અંતિમ વળાંક
પ્રકરણ ૧૬
“ઇશાન, હું અખંડ બ્રહ્મચારી નથી” બોલીને પરમાનંદે ખાલી થઇ ગયેલી ચા ની પ્યાલી નીચે મૂકી ત્યારે ઇશાનનો હાથ ચા ની પ્યાલી સાથે જ જાણે કે થીજી ગયો હતો. ઇશાનને ઢોંગી સાધુ બાવાઓ પ્રત્યે સખ્ત નફરત હતી. તેના ચહેરા પર અણગમાનો ભાવ છવાઈ ગયો.
“દોસ્ત, મને નફરત કરતા પહેલાં તારે મારી આખી કહાની સાંભળવી પડશે.. મારા મનનો ભાર પણ હળવો થઇ જશે”. પરમાનંદની આંખો ઝીલમીલાઈ. મોસમમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો હતો. દૂર દૂર કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પરમાનંદે ઉભા થઇને બહાર તાપણું કરી રહેલા એક શિષ્યને ઈશારા વડે જ ચા ની પ્યાલીઓ લઇ જવાની સૂચના આપી. શિષ્ય બંને પ્યાલીઓ લઇ ગયો એટલે પરમાનંદે ખંડનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. પરમાનંદે પોતાનું સ્થાન ગ્રહણ કરીને શાલ બરોબર ઓઢીને ઉંડો શ્વાસ લીધો. ઇશાન એક સાધુના પૂર્વાશ્રમની વાત સંભાળવા માટે આતુરતાપૂર્વક માનસિક રીતે તૈયાર થઈને બેઠો હતો. પરમાનંદ ભૂતકાળના એક પછી એક પડ ધીમે ધીમે ખોલવા લાગ્યા. પરમાનંદના અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો. પરમાનંદની અવિરત વાણી સરોવરના શાંત જળમાં વહેતી હોડીની જેમ આગળ વધી રહી હતી. કથાકાર હોવાને કારણે પરમાનંદની વાત કહેવાની રીત એટલી સરળ અને સચોટ હતી કે ઇશાનની નજર સમક્ષ જાણે કે પરમાનંદના ભૂતકાળના એ દિવસો ફિલ્મની પટ્ટીની જેમ પસાર થવા લાગ્યા હતા.
રમાબેન સાથે પરમ સુરત શિફ્ટ થયો ત્યારે પરમની ઉમર ૧૫ વર્ષની હતી અને રમાબેનની ૩૬ ની હતી. શેઠ અને શેઠાણી મા દીકરા પ્રત્યે અનહદ લાગણી ધરાવતા હતા તેથી જ તેમની સાથે સુરત લઇ ગયા હતા. એકાદ વર્ષ બાદ પરમના જીવનમાં ગંભીર વળાંક આવ્યો હતો. શેઠનો નાનો ભાઈ રણજીત કેનેડાથી પાંચેક દિવસ માટે સુરત આવ્યો હતો. શેઠના બંગલે જ તેનો ઉતારો હતો. રણજીત આવ્યો ત્યારથી તેની નજર રમાબેન પર બગડી હતી. રણજીતના જવાના એક દિવસ પહેલાં જ શેઠ શેઠાણીને લૌકિક કામ માટે વડોદરા જવાનું થયું હતું. પરમ સ્કૂલે ગયો ત્યારે અચાનક રણજીત બંગલાના પ્રાંગણમાં જ બનવવામાં આવેલ સર્વન્ટ ક્વાર્ટર્સમાં રમાબેન પાસે લાલચુ નજર સાથે આવી પહોંચ્યો હતો.
