હું જેસંગ દેસાઈ ભાગ ૨ Jesung Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું જેસંગ દેસાઈ ભાગ ૨

ભાગ-2

મને યાદ છે, એ ઇ.સ. 2002 ના ફેબ્રુઆરી મહિનાની 29મી તારીખની રાત હતી.હું ત્યારે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ખેતાબાપા(મારા દાદાના નાના ભાઇ) નાં ઘરે સૌ નેસડાવાળા વિયાળું-પાણી કરીને પરશ કરવા ભેગા થયા હતા. ઉત્તર ગુજરાતમાં ખેડૂત કે માલધારી વર્ગ આખો દિવસ કામ કરી રાત્રે કોઈ એક જણના ઘરે વાતો કરવા કે કોઈ ચર્ચા કરવા માટે ભેગા થાય એને પરાશ કે પરશ કહેવાય. એમાં દિવસભરની દિનચર્યા સાથે સૌ નવી નવી વાતો લઈને આવે અને રાત્રે મોડે સુધી બેઠક કરે. આવી જ એક પરશ મળી હતી. શિયાળાની છેલ્લો મહા મહિનાની એ ઠંડીમાં બરફ જેવો ટાઢા હેમ જેવા વા'તા વાયરામાં ગોદડામાંથી હાથ બહાર કાઢો તો બરફ થઇ જાય એવી શિયાળાની એ રાત હતી.ધાબળીઓ ઓઢીને સૌ તાપણા પર હાથ રાખી ઠંડી ખંખેરતા ખંખેરતા વાતોના વડા કરતા હતા. એમાં અચાનક "ધડામ...ધડામ" કરતા બે ધડાકા થયા. એક તો શિયાળાની હાડ ધ્રુજાવતી ઠંડી અને એકદમ નીરવ શાંતિ પથરાયેલા વાતાવરણમાં થયેલા ધડાકાએ સૌને ચોંકાવી દીધા. અચાનક થયેલા ધડાકાને લઈને સૌ પોત પોતાની વાતોને રોકી અને કાન જે દિશામાંથી ધડાકા થયા એ બાજુ સરવા કર્યા. થોડી વાર સુધી તો કોઈ અવાજ ના આવ્યો તો કોઈ બોલ્યું કે સિંગલ થંભલાવાળી લાઈનમાં કોઈ ફોલ્ટ થયો હશે એનો અવાજ થયો હશે. ફરીથી સૌ પોત પોતાની વાતોના પાટા પર ચડી ગયું. વળી પાછો ફરીથી એ જ દિશામાંથી બીજા એક ધડાકાનો અવાજ આવ્યો અને સાથે સાથે થોડી રાડો અને ચિચિયારીઓનો અવાજ પણ આવવા માંડ્યો. બધા ઊઠીને ઘરની ડેલીની બહાર ગયા. અવાજ વાળી દિશા ગામ બાજુની હતી. એટલે એક વાત તો નક્કી થઈ કે આ કોલાહલ અને જે રાડો પાડવાનો અવાજ તથા જે ધડાકા થતા હતા તે ગામમાં જ થતા હતા.સૌ ચિંતિત થઈ ગયા. એ વખતે સંદેશા વ્યવહારના સાધનોમાં ટપાલ સિવાય કંઈ જ જોવા ના મળે. મોબાઇલ ફોન તો ઠીક પણ લેન્ડ લાઈન ફોન પણ ખેતરોમાં રહેતા કોઈના ઘરે ન હતા. અડધી રાત્રે ગામમાં એવું તો શું થયું હશે કે આમ અચાનક રડવાનો તો ક્યારેક બૂમાબૂમ અને ધડાકાનો અવાજ આવતો હશે! સૌ પોત પોતાની રીતે શું થયું હશે ? એના અંદાજિત કારણો આપવા લાગ્યા. કોઇએ આને મીઠા ગામવાળા અને તેરવાડાનાં ઠાકોરો લડ્યા હોવાનું તો કોઇએ એના આગળના વર્ષે આવેલા ભુકંપના ગેબી ધડાકા થયા હોવાના નિર્દોષભાવે અંદાજો આપ્યા પણ કોઈનું કારણ ગળે ઉતરે એવું ન હતું. કોઈને અંદાજ પણ ન હતો કે આજે જે થઈ રહ્યું હતું તે અગાઉ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય થયુ ન હતુ તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઇતિહાસ માં ! તે રાતના મોડે સુધી આવી ચીસો અને ધડાકાના અવાજો આવ્યા પણ જેમ જેમ રાત ગળતી જતી હતી એમ બધું ધીરે ધીરે શાંત થતું જતું હતું. આખરે સવાર પડ્યું.

