Love model books and stories free download online pdf in Gujarati

લવ મોડલ

"તો તું મને ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે એમ?" નૈનાએ પોતાના કાતિલ નૈનોથી વિશ્વને પૂછ્યું.


વિશ્વ ડર્યા વિના બોલ્યો, "હા કેમ? એમાં ગુસ્સાથી કેમ જુએ છે? આ કોઈ અસામાન્ય વાત છે? એક છોકરો એક છોકરીને આવું ના કહે?"


નૈના પણ બહુ આત્મવિશ્વાસવાળી હતી, બોલી, "એક છોકરો એક છોકરીને પ્રપોઝ કરે એ તો સામન્ય વાત છે પણ વગર જાણ્યે પ્રેમ થઈ જાય એ વાતમાં માલ નથી."


વિશ્વ હસીને બોલ્યો, "તો કોને પ્રેમ થયો છે? મેં ક્યાં કીધું હું તને પ્રેમ કરું છું? મેં તો કીધું હું તને ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું"


નૈના થોડી ગુસ્સે થઈને બોલી, "વોટ નોનસેન્સ, ગર્લફ્રેન્ડ બનાવવી છે અને વગર પ્રેમે? હું તને જેવીતેવી, ચાલુ છોકરી લાગુ છું?"


"અરે શાંત મેડમજી, શાંત. જેવીતેવી છોકરીઓ ગર્લફ્રેન્ડ બને અને સારી છોકરીઓ સીધી પ્રેમમાં પડે એમ? હું નથી માનતો કોઈ બે વ્યક્તિઓ એકબીજાને જાણ્યા વગર પ્રેમમાં પડી જાય. એક નજરમાં પ્રેમ થઈ જાય એ વાતને હું સાચી માનતો નથી." વિશ્વએ નૈનાને શાંત પડતા કહ્યું.


"તો પછી તું મને ગર્લફ્રેન્ડ બનાવવાનું કેમ કહે છે? પહેલા ઓળખાણ તો થવી જોઈએ ને?" નૈનાએ વિશ્વને સમજાવતા કહ્યું.


"એક્ઝેટલી, હું પણ એ જ તો કહું છું" વિશ્વ હસીને બોલ્યો.
નૈના કંઈ સમજી ના હોય એમ થોડીવાર વિશ્વ સામે જોઈ રહી.


વિશ્વ બોલ્યો, "ચાલો આપણી કોલેજની સામે આવેલા કોફીબારમાં બેસીને વાત કરીએ." એમ બોલીને વિશ્વએ સામે આવેલી કોફીબાર તરફ ઈશારો કર્યો.


નૈના થોડું હસીને બોલી, "અને હું તારી સાથે કોફીબારમાં કેમ આવું?"


"કેમ કે કોલેજના ગેટ આગળ ઉભા-ઉભા વાત કર્યા કરતા શાંતિથી ઠંડકમાં બેસીને કોફી પીતા-પીતા વાત કરીએ તો વધુ સારૂ. કોફી પણ પીવાશે અને વાત પણ થશે. એમ પણ હું તારી કોલેજનો જ છું એટલે સાવ અજાણ્યો પણ નથી." વિશ્વએ થોડો આગ્રહ કર્યો એટલે નૈના બોલી, "પણ કોઈ જુએ તો શું લાગે?"


"એટલો પણ ખરાબ નથી લાગતો કે જોડે બેસતા શરમ આવે." વિશ્વ એટલું બોલ્યો અને બંને હસી પડ્યા.

"તો તું વગર પ્રેમ કર્યે, વગર જાણ્યે, ગર્લફ્રેન્ડ બનાવવામાં માને છે એમ ને!" નૈનાએ બેસીને વાત ચાલુ કરી.


"હા. મારા ખ્યાલથી પ્રેમ છે કે નહિ એ તો રિલેશનમાં આવ્યા પછી ખબર પડે." સહજતાથી વિશ્વ બોલ્યો.


નૈના અચરજવાળા હાસ્ય સાથે બોલી, "પહેલા રીલેશનમાં આવી જવાનું પછી પ્રેમ કરવાનો એમ?"


નૈનાની આંખોમાં જોઇને થોડો નજીક આવીને વિશ્વ બોલ્યો, "હા એમ. તું ક્યારેક તો કોઈ સાથે થોડી લાગણીમાં આવી હોઈશ. તારા ખ્યાલથી તે પહેલા પ્રેમ કર્યો હશે અને પછી રિલેશનમાં આવી હોઈશ. રાઇટ?"


"હમમ.. બોલને તું." નૈના પોતાની અંગત વાત ના કરવા માંગતી હોય એમ બોલી.


વિશ્વ હસીને બોલ્યો, "તો જો એ પ્રેમ જ હતો તો પછી રિલેશન તૂટ્યો જ કેમ?"


નૈના થોડું વિચારીને બોલી, "કેમ કે રીલેશનમાં આવ્યા પછી અમુક વસ્તુઓ જાણવા મળે. કોઈ મતભેદ થાય અને ના પણ ફાવે."


આટલું બોલીને નૈના નીચે જોઇને કોફી પીવા લાગી, જાણે હારી ગઈ હોય એમ અને વિશ્વ એની સામે જોઇને હસી રહ્યો હતો.


થોડીવાર બંનેએ કોફી પીધી, પછી વિશ્વ બોલ્યો, "તો જો પહેલા જ જોઈ લઈએ કે એકબીજાને શું ગમે છે, કેવી આદતો છે, સ્વભાવ ફાવે એવો છે કે નહિ અને પાર્ટનર તરીકે ફાવશે કે નહિ તો કેવું રહે?"


"એવું જોવા માટે રિલેશનમાં આવી જવાનું? સાથે હરવા-ફરવાનું? અને બીજું?" નૈના કટાક્ષ કરતી હોય એમ બોલી.


"બસ બીજું કઈ નહિ કરવાનું. બસ મહેસૂસ કરવાનું કે આપણે પાર્ટનર છીએ. પ્લેટોનિક લવ જેવું જ યુ નો." વિશ્વ કોફી પીતા પીતા શાંતિથી બોલ્યો.


"અને પ્રેમ?" નૈનાએ વેધક રીતે સવાલ પૂછ્યો.
જવાબ પણ વેધક રીતે જ મળ્યો, "પ્રેમ કરવાનો ના હોય. એ તો થઈ જાય. એક નજરમાં જોઇને પ્રેમ ના થાય જોડે રહીને એકબીજાનું સારું ખરાબ બધું પસંદ આવે અને એની જ સાથે સ્વીકારે ત્યારે પ્રેમ થયો કહેવાય. જોઇને તો ખાલી વ્યક્તિ પસંદ આવે. હવે મારે ખાલી તને એટલું જ પૂછવાનું છે કે હું જોઇને પસંદ આવ્યો હોઉ તો પ્રેમ થવા સુધી રાહ જોઉં." એટલું બોલીને છેલ્લી ચૂસકી મારીને વિશ્વે કપ મૂક્યો.


નૈના પણ કપ મૂકીને ઉભી થઇ અને બોલી, "કાલે મારા માટે આટલા વાગ્યે આ જ ટેબલ ઉપર બેસજે. મને પ્લાન કરીને પ્રેમ કરવો પસંદ નથી. પણ આપણે બેસીશું"


આટલું બોલીને નૈના વિશ્વને હ્રદયનો હુમલો આવી જાય હાસ્યનું તીર છોડીને જતી રહી અને વિશ્વ જાણે હાથપગ કામ કરતા બંધ થઈ ગયા હોય એમ સ્થિર થઈ એને જતી જોતો જ રહ્યો.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો