રવિવારની રજા હોવાથી બપોર પછી રાકેશ પણ ત્યાં આવ્યો. રાકેશ, દિયા અને સમીર ત્રણેય કેરમ રમ્યા અને સાંજે ડિનર પણ સાથે કર્યુ.
બીજે દિવસે પોતાના રેગ્યુલર સમયે દિયા ઓફિસ ગઈ.
કોમલ પોતાના ટેબલ પર બેઠી બેઠી કંઈક કામ કરી રહી હતી તેને જોઈને દિયાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. દિયા કોમલની બાજુમાં બેઠી . તેનો ચહેરો જોઈને કોમલ સમજી ગઈ કે કંઈક સારું થયું છે અથવા તો તે કંઈક સારી વાત કહેવા માંગે છે
"બોલ શું થયું જલ્દી કે ?"કોમલે દિયા ને કહ્યું
"તને કેમ ખબર કે હું કંઈક કહેવા માગું છું?"
"તારો ચહેરો જોયો બધું સાફ સાફ કહી દે છે"
"હશે હવે... "કહી દિયાએ એનિવર્સરીપાર્ટીના અરેન્જમેન્ટ થી લઈને ડાન્સ સુધીની બધી જ વાત કરી .
આ સાંભળી કોમલે દિયાને કહ્યું ,"દિયા તને નથી લાગતું કે સમીર તને પસંદ કરે છે"
"ના બિલકુલ નહિ ,તે અમેરિકામાં મોટો થયો છે તેના માટે કોઈ છોકરી સાથે દોસ્તી કરવી અને તેની સાથેનું આવું વર્તન સામાન્ય છે. અને જો તે મારા માટે એવું કોઈ વિચારતો પણ હોય તો પણ હું ફક્ત એને મારો મિત્ર માનું છું ."
"રાકેશને પણ તુ ફક્ત પોતાનો મિત્ર માને છે ?"કોમલે પૂછ્યું.
"તારા સવાલનો જવાબ અત્યારે તો મારી પાસે નથી", દિયા મુસ્કુરાતા ચહેર કહ્યું અને તેની વાત ટાળી દીધી.
"તુ ભલે મને કંઈ ના કહે પણ હુ બધું જ સમજું છું . રાકેશનુ નામ સાંભળતા જ તારા ચહેરા પર આવતી મુસ્કાન, તેની વાત કરતી વખતે તારા ચહેરા પર દેખાતી ખુશી એ જ સાબિત કરે છે કે તુ રાકેશને પ્રેમ કરે છે" કોમલે દિયાને કહ્યું.
"હા..કદાચ હું તેને પસંદ કરવા લાગી છું .તે જે રીતે મારી કાળજી લે છે ,મારું ધ્યાન રાખે છે ,મારા કીધા વગર જ મારી તકલીફ સમજી જાય છે એ મને ખૂબ જ ગમે છે. હા મારા દિલમાં તેના માટે કુણી લાગણી છે પણ તેના મનમાં શું છે એ નથી ખબર .
"તો એને કહી દે ને" કોમલે કહ્યું
"ડર લાગે છે કે હું તેની દોસ્તી ના ખોઈ દેવ." દિયાએ ઉદાસ થતાં કહ્યું.
એવી જ વાતોમા સમય પસાર થતો રહ્યો અને ફરીથી શનિવાર આવ્યો . દિયા પોતાના ઘરે સુરત ગઈ. બે અઠવાડિયા પછી તે પોતાના ઘરે જઈ રહી હતી. તે આવી એટલે કમલેશભાઈ અને રેશમાંબહેનના ચહેરા પરની ખુશી સાફ દેખાઈ રહી હતી .
બીજે દિવસે રવિવારે દિયા લંચ કરી ફ્રી થઈને હોલમાં બેઠી. કમલેશ ભાઈ અને રેશ્માબહેન તેની સામેના સોફા પર બેઠા હતા. તેમના ચહેરા પરથી તે કઈક કહેવા માંગે છે એવું લાગતું હતું એટલે દિયાએ પૂછ્યું,
" શું થયું છે પપ્પા? કઈ તકલીફ છે?"
કમલેશભાઈએ દિયાને જવાબ આપતા કહ્યું ,"ના બેટા કઈ તકલીફ નથી પણ આજે હું અને તારી મમ્મી તને અમારા અતીતથી વાકેફ કરાવવા માગીએ છીએ ."
"કેવું અતિત પપ્પા? દિયાએ પૂછ્યું .
"તને ફક્ત એટલું જ ખબર છે કે અમારા પ્રેમ લગ્ન થયા હતા અને અમે રાજસ્થાનના એક નાનકડા ગામમાંથી ભાગીને અહીંયા સુરત આવી ગયા .તારા નાના નાની અને દાદા દાદી મૃત્યુ પામ્યા એવું અમે તને કિધેલુ એટલે આપણે ફરી ક્યારેય આપણા વતનમાં નથી ગયા. પણ તેની પાછળ ઘણું બધું રહસ્ય છુપાયેલું છે જે આજે અમે તને કહેવા માંગીએ છીએ." કમલેશભાઈએ પોતાની વાત દિયા સામે રજુ કરતા ઉમેર્યું .