બીજા દિવસની સવાર થઇ અને ગામમાં માતાજીના મંદિરે દિવા-બત્તી કરીને સીમમાં આવેલો માણસ ખબર લઇ આવ્યો કે, કાલે રાત્રે ગામમાં બજરંગ દળ વાળા આવ્યા હતા અને ગામમાં વસતા મુસલમાનોની દુકાનો સળગાવી. અમારા ગામમાં એ વખતે 1000 ઘર હશે જેમાં 700-800 ઘર હિન્દુ લોકોના અને દોઢસો એક ઘર મુસલમાનોનાં પણ ખરા ! એ વખતે કરિયાણાની મોટી દુકાન ઉમરભાઇ મેમણની હતી(જે હાલે પણ છે).ઉંમરભાઇ ગામના આબરૂદાર માણસ તેમને ઘરમાંથી બહાર કાઢીને તોફાની તત્વોએ માર માર્યો અને તેમની દુકાન સળગાવી સરેઆમ લુંટ ચલાવી.તથા જે ધડાકાનો અવાજ આવ્યો હતો તે મુળ પાટણ જોડે બાલીસણા ગામના પણ શિક્ષક તરીકે અમારા ગામમાં નોકરી કરતા શેખ સાહેબના ટ્રેક્ટરને સળગાવતા તેના ટાયરો ફાટ્યા હતા તેનો અવાજ હતો. ગામના વડીલો દિવસો સુધી ચિંતિત રહ્યા તેનું કારણ ગામમાં ક્યારેય અગાઉ ન થયેલ કોમી તોફાન હતુ.આજ દિવસ સુધી ગામમાં વસતા અઢારેય વરણનાં લોકો સંપી જુટીને રહેતા હતા. આ કોમી તાફોનો સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત 59 જેટલા કાર સેવકોને એક જ ડબ્બમાં ગોધરા સ્ટેશનનાં ફાટક પાસે કોમવાદી તત્વોએ જીવતા સળગાવતા થયેલ મૃત્યુ તથા તે પછી ગુજરાતમાં ચાલેલ કોમવાદી જુવાળનાં ફળ સ્વરૂપ હતા. થોડા અસામાજિક તત્વોએ કરેલી માનવહત્યાની સજા એક આખી કોમ ભોગવી રહી હતી. રોજ દિવસ ઉગે એટલે કોમી તોફાનોને લઇને કંઇક ને કંઇક નવા સમાચાર આવ્યે જ રાખતા.એ વખતે ગામના ચોરે ને ચૌટે અભણ હોય કે ભણેલ , યુવાન હોય કે વૃધ્ધ બસ સૌની જીભે એક જ વાત હોય કોમી તોફાનોની ! એમાં વાસ્તવિકતાઓ કરતા અફવાઓનું બજાર બહુ તેજીથી ચાલતું. એ વખતે અભણ માણસો પણ કોમી તોફાનો અંતર્ગત નરેન્દ્ર મોદીની ગતિવિધીઓનું બરાબર ધ્યાન રાખતા. એ જમાનામાં નરેન્દ્ મોદી મુખ્યમંત્રી જરૂર હતા પણ આટલા ભમ્મરીયા ભાલાવાળા ખાં'સાબ(મારો ઇશારો રાજકીય કદ પુરતો) ન હતા.એ વખતે ભણેલા માણસો વાતો કરતા કે આ તો મોદી સાહેબના નિવેદન "ક્રિયા થાય તો પ્રતિક્રિયા થાય જ" માટે થયેલ છે. તો કોઇ રાધનપુર હટાણું કરીને આવતું એ અફવા ફેલાવતું કે આજે રાધનપુરમાં શંકર ચૌધરીએ ઘાંચી વાસમાં જઇને ભર બજારે બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ. પણ જ્યારે જ્યારે ગોધરકાંડ વખતે મારા ગામમાં થયેલી કોમી તોફાનોને બહાને ગરીબ અને લાચાર લોકોની સંપત્તિની ઉઘાડી લુંટ અને સળગાવેલી દુકાનોની તબાહીનાં દ્રશ્યો મારી આંખ સામે આવે છે ત્યારે શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ જાય છે અને વિચાર આવે છે કે, માણસ આટલો ક્રુર કઇ રીતે હોઇ શકે ?

