DARIYAPAR books and stories free download online pdf in Gujarati

દરિયાપાર

વાર્તા- દરિયાપાર લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9601755643

દરિયાકિનારાની ઠંડી રેતી ઉપર ચાલતાં નિશીથ નું મન ખુશીથી તરબતર થઇ ગયું.સંધ્યા સમયનો સુવર્ણઉજાસ,ઉછળતાં દરિયાનાં મોજાનો અવાજ,દૂર દૂર દેખાતાં સ્ટીમરો,ઠંડો પવન,નાળિયેરી નાં ડોલતાં વૃક્ષો ,ચોપાટી ઉપર હકડેઠઠ ભીડ,બાળકોની દોડાદોડી,નાસ્તાપાણીની રમઝટ,પ્રેમીપંખીડાઓ નો કલરવ ખરેખર ધબકતું જીવન હતું.નિશીથને જયારે પણ ગામડેથી મુંબઇ આવવાનું થાય ત્યારે ચોપાટી ઉપર આવવાનું ચૂકતો નહીં.ખભે થેલો ભરાવીને બે કલાકથી તે આમથી તેમ ઘૂમી રહ્યો હતો.વર્ષમાં બે વાર તે અચૂક મુંબઇ આવતો. પણ આ વખતે તે બે વર્ષે આવ્યો હતો એટલે અહીંથી જવાનું મન થતું નહોતું.તેને દરિયામાં દૂર દૂર સુધી દ્રષ્ટિ કરવાની મજા આવતી હતી.તેની નજર જાણે દરિયામાં કશુંક ખોળી રહી હોય એવું લાગતું.ખાસ્સી વાર આ રીતે જોયા પછી તેની આંખોમાં ઉદાસી છવાઇ જતી.છેલ્લા ત્રીસ વર્ષથી તે આ રીતે દરિયા કિનારે આવતો રહેતો હતો.તેણે ઘડિયાળમાં જોયું આઠ વાગ્યા હતા.દસ વાગ્યાની તેની ટ્રેન હતી એટલે હવે નીકળવું પડે એમ હતું.તેણે દરિયાદેવને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને વિનંતી કરીકે પ્રભુ મારી જે પ્રિય વસ્તુ તમે પરદેશ લઇ ગયાછો એનું એકવાર દર્શન કરાવજો.આજે ત્રીસ વર્ષથી માત્ર એકવાર તેને જોવા દિલ તરસી રહ્યું છે.તેના સુખદુઃખ ના સમાચાર જાણવા મન તલપાપડ છે.તેની માફી માગવી છે.બસ એકવાર દર્શન કરાવજો.તેની જાણ બહાર આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા.તેણે ચશ્મા કાઢીને આંખો લુછી.થેલામાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીધું અને પછી તેણે સ્ટેશન જવા માટે ટેક્ષી કરવા પગ ઉપાડ્યા.

નાનકડું વિરમપુર ગામ અને તેની બ્રહ્મપોળમાં રહેતો સત્તર વર્ષનો નાગર વણિકનો દીકરો નિશીથ અને બ્રાહ્મણ કન્યા કૃપા સાથે ભણતાં હતાં. ભણતાં ભણતાં અને રમતાં રમતાં અજાણતાં જ બંનેની આંખો મળી ગઇ અને મુગ્ધાવસ્થા ના પ્રેમનું અંકુર ફૂટ્યું,અંકુરમાંથી ધીરે ધીરે છોડ બન્યો અને છોડ ઉપર નાજુક ફૂલ આવ્યા અને એ ફૂલોની સુગંધ ચોમેર પ્રસરી.પાંત્રીસ વર્ષ પહેલાં આખા ગામમાં માંડ ચાર થી પાંચ ઘરે ટેલીફોન અને ટી.વી. હોય એવા સમયે પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ એકમાત્ર પ્રેમપત્ર હતું.નિશીથ અને કૃપા વચ્ચે પ્રેમપત્રો ની આપલે ચાલુ થઇ.હમ દોનો મિલકે કાગજ પે દિલ કે ચિઠ્ઠી લિખેંગે જવાબ આયેગા ગીત બંનેના દિલોદિમાગમાં ગુંજી રહ્યું હતું.પ્રેમીપંખીડા કલ્પના વિહાર કરી રહ્યા હતા.પોતાની મસ્તીમાં મસ્ત હતા.દિવસમાં દસ વાર એકબીજાને જુએ નહીં ત્યાં સુધી ચેનથી બેસતા નહીં.પણ ધીરે ધીરે આખી બ્રહ્મપોળ માં ચર્ચા ચાલુ થઇ ગઇ.ફક્ત બંનેના માબાપને જ ખબર નહોતી.પણ કહેવા કોણ જાય? બધાને તમાશો જ પસંદ હોયછે.જોકે આ પ્રેમકહાની તો બધાને પસંદ હતી. મુગ્ધાવસ્થા નો પ્રેમ ગાઢ હોયછે.અને કહેવાય છે કે મુગ્ધાવસ્થાનો પ્રેમ કદી ભૂલાતો નથી.

કૃપાની મમ્મીને પોળમાં બધા ચંપા માસી કહીને બોલાવતા.તેમના પતિ હયાત નહોતા.કૃપાથી નાની એક બેન સોના અને સહુથી નાનો એક દીકરો હતો વિમલ.નિશીથ તેના માબાપનો એકનો એક દીકરો હતો.ખાધે પીધે સુખી કહી શકાય એવું મધ્યમવર્ગ કુટુંબ હતું.નિશીથના પિતા નવનીતલાલ ની કાપડની દુકાન હતી.દુકાન સારી ચાલતી હતી પણ નવનીતલાલ નહોતા ઈચ્છતા કે નિશીથ તેમની દુકાન સંભાળે.

નિશીથને ખૂબ ભણાવવાની તેમની ઈચ્છા હતી.નિશીથની મમ્મી વિશાખાબેનને પણ દીકરો સારું ભણીને ઉચ્ચ હોદ્દા વાળી સરકારી નોકરી મેળવે તેવી આશા હતી.પણ બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને નિશીથ તથા કૃપા બંને ફેઈલ થયા ત્યારે પ્રેમની સુગંધ પ્રસરી.સ્કૂલના શિક્ષકો પણ હતપ્રભ થઇ ગયા હતા.એમને એવી આશા હતી કે આ બંને વિદ્યાર્થીઓ સ્કૂલનું નામ રોશન કરશે.આવું કેવી રીતે બને એની તપાસમાં જ ખબર પડીકે બંને પ્રેમીઓ પ્રેમમાં પાગલ બની ગયા હતા એટલે ફેઈલ થયા છે.ચંપા માસીની ઈચ્છા કૃપાને બ્રાહ્મણ પરિવારમાં જ પરણાવવાની હતી કારણકે પાછળ બીજાં બે ભાઇબહેનનો પછી કોણ હાથ પકડે? નિશીથ ના મમ્મી પપ્પા નિરાશ તો થઇ ગયા હતા પણ એકના એક અને હોશિયાર દીકરાને ઠપકો આપવાનું મન થતું નહોતું.નિશીથ એસ.એસ.સી.માં વગર ટ્યુશને 92% માર્કસ લાવ્યો હતો.અને આ બંને વડીલોએ એવું પણ મન મનાવ્યું હતું કે કદાચ ચંપા માસી માની જાય અને હા પાડે તો કૃપા ઉચ્ચ બ્રાહ્મણકુટુંબની દીકરી હતી એટલે કંઇ ખોટું નહોતું.પણ ચંપા માસી મક્કમ હતાં. આખી પોળમાં સારામાં સારા અને સમજદાર યુવાન તરીકે નિશીથની ગણના થતી હતી એટલે આ પ્રેમ જો લગ્નમાં પરિણમે તો સહુ રાજી હતા.ચંપા માસી પણ નિશીથને બેટા બેટા કહીને જ બોલાવતા હતા.અને આ ખબર પડ્યા પછી પણ તેમના મનમાં કટુતા નહોતી આવી.સામાજિક પ્રશ્ન સતાવતો હતો.પતિ હયાત નહોતા એટલે બધી જવાબદારી તેમના માથે હતી.નિશીથ તેમની નજર સામે જ નાના થી મોટો થયો હતો.આવો જમાઇ દીવો લઈને શોધવા નીકળીએ તો પણ ના મળે એ ચંપા માસી જાણતા હતા.એટલે જ એમણે કૃપાને એકપણ શબ્દ ઠપકાનો કહ્યો નહોતો.તેઓ મનથી સ્વીકારતા હતા કે કૃપા એ કશું પાપ નથી કર્યું.પણ હવે કૃપાને સાચવવી પડશે એવું તો એ માનતાં હતાં.કૃપાની સમજદારી પ્રત્યે પણ તેમને માન હતું એટલે ખાસ ચિંતા નહોતી.

