... અને હું એકલી Divyang Vegda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

... અને હું એકલી

આજે મારી ફ્રેન્ડના ઘરે અમે બધા બહુ સમય પછી મળ્યા એટલે કોઈ ઘરે જવાનું નામ નહતા લેતા. મમ્મીને ફોન કરીને કહી દીધું હતું કે જમીને જ આવીશ એટલે ચિંતા ના કરતા.

અમદાવાદમાં વેજલપુરથી મારું ઘર નરોડા ઘણું દૂર થાય પણ રાત્રે નવ-દસ વાગ્યા સુધી તો કોઈ વાંધો નહિ, પણ હવે દસ વાગવા આવેલા એટલે મને ચિંતા થવા લાગેલી. હું ક્યારની બધાને જવાનું કહેતી હતી પણ કોઈ જવા નહતા દેતા અને પાંચ મિનિટ - પાંચ મિનિટ એમ કરતાં-કરતાં બેસાડી રાખતા હતા, આખરે મમ્મીનો ફોન આવ્યો...

"યાર, હવે હું જાઉં છું મમ્મીનો ફોન આવી ગયો..." એમ બોલતાં હુ ઊભી થઈ ગઈ અને બહાર નીકળી ગઈ. જલ્દી-જલ્દી મારા એકટીવા ઉપર બેઠી. હું જોબથી સીધી ફ્રેંડના ઘરે આવેલી અને વેજલપુરથી નરોડાનો રસ્તો મેં જોયો નહતો એટલે મેં મોબાઈલ કાઢીને ગૂગલ મેપ ખોલ્યો.

"ચાલો વિશાલા સર્કલથી સીધો જ રસ્તો છે વાંધો નહિ" એમ મનમાં વિચારીને મેં મોબાઈલમાં હેન્ડ્સફ્રી લગાવીને, મારા કાનમાં ભરાવીને મોબાઈલ મારા ખિસ્સામાં મૂકી દીધો અને સૌથી નજીકનો રસ્તો હતો એ મેપમાં જોઈને ઘરે જવા નીકળી.

વિશાલા સર્કલથી નારોલ સર્કલ અને ત્યાંથી સીધો હાઇવે નરોડા જાય. હું વિશાલા પહોંચી અને મેપ મુજબ નારોલ સર્કલ જવા વળી. વિશાલા સુધી તો રસ્તો બહુ જ ટ્રાફિકવાળો હતો પણ વિશાલાથી નારોલ જવાનો રસ્તો સૂમસામ થઈ ગયો. હું પહેલા ક્યારેય આ રસ્તે ગઈ નહતી એટલે ખબર નહતી આ રસ્તા વિશે પણ મને રસ્તો જોઇને થોડી બીક લાગવા લાગેલી.

મને થયું કે થોડે આગળ હમણાં ભીડભાડ આવશે પણ જેમ આગળ જતી ગઈ તેમ વધુને વધુ શાંત અને સૂમસામ રસ્તો આવવા લાગ્યો. મારી આજુબાજુથી ટ્રક અને રિક્ષા જેવા વાહનો જ આવતા-જતા દેખાતા હતા. કોઈ બાઈક કે એકટીવા તો દેખાતું જ નહતું.

મને થોડીવાર માટે એવો પણ વિચાર કે અહીંથી જ પાછી વળી જાઉં અને મારી ફ્રેન્ડને જ ફોન કરીને બીજો સારો રસ્તો પૂછી લઉં પણ આવા રોડ ઉપર એકટીવા ઊભી પણ કેમની રહું? ઉભા રહેતા પણ બીક લાગે એવો રોડ હતો અને અંધારું પણ એવું કે કોઈ મારી નાંખે તો સવાર સુધી કોઈનું લાશ ઉપર ધ્યાન પણ ના જાય. તેમ છતાં થોડે આગળ જઈને એક જગ્યા ઉપર ફોન લગાવવા પૂરતી ઉભી રહી અને ફોન લગાવ્યો. હજુ રીંગ વાગી પણ નહતી કે એક માણસ સામેથી ચાલતો આવતો જોઈ મને બીક લાગી અને મેં તરત એકટીવાને ભગાવ્યુ અને રોડની વચ્ચે લઇ લીધું. મારી પાછળ એક બાઈક આવતું હતું એણે અચાનક બ્રેક મારવી પડી અને અમારો અકસ્માત થતાં-થતાં રહી ગયો.

બાઈકવાળો મારી સામે જોઇને આગળ જતો રહ્યો. મારા ધબકારા એકદમ વધી ગયેલા. હું એકદમ ડરી ગયેલી પણ મારે અત્યારે શાંત મગજથી કામ કરવાનું હતું એટલે પોતાની જાતને હિંમત આપતી-આપતી હું ફરી પાછી સ્વસ્થ થવાની કોશિષ કરીને એકટીવા ચલાવવા લાગી.

જે બાઈકવાળો મારી આગળ જતો રહેલો એણે થોડી બાઈક ધીમી પાડી એટલે એ મારાથી થોડે જ આગળ આવી ગયો હતો. જો હું આ જ ઝડપે એકટીવા ચાલવું તો એ મારી બાજુમાં આવી જાય એમ હતું એટલે મેં થોડી એકટીવા ધીમી પાડી એટલે એ મારાથી આગળ અને દૂર રહી શકે.

એટલામાં મેં મારી ફ્રેન્ડને ફોન લગાવેલો તે ચાલુ થઈ ગયો અને એનો અવાજ મને મારા કાનમાં ભરાવેલા હેન્ડ્સ ફ્રીમાં આવ્યો, "હા બોલ શું થયું?"

મેં ચાલુ એકટીવામાં વાત ચાલુ કરી, "યાર હું વિશાલા સર્કલથી નારોલ સર્કલવાળા રસ્તેથી ઘરે જાઉં છું પણ મને આ રસ્તા ઉપર બહુ બીક લાગે છે. હું શું કરું? પાછી આવી જાઉં કે વાંધો નહિ આવે?"

એ જોરથી બોલી, "અરે તું ગાંડી છે? તને ખબર નથી એ રસ્તા વિશે? ત્યાં તો ધોળા દિવસે પણ માણસો લુંટાઈ જાય છે અને તું આટલી રાત્રે એ રસ્તેથી ગઈ? તે રસ્તો નહતો જોયો તો મને પૂછાય નહિ?"

હું ડરીને બોલી, "યાર મેં તો ગૂગલ મેપમાં જોયું તો આ જ શોર્ટ રસ્તો હતો અને મોટો રસ્તો પણ હતો એટલે હું આવી ગઈ. મને શું ખબર આ રસ્તો આવો હશે! હવે શું કરું? મને બહુ બીક લાગે છે. એમાં પણ એક બાઈકવાળો મારી નજીક બાઇક ચલાવે છે."

એણે પૂછ્યું, "તું કેટલે પહોંચી છે? બ્રિજ ગયો કે બાકી છે?"

મેં કહ્યું, "ગયો થોડીવાર પહેલા જ."

એ ફરી અફસોસ કરતી હોય એમ બોલી, "યાર હવે તો યુ-ટર્ન પણ નહિ આવે અને તું અડધે તો પહોંચી ગઈ છે એટલે પાછા આવવાનો પણ કોઈ મતલબ નથી."

મેં ધીરેથી હિંમત કરતા કહ્યું, "સારું હવે હું સીધી જ જાઉં છું, તું ફોન ચાલુ રાખજે. આ બાઈકવાળો જોડે-જોડે આવે છે એટલે મને બીક લાગે છે. હું જેટલી ધીરી ચલાવું છું એટલી જ એ પણ ધીરી પાડે છે એટલે હું હવે એકદમ ઝડપથી ચલાવીને એની આગળ નીકળી જાઉં છું."

એમ બોલીને મેં એકદમ જ એકટીવા ભગાવ્યું અને એની આગળ નીકળી ગઈ. એનું સ્પોર્ટ્સ બાઈક હતું એટલે એને મારાથી આગળ જવું હોય તો જઈ શકતો હતો પણ એ મારી પાછળ-પાછળ એની બાઈક ચલાવતો હતો. હું ચલાવતી ગઈ અને એ પણ પાછળ-પાછળ આવતો ગયો. એમ કરતાં-કરતાં આખરે થોડી લાઈટો આવી, ટ્રાફિકવાળો રસ્તો આવ્યો, થોડી હોટલો દેખાઈ અને માણસોની અવરજવર દેખાઈ એટલે મને હાશકારો થયો. મેં મારી ફ્રેન્ડ સાથે ફોન ચાલુ હતો એ કટ કર્યો.

મેં સાઈડ ગ્લાસમાં જોયું તો બાઈકવાળો મારી પાછળ જ હતો. મેં એકટીવા ધીરી પાડી એટલે એ મારી બાજુમાંથી આગળ નીકળી ગયો. કદાચ હવે એની મેલી મુરાદ પૂરી થઈ શકે એમ નહતું એટલે જ.

મને થયું પણ હવે હું એને કેમ જવા દઉં? એને પાઠ તો ભણાવવો પડશે એમ વિચારીને મેં એકટીવાની ઝડપ વધારી અને એની પાસે લઈ ગઈ.

એનું બાઈક મારા એકટીવાની બાજુમાં આવ્યું એટલે મેં બૂમ પાડી, "એય ઉભી રાખ." એણે બાઈક ઉભુ રાખ્યું અને મેં એની જોડે એકટીવા ઉભુ રાખ્યું.

એની પાસે જઈને બોલી, "કેમ હવે જોડે ચલાવ ને! ડરી ગયો? હવે કેમ ભાગે છે? તારી જેવાને તો પોલીસના હવાલે કરી દેવા જોઈએ. બોલાવું પોલીસ?"

એણે હેલ્મેટ કાઢ્યું અને મારી આંખોમાં જોઇને બોલ્યો, "બહેન એક તો તમારી મદદ કરી અને તમે મને બદલામાં આવું બોલો છો? આ રોડ ઉપર છોકરાઓ પણ રાત્રે નીકળતા ડરે છે ત્યાં તમને અચાનક ભાગતા જોયા તો દયા આવી અને વિચાર્યું કે તમારી સાથે વાત નથી કરવી તમે વધારે ડરી જશો પણ નારોલ આવી જાય ત્યાં સુધી તમારી પાછળ-પાછળ ચલાવું. બીજી વખત આ રોડ ઉપરથી ક્યારેય રાત્રે એકલા નીકળતા નહિ."
એટલું બોલીને એણે હેલ્મેટ પહેર્યું અને બાઈક ચાલુ કરીને જતો રહ્યો.

હું નીચે જોઈ રહી અને કશું બોલી ના શકી. થેંક યુ પણ નહિ.