તે સમયમાં અમારા ગામમાં નવરાત્રી સમયે લગભગ ૫ જેટલી ગરબીઓ હોય એમાં કેસર ભવાની(ચેહરમાં) વાળી ગરબીનું વિશેષ મહત્વ હોય. જ્યારે આવા DJ નો જમાનો ન હતો ત્યારે જે કંઈ પણ હતું એ ગામડા ના કલાકારો પર નિર્ભર હતું. આજુબાજુના ગામવાળા લોકો પણ અમારા ગામમાં નવરાત્રી જોવા આવે કારણ કે જે તે વખતે આટલા બધા લોક કલાકારો નો'તા પણ અમારા ગામમાં વસતા બારોટ કોમના લોકોનો મુખ્ય વ્યવસાય આવી કલાકારીનો હોઈ અમારે તો ગામના ને ગામના જ કલાકારો હોય. એ જમાનામાં દ્વી ચક્રી વાહનો ભાગ્યે જ જોવા મળતા અથવા તો બિલકુલ નામશેષ હોઈ લોકો ગામ પર-ગામથી ચાલતા ગરબા જોવા અને માણવા આવતા. એમાંય સાતમ પછી છેક દશેરા સુધી નાટક અને ભવાઈના વેશો ભજવાતા હોય. જે તે સમયે ગામડાઓમાં ટેલીવિઝન અને મોબાઇલ કે ફિલ્મોનો જમાનો ન હતો ત્યારે ગામડાના લોકોને વર્ષમાં ક્યારેક જ આવું મનોરંજન જોવા મળતું. મનોરંજનના કલાકારો પણ એ વખતે ગામોગામ ફરતા.ખેડુતોનાં પાકનો મોલ જ્યારે ખેતરમાંથી ઘરે આવી જાય, ખેડૂતોને જ્યારે પાકની રોકડી થઈ જાય, કામ-કાજ માંથી ખેતીવાડી વાળા લોકો દિવાળી પછી નવરાં થાય અને મોસમ ખુશ મિજાજમાં હોય ત્યારે આવી ભવાઈ કરવાવાળા ની ટોળકી ગામમાં આવે. આવા ભવાઇના કલાકારોને કોઈ ગામમાં ઓછબીયા કહે તો કોઈ ગામમાં ભવાયાના નામથી ઓળખવામાં આવે.મને યાદ છે કે એક વખતે સાઇકલવાળા હિંદીભાષી કલાકારો પણ ગામમાં આવેલા.એમાં એક જણ તો જ્યારથી ગામમાં આવ્યા ત્યારથી એનું ખાવાનું, પીવાનું ને બધી ક્રિયાઓ સાયકલ પર જ કરતો. જ્યાં સુધી ગામમાં એમનો પડાવ હોય ત્યાં સુધી એ સાઇકલ પરથી નીચે ઉતરે જ નહિ અને બીજો જણ હોય એને લાકડાની પેટીમાં પુરી જમીનમાં દાટે. છેલ્લા દિવસે સાયકલવાળા ને સાયકલ પરથી ઉતારવા માટે દાનની જાહેરાત કરવામાં આવી. ગરીબ પણ દરિયા જેવડું દિલ ધરાવતા ઉદાર મનના એ ગામડીયાઓ ઉદાર મને એમની કલાની કદરરૂપે દાનની જાહેરાતો કરેલી. ક્યારેક ક્યારેક તો લોકો કલાકારો આ રીતે હેરાન થતા હોય એના પર પેટ પણ બાળતા ! જ્યારે ભવાયા કે ઓછબીયા ગામમાં રમવા માટે આવે ત્યારે એ ગામના પાદરે કે ચોરે રાતે ત્યાં લાઈટના અજવાળે ખુલ્લામાં નાટકો ભજવતાં. વાળું કરીને આબાલવૃદ્ધ સૌ નાટકો જોવા પહોંચી જતું.