નવનીતલાલ અને વિશાખાબેને એવું વિચાર્યું હતું કે આ બાબતની ચર્ચા થોડી ધીમી પડે પછી એકવાર ચંપા માસીને રૂબરૂ મળીને તેમના મનની વાત જાણીએ.તેમણે તો કૃપાને મન થી ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી હતી.એકના એક દીકરાને મનગમતી વહુ મળે તેનાથી રૂડું શું હોય?

શાકબજારમાંની ભીડમાં સવારે વિશાખાબેન અને ચંપા માસીનો ભેટો થઇ ગયો.જાણે કશું બન્યું જ નથી એવો બંનેનો એકબીજા સાથે વ્યવહાર હતો.વિશાખાબેને પૂછ્યું’ માસી તમને ઘરે મળવા આવવું છે.ક્યારે આવીએ?’‘ અરે તમારે પૂછવાનું હોય તમારું જ ઘર છે.તમારી અનુકૂળતા એ આવો.’ ચંપા માસીએ નિખાલસતા થી જવાબ આપ્યો. વિશાખાબેનને મનમાં રાહત થઇ.

આજથી નવરાત્રી શરૂ થતી હતી.બ્રહ્મપોળ ની બહાર મોટો ચોક હતો ત્યાં જ માતાજીની માંડવી મુકાતી હતી અને ગરબા ગવાતા હતા.રાત્રે નવ થી બે વાગ્યા સુધી ગરબા ગવાતા અને હકડેઠઠ ભીડ રહેતી.રોજ રાત્રે નવી નવી ગરબી મંડળની પાર્ટીઓ આવતી.નિશીથ અને કૃપાની રાસગરબા ની સારામાં સારી જોડી હતી.રોજ નવા નવા ડ્રેસ પહેરીને ગરબા ગાવાનો તેમનો શોખ હતો.અને એ બંને ગરબા રમવા આવે પછી જ રંગ આવતો.તેમનો રાસ લોકો મંત્રમુગ્ધ થઇને જોઇ રહેતા.નજર લાગે એવી સુંદર જોડી હતી.બ્રહ્મપોળ ના લોકોને તો એવી મનોમન ઈચ્છા પણ હતી કે આ જોડી સદાય ની જોડી બની રહે.

પણ આ વખતે નવરાત્રી ના ચોથા દિવસ સુધી નિશીથ અને કૃપા ઘરમાંથી બહાર આવ્યા જ નહીં.કોઇને ગરબામાં રસ પડતો નહોતો.બંનેના માબાપ પણ તેમનેબહાર જવાનું કહેતાં હતાં.મિત્રો પણ ઘણું કરગર્યા પણ નવરાત્રીના છેલ્લા દિવસ સુધી બંને બહાર ના આવ્યાં.

દરવાજો ખટખટાવા નો અવાજ સાંભળીને ચંપા માસી અંદરથી બોલ્યા’ કોણ છે?’ પછી ઘડિયાળમાં જોયું તો રાત્રીના દસ વાગ્યા હતા.બહારથી અવાજ આવ્યો’ માસી હું છું વિશાખાબેન’

ચંપા માસીએ દરવાજો ખોલીને ‘ આવો આવો વિશાખાબેન અને નવનીતભાઇ ‘ માસીની બાજુમાં જ કૃપા પણ ઊભી હતી.તે બંને ને પગે લાગી.વિશાખાબેને કૃપા ના માથે હાથ ફેરવ્યો.કૃપા એની રૂમમાં જતી રહી.

થોડી આડીઅવળી વાતો કર્યા પછી માસી એ ચા બનાવી.ચા પીધા પછી વિશાખાબેને માસી ને કહ્યું’ માસી સમાજ ને જે કરવું હોય એ કરીલે મારે તો તમારી કૃપા જ વહુ તરીકે જોઇએ છે.કેવી સુંદર જોડી છે.આવી જોડી ને જુદી પાડવાનું પાપ આપણા હાથે નથી કરવું માસી.તમે હા પાડી દો.લગ્ન તમે કહો ત્યારે કરીશું.આપણી પોળના લોકો પણ ઈચ્છે છે કે કરો કંકુ ના.કૃપા જ આ પોળની દીકરી અને આ પોળની જ વહુ.માસી હું તમારી આગળ ખોળો પાથરું છું.કૃપા મારા ઘરે જ મોકલો.’ વિશાખાબેનની આંખો ભરાઇ આવી હતી.માસીએ તેમના ખભે હાથ મુક્યો.અને થોડું વિચાર્યા પછી બોલ્યા’ નવનીતભાઇ,વિશાખાબેન પુરૂષ વગરનું મારું ઘર એટલે કેટલી જવાબદારી છે મારા માથે.ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબ નું ગરીબ ઘર છે મારું અને પહેલું સંતાન જ પ્રેમલગ્ન કરે તો મારાં બીજાં બે સંતાનોનું શું થાય? આ એકમાત્ર મને ચિંતા છે.હું જાણુંછું નિશીથ જેવો જમાઇ મારા નસીબમાં પણ ક્યાંથી હોય?’

‘ વિશાખાબેન, જુઓ હજી તો બંને ને ત્રણ વર્ષ કોલેજ કરવાની બાકી છે.ત્યાં સુધી આપણે આ વાત અટકાવી દઇએ.તમારે દીકરા માટે કોઇ કન્યા જોવાની નહીં અને હું દીકરી માટે કોઇ મુરતિયો જોવા નહીં જાઉં.ત્રણ વર્ષ પછી બંને ભણીગણીને પરિપકવ થઇ ગયા હશે.અને એ વખતે પણ બંને વચ્ચે પ્રેમ જળવાઇ રહ્યો હશે તો બંને ને પરણાવી દઇશું બસ વિશાખાબેન.’ ચંપા માસી ની વાત સાચી લાગી અને બંને કુટુંબો એ સ્વીકારી.નિશીથ અને કૃપા એ પણ મનોમન ઉચ્ચ અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.પોળના લોકોને પણ નવાઇ જેવું તો લાગ્યું કે રાધાકૃષ્ણ ની જોડી કેમ ગંભીર થઇ ગઇ? ધીરેધીરે વાત ઉપર પરદો પડવા લાગ્યો.

નિશીથ અને કૃપાની કોલેજ અલગ અલગ શહેરોમાં હતી.બંને અપડાઉન કરતા હતા.પહેલાં તો પોળમાં મળતા અને વાતચીત પણ કરતા પણ હવે મળવાનું બંધ થઇ ગયું હતું.પ્રેમપત્રનો ગુપ્ત વ્યવહાર પણ હવે બંધ થઇ ગયો હતો. ટેલીફોન તો કરાય એમ નહોતો.કોઈવાર બસ સ્ટેશન ઉપર ભેટો થઇ જતો ત્યારે થોડી વાત થતી.ગામડામાં તો વાત ફેલાઇ જતાં વાર લાગતી નહીં એટલે બહુ સાચવવું પડતું.સમય ઝડપથી પસાર થઇ રહ્યો હતો.

