ભાગ -6
મોગલ બાદશાહ શાહજહાના ધુળિયા નગર અમદાવાદમા બઘુ સમુસુતરૂ ચાલી રહ્યુ હતુ. એક સમયના કોમી રમખાણોના જન્મસ્થાન ગણાતા દરિયાપુર અને તેની ચાલી પોપટીયા વાડમાં પણ દરેક કોમના લોકો બે રોક-ટોક સંપી જુટીને વ્યાપાર કરતા હતા. લતીફના એન્કાઉન્ટર અને બાબરી-ધ્વંશમાં ડહોળાયેલી શાંતિ તેમજ તે ઘટના પછી થયેલ કોમી રમખાણોના અજંપામાંથી શહેર સંન્યાસ લઇ ચુક્યુ હતુ. છાશવારે કરફ્યુ શબ્દથી ટેવાયેલું અમદાવાદ એકવાર ફરીથી મોદી શાસનમાં શાતિના પાટે ચડી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યુ હતુ. ગોધરા કાંડને પણ વિત્યે 9-10 વર્ષ જેટલો સમય થઇ જતા લગભગ તેને ભુલવાની અણી પર આવેલા શહેરનું રાજકીય ચિત્ર પણ બદલાઇ ચુક્યુ હતુ. કોટ વિસ્તારમાં અમૃતલાલ પારેખની પોળથી લઇ નાગરવાડા સુધીની 173 પોળોમાં રહેતા હિન્દુ-મુસ્લિમ લોકો કોમવાદી સમીકરણોથી ઉપર ઉઠીને સદભાવનાની કેડી કંડારતા આગળ વધી રહ્યા હતા. દર વર્ષે યોજાતી જમાલપુરથી મોસાળ સરસપુર સુધીની ભગવાન જગન્નાથપુરીની રથયાત્રા અને ઝોહરની નમાજ પછી નીકળતા તાજીયાના જુલુસ પણ કોઇ અનિચ્છનીય બનાવ વગર સારી રીતે સંપન્ન થતા હતા. અમારા એરટેલના કોલ સેન્ટરમાં પણ હિન્દુ-મુસ્લિમ છોકરા છોકરીઓ બહોળી સંખ્યામાં હતા. સૌ એકબીજા સાથે હળી મળીને રહેવામાં માનતા અને વારે-તહેવારે ઓફિસમાં જ એકબીજાના ધાર્મિક તહેવારની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ પણ લેતા.
અમદાવાદમાં મોટે ભાગે રીક્ષા ચાલકોમાં મુસ્લિમ લોકો વધારે હોય છે ! ચાયની કીટલીઓ અને પાન સોપારીના પાર્લરો ઉપર જય ગોગા કે વડવાળા નામ લખેલા જોવા મળે એટલે એના પર રબારી લોકો આધિપત્ય ભોગવતા તેમજ શહેર અંદરના લોકલ ધાબાઓ-લોજો ઉપર મારવાડી બેનર જોવા મળે ! ઠેક-ઠેકાણે AMTS ની બસોના પાંચ છ જણ બેસી શકે એવા સ્ટેન્ડ બનાવેલા અને દરેક સ્ટેન્ડ પર જુદા જુદા વિસ્તારો તરફ જતી બસોના સમય સાથેના નંબર પણ લખેલા હોય ! આશ્રમ રોડ અને એસ.જી. હાઇવે સવારથી લઇ મોડી રાત સુધી વાહનોથી કીડીયારાની જેમ ઉભરાતા. રજાના દિવસોમાં લાલદરવાજા અને પાલિકાના બજારોમાં પણ પડે એના કટકા હોય ! અમદાવાદ દિવસે ને દિવસે ચારેય દિશાઓમાં વિસ્તરતુ જતુ હતુ જેના અમે તાજના સાક્ષી બન્યા હતા.
