકીને જતી રહી. સમીરને તારી ઓફીસ મોકલ્યો . રાકેશને પણ ફોન કરીને પુછ્યુ કે તેની સાથે તો નથી ને . શું થયું દિકરા ?

દિયા એ બનાવટી મુસ્કાન સાથે કહ્યું," અરે બા હું તળાવ પાસે બેઠી હતી . સમીર પણ ઘરે ના હતો અને તમે પણ મંદિર ગયા હતા તો હું કોને કહીને જાત ? ફોન પણ ઘરે ભુલી ગઇ . દિયા એ કાન પકડી કહ્યું ," સોરી બા .. હવે થી ધ્યાન રાખીશ"

"ના આની સજા તો મળશે જ .. અમને હેરાન કરવાની સજા .. કાલે થેપલા બનાવવા પડશે " પાછળથી સમીરે ઘરમાં આવતા જ કહ્યું.

આ સાંભળી દિયાએ ભોળો ચહેરો બનાવી કહ્યું ," જો હુકમ મેરે આકા " અને હસવા લાગી.

સાંજે જમીને ફ્રી થઈ બધા હોલમાં બેઠા. ઘણો સમય જતો રહ્યો પણ આજે રાકેશ આવ્યો નહીં . દિયાને રાકેશ સાથે કરેલું વર્તન યાદ આવી ગયું .તેની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી પણ તે ના આવ્યો.‌તેણે ફોન ચેક કર્યો પણ રાકેશના કોઈ મેસેજ ન હતા.

આખરે દિયા ઉપર આવી અને ટેરેસ પર આંટા મારવા લાગી . તેણે કારણ વગર રાકેશ સાથે ગુસ્સો કર્યો હતો એટલે જ એ નહીં આવ્યો હોય . કાલે સવારે જ તેના ઘરે જઈને માફી માગી આવીશ એવું વિચારવા લાગી. ત્યાં જ સમીર આવ્યો .

"દિયા મારે તારી સાથે વાત કરવી છે"

"સમીર જો શક્ય હોય તો આપણે કાલે વાત કરીએ? મને ઉંઘ આવે છે."

"હા નો પ્રોબ્લેમ , ગુડ નાઈટ"

"ગુડ નાઈટ " કહી દિયાએ પોતાના રૂમનો દરવાજો બંધ કરીને સુઈ ગઈ.

બીજે દિવસે સવારે દિયાએ થેપલા બનાવ્યા . બધાએ થેપલાનો આનંદ માણ્યો.નાસ્તો પતાવીને સમીર કઈ કહે એ પહેલાં દિયા ઘરેથી નીકળી ગઈ.

દિયા સીધી રાકેશના ઘરે પહોંચી. દરવાજો ખૂલ્લો હતો . હોલમાં નજર કરી તો રાકેશ ત્યાં ન હતો . કદાચ સુતો હશે એવું વિચારી તેના બેડરૂમમાં ગઈ . રૂમમાં પ્રવેશતા જ તેણે જે જોયું તેનાથી તેના ચહેરા પર પર ગભરાહટની રેખા તણાઈ ગઈ.


(વાચકમિત્રો તમારા બધાના આ વાર્તા પ્રત્યેના પ્રેમ અને લગાવને કારણે જ લખવાનું પ્રોત્સાહન મળે છે. આવી જ રીતે લખવા માટે પ્રોત્સાહન પુરૂં પાડતા રહેશો તેવી આશા રાખું છું. વાર્તાને રેટ અને રિવ્યૂ જરૂરથી આપજો ...દિપુ )