જોતજોતામાં કોલેજના બે વર્ષ વીતી ગયા.બંને વર્ષમાં નિશીથ અને કૃપા પોતાની કોલેજમાં પ્રથમ નંબરે પાસ થયા હતા.છેલ્લું વર્ષ કારકિર્દી માટે મહત્વનું હતું એટલે નિશીથે હોસ્ટેલમાં રહેવાનું નક્કી કર્યું. એકવાર સરસ નોકરી મળી જાય તો ચંપા માસી ને ના પાડવાનું કોઇ કારણ ના રહે.કૃપા ને પામવાનું ધ્યેય તેને સફળતા અપાવી રહ્યું હતું.કોલેજના બે વર્ષ દરમ્યાન નિશીથની છાપ ચારિત્ર્યવાન વિદ્યાર્થી તરીકે જ રહી.એકાદ બે કોલેજની યુવતીઓએ તેની સાથે સંબંધ કેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ નિશીથે સામેથી જ કહી દીધું હતું કે તેની સગાઇ તેના મનગમતા પાત્ર સાથે થઇ ગઇ છે.એ પછી તો આ બંને યુવતીઓના મનમાં નિશીથની છાપ એક ઊંચા દરજ્જાના યુવાન તરીકે અંકાઇ ગઇ હતી.

કૃપાને ઘણા સમયથી જોઇ નહોતી એટલે તેનું મન બેચેન રહેતું હતું.પોળમાં હતા ત્યારે તો કૃપા નજર સમક્ષ જ રહેતી હતી.કોલેજનું છેલ્લું વર્ષ હતું એટલે ત્રણ મહિને એકવાર માતાપિતાને મળવા ગામડે જતો.છેલ્લીવાર ગયો ત્યારે કૃપા ને જોઇ નહોતી.કૃપાના કોઇ સમાચાર અહીં મળતા નહોતા.વિરહની વેદના અસહ્ય હોય છે નિશીથ જયારે સમય મળે ત્યારે વિરમપુરથી આવતી બસો જે સ્ટેન્ડે ઊભી રહેતી ત્યાં જઇને બેસતો.વિરમપુર થી આવતી બસો જોવાનો પણ તેને આનંદ આવતો.હવે એક મહિના પછી કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા છે પછી તો કૃપા પાસે જ રહેવાનું છે એવી ગણતરીઓ તેના મનમાં હતી.

‘ અરે નિશીથ મજામાં ભઈલા ?’ બજારમાં ફરતા નિશીથના કાને આ શબ્દો પડ્યા.તેણે પાછું વળીને જોયું તો વિરમપુર ના સરપંચ નો દીકરો કાનજી તેને બોલાવી રહ્યો હતો.ગામના માણસને જોઇને નિશીથ રાજી થઇ ગયો.કાનજી તેનાથી ઉંમરમાં પાંચ વર્ષ મોટો હતો.નિશીથ કાનજી પાસે આવીને ભેટી પડ્યો.બંને એક બાંકડા ઉપર બેઠા.પછી કાનજીએ તેના થેલામાંથી એક કવર કાઢ્યું અને નિશીથના હાથમાં આપ્યું ‘ નિશીથ આ કવર તારા પપ્પાએ આપ્યું છે.નોકરી માટેનું ફોર્મ છે એવું કહેતા હતા’ નિશીથે કવર તેના થેલામાં મુકી દીધું.

‘ બોલ નિશીથ શું નવાજુની છે? તારા પ્રેમપ્રકરણ નું કેટલે આવ્યું? હવે ભણવાનું પતે એટલે તુરંત લગ્ન કરીદે ભાઇ.છોકરીઓનો બહુ ભરોસો નહીં.’કાનજીએ નિશીથના ખભે હાથ મુકીને કહ્યું.

‘ કાનજીભાઇ, હવે એક મહિના પછી છેલ્લી પરીક્ષા છે પછી ગામડે આવીને લગ્નનું નક્કી કરવાનું જ છે.’ નિશીથે બાજુમાં આવેલી ચા ની લારી ઉપરથી ચા મંગાવી.બંનેએ પીધી.થોડી વાતો કરી પછી કાનજી જવા માટે ઉઠ્યો અને નિશીથના ખભે હાથ મુકીને કહ્યું’ ભાઇ, તું સીધો છોકરો છે.તારી જગ્યાએ મેં પ્રેમ કર્યો હોતતો ક્યારનો છોકરીને ભગાડીને લગ્ન કરી દીધા હોત.જો તારી પણ ભાગવાની ઈચ્છા થાય તો મને કહેજે હું બધી વ્યવસ્થા કરી આપીશ.અડધી રાત્રે મને સાદ પાડજે દોસ્ત હું આવીને ઊભો રહીશ ’

‘ ના કાનજીભાઇ ફક્ત આપણા સ્વાર્થ માટે માબાપ ની આબરૂ ઉપર પાણી ફેરવવાનું સારું ના કહેવાય.તમારી મદદની જરૂર પડશે તો નિસંકોચ તમને જણાવીશ.તમારી લાગણી બદલ ખૂબખૂબ આભાર.’

‘ સારું ત્યારે પરીક્ષાની સારી તૈયારી કરજે અને નોકરીની પણ તૈયારી કરજે.હું જાઉં છું.મારા લાયક કામ પડે તો સંકોચ વગર કહેજે.ગામમાં આવે ત્યારે મળજે.’ કાનજીએ વિદાય લીધી.કાનજીને મળીને નિશીથ નું મન પ્રફુલ્લિત થઇ ગયું.કહેવાય છે કે આપણું પ્રિયપાત્ર રહેતું હોય એ ગામનો વાયરો પણ મીઠો લાગેછે.

રૂમ ઉપર આવીને કવર ખોલીને જોયું તો પપ્પાએ સરકારી નોકરી માટેનું ફોર્મ મોકલ્યું હતું.બે મહિના પછી લેખિત પરીક્ષા હતી.અને પપ્પાએ લખ્યું હતું કે નિશીથ હવે તો તું કોલેજની પરીક્ષા પતે પછી આ સરકારી નોકરીની લેખિત પરીક્ષા આપ્યા પછી જ ઘરે આવજે. નિશીથ ઘરે જવા માટે ઉતાવળો હતો ત્યાં પાછું એક મહિનો લંબાયો એટલે મનમાં થોડો કચવાટ થયો પણ પપ્પાની સૂચના હતી અને સરકારી નોકરીની આશા હતી એટલે રોકાયા વગર ચાલે એવું જ નહોતું.

નિશીથ પરીક્ષાની તૈયારીમાં પડી ગયો.કૃપા ને પામવાનું ધ્યેય નજર સમક્ષ હતું એટલે તેણે બંને પરીક્ષાઓનો ચેલેન્જ તરીકે સ્વીકાર કર્યો હતો.સરકારી નોકરી મળી જાય તો માબાપની ઈચ્છા પણ પૂરી થાય અને કૃપા સાથે જલ્દી લગ્ન પણ થઇ જાય.દસ દિવસ ઉજાગરા કરીને વાંચીને કોલેજની ફાઈનલ પરીક્ષા આપી.તેને ખાતરી હતીકે તે કોલેજમાં ફર્સ્ટ નંબર આવશે.હવે તેનું મન કૃપા ને મળવા તલપાપડ હતું.થયું કે એકવાર ઘરે જઇને મમ્મી પપ્પા તથા કૃપા ને મળી આવું પછી સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરું.આવતીકાલે સવારે ઘરે જવાનું નક્કી કરીને તે ઘસઘસાટ ઊંઘી ગયો.જાગતાં અને સ્વપ્નમાં પણ કૃપા જ દેખાતી હતી.પ્રેમ તેની ચરમસીમા એ હતો.