ગુજરાત અથવા તો ગુજરાત બહારના પ્રદેશોમાંથી પેટીયુ રળવા આવતા શ્રમિકો-પરપ્રાંતિયોને અમદાવાદમાં કહેવત મુજબ "રોટલો મળે પણ ઓટલો ન મળે" સમજી ચુકેલા કેટલાક લોકોએ પોતાના રહેવા ઉપરાંત બાકી વધેલી જમીનમાં પણ નાની ઓરડીઓ બનાવી આવા લોકોને સહારો આપવાનું ઉત્તમ કાર્ય કર્યુ છે. અમને રહેવા માટે ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં ભાડેથી ઓરડી મળી હતી તે એપાર્ટમેન્ટમા લગભગ બત્રીસેક ઓરડીઓ હતી. બહુ ઓછા ભાડેથી અપાતી આ ઓરડીઓ મોટે ભાગે શહેરમાં મજુરી અર્થે આવતા તેમજ ઓછી આવક ધરાવતા પરપ્રાંતીય ભૈયાજીઓને ભાડે આપવામાં આવતી. ઠેર-ઠેર ગંદકી અને મુંબઇની ધારાવીને યાદ અપાવે તેવી આખા વિસ્તારની રોનક ! આથમણી દિશામાં પાટણવાડીયા રબારીઓના ઘર અને ઉગમણે નાના મોટા ધંધા કરતા વેપારી વરણનો પણ ખાસ્સો વસવાટ ! આ એપાર્ટમેન્ટની એરડીઓ પણ એટલી નાની કે માંડ બે જણ સારી રીતે રહી શકે. બિલકુલ નાની ઓરડીઓમાં એક નાનકડી દિવાલ ચણીને ન્હાવા માટેની ચોકડી પણ અંદર જ બનાવેલી. એપાર્ટમેન્ટની બત્રીસે ઓરડીઓ માટે બહારના ભાગે બે સમુહ શૌચાલયની સગવડ, જેમાં સવારથી લઇને બપોર સુધી હાથમાં ડોલ લઇને ઉભેલા લોકો અચુક નજરે પડતા !બિલકુલ નાના આકારની ઓરડીમાં અમે ત્રણ જણ સાથે રહીએ! એમાંથી હું અને અન્ના (અરવિંદ ગોહિલ જેને અમે અન્ના કહેતા) તો છ ફુટ કરતા પણ વધારે લાંબા !! સુવા જઇએ તો એક દિવાલ પાસે માથુ અને બીજી દિવાલે પગ અડી જાય એટલી સંકડાશ ! રાતે ઉંઘમાં વારે ઘડીએ એકબીજા પર પગ આવી જાય તો જગાડી-જગાડીને પોતાના પગને પોતાની પથારીમાં જ રાખવા તાકીદ પણ કરવી પડતી ! અમારી ઓરડીની આજુ બાજુની ઓરડીઓમાં રહેતા હિન્દી ભાષી પડોશીઓ પોતાને બચ્ચન પરિવારના પાડોશી કહી અમારી મશ્કરી કરીને ટેશડો પણ લેતા ! સવારે એપાર્ટમેન્ટ વાળા સૌ શૌચાલય આગળ લાઇનો લગાવે એ પહેલા જાગી જઇને નિત્યક્રમ પતાવી અમે નિરાંત અનુભવતા !
નોકરીના શરૂઆતી સમયગાળામાં અમને અઠવાડીયાના છેલ્લા દિવસે રજા આપવામાં આવતી. આવા જ એક રજાના દિવસ રવિવારે કંપનીએ આપેલો ટાર્ગેટ અધુરો હોવાથી તમામ કર્મચારીઓને ઓફિસ પર આવવા કોલ સેન્ટરના હેડ ડિપાર્ટમેન્ટે મેસેજ કર્યો ! વર્ક ડેટા હજુ સુધી મેઇન ઓફિસથી આવ્યો ન હતો એટલે બધા નવરા બેસી અલક-મલકની વાતો કરી રહ્યા હતા. બધા પોત-પોતાના સ્થાન પર બેસી રજાના દિવસે પણ કંપનીવાળા ગધ્ધા-મજુરી કરાવતા હોવાનો બળાપો એક બીજાને કાનફુશી કરીને કાઢી રહ્યા હતા.હું બેઠો હતો એની સામેની બાજુએ બેઠેલો સાહીલખાન પઠાણ રોજની આદત પ્રમાણે જમાલપુરી બાવા હિન્દીમાં રાતે રીક્ષા ચલાવવા જાય ત્યારે પોલીસવાળા મામુઓ સાથેની મિત્રતાનું વડપણ લેતો પોતાની મોટા માણસો સાથેની બેઠકનું પ્રમાણ આપ્યે જતો હતો. બે ખુરશી છોડીને બેઠેલી બે મરાઠી છોકરીઓ મુંબઇમાં બાલા સાહેબની જમાવટની વણથંભી વાતોથી વાતાવરણને કોલાહલ વાળું બનાવી રહી હતી. પ્રવેશદ્વાર પાસે આવેલ ટીમલીડરના ડેસ્ક પર ટીમ લીડર યાશીન ખેડાવાલા એના ડેસ્કની એકદમ બાજુએ બેસતી રેશમા શેખ સાથે વાતોના તડાકા ઉડાડતો હતો.! રેશમા એ અમારા કોલ સેન્ટરમાં સૌથી વધારે દેખાવડી છોકરી હતી. એ વખતે લગભગ તમામ છોકરાઓ રેશમા પોતાના બ્લોકમાં બેસે એમ મનો-મન ઇચ્છુક રહેતા અને રેશમા પણ વિનમ્ર ભાવે ક્યારેક કયારેક આવા આમંત્રણો સ્વીકારી સહકર્મચારીઓ નાખુશ ન થાય એની ખાસ તકેદારી પણ રાખતી ! જો કે, એવો લાભ ક્યારેય અમને કે અમારા બ્લોકને મળ્યો ન હતો ! ટીમ લીડરના ચેમ્બરની હરોળમાં ત્રીજી ખુરશીએ બેઠેલો મારો રૂમ પાર્ટનર અન્ના (અરવિંદ) પોતાની રોજીંદી આદત પ્રમાણે ખભા પર હેડફોન નાંખી એક પગ ખુરશી પર રાખી નવી આવેલી મુછોના આંકડા ચડાવી રહ્યો છે ! સામે ઉભેલો ટીમ લીડર વાંરવાર અન્નાને ખુરશીથી પગ નીચે રાખવા અને વ્યવસ્થિત બેસવા માથા ઝુડી રહ્યો હતો પણ આદતથી મજબુર અન્ના ઉપર તેની ભાષા બેઅસર લાગી રહી હતી.
હું જ્યાં બેઠો હતો એની એકદમ બાજુની ખુરશી પર બેઠેલી નર્મદાએ પોતાના વાળને ખુલ્લા મુકીને મારી સાથે ધીમી ચર્ચાનો દોર આરંભ્યો હતો. હું ક્યાનો છુ અને કેટલુ ભણેલો છુ થી માંડીને ઘરના ધંધાથી પશુપાલનના વ્યવસાયમાં મળતા વળતર સુધીની ચર્ચા કરીને મને માપી રહી હતી ! હું એની વાતોના મોહ-પાશથી આનંદિત થતો મનોમન હરખાતો હરખાતો ક્યારેય કોઇ છોકરી સાથે એકાંતમાં ન કરેલી વાતોનો વ્યાજ સહીતનું વળતર વાળી રહ્યો હતો. વાત-વાતમાં નર્મદાએ મને પુછ્યુ, "પૈસા કેટલાક પડ્યા છે તારી પાસે?'' એની વાત સાંભળતા જ હું મારા મનની આનંદિત અવસ્થામાંથી અચાનક ઝબકીને જાગ્યો. નરસિંહ મહેતા જેમ ભજન ગાતા-ગાતા તલ્લીન થઇ જતા એમ હું પણ નર્મદાની વાતોના શૃંગાર રસથી તરબોળ હતો ત્યાં જ એના "કેટલા પૈસા પડ્યા છે તારી પાસે" ના ત્રણ શબ્દોના વેધક સવાલે મને શુગાર અવસ્થામાંથી બહાર કાઢ્યો ! એનો સવાલ સાંભળતા જ મને ભાન થયુ કે મારી પાસે છેલ્લા ચાર દિવસથી ફુટી કોડી પણ નથી ! કોલ સેન્ટરમાં નોકરી શરૂ કર્યે પુરા બે મહિના