હમીરગઢ...
ગુજરાત - રાજસ્થાનની બોર્ડર પર આવેલુ એક નાનકડું પણ સમૃદ્ધ ગામ છે. ત્યાં શાસ્ત્રી દાદા તરીકે ઓળખાતા પ્રખ્યાત બ્રાહ્મણ એટલે તારા દાદા અને જગતસિંહ નામે ઓળખાતા ખાનદાની રાજપુત એટલે તારા નાના. એ બંનેના એકમાત્ર સંતાનો એટલે હું અને તારા મમ્મી . તારા મમ્મી એક ક્ષત્રિયાણી છે અને હું બ્રાહ્મણનો દીકરો .
ઘરેથી બધાની ના હોવા છતાં રૂપલને જગતસિંહે આગળ ભણાવવા માટે મંજૂરી આપી . અને ના પણ કેમ પાડે ? રૂપલ તેના જીગરનો ટુકડો હતી. જગતસિંહનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર હતો પરંતુ રૂપલ સામે તે એક પ્રેમાળ પિતા હતા અને એટલે જ રૂપલની વાત માની તેને કોલેજ કરવા માટે શહેરમાં મોકલી. ત્યાં જ અમારી બન્નેની મુલાકાત થઇ .પછી તો રજાના દિવસોમાં પોતાના ગામ એક જ બસમાં જવાનું હોવાથી વધારે પરિચય થયો અને એ પરિચય પહેલા મિત્રતામાં અને પછી પ્રેમમાં પરિણમ્યો .અમારી મુલાકાતો અને વાતો થતી રહેતી પરંતુ ઊંડે ઊંડે એક ડર પણ હતો કે અમારા ઘરવાળા સંબંધને સ્વીકારશે કે નહીં અને આખરે એ જ થયું જેનો ડર હતો.
એકવાર રજાઓમાં અમે બંને ગામ ગયા .રૂપલ તેના ઘરે પહોંચી તો ઘરે ઘણા બધા મહેમાનો બેઠા હતા .તે સીધી પોતાના રૂમમાં જઈને પોતાના કપડા અને બધો સામાન ગોઠવવા લાગી. સાંજે જમતી વખતે જગતસિંહે ઘરના બધા સભ્યો સમક્ષ જાહેરાત કરી કે રૂપલનો સંબંધ મારા મિત્ર શક્તિસિંહના દીકરા કરણસિંહ સાથે નક્કી કર્યો છે . આ સાંભળી રૂપલના ગળામાં કોળિયો અટકી ગયો છતાં પણ તેણે હિંમત કરીને કહ્યું ,
"બાપુ તમે આ સંબંધ નક્કી કરતા પહેલા મને એકવાર પૂછવુ તો હતું . "
"એમાં પૂછવાનું ના હોય. શક્તિસિંહનો તેના ગામમાં મોટો મોભો છે . ઘરે સામે ચાલીને લક્ષ્મીજી આવ્યા એટલે મેં વધાવી લીધા આનાથી સારુ ઘર તને નહિ મળે"
"પણ બાપુ ..,હું આ સંબંધ નથી કરવા માંગતી"
"બસ..તુ શું બોલી રહી છે એ તને ભાન છે ?જગતસિંહે ગુસ્સામાં કહ્યું .
રૂપલ તેના પિતાનો ગુસ્સો જાણતી હતી એટલે ફક્ત એટલું જ કહ્યું ,"મારો મતલબ એમ છે કે ભણવાનું પુરું કરી લઉ પછી . "
"આપણી નાતમા કોઈ છોકરીઓએ નિશાળના દાદર પણ નથી ચડ્યા તો પણ મેં તને કોલેજ સુધી ભણાવી . હવે આનાથી વધારે મારી પાસેથી કોઈ આશા રાખતી નહિ. હું શક્તિસિંહને વચન આપી ચૂક્યો છું આવતી પૂનમે તારો ચાંદલો છે તૈયારી કરી રાખજે " જગતસિંહ ગુસ્સામાં બોલ્યા અંને બહાર નીકળી ગયા.
રૂપલે પોતાની સહેલી દ્વારા મને ચિઠ્ઠી મોકલી અને બધી પરિસ્થિતિની જાણ કરી . જગતસિંહનો સ્વભાવ અમે બંને જાણતા હતા. જો રૂપલ અમારા પ્રેમ વિશે તેને જણાવે તો એ મને મારી જ નાખે . આથી અમારી પાસે આખરી રસ્તો એક જ બચ્યો હતો કે અમે બંને ભાગીને લગ્ન કરી લઈએ . પરંતુ તેમાં પણ અમને કોઈની મદદની જરૂર હતી .
મેં રૂપલને બધી વાતો લખી ચિઠ્ઠી મોકલી .
