ભાગ-3
તે દિવસે જીવરાજના બહુ આગ્રહ પછી રાતે હું એના ઘરે રોકાયેલો. આમ તો વેકેશન હોય તો અમે બંન્ને એકબીજાને ઘરે ઘણીવાર રાત પણ રોકાતા, ક્યારેક એ મારા ઘરે તો ક્યારેક હું એના ઘરે. રાતે જમવાનું પતે એટલે બહાર ક્યાંક એકાંતમાં બેસી મોડે સુધી વાતોના તડાકા બોલાવતા. તે દિવસે પણ જમવાનું પત્યુ એટલે થોડું વોકીંગ અને થોડી ખાનગી વાતો પણ થાય એવા ઇરાદાથી અમે ચેહરમાંના મંદિર બાજુ પગે ચાલતા નીકળ્યા. લગભગ રાતના આઠ સાડા આઠ થઇ ગયા હશે. સુરજદેવ ધરતીની વિદાય લઇ પોતાનો રથ હંકારી રાણી રાંદલને ખોરડે ચાલી ગયા હતા. દુરથી આવતો માણસ માત્ર પડછાયો દેખાય એટલુ પાક્કુ અધારૂ થઇ ગયેલ. મંદિરથી ગામમાં આવવાના રસ્તે પહેલા બારોટવાસ પાસે હરિજન વાસ આવે અને એનાથી આગળ ચાલો એટલે ગામની લગભગ અડધો કિલોમીટરની બજાર આવે. ગામની વચ્ચોવચ મેમણોનો મહોલ્લો અને દખ્ખણ બાજુ ઠાકોરોનો મોટો વાસ. ગામની વચ્ચે જૈન દેરાસર અને તેની આજુબાજુ ગામનું લોકવરણ કે જેમાં લુહાણા, દરજી, સુથાર, બ્રાહ્મણ, જૈન, સોની એમ કુલ ત્રિસેક ઘર વસે. ગામની ચારેબાજુ કાચા ઝુંપડા ને માટીના મકાનો પણ ગામની વચાળે મુંબઇવાસી જૈનશ્રેષ્ઠી વાણીયાઓના પાક્કા હવેલીબંધ મકાનો જોઇએ તો ગામ નહી પણ શહેરમાં હોઇએ એવી અનુભુતિ થઇ આવે.તેને બિલકુલ અડીને આવેલ નવાબશાહી વખતની જુની કોર્ટ અને નવાબના મુસલમાન શાસકોના ખંડિત ઘરો હજુય પ્રજા પર વરતાવેલ કાળા કેરના કાળા ટિક્કા સમાન ખખડધજ હાલતમાં ઉભા છે. સૌની છેલ્લે આથમણે રબારીવાસ પાસે રાવળ પરિવારની વસતી. એકદમ નિરવ શાંતિ પ્રસરેલી. સાંજની અઝાનની નમાજના સુર પછી મસ્જિદમાં પાક મુસલમાનોને જમાતમાં ભેગા કરી મૌલવી અલ્લાહો અકબરની બાંગ પોકારી અલહમ્દાની આયાત પઢાવી રહ્યા હતા. ખેડુતો સૌ ખેતરેથી પાછા ફરી ખળામાં બળદોને બાંધી તેમની ભુખ ભાંગવા નિયાર (ચારો) કરી દીધેલ અને એને વાગોળતા વાગોળતા બળદિયાઓની ડોકે બાંધેલા મોડિયાની ટંકોરીઓનો ક્યાંક ક્યાંક મીઠો અવાજ રેલાતો. સીમમાં કોઇના ઘરે કબીરપંથી ભજનિકો"કુંપો ફૂટશે કાચનો, નહિ લાગે એને સાંધો કે રેણ" એમ ગાઇ ક્ષણિક જીવનને સારૂ જીવવા જાણે સમગ્ર સીમને સંદેશો આપી રહ્યા હતા. ક્યાંક બારોટના ઘરેથી રાવણહથ્થા નું મધુરૂ સંગીત ; તો કોઇના ખોરડે નવુ નવુ આણું તેડી લાવેલી નવોઢા તેના કંથને પોતાની સોડમાં સુવરાવતા સુવરાવતા આવેશમાં આવી ઢોલીયાના તડાકા સાથે બંગડીનો રસિલો રણકાર છતાંય જનમો જનમની ભુખ ભાંગતા કામેચ્છુ દંપત્તીનો ઉત્તેજક પણ માદક અવાજ પણ છુપો રહેતો ન હતો.