કલાકારો બધા પુરુષો જ હતા. એમાંના નાજુક બાંધાના છોકરાઓ સ્ત્રી પાત્રો ભજવતા. પણ ખબર જ ના પડે કે એ પુરુષ છે. નાટકોનાં કથાનકો મોટેભાગે સામાજીક અને ધાર્મીક રહેતાં. વચ્ચે વચ્ચે આવતી દ્વિઅર્થી બીભત્સ સહકારી સંવાદોમાં સૌને વધારે આવતી હોય. એમાં રંગલો અને એની વ્હાલી રંગલીનું પાત્ર પણ હોય જે મોટે ભાગે દ્વિઅર્થી સંવાદો દ્વારા આજુબાજુ બેઠેલા લોકો ની મશ્કરી કરતા હોય અને ક્યારેક ગુપ્ત બીભત્સ ભાષાનો પ્રયોગ કરી લોકોને શુધ્ધ સાથે સાથે બીભત્સ મનોરંજન આપવાનો પ્રયત્ન કરતા હોય. એમાં વળી માતાજીની આરતી પણ આવે અને એનો ચડાવો રૂપિયામાં બોલવામાં આવે. એમાં સૌથી વધારે પૈસા બોલનારની વળી ગામમાં VIP મા ગણતરી થાય.નાટક વચ્ચે આવતા ગીતોમાં જે જવાનીયાઓના નામ આવે એની જુવાનડીઓમાં ચર્ચાનો વિષય હોય. અમુક અમુક તો એવા જુવાનિયાઓ પાછળ લટ્ટુ પણ થઈ જતી. બહારગામથી આવેલા કલાકારોને વળી કોઈ ઘરે જમવા માટે તો કોઈ ચાય પાણી કરવા લઈ જાય.કેટલાક જવાન, રુપાળા કલાકારોની સામુહીક મોહીની ગજબની હતી. ગામની ઉગતી જવાન કુંવારીઓ તો ઠીક પણ પરણેતરો પણ એમનાથી મોહીત થઈ જતી અને પછી જે 'નાટકો' શરુ થતાં એની ચર્ચાઓ ઘેર ઘેર ચાલતી. કોઈ કોઈ રંગીલા કલાકારો તો 'કળા' કરીને ગામની સ્ત્રીઓને ભગાડી જઈ છુમંતર થઈ ગયાના દાખલાઓ પણ છે. પણ એવું ભાગ્યે જ બનતું.બોધદાયક નાટકો દ્વારા ગ્રામ્ય પ્રજાનું સંસ્કાર ઘડતર પણ થતું. અઠવાડીયું કે દસ દીવસ પછી મંડળી બીજે ગામ ઉપડી જતી ત્યારે દીવસો સુધી સુનું લાગતું. મંડળી નજીકના ગામે ગઈ હોય તો ગામના જવાનીયાઓ રોજ ત્યાં પણ ઉપડી જતા. એ કલાકારો બીજે ગામ જઈ રહ્યા હોય ત્યારે લોક ગળગળું થઈને પુછતું કે હવે પાછા ક્યારે આવશો ? એટલા આત્મીય સંબંધો બંધાઈ જતા એ લોકો સાથે !.ગયું એ બધું ! રહી ગઈ માત્ર એ સમયની આવી વાતો જ !

અગાઉના ભાગમાં આપને જણાવ્યુ તેમ મારો ધો.12 સુધીનો અભ્યાસ રાધનપુર ખાતે પુરો થયેલ. ધોરણ 12 ની HSC ની પરીક્ષાઓનું એ વેકેશન હતુ. ઉનાળાના સમય ગાળામાં હોળી-હુતાસણીના તહેવારો પુરા થાય પછી સામાન્યત: આપણે ત્યાં લગ્નની સીઝન પુર બહારમાં ખીલેલી હોય. જુના સમયમાં જ્યારે કંકોતરીઓનું ચલણ ઓછું હતુ ત્યારે અમારા સમાજમાં અત્યારે જેમ કંકોતરી વહેચી પોતાના સગા સંબંધી કે મિત્રોને લગ્નમાં આમંત્રિત કરવામાં આવે છે તેમ તે વખતે કંકુમાં પલાળેલા ચોખા વહેચવામાં આવતા.અત્યારની કંકોત્રીઓમાં એક ઉડીને આંખે વળગે તેવી બાબત ડિગ્રી સાથે ડિગ્રીના લગ્ન (જે ચિ. વર-વધુના નામની સાથે કૌસમાં લખવામાં આવે છે). અત્યારે પણ ગામડામાં કોઇના છોકરા કે છોકરીના લગ્ન હોય ત્યારે તેના માટે કંકોતરીઓ છાપવા આપે ત્યારે આગળની રાતે પોતાનાં આખા કુટુંબને ભેગુ કરી કોના-કોના નામ કંકોતરીમાં છાપવા તેની ગહન ચર્ચાઓ થાય છે. કાકા,બાપા, મામા,માસા એમ બધા સગા-સંબંધીઓના નામ છપાય એટલા લાંબા કાગળોવાળી કંકોતરીઓ પસંદગીનું કેન્દ્ર બને છે. એમાંય જો ભુલથી