ભગવાને કોઈ પણ સ્ત્રીને પરપુરુષની નજર પારખવાની શક્તિ આપેલી જ હોય છે. રમાબેન તો પહેલા દિવસે જ રણજીતની લાલચુ નજરને પારખી ગયા હતા. રણજીતે રમાબેનને પટાવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા કે સ્વમાની રમાબેને તરત તેની ભાષાને કાબુમાં રાખવાની તાકીદ કરી હતી. વાસનાનો ભૂખ્યો રણજીત અચાનક રમાબેનને વળગી પડયો હતો. રણજીતનું બેહુદું વર્તન અત્યંત ધાર્મિક જીવન જીવતા વિધવા રમાબેનની સફેદ સાડી પર જ નહિ પણ ચારિત્ર્ય પર પણ ડાઘ સમાન હતું જે રમાબેનથી સહન થયું નહીં. તેમણે રણજીતને લાફો મારી દીધો. પહેલવાન જેવું શરીર સૌષ્ઠવ ધરાવતા રણજીતે રમાબેન પર બળજબરી કરી અને પોતાનું ધાર્યું કરીને જ રહ્યો. વળી જતાં જતાં ધમકી પણ આપતો ગયો કે જો કોઈને આ વાતની ખબર પડશે તો તે સુરતના લોકલ ગુંડાઓને મા દીકરાની સોપારી આપી દેશે. રમાબેન ગભરાઈ ગયા હતા. કોઇપણ સ્ત્રી માટે તેનું શિયળ જ તેનું આત્મસન્માન હોય છે. રણજીતે કરેલા રેપનો માનસિક આઘાત ખૂબ જ ઉંડો હતો. આખરે રમાબેને ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. સાંજે પરમ સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે રમાબેનના અંતિમ શ્વાસ ચાલતા હતા. રમાબેનના અસ્તવ્યસ્ત કપડાં જોઇને પરમને કંઈક અજુગતું થઇ ગયાનો ખ્યાલ આવી ગયો હતો. રમાબેને ત્રુટક ત્રુટક શબ્દોમાં બની ગયેલી બીનાની જાણકારી આપીને દીકરા પાસે વચન માંગ્યું કે “પરમ, તું બદલો લેવા જઈશ તો પણ તને તારી મા તો ક્યારેય પાછી નહિ જ મળે ... તું મને વચન આપ કે અત્યારે જ ગામ છોડીને અહીંથી જતો રહીશ અને જીવીશ ત્યાં સુધી આ ગામમાં ક્યારેય પગ નહિ મૂકે”. આખરે રડતી આંખે પરમે મરતી માતાને વચન આપ્યું હતું. રમાબેને તે ક્ષણે જ દેહ છોડી દીધો હતો. રમાબેનનો ધ્યેય એટલો જ હતો કે એક વાર દીકરો ગામ છોડી દેશે તો તેનું જીવન તેની રીતે જીવી શકશે. અહીં હવે શેઠ શેઠાણીની દયા પર જીવવાનો હવે કોઈ મતલબ પણ નહોતો. સોળ વર્ષના પરમના મનમાં તે દિવસથી જ સેક્સ પ્રત્યે નફરત જાગી હતી. પરમને ઘણા મનોમંથન બાદ લાગ્યું હતું કે જે વૃતિ વિકાર બનીને માણસને હેવાન બનાવી શકે તેવી વૃત્તિનો જ ત્યાગ શા માટે ન કરી દેવો ? પરમે મનોમન આજીવન બ્રહ્મચારી રહેવાનું નક્કી કરી લીધું... જો સંસાર ભોગવવો જ ન હોય તો પછી સાધુત્વ તરફ શા માટે ન જવું ? બસ મનમાં આ જ વિચારધારાને લઇને પરમે સુરતના રેલ્વે સ્ટેશન પરથી કાશી એટલેકે બનારસની વાટ પકડી લીધી હતી. ટ્રેન બદલતાં બદલતાં ત્રીજે દિવસે પરમ બનારસ પહોંચી ગયો હતો. પરમનું બનારસ જવાનું મુખ્ય કારણ એટલું જ હતું કે ગંગાકિનારાની પવિત્ર જગ્યાએ કદાચ કોઈ ગુરુ મળી જાય તો વિધિવત સન્યાસ લઇ શકાય. ગંગાકિનારે જ પરમનો પરિચય બનારસ યુનીવર્સીટીમાં સંસ્કૃત ભણાવતા શાસ્ત્રીજી સાથે થયો હતો. સત્તર વર્ષનો દેખાવડો પરમ પ્રથમ નજરે જ શાસ્ત્રીજીના મનમાં વસી ગયો હતો. ઔપચારિક વાતચીત દરમ્યાન જયારે શાસ્ત્રીજીને ખબર પડી કે પરમે આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત રાખ્યું છે ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
“કિશોર, તું ગુરુની શોધમાં નીકળ્યો છે પણ ગુરુ એમ કાઈ રસ્તામાં રેઢા થોડા પડયા હોય કે તરત મળી જાય? “શાસ્ત્રીજી, આપના મત મુજબ મારે શું કરવું જોઈએ?” “જો ભાઈ, પહેલાં જ્ઞાન મેળવ અહીં બનારસ યુનીવર્સીટી સંસ્કૃતની વિદ્યા માટે પ્રખ્યાત છે”.