ગામના પાદરમાં તંબુ તાણીને વસતા ચારમાસી વાગડના માલધારીઓ પોતાના ઘેટા બકરા પાસે ભાગોળે સુતા સુતા લાંબા રાગે કરાતી રેગડી અને કચ્છી માડુ(માણસો)ઓની કચ્છ દેશની કચ્છી ગાલ (વાત) પોતાની ચલમને છેડે દેવતા મુકીને સળગાવી બેઠા હતા.આવા સમયે આખા ગામની બજાર પાર કરી અમે ગામના બસ સ્ટેન્ડે પહોંચ્યા એકદમ નીરવ શાંતિ પ્રસરેલી હતી. ગામનું બસસ્ટેન્ડ આમ તો રાત્રિના સમયે એકદમ વસ્તી વગરનું હોય. સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી અને ચારેબાજુ ઘોર અંધકાર પથરાયેલ હતો. પેસેન્જર બાકડામાં દેશી કોથળી પી એક દારૂડીયો લવારા કરી ગામના સરપંચ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનોય એણે ઉધડો ઉપાડ્યો હતો. અમે એનો લવારો ના સંભળાય એટલે થોડા દુર જઇને બેઠા.પણ એ દારૂડીયાએ જેવા અમને જોયા એટલે બાકડામાં બેઠો થઇ ગયો અને સાથે-સાથે બોલવાની રીત અને તેવર પણ બદલાયા. તે અમારી લગોલગ આવી બેઠો અને અમને કીધુ, 'લુંટી ને લઇ ગ્યા આખા ગામને'. અમને બંન્નેને આશ્ચર્ય થયુ , એવુ તો અમે શુ લુંટી લીધુ ગામનું ??. જીવરાજે પુછ્યુ અલ્યા ભાઇ તુ કોની વાત કરે છે??. દારૂડીયો અંધારામાં પણ અમને ધારી ધારી જોવા લાગ્યો. એણે પુછ્યુ રબારી છો ?. અમે કીધુ હા. વળી એણે આડો અવળો લવારો ચાલુ કરી દીધો. એટલે અમે તેનાથી કંટાળી ત્યાંથી ઉભુ થવાનું કર્યુ ત્યાં એ બોલ્યો,"તમે તો નાના છોકરાઓ છો. તમને શુ ખબર તમારા બાપ દાદાઓએ અને અમને આ ગામમાં મુસલમાન દરબારોએ કેટલો ત્રાસ આપ્યો?. બાપ દાદાની વાત આવી એટલે થોડો અમનેય વાતમાં રસ પડ્યો. મે પણ વાત સાંભળવા જેવી લાગી એટલે ઢીલો હુંકાર ભણ્યો. એણે આગળ વાત ચાલુ રાખી. "અમે પે'લા આખું વરસ મહેનત કરી કરી ખેતરમાં મોલ ઉગાડતા ને બધુ આ મુસલમાન દરબારો આવી લઇ જતા. છોકરાને ખાવા જેટલુંય અનાજ ન રાખતા અને પૈસે ટકેય કાઇ રેવા ન દીધું આ દરબારોએ. "
એ માણસ ભલે નશામાં અડધુત હતો પણ મને લાગતું કે, આ માણસ નશો કરીને પણ પોતાની સચ્ચાઇ આલાપી રહ્યો હતો.ઉંમરલાયક માણસ હતો એણે દસકાઓ આ ગામમાં મજુરી કરી પેટીયુ રળ્યુ હતુ. એની વાત કરવાના અંદાજ પરથી ખ્યાલ આવતો હતો કે, ભલે એ દારૂડિયો હતો પણ બની શકે પરિસ્થિતેએ એને આવું કરવા માટે મજબુર કર્યો હોય તો ? એણે આઝાદીની આજુબાજુના સમયમાં જે તે નવાબના શાસકોએ પ્રજા પર કેટલો ત્રાસ આપેલો અને તેની કરૂણતા શુ હશે ? એની વેદનાને એ વાચા આપી રહ્યા હતા. અમે પણ કંઇક અંશે ગામ સાથે બંધાયેલી લાગણી તથા ગામના ઇતિહાસની કરૂણ વાતો માટે થઇને પણ નશામાં ચકચુર એ માણસની વાતો સાંભળી રહ્યા હતા. એકાંતનો રાજા બની બેઠેલો નશાવાળી હાલતમાં એ બોલ્યે જ જતો હતો,"આ મુસલમાન દરબારોએ તેમના મોજ શોખ પુરા કરવા તમામ નિત્તિમત્તાના ધોરણો નેવે મુકેલા અને અસહ્ય ત્રાસ તેરવાડા સ્ટેટ અને તેમના તાબામાં આવતા ગામોને આપેલો. પ્રજાને રીતસર ઉઘાડી કરીને લૂટતા પણ ખરા. કોઇ પણ વ્યક્તિને કોઇ પણ જાતના વાક-ગુના વગર જુલમ આપવો તેમના માટે એક આનંદની વાત ગણાતી. રોજે રોજ અવનવા નવાબી શોખ ધરાવતા આ નવાબી શાસકો તેમના તાબાની સત્તાના ગામોમાં વસતા લોકો ઉપર પોતાનો દબદબો યથાવત રાખવા વસતી ઉપર પારાવાર યાતનાઓ અને જુલમો આપતા સહેજે સંકોચ અનુભવતા નહી."
તેની વાતો પરથી ખ્યાલ આવતો હતો કે એ નિર્દયી શાસકોએ મારા ગામને કઇ રીતે લુંટ્યુ હતુ ! અહીંના શાસકો અહીંની પ્રજા ને માત્ર ગુલામ સમજી તેમની સાથે વર્તતા તથા જાનવર કરતા પણ બદતર જીવન જીવવા માટે લોક ને મજબૂર કરતા. જેમ દક્ષિણ આફ્રિકામાં ગિરમિટીયા (ગુલામી) ની પ્રથા હતી એમ અહી પણ જે તે શાસકો પ્રજાને તે જ રીતે લોકોના ઘર ખુલ્લેઆમ લૂંટતા તથા ક્યાંક ક્યાંક દાખલા એવા પણ છે કે માણસોને ઉપભોગ અર્થે રાજગઢી એ પણ લવાતા. માનવાધિકાર જેવા કાયદાનું જ્યારે નામોનિશાન ન હતું ત્યારે આ રાજવટ માં સજ્જનો શાંતિથી રહી શકતા નહિ અને શાસન સમર્થિત ત્રાસવાદ ચારેકોર ફેલાયેલ હતો. લોક આખું રોજ એક ભયના ઓથરા નીચે જીવવા મજબૂર હતું. હું આજે પણ જ્યારે ગામને છેડે આવેલી કબરો અથવા તેમના મહેલો જોઉ છુ ત્યારે હ્રદયમાંથી કમકમાટી ભરી એક કરૂણતા આવી જાય છે શુ શુ નથી સહન કર્યુ આ ગામના લોકોએ !