થઇ ગયા હતા પણ ત્યાંનો હિસાબી વિભાગ અમારો પ્રથમ પગાર કરવાનું નામ લેતો ન હતો ! મારું ખિસ્સુ ખાલી હતુ. પણ છોકરીને પૈસા નથી એમ થોડુ કહેવાય ?? મારી પાસે તો કંઇ વધ્યુ ન હતુ અને રોજના ખર્ચા-પાણી અન્નાએ(અરવિંદ) એના મિત્ર પાસેથી ઉછીના મંગાવેલા પૈસામાંથી નીકળતા હતા!. પણ પૈસા માંગનાર છોકરી હતી અને મારી વાસ્તવિક સ્થિતિ એ કળી જાય તો એક છોકરી મારી આબરૂની કોડીની કિંમત કરી જાય ! મારૂ ખિસ્સુ ખાલીખમ્મ છે એવો કોઇ સંદેહ નર્મદા મારા પર કરે એ પહેલા મે વટ્ટભેર સામો સવાલ કર્યો ,"કેટલા જોઇએ છે?" એણે કહ્યુ "હું પર્સ ઘરે ભુલીને આવી છુ ,બસો રૂપિયા હશે તો ય ચાલશે" ! હું ઉભો થયો અને સીધો અન્ના પાસે ગયો. જઇને બસો રૂપિયા માંગ્યા અને તરત જ એણે પાકીટ કાઢીને આપી દીધા. મે જઇને નર્મદાને આપ્યા.
સાંજ પડી અને ઓફિસના કામથી પરવારી સૌ ઘર તરફ જવા નીકળ્યા. અમે ચાલતા-ચાલતા એચ.કે. કોલેજના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા. ઘાટલોડીયા પહોંચવા માટે અમને ત્રણેયને ત્યાંથી AMTS ની 34 નંબરની બસ મળતી ! બસ સ્ટેન્ડ પર પહોંચતા જ અન્નાએ મારી બાજુ લમણો વાળીને મને કહ્યુ "મારી પાસે છેલ્લા બસો રૂપિયા હતા એ તમને આપી દીધા ! હીતેશ પાસે પણ નથી તમારી પાસે કેટલા પડ્યા છે ?" મે કહ્યુ ,'મારી પાસે નહોતા એટલે જ મે તારી જોડે માંગ્યા!' મે માંડીને આખી વાત કરી ! છેલ્લા બસો રૂપિયા હતા એ નર્મદાના પર્સમાં જતા રહ્યા ! એક છોકરીને હું વટ-ખાતર મારી પાસે પૈસા નથી એમ કહી ના શક્યો એના લીધે અમને ત્રણેયને ખાધા વગર રાત કાઢવી પડશે એ પરિસ્થિતિ આવી ગઇ હતી ! બીજી વાત એ કે એ વખતે અમદાવાદમાં અમારી પાસે કોઇ એવું મિત્રવર્તુળ પણ ન હતુ કે જે કહેતા વેંત અમને પૈસા પહોચાડી શકે ! બસ સ્ટેન્ડની બાજુમાં દાબેલીની લારીવાળા નટુકાકા પાસે અમારો સારો એવો ઘરોબો બંધાયો હતો . તેની પાસે એક દિવસના વાયદે ત્રણેય જણાએ ઉધારમાં દાબેલી ખાધી. નટુકાકાની વાતો પરથી અમને ખ્યાલ આવ્યો કે નર્મદા વર્ષોથી નવા નિશાળીયાઓનું બુચ મારતી અને આજે એણે મને હલાલ કર્યો હતો. પસ્તાવાનો પાર ના રહ્યો ! પેલા બંન્ને જણ નર્મદાને મારફાડ બોલી રહ્યા હતા અને અન્નાએ તો કાલે સવારે જેવી એ ઓફિસ આવે તેવી તરત ઉઘરાણી કરવાની ધમકી પણ વહેતી કરી દીધી.ઘર સુધી પહોંચવા માટે ભાડાના પૈસા અમારી જોડે વધ્યા નહોતા અને નટુકાકા પાસેથી ઉધારમાં દાબેલી ખાતા એમની જોડે બીજા પૈસા માંગતા જીવ ના ચાલ્યો ! પગપાળા ચાલીને જ ચાણક્યપુરી સુધીનું સાતેક કિમીનું અંતર કાપવાનું લલાટે લખાઇ ચુક્યુ હતુ ! આમ તો રોજ બસથી અપડાઉન કરતા પણ આજે પગપાળા ઘરે જતી વખતે અમદાવાદને અમે બહું નજીકથી જ જોતા હોય એવું લાગતુ હતુ. સમી સાંજે નીકળેલા અમે ચાલતા ચાલતા રાત્રે મોડે ઘરે પહોંચ્યા ત્યારે અમારી ઓરડીની સામેના ઘરમાં ભાડેથી રહેતા મદનલાલ બિહારીના ઘરમાં વાગતા ડીવીડી પ્લેયરમાંથી ગીત સંભળાતુ હતુ "દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન !".