“શાસ્ત્રીજી.. પણ મારી પાસે એટલી આર્થિક સગવડ જ નથી”. પરમે બંને હાથ જોડીને કહ્યું હતું. પરમનો નિર્દોષ ચહેરો અને મોટું કપાળ જોઇને શાસ્ત્રીજીના દિલમાં રામ વસ્યા હતા. તેમણે તેમની લાગવગના જોરે પરમને બનારસ યુનીવર્સીટીમાં એડમીશનની સાથે શિષ્યવૃત્તિ નો પ્રબંધ પણ કરાવી દીધો હતો. પરમ ત્યાંના ગુરુકુળમાં રહે તો ખર્ચ વધારે થાય તેથી શાસ્ત્રીજી પરમને પોતાના ઘરે જ લઇ આવ્યા હતા. ડેલીબંધ મકાનમાં શાસ્ત્રીજીનું બે રૂમ, રસોડું અને ફળિયાવાળું સ્વતંત્ર મકાન હતું. ડેલીમાં પ્રવેશતાની સાથે જ ડાબા હાથે દસ બાય દસની એક ઓરડી હતી. પરમને તેમાં કાયમી ઉતારો મળી ગયો હતો. પરમ ચમત્કારમાં બિલકુલ માનતો નહોતો. જોકે ગંગાકિનારે શાસ્ત્રીજીનો અચાનક ભેટો થવો અને ભણવાની સાથે રહેવા જમવાની વ્યવસ્થા પણ થઇ જવાની ઘટનાને પરમ ચોક્કસ દૈવી ચમત્કાર માનવા લાગ્યો હતો.
વિધુર શાસ્ત્રીજીને એક દીકરી પણ હતી. નામ હતું સાવિત્રી. પરમ કરતાં સાવિત્રી ત્રણ વર્ષ મોટી હતી. શાસ્ત્રીજી ચૂસ્ત બ્રાહ્મણ હતા. પરમને રસોડામાં પ્રવેશવા પર પાબંદી હતી. શાસ્ત્રીજીના આગ્રહને કારણે પરમ તેમની સાથે જ ઓસરીમાં બંને ટંક જમવા બેસી જતો. થોડા દિવસોમાં જ પરમને સંસ્કૃતમાં શ્લોક બોલતો જોઇને શાસ્ત્રીજી મનોમન રાજી થતા કે .. યોગ્ય યુવાન જ ધર્મનું જ્ઞાન મેળવી રહ્યો છે.
બે વર્ષ બાદ પરમ ઓગણીસનો થયો હતો. પરમના સોહામણા વ્યક્તિત્વનું સૌથી પહેલું આકર્ષણ સાવિત્રીને જ થયું હતું. સાવિત્રી પ્રયત્ન કરતી તો પણ પરમના ચહેરા પરથી નજર હટાવી શકતી નહોતી. સાવિત્રી રસોઈ કરતી વખતે રસોડાની બારીમાંથી બરોબર સામે જ પરમની ઓરડી હતી ત્યાં સતત તાકી રહેતી. પરમ સાવિત્રીના વર્તનને કારણે સાવચેત થઇ ગયો હતો. તેની મંઝીલ તો અખંડ બ્રહ્મચર્ય પાળીને સાચા તપસ્વી થવાની હતી. પરમ સાવિત્રી સાથે સલામત અંતર રાખતો હતો. આ બે વર્ષ માં તેણે સાવિત્રી સામે આંખ ઉંચી કરીને પણ જોયું નહોતું. અખંડ બ્રહ્મચર્યના પાલન માટે સ્ત્રી તો શું તેના પડછાયાથી પણ દૂર રહેવું જોઈએ તેવું દ્રઢ પણે માનનારો પરમ સાવીત્રીની જેમ જેમ અવગણના કરતો ગયો તેમ તેમ સાવિત્રીનું પરમ પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું હતું.
પરમાનંદની અસ્ખલિત વહેતી વાણીના પ્રવાહમાં ઇશાન પણ પરમના ફ્લેશબેકમાં તણાઈ ચૂક્યો હતો. અચાનક આશ્રમમાં લાઈટ ગઈ. અંધારામાં જ ઉભા થઇને પરમાનંદે ફાનસ સળગાવ્યું. ફાનસના પ્રકાશમાં ઇશાનને જાણેકે પરમનો કિશોર વયનો ચહેરો દેખાયો.
થોડી વાર મૌન રહીને પરમાનંદ બોલ્યા “ઇશાન, અચાનક એક દિવસ એવી ઘટના બની કે મને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઇ આવી”.
ક્રમશઃ