અમારૂ ગામ નગરતેરવાડા એક લોકવાયકા પ્રમાણે તેનું જુનુ નામ ત્રંબાવટી નગરી હતુ (જેનો આદ્યશક્તિની આરતીમાં પણ ત્રંબાવટી નગરીના નામે ઉલ્લેખ છે.) પહેલાનાં સમયમાં ત્ર્યંબાવટી નગરી પર વાઘેલા વંશનું રાજ હતુ. અને તેનો છેલ્લો રાજા ચંદનસિંહ વાઘેલા બહુ ધર્માળું અને પુણ્યશાળી આત્મા હતો. તે સમયે નેપાળ દેશનાં રાજાના રાજકુંવર શ્રી ઓગડનાથજી તેમના શિષ્ય ભિખારીનાથને સાથે રાખી ભારતવર્ષમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પુરા દેશમાં ભ્રમણ કરતા હતા. તેમના શિષ્ય ભિખારીનાથને તેઓએ સિધ્ધપુર મુકામે રાખી ધર્મના પ્રચાર અર્થે ઠેક ઠેકાણે ફરવા લાગ્યા. અચાનક તેઓ એક વખત હાલનું કાંકરેજ તાલુકાનું નગર તેરવાડા અને તે વખતના ત્ર્યંબાવટી નગરીના પાદરમાં આવી ચડ્યા. ત્ર્યંબાવટી નગરી તથા તેની આજુબાજુ વસતા લોકો ધર્મનાં બહુ અજ્ઞાની હતા. તેથી ઓગડનાથ મહારાજે તેમનો આશ્રમ ત્યાં જ બાંધી લોકોને ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. ઓગડનાથ મહારાજની ભક્તિ અને ધર્મ પ્રત્યેનો લગાવ જોઇ લોકો પણ તેમને સાંભળવા આવવા લાગ્યા. જોત-જોતામાં તેમની બહુ સારી ખ્યાતિ બંધાઇ ગઇ અને તે વાત ત્યાના રાજા ચંદનસિંહ વાઘેલાના કાને પણ ગઇ. રાજા બહું ધર્મપ્રિય અને માયાળું હતા. તેથી તેમણે ઓગડ મહારાજનાં દર્શેને જવાનું નક્કી કર્યુ. રાજાની સાથે તેમની બે દિકરીઓ સોનબાઇ અને ગંગાબાઇ પણ સંતના દર્શને ગઇ. ઓગડનાથની દિવ્ય પ્રતિમા જોઇ રાજા તેમનાથી પ્રભાવિત થઇ તેમના ચરણો પકડી આશીર્વાદ લીધા અને સાથે આવેલ બે કુંવરીઓએ પણ ચરણ સ્પર્શ કર્યા. બંન્ને કુવરીઓના હ્રદયમાં સાધુ પ્રત્યેની શ્રધ્ધા જામી ગઇ અને તેમને ગુરૂ તુલ્ય માનવા લાગી.તે દિવસથી ગંગાબાઇ અને સોનબાઇ તેમની સેવા કરવા લાગી તેમજ ગુરૂના અમૃતરસ સમાન ઉપદેશ લેવા માટે દરરોજ સાંજ સવારે નિયમિતપણે આશ્રમમાં આવવા લાગી. એ વખતે કોઇ હલકટ મનુષ્ય દ્વારા ગુરૂ અને શિષ્યાઓનાં સંબંધ વિશે ખરાબ અફવા ફેલાવી. આ વાત રાજાને કાને પણ ગઇ. રાજા શંકાશીલ બન્યો અને ઓગડનાથ મહારાજને આ વાતની ખબર પડતા તેમણે વાઘેલા વંશને શ્રાપ આપ્યો કે, "તેરવાડામાં વાઘેલાનો વંશ નહી રહે". રાજાને