દિવસો પસાર થઇ રહ્યા હતા અને ત્રણેક મહિનાનો અમારો પગાર પણ કંપનીએ કરી આપ્યો હતો એટલે વ્યક્તિગત ખર્ચામાં પણ ખાસ કોઇ વાંધો આવે એવુ હતુ નહિ. એક સાંજે અમે બધા પોત-પોતાના કમ્પ્યુટર બંધ કરી ઓફિસથી નીકળતા હતા એવામાં અચાનક જ અમારી ટીમ લીડર નીશા વ્યાસે બધા કર્મચારીઓને બહારની લોબી પાસેના હોલમાં મીટીંગ રાખી હોવાથી ત્યાં જવાનું સુચન કર્યું. બધા હોલમાં ગોઠવાઇ ગયા પછી નિશાએ આવતી કાલથી બધાને નિયમિત સમય કરતા એક કલાક વહેલા એટલે કે 9 વાગ્યાથી ઓફિસ આવવા અને સાંજે એક કલાક મોડા એટલે કે પાંચ વાગ્યાને બદલે છ વાગ્યે ઓફિસ છોડવા માટેની સુચના આપી. અન્ના (અરવિંદ) અને નારાયણ મારવાડીએ ઉભા થઇને બે કલાક વધારે કામ કરવાની વાતનો વિરોધ કર્યો. નિશાએ આવતીકાલે મેનેજરને બોલાવી ચર્ચા કરવાનું કહી મીટીંગ પુરી કરી.
બીજા દિવસની સવાર પડી. એક જ મકાનમાં સાથે રહેતા અમે ત્રણેય જણ નિયમિત સમય પ્રમાણે દસ વાગ્યે ઓફિસ પહોંચ્યા. બીજા બધા કર્મચારીઓ ઓફિસ આવી ગયા હતા પણ ઓફિસના કંપાઉન્ડમાં જ સૌ અમારી રાહ જોવા ઉભા રહેલા. અમે પહોંચ્યા તો તરત જ નારાયણ મારવાડીએ ગઇ કાલે થયેલી સમય વધારાની વાતનો વિરોધ કરી જ્યાં સુધી સમય વધારાનો નવો નિર્ણય એચ.આર. ડિપાર્ટમેન્ટ પાછો ન લે ત્યાં સુધી ઓફિસ બહાર હડતાળ પર બેસવા સૌને અપીલ કરી. સૌ નારાયણની વાત સાથે સહમત થયા. આમ તો હાઇસ્કુલમાં ભણવામાં અમદાવાદના મિલ-મજુરોની ગાંધીજીએ કરાવેલી હડતાળ વિશે વાંચ્યુ હતુ એટલે હડતાળ શબ્દ અમારા માટે નવો ન હતો પણ વાસ્તવિક સ્થિતિમાં આજે હડતાળનો હું પ્રત્યક્ષ હિસ્સો બની રહ્યો હતો એનું મનોમન ગૌરવ અનુભવી રહ્યો હતો. બધા ઓફિસ બહાર બેઠા હતા એવામાં અમારી ટીમ લીડર નિશા વ્યાસ બહાર બેઠેલા ટોળા પાસે આવી સૌને ઓફિસમાં બેસવાની સુચના આપી. કોઇ ઉભા ન થતા આખરે એણે ચર્ચા કરી સમસ્યાનું સમાધાન કરવા માટે ઓફિસમાં બધાને આમંત્રિત કર્યા. ખાલી ચર્ચા કરવાની શરતે સૌ ઓફિસમાં ગયા. સૌ બેઠા એટલે નિશાએ કોને કોને સમય વધારાની વાતથી તકલીફ છે એનો વ્યક્તિગત મત લેવાનો શરૂ કર્યુ અને એની શરૂઆત હડતાળની આગેવાની કરી રહેલા નારાયણ મારવાડીથી કરી ! નારાયણે