સવારે તેના રૂમના દરવાજે ટકોરા પડ્યા.દરવાજો ખોલ્યો તો સામે તેના પપ્પા નવનીતલાલ ઊભા હતા.નિશીથ પપ્પાને ભેટી પડ્યો.નવનીતલાલ ની આંખો પણ દીકરાને જોવા તરસતી હતી.બંને એ ખૂબ વાતો કરી.ઘરેથી નાસ્તો લાવ્યા હતા એ આપ્યો,થોડા પૈસા આપ્યા.પછી બપોરે હોસ્ટેલના રસોડે જમીને નવનીતલાલ વિદાય થયા.નિશીથને એવું હતું કે પપ્પા કૃપા વિષે કંઇક વાત કરશે પણ તેઓ એક શબ્દ પણ ના બોલ્યા.નિશીથને દુઃખ થયું.જો સાથે મમ્મી આવી હોત તો તે જરૂર પૂછી લેત.હવે તો એક મહિના પછી જ કૃપા ને મળી શકાશે.

આજે સરકારી નોકરીની લેખિત પરીક્ષા સરસ ગઇ.નોકરી મળી જ જશે એવો તેને વિશ્વાસ હતો કારણકે લેખિતના રિઝલ્ટ ના આધારે જ સીધી નિમણૂક આપવાની હતી એટલે કોઇની લાગવગ ચાલવાની નહોતી.રાત્રે તેણે થેલા પેક કર્યા.હોસ્ટેલના ગૃહપતિ ને મળીને સવારે રૂમ ખાલી કરવાની વાત કરી દીધી.કૃપા ને મળવાના આનંદના અતિરેકમાં રાત્રે બરાબર ઊંઘ પણ ના આવી પણ પથારીમાં પડ્યાપડ્યા સુખી જીવનની કલ્પનાઓ કરવાની મજા આવી.

વિરમપુરના એસ.ટી.સ્ટેન્ડે બસ ઊભી રહી.તેણે સામાન ઉતાર્યો અને રીક્ષાવાળા ને બોલાવીને સામાન ભરાવ્યો.એટલામાં તો તેની નજર કાનજી ઉપર પડી.પાન ના ગલ્લે ઊભો રહીને કાનજી બીડી પીતો હતો.કાનજી પણ નિશીથ ને જોઇને તેની પાસે આવ્યો.આવીને તેણે નિશીથના ખભે હાથ મુક્યો અને ‘ આવી ગયો ભાઇ પરીક્ષા કેવી રહી?’ પૂછીને નિશીથ સામે એકીટશે જોઇ રહ્યો.નિશીથે નોધ્યું કે કાનજી ઉદાસ લાગેછે.’ કેમ કાનજીભાઇ મુડમાં નથી કે શું?’ નિશીથ થી પૂછાઇ ગયું.’ ‘ ભાઇ,ભલમનસાઈ નો જમાનો નથી.સજ્જન ની કોઇ કિંમત નથી’ કાનજી લાગણીશીલ થઇને બોલ્યો. પછી તુરંત એણે કહ્યું ‘ ભાઇ, પછી મળીશું ત્યારે વાતો કરીશું.અત્યારે તું ઘરે જા મમ્મી પપ્પા રાહ જોતા હશે.મારે પણ તને મળવું તો છે જ ‘ બસ સ્ટેન્ડથી ઘર એક કિલોમીટર દૂર હતું.’ સારું કાનજીભાઇ ફરી મળીશું ત્યારે ઘણી વાતો કરીશું’ કહીને તેણે રીક્ષાવાળા સામે જોયું.તેનો મલકતો ચહેરો જોઇને રીક્ષાવાળો પણ ખુશ થઇ ગયો.તેને પણ જાણે ખબર પડી ગઇ કે ભાઇ પ્રેમી લાગેછે.

બ્રહ્મપોળ આગળ રીક્ષા ઊભી રહી એટલે બે ત્રણ નાના છોકરા રમતા હતા તે દોડતા આવ્યા અને થેલા ઉપાડીને નિશીથના ઘર તરફ ‘નિશીથ અંકલ આવ્યા’ બોલતા દોડ્યા.નિશીથ હસવા લાગ્યો.મોટો સામાન રીક્ષાવાળા એ ઉપાડી લીધો અને બાકીના બે થેલા ઉપાડીને પોતે પોળમાં પ્રવેશ્યો.પોળમાં પ્રવેશતાં પહેલું ચંપા માસીનું ઘર આવે પછી ત્રણ ઘર આગળ જઇએ ત્યાં નિશીથ નું ઘર આવે.નિશીથે જોયું કે ચંપા માસીનું ઘર બંધ હતું અને ઓટલા ઉપર ધૂળ જામેલી હતી એટલે ઘણા સમયથી બંધ હશે એવું એણે અનુમાન લગાવ્યું.તેને નવાઇ જેવું તો લાગ્યું.કૃપાને જોવા તેની આંખો તરસતી હતી.

ઘરમાં જઇને તે મમ્મી પપ્પાને પગે લાગ્યો.બંનેએ તેના માથે હાથ ફેરવ્યો.પપ્પાએ તેની પરીક્ષા બાબતે થોડી પૂછપરછ કરી.મમ્મી ચા બનાવવા બેસી ગઇ.ચા નાસ્તો કર્યો એ દરમ્યાન તેને ઘરના વાતાવરણમાં ઉદાસી હોય એવું લાગી રહ્યું હતું.તે મમ્મી એકલી પડે એટલે પૂછવા માગતો હતો કે ચંપા માસીનું ઘર કેમ બંધ છે અને કૃપા ક્યાં છે? પણ મમ્મી જાણે તેના આ પ્રશ્ન થી દૂર ભાગવા માગતી હોય એવું લાગતું હતું.તેની ધીરજ ખૂટી રહી હતી.સાંજે જમ્યા પછી શાંતિથી પૂછીશું એમ વિચારીને તે ઘરની બહાર ઓટલે આવીને ઊભો રહ્યો.પોળના લોકો તેને જોઇને રાજી થઇ ગયાં હોય એવું તે જોઇ રહ્યો હતો પણ સાથે સાથે બધા તેની સામે કંઇક અલગ ભાવથી જોઇ રહ્યા હોય એવું પણ તે અનુભવી રહ્યો હતો.

રાત્રે જમ્યા પછી એ મમ્મી પપ્પા જોડે બેઠો.પપ્પા થોડા તણાવમાં હોય એવું લાગતું હતું.કશુંક બોલવું હતું પણ બોલી શકતા નહોતા.તેનાથી પૂછાઇ પણ ગયું કે ‘પપ્પા કેમ ટેન્શનમાં લાગોછો?’ છેવટે મમ્મીએ શરૂઆત કરી’ બેટા,તું છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારીમાં અને નોકરીની પરીક્ષાની તૈયારીમાં લાગેલો હતો એટલે અમે તને એક સમાચાર મોકલ્યા નહોતા.જો આ સમાચાર મોકલ્યા હોતતો તું પરીક્ષામાં નિષ્ફળ જાય અને તારી કારકિર્દી બગડે.એ ડર થી અમે એક ગંભીર સમાચાર તારાથી છુપાવ્યા છે બેટા અમને માફ કરીદે’ આટલું બોલતાં બોલતાં વિશાખાબેનને હાંફ ચડી ગઇ અને આંખો ભરાઇ આવી.’ પણ મમ્મી હવે તો બોલ’ નિશીથ પણ જાણવા આતુર હતો.કંઇક અજુગતું તો નહીં બન્યું હોયને એવી શંકા પણ મનમાં થઇ.