શ્રાપની ખબર પડતા તેઓ બહુ પશ્ચાતાપ કરવા લાગ્યા અને ઓગડનાથજીની માફી માંગવા માટે તેમના આશ્રમ પર આવ્યા, પણ ત્યાં સુધી બહુ મોડુ થઇ ચુક્યુ હતુ. ઓગડનાથજી આશ્રમ છોડી ચુક્યા હતા અને ઉત્તર દિશા તરફ તેઓ ગયા તેના કંકુના પગલા પડી રહ્યા હતા. ત્ર્યંબાવટી નગરીથી દુર જઇ તેની સીમમાં એક સરગુવાનું ઝાડ અને એક તલાવડી હતી ત્યાં સમાધી લગાવીને ધુણો ધખાવ્યો. આ બાજુ ગુરૂની શિષ્યાઓ ગંગાબાઇ અને સોનબાઇ ગુરૂના પગલે પગલે તેમને શોધવા નીકળી પડી અને તેમના ધુણા ઉપર આવી ચડી. તેમણે ગુરૂને પાછા આવવા માટે ખુબ આજીજી કરી પણ સાધુ માનવા તૈયાર ન થયા. તેમણે ગામને પણ શ્રાપ આપ્યો કે, "વાઘેલા કા વંશ નહી રહેગા,નગર કા જગર હોગા ઓર મુસલમાનો કા રાજ હોગા". બહુ વિનવ્યા પછી ઓગડ મહારાજે કીધુ કે મે શ્રાપ તો આપી દીધો હવે એમાં હું ફેરફાર ના કરી શકુ પણ તેમણે પુર્વ દિશા તરફ આંગળી બતાડી કહ્યુ કે, "આ સામે જે ગામ દેખાય ત્યાં જે વસવાટ કરશે તેની બહુ ચડતી થશે". ઓગડનાથ દ્વારા પુર્વ દિશામાં બતાવેલ ગામ એ આજનું દિયોદર અને વાઘેલા વંશના શાસકોએ બહુ લાંબા સમય સુધી દિયોદર પર શાસન કર્યુ હતુ. તેમજ તેરવાડા ગામમાં બાબી વંશના મુસલમાનોએ ચડાઇ કરી જીતી લીધુ.ગંગાબાઇ અને સોનબાઇએ ઓગડ મહારાજની આજ્ઞાને પગલે બહુ ધાર્મિક અને દાતા તરીકે જીવન જીવ્યા તથા તેમણે તે વખતે બે બ્રાહ્મણોને દાનમાં આપેલ ગામો શીરવાડા તથા ઉજ્જનવાડા, હાલે પણ બ્રાહ્મણોની બહુમતી ધરાવતા ગામો મોજુદ છે. તેમજ ગંગાબાઇ અને સોનબાઇની યાદી માટે ગામલોકો દ્વારા બંધાવેલ ગંગાજળીયો કુવો અને સોનસાગર તળાવ હજુ પણ એવાના એવા જ ઉપસ્થિત છે. ઇ.સ. 1996 થી ઇ.સ. 1998 સુધી ગુજરાત વિધાનસભાનાં સોળમાં અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળનાર શ્રી ગુમાનસિંહ વાઘેલા તે પોતે પણ મુળ આ વાઘેલા કુળના જ વંશજ અને હાલે દિયોદરમાં વસવાટ કરે છે. તથા જે ઓગડનાથ મહારાજ દ્વારા ગામથી દુર નવો આશ્રમ વસાવેલ તે હાલે પણ અમારા ગામનો સીમ વિસ્તાર કે જે થળી વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યાં તેમના દરબાર ગઢ સાથે હજુ પણ મોજુદ છે તથા દર પુનમે ત્યાં મેળો પણ ભરાય છે.