કોઇનું નામ રહી જાય કે વધારે પડતા નામ ભારણને લીધે પ્રિન્ટિંગ પ્રેસ વાળો ઓછા નામ રાખવા આજીજી કરે ત્યારે જેના નામનું પત્તુ કપાયુ હોય એ પ્રસંગમાં પણ હાજરી ન આપે એવા કિસ્સાઓ પણ બનતા હોય છે. આમ તો કંકોતરીઓમાં લખવામાં આવતો વહાલનો ટુહુકો બાળકો માટે (મારા કાકા/મામા/માસીના લગ્નમાં જરૂર જરૂરથી આવજો) હોય છે, પણ ક્યારેક કંકોતરીમાં વધારે પડતા નામો ન છાપી શકાય એમ હોય ત્યારે નાછુટકે ઉંમરલાયક લોકોના નામ ટહુકાઓમાં રાખી તેમને રાજી રાખવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. સાથે સાથે વર વધુના નામો જો જુનવાણી અથવા તો જુના જમાનાનાં હોય તો એને કેટલાક હોશિયાર લોકો દ્વારા તેવા નામને મળતા આવતા ફેશનેબલ નામોમાં ઢળવાનો બહુ ચતુરાઇથી પ્રયાસ કરવામાં આવે. પણ છતાંય આપણા લોકજીવનમાં જીવવાની એક અનેરી અને અકલ્પનીય મજા હોય છે. આપણા ટાણા પ્રસંગો આપણા માટે ઇજ્જતના સવાલ હોય છે. એને પૈસાથી નહી પણ મનના હરખથી ઉજવવાની પણ આપણી એક અલગ મજા હોય છે.આ આપણું ભાતીગળ લોકજીવન એ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને જાળવવી એ આપણી પરંપરા છે.ઇ.સ. 2007 માં મારા ધો. 12 ના વેકેશનમાં હું અમારા નજીકના સંબંધીના છોકરીનાં લગ્નમાં ગયેલ ત્યારે હાલનાં મારા મિત્ર જીવરાજ સાથે મારી મુલાકાત થયેલ.

જીવરાજ એ મારે મિત્ર જ નહિ પરંતુ મિત્રના રૂપે મને મળેલ એક પારસમણી સમાન છે. મારા લોહીના સંબંધો સિવાય પણ જ્યાં મારી લાગણીઓનું વધારે ચાલે એટલે આ મારી મિત્રતા. મારી અને જીવરાજની મિત્રતાની હું એક ટુંકી વ્યાખ્યા કરૂ તો અમે એકબીજાનાં જીવનનું પ્રતિબિંબ, અમારા અસ્તિત્વનો આધાર અને અમારા અંતરાત્માની અવાજ એટલે અમારી આ મિત્રતા. જે મારા શબ્દો કરતા પણ વધારે મારા મૌનને વધારે સમજે છે.સુખમાં ક્યારેક એ મારી સાથે નહી હોય પણ દુખમાં હંમેશા મારી સાથે અડીખમ ઉભો રહેલ વ્યક્તિ. મિત્રતા હંમેશા આપણા જીવનનો નશો હોય છે.ખાલીપાનો વસવસો જે હસતા હસતા દૂર કરે તે મિત્ર હોય છે.મિત્રતા આપણને નિખાલસતા આપે છે.જેવા છીએ તેવા જ રજુ થવું અને જેવા છીએ તેવા જ સ્વીકારી લે તેને જ સાચી મિત્રતા કહેવાય. મિસ્કીન સાહેબની એક ગઝલના શબ્દોને યાદ કરૂ તો "ઓરડામાં એક ચિત્ર હોય તો પુરતુ છે અને જીવનમાં એક સારો મિત્ર હોય તો પુરતું છે." એમ મિત્રતામાં હંમેશા પોતાના લાભ કરતા લુંટાવાને પ્રાથમિકતા અપાતી હોય છે. જાપાનમાં એક કહેવત છે કે, જ્યારે કોઇ વ્યક્તિ વિશે જાણવું હોય તો તેના મિત્રો તરફ નજર કરી લો. એ વ્યક્તિ કેવો છે એ તરત ખ્યાલ આવી જશે. (ક્રમશ:)