‘ બેટા, ચંપા માસીએ એક મહિના પહેલાં જ કૃપા ની સગાઇ પરદેશથી આવેલા તેમના સમાજના જ એક છોકરા સાથે કરી અને ઘડિયા લગ્ન લીધા.પરણીને કૃપા દરિયાપાર પણ જતી રહી.ચંપા માસીએ આપણને દગો દીધો ભાઇ.છેક સુધી આપણને અંધારામાં રાખ્યા અને પ્રસંગ ઉકેલી નાખ્યો.અત્યારે ચંપા માસી પણ તેમની બહેનના ઘરે રહેવા જતા રહ્યા છે.તેમની નાની દીકરી સોનાને પણ આ જમાઇ પરદેશ લઇ જશે એવું વચન આપ્યું છે.’ નિશીથ માટે આ અકલ્પ્ય હતું.કૃપા વિશ્વાસઘાત કરી શકે?

નિશીથની હાલત જોઇને નવનીતલાલ અને વિશાખાબેન નો જીવ બળી જતો હતો.અમારો લાયક દીકરો સંજોગો સામે લાચાર થઇ ગયો હતો.નિશીથને ગામડે આવ્યે એક મહિનો થઇ ગયો હતો પણ એ ઘરમાંથી બહાર નીકળતો નહોતો.સૂનમૂન થઇને બેસી રહેતો હતો.તે દિવસે બસ સ્ટેન્ડ ઉપર કાનજી મળ્યો ત્યારે એ કેમ ઉદાસ દેખાતો હતો એ હવે સમજાયું.કાનજી ખરેખર મારા દુઃખે દુઃખી હતો.માબાપ ને ચિંતા કોરી ખાતી હતી.હવે કોઇ સારી કન્યા જોઇને દીકરાને પરણાવી દેવો જ જોઇએ એવું વિચારીને બંનેએ કન્યાની શોધ પણ ચાલુ કરી.સ્વજનોનો સંપર્ક પણ ચાલુ કર્યો.દીકરાને હતાશામાં થી બહાર કાઢવો જરૂરી હતો.

એટલામાં એક સારા સમાચાર આવ્યા.લેખિત પરીક્ષામાં નિશીથ પાસ થઇ ગયો હતો અને બાજુના શહેરમાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં તેને સરકારી નોકરીનો ઓર્ડર આવી ગયો.નિશીથ ને પણ આ ગમ્યું.હવે કૃપા ની યાદમાં ઝુરીને માબાપ ના અરમાનો અધૂરા ના રખાય કે જીવન વેડફી પણ ના દેવાય.

નિશીથને સરકારી નોકરી મળી જવાથી ઘરમાં થોડો ખુશીનો માહોલ સર્જાયો.સવારે આઠ વાગ્યે ટીફીન લઈને નિશીથ ઘરેથી નીકળી જતો અને સાંજે આઠ વાગ્યે પરત આવતો.આવીને જમીને સીધો એની પથારી ભેગો થઇ જતો.ઓફિસમાં પણ કોઇની સાથે કામ વગર વાત નહીં.રીશેષમાં પણ પોતાનું ટીફીન લઈને એકલોજ જમવા બેસતો.કોઇની સાથે ભળતો નહોતો.બે મહિના ની નોકરી પછી પણ ઓફિસમાં કોઇની સાથે મિત્રતા ના થઇ.સ્ટાફમાં ચણભણ થતી.અમુક સ્ટાફ મિત્રો તેને અભિમાની અને અતડો પણ ગણવા લાગ્યા.સ્ટાફમાં કેટલીક મહિલા કર્મચારીઓ પણ હતી.તેમને નિશીથ ના ચહેરા ઉપર ઉદાસી ના ભાવ જોઇને કારણ જાણવાની ઈચ્છા થતી પણ હજી સુધી નિશીથ સાથે ખાસ વાતચીત થતી નહોતી એટલે પૂછતાં સંકોચ થતો હતો.પણ એટલું અનુમાન કરતા કે નિશીથ ની ઉદાસી પાછળ પ્રેમપ્રકરણ જ જવાબદાર હોવું જોઇએ.

નવનીતલાલ જોઇ રહ્યા હતા કે નિશીથ ની માનસિક સ્થિતિ બરાબર કહેવાય એવી તો નહોતી જ.તેઓ એવું ઈચ્છતા હતા કે નિશીથ બધા સાથે હળેમળે ,વાતો કરે ,આનંદ કરે.એકવાર વાતવાતમાં એમણે નિશીથને સૂચન કર્યું કે ‘ બેટા ટાઇમ પાસ થાય અને વધુ ડીગ્રી પણ મળે એ માટે બી.એડ.નો અભ્યાસ કર.અભ્યાસમાં મન પરોવાશે તો નિરાશા દૂર થશે.’

નિશીથને આ સૂચન ગમ્યું કારણકે તેને શિક્ષક ની નોકરી ગમતી હતી.નિર્દોષ અને નિસ્વાર્થ બાળકો સાથે સંપર્ક કરવો સારો.તેને ભણાવવાનું પસંદ હતું.ચાલુ વર્ષે બી.એડ.નું એડમિશન મેળવી લીધું અને નોકરીની સાથે સાથે અભ્યાસ પણ ચાલુ કર્યો.

નિશીથની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરતા ગોપાલકાકા તેમની જ નાગર વણિક જ્ઞાતિના હતા.ઉંમર આશરે પંચાવન વર્ષ હશે.સ્વભાવ સાલસ,મળતાવડો અને પોતાના કામથી કામ ભલું.તેમની સાથે નિશીથને સારું બનતું.સાંજે છૂટ્યા પછી કોઇવાર સાથે ચાપાણી પણ કરતા.ગોપાલકાકા નિશીથને ઘરે આવવાનો આગ્રહ પણ કરતા પણ નિશીથ પછી કોઇવાર આવીશ એમ કહીને વાત ટાળતો.

છેલ્લા ત્રણ દિવસથી ગોપાલકાકા ઓફિસ આવ્યા નહોતા.નિશીથને સમાચાર મળ્યા કે તેઓ બિમાર છે.હવે તો તેમના ઘરે ગયા વિના નહીં ચાલે.સાંજે છૂટીને જઇ આવીશ એવું નક્કી કર્યું.સાંજે ઓફિસથી નિશીથ થોડો વહેલો નીકળીને ગોપાલકાકા ના ઘરે પહોંચ્યો.નાનું સળંગ ત્રણ રૂમનું ઘર હતું પણ સ્વચ્છતા અને સુઘડતા ને કારણે ઘર સરસ લાગતું હતું.પહેલા રૂમમાં પ્રવેશતાં જ સામે એક હાર પહેરાવેલો ફોટો હતો.નિશીથ કંઇ વિચારે એ પહેલાં તો એક રૂપાની ઘંટડી જેવો સુમધુર અવાજ આવ્યો’ મારી સ્વ.મમ્મીનો ફોટો છે.તમે નિશીથ મહેતા છોને?’ નિશીથે જોયું કે સુમધુર અવાજ જેટલું જ રૂપ પણ નિરાળું છે. ‘ મારું નામ નિશા છે.હું પપ્પાની એકની એક દીકરી છું.’નિશીથ જોઇ રહ્યો હતો નખશીખ સુંદર હતી નિશા.

‘ હા મારું નામ નિશીથછે, ગોપાલકાકાને મળવા જ આવ્યો છું.તેમની તબિયત ખરાબ છે એવા સમાચાર મળ્યા હતા.’

‘ હવે સારું છે.બેસો હું પપ્પાને બોલાવું ‘નિશા અંદરના રૂમમાં ગઇ.