બીજી એક લોકવાયકા પ્રમાણે પાકિસ્તાન અને ગુજરાત બોર્ડર પર હાલાડી (હાલર) નામે ગામના એક રાજપુત રાજા શેખાવતસિંહ રાઠોડ કે જે ચામુંડા માતાજીના ભક્ત હતા.તેમના લગ્નને વર્ષો વીતી ગયા હોવા છતા તેમને શેર માટીની ખોટ હતી. આ ખોટને પુરી કરવા તેમણે ચામુંડા માતાજીની અસીમ ભક્તિ કરી અને માતાજી પ્રસન્ન થયા અને કીધુ કે તારા રાજદરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં પારણું બાંધજે હું સ્વયં નાની બાળકી બનીને પારણામાં આવીને તારી દીકરી બનીશ. જેમ માતાજીએ કીધુ તેમ કરતા માતાજી સ્વયંભુ એક બાળકી રૂપે ઝુલવા લાગ્યા જેનું નામ ચેહુબા પાડ્યુ. તેમજ રાજાને બીજી પણ બે દીકરીઓ અવતરી જેના નામ અનુક્રમે સોનબાઇ અને ગંગાબાઇ નામ પાડ્યા.ચેહુબા યુવાન થયા એટલે તે વખતના નગર તેરવાડાના વાઘેલા વંશના કુંવર સાથે લગ્ન કરાવ્યા. થોડા સમયમાં તેમના પતિનું અવસાન થતા ચેહુબા તેરવાડાનાં પાદરમાં એક યોગી ઓગડનાથ હતા તેમની સેવા પુજા કરવા લાગ્યા. તેમણે ચેહુબાને આધ્યાત્મિક અને તાંત્રિક પાઠ ભણાવ્યા. રાજપુતની દિકરી એક યોગીની સેવા પુજા તથા ભજન કિર્તન કરતી જોઇ દરબારી લોકોએ તેમને તેવુ કરવાની ના પાડી. પણ ચેહુબા ના માન્યા. આથી કુટુંબીજનોએ તેમને મારી નાખવાની યોજના બનાવી. તેમને વાવમાં ફેકી દીધા. પણ દેવીનો અવતાર હોવાથી પલળ્યા વગર એમને એમ જ બહાર આવ્યા. તથા દરબારી લોકોને તથા તેરવાડા ગામને શ્રાપ આપ્યો. તથા જે કુવામાં તેમને ફેકવામાં આવ્યા તે ગંગાજળીયો કુવો તેમનું પ્રાગટ્ય સ્થાન બન્યુ.(જે આજે પણ મજુદ છે તથા ચેહર માતાનાં મંદિરે જે શ્રધ્ધાળું દર્શન કરવા આવે છે તે પ્રથમ ગંગાજળીયા કુવાનાં દર્શન કરે છે.) પછી એમને લાગ્યુ કે હું કુવામાં બેસી રહીશ તો મને કોણ ઓળખશે તેવું વિચારી તેમણે મહેસાણા જિલ્લાનાં મરતોલી ગામે બેસણા કર્યા.
આમ તો બનાસકાંઠાનો ગમે તે યુગ-સમયનો ઇતિહાસ ઉપાડીને જોશો તો બનાસકાંઠો દરેક સમયે ભર્યો-ભાદર્યો બતાવવામાં આવેલ છે.અંગ્રેજ સમયમાં અડધો જિલ્લો મહીકાંઠા એજન્સીમાં હતો પણ બ્રિટિશ સમયે ઇ.સ. 1844 માં વહીવટી સરળતા ખાતર પાલનપુર એજન્સી બનાવીને તેમાં મુકેલ. આર્થિક રીતે ખેતી અને પશુપાલન પર આધારિત આ જ બનાસકાંઠો વીસમી સદીના અંતીમ ભાગમા તથા 21 મી સદીના શરૂઆતના સમયમાં કુદરતની કાળ થપાટે પાણીના નીચે ઉતરતા જતા સ્તરને લીધે દારૂણ ગરીબીમાં સપ઼ડાવા લાગ્યો. જ્યારે બનાસકાંઠા માં નર્મદા નદીની કેનાલ આવી ન હતી ત્યારે બનાસકાંઠા અને એમાંય ખાંસ કરીને કાંકરેજ, ભાભર-દિયોદર તથા વાવ-થરાદના ગામડાની હાલત અત્યંત કાફોડી હતી.