રૂપલે મારી ચિઠ્ઠી નો જવાબ મોકલ્યો અને તેમાં જણાવ્યું હતું કે ,"ગામમાં મારો એક માનેલો ભાઈ રહે છે જેને આપણા સંબંધની જાણ છે તેણે મને મદદ કરવા માટે વચન આપ્યું છે એટલે આપણે તેની મદદ લઈ શકીએ . તું બધી તૈયારી કરી અગિયારસના દિવસે મંદિર પાછળ બપોરે ઊભો રે'જે .હું ત્યાં પૂજા કરવાના બહાને આવીશ અને પછી આપણે ભાઈના ઘરે જઈશું એ આપણી મદદ જરૂરથી કરશે અને આપણા લગ્ન કરાવશે .
અગિયારસના દિવસે યોજના પ્રમાણે હું રૂપલને મંદિરના પાછળના ભાગે મળ્યો અને ત્યાંથી છુપાતા અમે તેના ભાઈના ઘરે પહોંચ્યા . તે સુરજસિંહ હતા તેમને પોતાની સગી બહેન ના હતી અને રૂપલને ભાઈ ના હતો એટલે નાનપણથી જ તેઓ ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં બંધાયા હતા. સુરજસિંહ રૂપલના પ્રેમને સમજતા હતા અને તેમના બાપુ નો સ્વભાવ પણ જાણતા હતા. તેણે જ રૂપલને આ સૂચન કરીને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી . સુરજસિંહે ઘરમાં જ પંડિતને બોલાવી રાખ્યા હતા અને લગ્નની તૈયારીઓ કરી હતી .ઉપરના માળ પર એક મોટા રૂમમાંમાં ચાર દીવાલોની વચ્ચે અમારા બંનેના લગ્ન થયા. સુરજસિંહ અને તેની પત્નીએ રૂપલનુ કન્યાદાન કર્યું. કન્યાદાનમા સુરજસિહે પોતાના ગળામાંથી સોનાની ચેન કાઢીને આપી.
સાંજ થઈ એટલે જગતસિંહના ઘરમાં હાહાકાર મચી ગયો .તેણે પોતાના માણસોને રૂપલનો પત્તો લગાવવા મોકલ્યા .તેના એક માણસ આવીને ખબર આપી કે, "શાસ્ત્રીજી નો કેશવ પણ ગાયબ છે અને ગામની અમુક સ્ત્રીઓએ રૂપલને કેશવ સાથે જતા જોઈ હતી."
આ સાંભળી જગતસિંહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો,"એ ભગતડા નો છોકરો મારી રૂપલ ભગાડીને લઈ ગયો ?"
તેણે રૂપલને નાનપણથી જ લાડકોડમાં ઉછેરી હતી, તેની બધી જ ઇચ્છાઓ પૂરી કરી હતી. તેનો આ બદલો દિઘો ? ગુસ્સામાં જગતસિંહ શાસ્ત્રીજીના ઘરે ગયા તેનું ગળું પકડી કહ્યું ,"શાસ્ત્રી ક્યાં છે તારો છોકરો ?"પરંતુ આ બાબતમાં મારા પિતાજીને પણ કંઈ ખબર ન હતી એટલે તે કંઈ પણ બોલ્યા નહીં .
જગતસિંહ નિરાશ થઈને ઘરે આવ્યો અને પોતાના માણસોને બોલાવ્યા ,"શાસ્ત્રીનુ ઘર બાળી નાખો." જગતસિંહે હુકમ કર્યો," તેનો બાપ મરશે તો જરૂર આવશે એ"
અને તે જ રાતે તારા દાદા દાદી ને જગતસિંહે જીવતા સળગાવ્યા .ગામમાં રાતે હાહાકાર થઇ ગયો મને એ વાત મળી એટલે હું પોતાની જાતને રોકી ન શક્યો અને મારા ઘર જવા માટે નીકળ્યો પરંતુ સુરજસિંહે મને રોકીને સમજાવ્યો કે," જે થવાનું હતું તે થઈ ગયું છે. તમારા લગ્ન રૂપલ સાથે થઈ ગયા છે અને તમારા માતા પિતા મૃત્યુ પામ્યા છે. જો તમે જશો તો જગતસિંહ તમને બંનેને મારી નાખશે કા તો રૂપલના લગ્ન બીજે કરાવશે. અત્યારે ગામમાં બધાનુ ધ્યાન જગતસિંહ તરફ છે એટલે તમે આ ગામથી દૂર જતા રહો ."
સુરજસિંહે થોડાક પૈસા આપ્યા અને અમને બાજુના ગામના બસ સ્ટેન્ડ સુધી મુકવા આવ્યા . રડતી આંખે અમે ત્યાંથી વિદાય લીધી અને આ માયાનગરીમા આવી પહોંચ્યા . રૂપલ રેશમા બની ગઈ અને કેશવ કમલેશ બની ગયો.
ક્રમશઃ.....