‘અરે સાહેબ તમે અહીં?’ ગોપાલકાકા ખુશ થઇ ગયા.ચાપાણી કર્યા પછી ઘણી વાતો કરી.નિશીથને નવાઇ લાગી કે ગોપાલકાકા મારા મમ્મી પપ્પાને પણ ઓળખતા હતા.નીકળતી વખતે ગોપાલકાકા એ નિશા ની ઓળખાણ કરાવી.’ મારી એકની એક દીકરી છે અને બાજુના શહેરમાં એક વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી લાગીછે.’ નિશા ને પણ તેમણે કહ્યું કે’ નિશીથભાઇ આપણાજ સમાજના છે.અને વિરમપુર રહેછે.’ નિશા એ નિશીથ ને સ્માઈલ આપ્યું. પછી ગોપાલકાકા પોળના નાકે સુધી નિશીથ ને મુકવા ગયા અને એ વખતે નિશીથ ને કહ્યું કે ‘ મા વગરની દીકરી છે.સારો મુરતિયો મળી જાય તો તેના લગ્ન કરીને જવાબદારી મુક્ત બની જવુંછે’. નિશીથને અત્યારે કૃપાની યાદ આવી અને મનોમન કૃપા અને નિશા ની સરખામણી પણ થઇ ગઇ.ગોપાલકાકા ને આવજો કહીને તે નીકળી ગયો પણ ઘરે પહોંચ્યો ત્યાં સુધી તેને નિશા ના વિચારો તો આવ્યા જ.પ્રથમ મુલાકાતમાં જ નિશા એ તેના મનમાં સારી ઈમેજ અંકિત કરી હતી.

બી.એડ.માં નિશીથ સારા ટકા એ પાસ થઇ ગયો.તેની ઈચ્છા શિક્ષક ની નોકરી કરવાની હતી જ.અને બાજુના ગામની હાઇસ્કૂલમાં તેને નોકરી મળી ગઇ.ગુજરાત વિદ્યુત બોર્ડની નોકરી તેણે છોડી દીધી.ગોપાલકાકા ને દુઃખ થયું.તેમની ઈચ્છા નિશીથ ને જમાઇ બનાવવાની હતી.તેમણે જયારે નિશા ને આ બાબતે પૂછ્યું હતું ત્યારે એણે પણ શરમાઇને મૂક સંમતિ આપી દીધી હતી.પણ હવે નિશીથનો સંપર્ક નહીં રહે તો વાત આગળ કેવી રીતે વધશે તેની તેમને ચિંતા હતી.નિશા પણ નિરાશ તો થઇ જ હતી.

નિશીથને આજે નોકરી ઉપર હાજર થવાનું હતું.એ જયારે હાઇસ્કૂલમાં પહોંચ્યો ત્યારે તેની નજર એકવાર તો પલકારો મારવાનું ભૂલી ગઇ.નિશા ની જ સ્કૂલમાં તેને નોકરી મળી હતી.નિશા હસીને સામે આવી અને નિશીથ ને આવકાર આપ્યો.કૃપા ને જોઇને મનમાં જે સ્પંદનો ઉઠતા એવું નિશા ને જોઇને થઇ રહ્યું હોય એવું નિશીથ ને લાગી રહ્યું હતું.મનમાં ખુશી થઇ રહી હતી.

નોકરીને પંદર દિવસ થઇ ગયા હતા.નિશા અને નિશીથ રોજ સ્કૂલમાં ફ્રી ટાઈમમાં મળતા.

અવનવી વાતો કરતા.બંનેના શોખ પણ એક જેવા હતા.વિચારોનો પણ મેળ હતો.એકબીજાનો સહવાસ ગમતો હતો એવું બંને અનુભવી રહ્યા હતા.આજે સાંજે નિશીથ ઘરે આવ્યો ત્યારે પપ્પા મમ્મીની સાથે ગોપાલકાકા ને બેસેલા જોયા ત્યારે નવાઇ લાગી.તેને જોઇને બધા મનમાં હસી રહ્યા હતા.ચાપાણી કર્યા પછી થોડી વાતચીત કરીને ગોપાલકાકા વિદાય થયા.રાત્રે જમ્યા પછી વિશાખાબેને કહ્યું’ બેટા,ગોપાલકાકા તેમની દીકરી નિશા ને આપણા ઘરની વહુ બનાવવા માગેછે.જો તું હા પાડે તો ઘરમાં શુભપ્રસંગ આવે.ઘરનું વાતાવરણ બદલાય.ઘરમાં ખુશીઓ આવે.ભૂતકાળને ભૂલી જવામાં જ ડહાપણ છે.’ નવનીતલાલ નિશીથની સામે જ આશાભરી આંખે જોઇ રહ્યા હતા.દીકરો હા પાડે એવી ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા.

‘ પપ્પા,મમ્મી, નિશા આ ઘરમાં શોભે એવી છે.જો નિશા મને પસંદ કરતી હોયતો મારી હા છે.’

નવનીતલાલ ની આંખો છલકાઇ ગઇ.તેમને દીકરાની હતાશા જીરવાતી નહોતી.ઘણા સમય પછી ઘરમાં ખુશી આવી હતી.લગ્નની તડામાર તૈયારીઓ થવા માંડી.બ્રહ્મપોળમાં પણ બધાના જીવમાં જીવ આવ્યો.નિશીથની ઉદાસી કોઇનાથી જોવાતી નહોતી.

નિશીથ કૃપાને તો ભૂલ્યો જ નહોતો.કૃપાએ તેને કેમ દગો દીધો એ તેને સમજાયું નહોતું.નિશીથે નિશા ને તેના અને કૃપા વચ્ચેના સંબંધની વાત નિખાલસતાપૂર્વક કરી દીધી.નિશા સમજદાર હતી તેને આ કહાની સાંભળીને નિશીથ ઉપર તેની સમજદારી અને નિખાલસતા ઉપર માન ઉપજ્યું.એક મહિના પછીની લગ્નની તારીખ નક્કી થઇ ગઇ.

નિશીથ સાંજે ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે પપ્પા ઉદાસ છે.તેણે વિશાખાબેનને પૂછ્યું તો તેમણે વાત કરી’ બેટા, સમાચાર મળ્યા હતા કે ચંપા માસી બહુ બિમાર છે.અંતિમઘડીઓ ગણાઇ રહીછે.એટલે તારા પપ્પા આજે તેમને મળવા ગયા હતા.ચંપા માસી તો ખાટલામાંથી ઉઠી શકે એમ પણ નહોતા.બેભાન હાલતમાં હતા.શરીર કૃશ થઇ ગયું હતું.તેમના બેને તારા પપ્પાને કહ્યું કે બેભાન અવસ્થામાં છેલ્લા ત્રણ દિવસથી તમારા નામનું રટણ કરતા હતા એટલે તમને સમાચાર મોકલ્યા.ત્રણે સંતાનો પરદેશ છે.આવી શકે એમ નથી.તારા પપ્પા તેમની પાસે જઇને જયારે બોલ્યા કે માસી હું નવનીતભાઇ તમને મળવા આવ્યો છું.ત્યારે સહુ ના આશ્ચર્ય વચ્ચે ચંપા માસી ની આંખો વરસવા લાગી અને બે હાથ જોડ્યા અને નવનીતલાલ ની માફી માગી રહ્યાં હોય એવા ભાવ ચહેરા ઉપર આવ્યા.તારા પપ્પાએ કહ્યું કે માસી અમારા મનમાં કશીજ કડવાશ નથી.આપણો તો ઘર જેવો સંબંધ છે.તમે પણ હવે સાજાનરવા થઇને પોળમાં આવી જાઓ.પછીતો તારા પપ્પા ઘરે આવી ગયા પણ હાલ સમાચાર આવ્યા છે કે માસીનો દેહાંત થઇ ગયોછે.’નિશીથ ની ઈચ્છા કૃપા ના સમાચાર મેળવવાની હતી પણ તેના કોઇ સમાચાર હતા જ નહીં.નિશીથે વિશાખાબેન ને કહ્યું’ મમ્મી, મને જીવનભર અફસોસ રહેશે કે કૃપા એ મને જણાવ્યું કેમ નહીં કે ચંપા માસી તેને બીજે પરણાવવા માગેછે.જો મને સમાચાર મોકલ્યા હોત તો હું ઘરે આવી જાત અને આ લગ્ન રોકી શકાયા હોત.પણ હવે મને એવું લાગેછે કે કૃપા પણ પરદેશ જવાની લાલચમાં આવી ગઇ હશે.’ વિશાખાબેને તેના માથે હાથ ફેરવ્યો પણ કશો જવાબ ના આપ્યો.