સતત ખેતીલાયક પાણીની તંગી તથા પૃથ્વીના પોપડમાં પાણીના તળ સતત નીચે ઉતરતા હતા હતા. કદાચ એ વખતે અમારા ગામમાં તથા પુરા વઢીયાર વિસ્તારમાંથી ઘણા કુટુંબો સુરત કે મહેસાણામાં તબેલા ઉપર કે ક્યાંક નોકરી ધંધા અર્થે હિજરત પણ કરેલી કહું તો એમાં લગારેય ખોટું ન કહી શકાય. એ વખતના ગામડા અને તેનું વાતાવરણ તથા દેખાવ અત્યારે પણ કચ્છના અબડાસા, લખપતના ગામડાઓને જોઉં તો યાદ આવી જાય. અમારો વિસ્તાર છેકથી ખારા પાણીનો વિસ્તાર રહેલ. તળિયામાં ખારું પાણી હતું તો ખેડૂત બોર બનાવી લોખંડ ની કોલમ પાસવાની થાય પણ તળિયાની ખારાશ ને લીધે લગભગ દર વર્ષે તેને બદલાવી નવી નાખવાની થાય.અને આ જ પરિસ્થિતિ ને લીધે બનાસકાંઠાનો ખેડૂત પાયમાલ થઈ દેવાના બોજ તળે દબાતો જતો હતો અને થોડા ગામો ભાગી પડેલા તેમજ બીજા મોટા ભાગના ગામો તૂટી પડવાની તૈયારીમાં જ હતા. આ આર્થિક પાયમાલીની કુદરતી થપાટમાંથી અમારૂ ખાનદાન પણ ન બચી શક્યુ. એક સમય અમારા કુટુંબ માટે એવો પણ આવ્યો કે જ્યારે સામાજિક અને આર્થિક વ્યવહારો પણ સાચવવા મુશ્કેલ બન્યા. જ્યારે મે પી.ટી.સીમાં પ્રવેશ કર્યો ત્યારે તેની વાર્ષિક ફી ભરવાના રૂપિયા પણ વાણિયાને ત્યાં ઘરેણા મુકી લાવેલા એ હજુય મને યાદ છે. વ્યાજ ખાઉ વાણીયાઓ તેમનો વાર્ષિક હિસાબ ખેતરના ખળામાંથી પકવીને મુકેલો પાક તેમની પેઢીએ પહોંચે તેની હરાજી કરી, તેને વેચી હિસાબ કરે ત્યારે દર વર્ષે તેના ધિરાણનું વ્યાજ વાળતા અને મુડી અકબંધ ઉભી રહેતી, જેના પરિણામે દિન પ્રતિદિન અમારૂ જીવન બદતર થતુ જતુ હતુ. સમય તો એક સમય એવો પણ આવી ઉભો કે ખાલી દુધ વેચતા આવતી રકમથી ઘર ચલાવવાનો દિવસ આવ્યો. અત્યારે ભલે કેનાલ આવી એનાથી ખેતીમાં મોટાપાયે વિકાસ આ વિસ્તારમાં થયેલ છે.ખેતીના વિકાસના પરિણામે લોકોના જીવન ધોરણ ની ગુણવત્તા પણ ઊંચી છે.નર્મદા કેનાલ આવતા ખેતીમાં સુધાર આવ્યો અને બનાસકાંઠાની સુધરેલ હાલાત સમગ્ર ગુજરાતનાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી લઇને આવી. 2009 થી 2013-14 સુધી જે તેજી ચાલી એમાં મારી માન્યતા પ્રમાણે તેની હબ બનાસકાંઠા બન્યુ.તેમાં રીસ્ક લઇ રોડપતિ જમીન દલાલિયાઓ પણ કરોડપતિ થયાના દાખલા પણ છે. (ક્રમશ:)