સૌ સાથે અગાઉ થયેલી સમજુતી પ્રમાણે કામ કરવાની ના પાડી દીધી. નિશાએ નારાયણને કેબીનની બહાર મોકલ્યો અને હજી પણ સમય વધારાના નિયમથી કોઇને વિરોધ હોય તો ઉભા થવા જણાવ્યુ. હું, અન્ના (અરવિંદ) અને હિતેશ ઉભા થયા અને બાકીના બધા બેસી રહ્યા. અમને ત્રણેયને પણ નારાયણની માફક કેબીન બહાર મોકલાયા. અમે ત્રણેય નારાયણ પાસે બહાર જઇને બેઠા પણ અમારા આવ્યા પછી બીજુ કોઇ બહાર ન આવ્યુ. ઓફિસમાં કામ ચાલુ થઇ ગયાનો અવાજ આવવા લાગ્યો. અંદર બેઠેલા બધાએ સમય વધારાની વાતનો સ્વીકાર કરી લીધો હતો !
થોડી વાર બહાર બેઠા પછી કંપનીના એચ.આર. મેનેજર સુશીલ શર્મા આવ્યા અને અમને ચારેય જણને અંદર બોલાવી અમારા હાથમાં કોરા કાગળ મુકી રાજીનામું લખી આપવા જણાવ્યુ. અમે જેમના માટે લડાઇ શરૂ કરી હતી તે લોકો જ અમારી સાથે ન હતા.આપણે બીજા માટે લડતા હોઇએ ત્યારે તે આસાન હોય છે પણ પોતાની લડાઇ કાયમ મુશ્કેલ હોય છે. મેનેજર સુશીલ શર્માએ વિરોધ બાજુએ રાખી કામ પર બેસી જવા માટે અમને ચારેય જણને એક છેલ્લો મોકો આપ્યો. અમારા ચાર પૈકીનો નારાયણ મારવાડી પરિણિત હતો અને આ નોકરીના પગાર પર જ ઘર ચલાવતો હતો એટલે અમે ત્રણેય જણાએ નારાયણને સમજાવી કામ પર બેસાડી દીધો. હું, અન્ના(અરવિંદ) અને હિતેશ અમારી માંગણી પર અડગ હતા. અન્નાએ મૌખિક વિરોધ કરી કંપની કામદારોનું શોષણ કરતી હોવાનો મેનેજર પર આક્ષેપ લગાવ્યો. મેનેજરે વચ્ચેનો રસ્તો કાઢી કામના વધારેલા બે કલાકનું કલાક દીઠ 10 રૂપિયા લેખે રોજના 20 રૂપિયાની ચુકવણી કરવાની ઓફર આપી પણ અમારી ત્રિપુટી સમય વધારો રદ કરવાની માંગણી પર અડગ રહી. આખરે મેનેજર સુશીલ શર્મા ગુસ્સે થયા અને અમને ત્રણેયને રાજીનામા આપી તાત્કાલીક ધોરણે ઓફિસ છોડવાની વાત કરી દીધી. અમેય કંઇ ઓછા ઉતરીયે એમ ન હતા. "તમારા પર કોઇ છાપ નથી મારી, નોકરીએ રાખવા વાળા આવા તો સત્તર મળી રહેશે" એમ કહી ઉંચા અવાજે બોલા ચાલી પર ઉતરી આવ્યા. વાત ગાળા ગાળી સુધી પહોંચી ગઇ. આખરે મેનેજર સુશીલ શર્માએ અમને રાજીનામા આપ્યા વગર જ ઓફિસમાંથી બરતરફ કર્યાની જાહેરાત કરી સિક્યુરીટી ગાર્ડ્સને બોલાવી અમને ઓફિસથી બહાર કઢાવી મુક્યા. (ક્રમશ :)