નિશીથના લગ્નની શરણાઈઓ વાગી.આખી બ્રહ્મપોળમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થયો.વરઘોડામાં લોકો મન મૂકીને નાચ્યા.નવનીતલાલે ભવ્ય પ્રસંગ કર્યો.લગ્નમાં કાનજી પણ આવ્યો હતો.નિશીથ સાથે નજર મળી ત્યારે બંનેની આંખો ભીંજાઇ.કાનજીએ પાસે આવીને નિશીથના કાનમાં કહ્યું’ દુઃખ ભરે દિન બીતેરે ભૈયા અબ સુખ આયોરે રંગ જીવનમે નયા લાયોરે’ નિશા ને જોયા પછી તો મિત્રોએ અને પડોશીઓએ પણ કહ્યું કે વહુ તો કૃપાને પણ ટક્કર મારે એવી છે.રંગેચંગે અવસર પતી ગયો.

નિશા અને નિશીથની સુંદર જોડી જોઇને બધાની આંખો ઠરતી હતી.નિશાએ નોકરી છોડીને ઘરમાં જ મન પરોવ્યું હતું.આજે પાંચ વર્ષ પછી નિશીથ તેની સ્કૂલમાં પ્રિન્સીપાલ ના પદ ઉપર પહોંચી ગયો હતો.નિશા અને નિશીથ નાં બે બાળકોને નવનીતલાલ અને વિશાખાબેન આખો દિવસ રમાડીને સમય પસાર કરી રહ્યા હતા.ઘરમાં સુખશાંતિ હતી.

પણ એક એવી ઘટના બની કે નિશીથ નું મન વિચલિત થઇ ગયું.ગઈકાલે સ્કૂલના કામે તેને જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે જવાનું થયું.કામ પતી ગયા પછી તે નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં ‘ તમે મિ.નિશીથ મહેતા છો? વિરમપુર તમારું વતન છે?’ એક મહિલાનો અવાજ આવ્યો.નિશીથ ને નવાઇ લાગી આ મહિલાને મારું નામ અને ગામ વિષેની જાણ કેવી રીતે હોય?’

‘હા હું નિશીથ મહેતા છું અને વિરમપુર મારું વતન છે.પણ તમે મને કેવી રીતે ઓળખો?’

‘ નિશીથભાઇ તમને મોડું ના થતું હોય તો સામેની હોટલમાં કૉફી પીએ. મારું નામ સ્વાતિ છે અને હું આ ઓફિસમાં જ નોકરી કરુંછું.’

‘ ઓકે સ્વાતિબેન ચાલો સાથે કૉફી પીએ.’ નિશીથ ને પણ જાણવાની ઉત્કંઠા હતી.

કૉફી પીતી વખતે સ્વાતિ તેની અનુભવી દ્રષ્ટિથી નિશીથ નું નિરીક્ષણ કરી રહી હતી.નિશીથ નું ધ્યાન કૉફી પીવામાં હતું.નિશીથ પ્રભાવશાળી તો હતો જ.અને દેખાવ ઉપરથી નિખાલસ અને વિવેકી પણ લાગતો હતો.અને આટલી નાની ઉંમરે ફક્ત પાંચ વર્ષમાં શિક્ષકમાં થી પ્રિન્સીપાલના હોદ્દા સુધી પહોંચી ગયો હતો એટલે સફળ વ્યક્તિ પણ હતો.

‘ નિશીથભાઇ હું અને કૃપા ત્રણ વર્ષ કોલેજમાં સાથે હતા.અને અમારી વચ્ચે ગાઢ મિત્રતા હતી’ સ્વાતિ આટલું બોલીને નિશીથ સામે ધારદાર નજરે જોઇ રહી.

‘ શું વાત કરોછો સ્વાતિબેન તો તો તમે કૃપા વિષે બધું જ જાણતા હશો.પ્લીઝ મને જણાવો કૃપા શું કરેછે?’ નિશીથની આંખો વરસવા લાગી.તેણે સ્વાતિના બંને હાથ પકડીને આજીજી કરતાં કહ્યું’ સ્વાતિબેન મને તમારો નાનો કે મોટો ભાઇ માનીલો પણ મને કૃપા વિષે બધી વાત કરો.મારું દિલ તોડીને એ જતી જ કેવી રીતે રહી? મને હજી આ આઘાતની કળ વળી નથી.સ્વાતિબેન મહેરબાની કરીને મને કહો.’

સ્વાતિ તો હતપ્રભ થઇ ગઇ આ શબ્દો સાંભળીને.તેણે તો કંઇક જુદા શબ્દો સાંભળવાની આશા રાખી હતી.પણ તેણે જોયુંકે નિશીથ સજ્જન માણસ તો છે જ.અને તેની વાતમાં સચ્ચાઇ નો રણકો છે.તો પછી કૃપાએ જે વાત કરી હતી તેનું શું?

‘ નિશીથભાઇ તમે અને કૃપા ગળાડૂબ પ્રેમમાં હતા એ વાત કૃપાએ મને કરી જ હતી.તમે એને કેટલો પ્રેમ કરતા હતા એતો મને ખબર નથી પણ કૃપા......કૃપા માટે તમે સર્વસ્વ હતા.આખા દિવસમાં એના મોંએ થી પચાસ વખત નિશીથ શબ્દ નીકળતો હતો.ક્યારે અભ્યાસ પૂરો થાય અને ક્યારે અમારા લગ્ન થાય એ સિવાય એની કોઇ મહત્વકાંક્ષા જ નહોતી.તમારી આસપાસ જ એનું જીવન વણાઇ ગયું હતું.’ સ્વાતિ પણ કૃપાને યાદ કરીને ભાવુક બની ગઇ.

‘ સ્વાતિબેન તો પછી એણે બીજે લગ્ન કેમ કર્યા? એની મમ્મીનું દબાણ હતું એ પછીથી મને ખબર પડી હતી.પણ એણે મને સમાચાર કેમ ના મોકલ્યા? મને જણાવ્યું હોતતો હું આવીને લગ્ન અટકાવી દેત.ચૂપચાપ પરણી કેમ ગઇ?કે પછી પરદેશ જવાની લાલચમાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો?

‘ કૃપા અને વિશ્વાસઘાત? આવી તમે કલ્પના જ કેવી રીતે કરી શકો?જયારે કૃપાની સગાઈની અને લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે કૃપા તમારી મમ્મીને મળી હતી અને તમને તાત્કાલિક ઘરે બોલાવી લેવા કરગરી હતી.તમારી મમ્મીએ તેને એવું કહ્યું હતું કે નિશીથ સાથે વાત થઇ ગઇ છે.એ આવી જ જશે તું ચિંતા કરીશ નહીં.તમારી મમ્મીના આશ્વાસન ઉપર ભરોસો રાખીને બિચારી બેસી રહી અને પરણીને રોતી કકળતી દરિયાપાર જતી રહી.આ સચ્ચાઇ છે તમારી પ્રેમકહાની ની.’

‘ સ્વાતિબેન ,કૃપાએ મારી મમ્મીને મને સમાચાર મોકલવાનું કહ્યું હશે પણ મને સમાચાર મળ્યા નહોતા.હે ભગવાન મારા પ્રેમનો આવો કરુણ અંજામ’ નિશીથના ચહેરા ઉપર હતાશા અને કરૂણાના ભાવ જોઇને સ્વાતિ પણ અપસેટ થઇ ગઇ.

‘નિશીથભાઇ જે થવાનું હતું એ થઇ ગયુંછે.નિયતિ ને જે મંજૂર હોય છે એ જ થાયછે.હવે અફસોસ કરીને દુઃખી થવામાં ડહાપણ નથીજ.તમે તો મારા કરતાં પણ વધુ સમજદાર છો.’ સ્વાતિએ ઘડિયાળ સામે જોયું.ધાર્યા કરતાં વધુ ચર્ચા થઇ ગઇ હતી.મન ખિન્ન થયું હતું.તેણે વિદાય લીધી.

નિશીથ એસ.ટી.બસમાં ઘરે આવતાં આખા રસ્તે એ જ વિચારતો રહ્યો કે મારા પ્રેમમાં મારી મમ્મી જ વિલન કેમ બની? કંડકટરે ત્રણ વાર કહ્યું ત્યારે તો તેનું ધ્યાનભંગ થયું અને તેણે ટિકિટ લીધી.આખા રસ્તે એ વિચારોના ઘોડાપૂરમાં તણાતો રહ્યો.વિરમપુર આવ્યું ત્યારે કંડકટરે તેના ખભે હાથ મુકીને કહ્યું સાહેબ વિરમપુર આવી ગયું.

ઘરે આવ્યો ત્યારે પોળમાં તેના ઘર આગળ ટોળું જમા થયેલું હતું.તે ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં ઘરમાંથી પપ્પાની સાથે ડોક્ટર બહાર આવ્યા.પપ્પાએ તેને બાજુમાં બોલાવીને કહ્યું’ બેટા, તારી મમ્મીને ભારે હાર્ટએટેક આવ્યો છે.નાજુક પરિસ્થિતિ છે.તું અંદર જા તને બહુ યાદ કરેછે.નિશીથ દોડતો ઘરમાં જઇને મમ્મીના ખાટલા પાસે પહોંચી ગયો.વિશાખાબેને તેને કહ્યું’ બેટા નિશીથ તું એકલોજ મારી પાસે બેસ.’આ સાંભળીને બીજા બધા બહાર નીકળી ગયા.

‘ બેટા નિશીથ, મારો સમય પૂરો થઇ ગયોછે.પણ જતાં જતાં તારી માફી માગું છું દીકરા.હું તારી ગુનેગાર છું.કૃપા તેના લગ્ન પહેલાં મને મળવા આવી હતી અને કરગરી હતીકે અત્યારેજ નિશીથ ને બોલાવીલો.પણ બેટા તારી છેલ્લા વર્ષની પરીક્ષા અને સરકારી નોકરીની પરીક્ષા હતી એટલે મેં તને સમાચાર ના મોકલ્યા.અને કૃપા તારી ના થઇ શકી.મને માફ કરીદે બેટા.પણ નિશીથ બેટા તારે અફસોસ કરવા જેવું નથી નિશા ને પરણીને તું સુખી જ થયો છે.કૃપા કરતાં પણ સુંદર અને સુશીલ પત્ની તને મળી છે.તેને સાચવજે દીકરા.’ સાંજે વિશાખાબેન નું અવસાન થયું.

નિશીથે એ દિવસથી વર્ષમાં બે વખત મુંબઈના દરિયા કિનારે જઇ દરિયાદેવ ને વિનંતી કરવાની ચાલુ કરી હતી કે બસ એકવાર કૃપા સાથે મારો મેળાપ કરી આપો મારે એની માફી માગવી છે.

ત્રીસ વર્ષની વિનંતી પછી પણ દરિયાદેવે તેની ઈચ્છા પૂરી કરી નહોતી.

રીક્ષા બ્રહ્મપોળ આગળ ઊભી રહી.નિશીથ ઉતર્યો અને પોળમાં પ્રવેશ કર્યો.ચંપામાસીનું ઘર વર્ષો પછી ખૂલ્લું જોઇને તેને આશ્ચર્ય થયું.એટલામાં ઘરમાંથી સોના બહાર આવી.સોના પણ પ્રૌઢાવસ્થા એ પહોંચી ગઇ હતી.સોના તેની સામે જોઇને હસી.નિશીથ કશું બોલવા જાય ત્યાં તેની નજર ઘરની અંદર પડી તો કૃપાને જોઇ.તેની દિલ એક ક્ષણ માટે ધબકવાનું ચૂકી ગયું.’ નિશીથભાઇ પછી ફ્રી પાડો એટલે ઘરે આવો.ઘણા વર્ષે તમને મળ્યા છીએ.થોડી સુખદુઃખ ની વાતો કરવી છે.કાલે અમે નીકળી જવાના છીએ.’ સોનાએ કહ્યું. ‘ સારું હું ઘરે જઇને તુરંત આવુંછું.’ નિશીથ ઉત્સાહમાં આવી ગયો.

ઘરે જઇને ‘ પપ્પા, નિશા, કેટલા વર્ષે કૃપાને જોઇ.હજી એવીને એવી જ લાગેછે.’ નિશીથ નો ચહેરો જોઇને નવનીતલાલ અને નિશા ને તેના આનંદનો અંદાજ આવી ગયો.તેઓ કશું બોલ્યા નહીં.

પંદર મિનીટ પછી નિશીથ ચંપામાસી ના ઘરમાં પ્રવેશ્યો ત્યારે ભૂતકાળ ના રંગીન દિવસોની યાદ આવી ગઇ.

‘ આવો નિશીથભાઇ કેટલા વર્ષે તમને જોયા.એવાને એવાજ લાગોછો.ચહેરા ઉપરનું એ જ ભોળપણ એ જ નિખાલસતા.અને આ છે કૃપાની દીકરી સ્નેહા.અત્યારે ચોવીસ વર્ષની યુવતી થઇ ગઇ છે.વર્ષોના વ્હાણા વહી ગયા ખબર જ ના પડી.’ નિશીથે જોયું કે સ્નેહા બીજી કૃપા જ લાગતી હતી.સહેજ પણ ફેર નહીં.નખશીખ કૃપા જ જોઇ લ્યો.નિશીથની દ્રષ્ટિ સ્નેહા ઉપર સ્થિર થઇ ગઇ.સોના ની આંખો પણ સજળ હતી.

નિશીથ કશું બોલે એ પહેલાં તો સ્નેહા નિશીથના પગમાં પડી અને ધ્રુસકેધ્રુસકે રડવા લાગી.નિશીથે તેને ઊભી કરી તો તેને ભેટી પડી પણ રડવાનું ચાલુ હતું.થોડીવારે સ્વસ્થ થયા પછી સ્નેહા બોલી ‘ મમ્મીએ કહ્યું હતું કે ઇન્ડિયા જવાનું થાય ત્યારે મારા બાળગોઠિયા અને મારા પહેલા પહેલા પ્રેમ ને મળવાનું ભૂલતી નહીં.મેં તેની અંતિમઘડીએ તેને વચન આપ્યું હતું કે હું ચોક્કસ તારા સ્વપ્નના રાજકુમારને મળીશ ‘

‘ શું કહ્યું તેં સ્નેહા અંતિમઘડી? એટલે...એટલે મારી કૃપા આ દુનિયામાં નથી? નિશીથ બેબાકળો બની ગયો.

‘ અંકલ, ચોવીસ કલાક તમારા નામનું રટણ કરતી હતી.આવો દિવ્યપ્રેમ મેં ક્યાંય જોયો નથી.અંતિમઘડીએ પણ તમારા નામની જ માળા જપતી હતી.કહેતી હતી કે નિશીથ ને કહેજે મને માફ કરીદે.મમ્મીના અવસાનને સાત વર્ષ વીતી ગયાછે.’ આટલું બોલીને સ્નેહાએ ફરી નિશીથના ચરણસ્પર્શ કર્યા અને અંદરના રૂમમાં જતી રહી.

નિશીથ પાસે હવે બોલવા માટે કોઇ શબ્દો નહોતા.તેણે મનોમન દરિયાદેવ ને ફરિયાદ તો કરી જ કે ‘ પ્રભુ એકવાર મારો કૃપા સાથે મેળાપ કરાવ્યો હોતતો?’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED