ચકુડી, સવારનું “જીગર” ફિલ્મનું પેલું સોંગ જ યાદ આવ્યા કરે છે.
“પ્રેમ કે કાગજ પે, દિલ કી કલમ સે,
પહેલી બાર, પહેલી બાર,
મૈને ખત મહેબૂબ કે નામ લિખા”.
તને તો ખબર જ છે કે આ ૨૧મી સદી છે. આ સદીનો યુવાન તો ધૂમ સ્પીડ પર ચાલવામાં માને છે. આ યુવાનને ૨ મિનિટમા તૈયાર થતી મેગી જ ભાવે. તો તું આ યુવાન પાસે એવી આશા કઈ રીતે રાખી શકે કે તે પોતાનો પ્રેમ પત્ર લખીને વ્યક્ત કરશે? આપણે તો “I LOVE YOU” ને પણ શોર્ટ કરીને “143” કરી નાખ્યું છે. વોટ્સ એપ પર “Good Morning” નું “gm” અને “Good Night” નું “gn” થઇ ગયું છે. આવા તો હજારો ઉદાહરણ આપી શકાય. કદાચ આજની ઝડપથી ભાગતી દુનિયા પાસે સમય ના હોય ! પ્રેમપત્ર તો કોઈ દિલમાં બેસી ડોકિયું કરતી પ્યારી છોકરીને જ લખી શકું. આ પત્ર તારા અને મારા પાક સંબંધનો સાક્ષી બને એવી આશા.
ખૂલ જા સીમ સીમ....
ચકાની લવસ્ટોરી તો સ્કૂલમાંથી જ સ્ટાર્ટ થઇ ચૂકી હતી પરંતુ ચકીનો સાબુ કદાચ સ્લો હશે એટલે ચકીની આ સ્ટોરીમા એન્ટ્રી થોડી મોડી થઇ. ચકો આજે પણ સ્કૂલના એ દિવસો ખુબ જ યાદ કરે છે. ચકી પોતાની વોટરબેગમાંથી પાણી પીવે અને પ્રેમનો તરસ્યો ચકો પોતાની ચકુડીને પાણી પીતી જોયા કરે. સમયના વહેણ સાથે ચકા-ચકીની ઉડાણના રસ્તાઓ બદલાયા. ઉભી રે ચકી. રડતી નહિ. ફક્ત રસ્તાઓ બદલાયા હતા, મંજિલ તો બંનેની કદાચ એક જ હતી એટલે તો ૨૦૧૬મા અચાનક આપણું મિલન થયું. આ વખતે પણ ચકાએ જ પહેલ કરી. ચકીનો સાબુ હજી પણ સ્લો જ હતો. હાહાહાહાહાહા....
એ સમયે હજી આપણા મુકેશભાઈ Jio લઈને આવ્યા નહોતા એટલે ચકો ફક્ત ચકુડી સાથે વાતો કરવા ફ્રી મિનિટોવાળું રિચાર્જ કરાવતો. ચકુડી એ સમયે CAના ક્લાસ કરતી હોવાથી બહુ વાતો કરવી કે મળવું તો શક્ય બનતું નહોતું. ચકાની ઘણી આજીજી પછી ચકી મળવા માટે તૈયાર થઈ. મળવા માટે જગ્યા નક્કી થઈ કેફે કોફી ડે(CCD). પહેલા તો CCD એટલે શું, એ જ ખબર ના પડી. એ સમયે ચકુ, તને થોડો પૂછું ! ફટાફટ ગૂગલ પર સર્ચ કરીને જોઈ લીધેલું. રસ્તા માટે પણ ગૂગલ મેપ જ મારી વહારે આવેલો. ચકુડી ચોકલેટવાળી વસ્તુઓની દીવાની હતી. ચકાએ તો સિમ્પલ કોલ્ડ કોફી મંગાવી પરંતુ ચકી એ ઓર્ડર આપ્યો “સિઝલર બ્રાઉની”. એ સમયે માંડ માંડ મને એ બોલતા ફાવ્યું. બ્લેક ફૂલ સ્લીવ ટોપ, બોડી ટાઇટ બ્લૂ જીન્સ, સફેદ રંગની હેર-બેન્ડ અને ડાબા હાથમાં ટાઈટન એનેલોગ વ્રિસ્ટ વોચ. ચહેરા પરના લાઈટ મેક-અપ અને વાળમાં લીધેલા પફને કારણે ચકી મોહિની લગતી હતી. એટલે તો ચકો કોફીની દરેક સીપ સાથે સહેજ નજર ઉંચી કરીને ચકીને જોઈ લેતો. ફોન પર અને વોટ્સ એપ મેસેજમાં તો ચકી ખુબ ચપડ ચપડ કરતી હતી પરંતુ ત્યાં તો કઈ બોલતી જ નહોતી. આવું કેમ? મને હંમેશા સ્ટ્રોમાંથી હવા અવાજ કરી બંધ થવાનું ના કહે ત્યાં સુધી પીધે રાખવાની ટેવ હતી. પરંતુ આ પરિસ્થિતિમાં થોડો અસમંજસમાં મુકાયો. જાણે કોફી ના પીતો હોવ, એક્ઝામ આપતો હોવ એટલું ધ્યાન રાખ્યું કે સહેજ પણ અવાજ ના આવે. એકાદ કલાકની ગોષ્ઠી પછી ઉભા થયા ત્યારે ચકાએ નોટિસ કર્યું કે ચકીએ “સિઝલર બ્રાઉની” ખતમ નહોતી કરી. ચકાનું મોઢું કાપો તો લોહી ના નીકળે એવું કઠણ. પહેલી મુલાકાતમાં એઠું મુકવા માટે ચકો કઈ રીતે ટોકે? મોંઘા ભાવની વસ્તુને વેસ્ટ જતી જોઈ મરો તો જીવ જ બળી ગયો. આ અનુભવ તો દુનિયાનો દરેક ચકો કરતો જ હશે. CCDમાંથી બહાર નીકળ્યા પછી ચકાને ચકી તરફથી સરપ્રાઈઝ મળી એક માવા કુલ્ફીની. ચકાનો ટેસ્ટ કદાચ ચકીને ખબર હશે ! હું પણ ચકી માટે ગિફ્ટ લઇ ગયેલો. ‘ઇંદિરા ગાંધીના જીવન પર લખાયેલી એક બૂક’.
ત્યારબાદ ચકાને અમદાવાદની એક કંપનીમાં જોબ લાગતા તે અમદાવાદ ગયો. હવે ચકો અને ચકી “long distance relationship” નો અનુભવ કરવાના હતા. ચકા માટે જગ્યા નવી હતી, ચહેરાઓ નવા હતા. ચકો જયારે જયારે એકલવાયું અનુભવતો ત્યારે ચકીને યાદ કરતો. હા, ફોન કરવો પોસિબલ હોય ત્યાં ફોન કરીને થોડી ગપ્પાબાજી પણ કરી લેતો. ચકો ધીમે ધીમે અમદાવાદના બોપલ વિસ્તારમાં સેટ થવા લાગ્યો. નવા નવા મિત્રો બનાવ્યા. કામમા ધીમે-ધીમે મન લાગવા લાગ્યું. પરંતુ ચકીની ખોટ તો કોઈ થોડી પૂરી કરી શકવાનું હતું. કદાચ ૨-૩મહિના પછી ચકો સુરત પાછો આવ્યો હશે. તવા પર ધાણી ફૂટે એમ ચકાના મનમા ચકીને જોવાના વિચારો ફૂટવા લાગ્યા. વરસતા વરસાદમા ચકા-ચકીનો આ પહેલો મેળાપ હતો. સફેદ રંગની કુર્તીમા ચકી કોઈ સુંદર હંસનીને ટક્કર આપતી હતી. ચકીની ઈચ્છા પ્રમાણે ચકીને પેસ્ટ્રી ખવડાવવામાં આવી. સાચું કહું તો એ દિવસે પેસ્ટ્રી મને થોડી ફિક્કી લાગી કારણ કે મારી ચકુડીની મિઠાશ પહેલીથી જ મારી જીભ પર લાગી ગઈ હતી. ચકુડીની મિઠાશ સામે પેસ્ટ્રીની શું હેશિયત?
બસ પછી તો શું હોય? ચકો અને ચકી બંને એકબીજાની સંગતને માણતા રહ્યા. કહે છે કે પ્રેમ હોય ત્યાં ઝગડા પણ હોય. ચકા-ચકી વચ્ચે પણ ઘણી વાર બોલાચાલી થતી. આ સંસારના દરેક પુરુષની જેમ ચકો પણ દર વખતે ‘SORRY’ કહીને મામલો રફે-દફે કરતો. હા, જરૂરી નથી કે વાંક ચકાનો જ હોય હો ! ચકો તો બિચારો ડાહ્યો હતો. ચકો ડરતો હતો. હહાહા...ક્યારે ચકી મા ચંડીનું રૂપ ધારણ કરતી એ ચકાને ખ્યાલ જ ના આવતો. મા ચંડી સામે તો ભગવાન શિવ પણ જમીન પર સુઈ ગયેલા તો આ ચકાની શું ઔકાત? ચકી માતાનું રૂપ ધારણ કરે તે પહેલા હથિયાર નીચે મૂકી દેવા એને જ ચકાએ પોતાનું મુખ્ય હથિયાર બનાવી લીધું.
આમ કરતા કરતા ક્યાં એક વર્ષ જતું રહ્યું ખબર જ ના પડી. ચકાએ અમદાવાદ છોડી રાજકોટ તરફ દોડ મૂકી. ત્યાં સુધીમાં ચકી પણ પોતાની CPTની એક્ઝામ પાસ કરી ચુકી હતી અને IPCCની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. ચકા માટે ફરીવાર નવું શહેર અને નવા ચહેરાઓ. આ વખતે પણ ચકીએ જ ચકાને હોંસલો આપ્યો અને ચકો રંગીલા રાજકોટના રંગમાં રંગાઈ ગયો. રોજ સાંજે ચકીનો મીઠો અવાજ સાંભળતા જ દિવસભરના કામની થકાન ક્યાં છૂમંતર થઇ જતી એ ખબર જ ના પડતી. આ બધાની વચ્ચે નક્કી થયું કે પોતપોતાના ઘરે વાત કરવી. ચકા-ચકીએ સારો મોકો જોઇને ઘરે કરી. ચકીના પપ્પાએ ચકાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે, ચકો બરાબરનો મુંજાયો. કરવું તો કરવું શું? ચકાના મનમા સવાલોનું ભવંડર ઉઠ્યું. મળવા જાવું કે નહિ? જાવું તો એકલા જવું કે કોઈને સાથે લઈને જવું? ત્યાં એ લોકો શું પૂછશે? એ લોકોના સવાલોના કેવા અને કઈ રીતે જવાબો આપવા? આ ભવંડરે ચકાને બરાબરનો ચકરાવે ચડાવ્યો. બીજો કોઈ વિકલ્પ તો હતો નહી. જાવું તો પડે એમ જ હતું.
આખરે એ દિવસ આવી ગયો જયારે ચકાની ખરેખરની કસોટી થવાની હતી. ચકાએ રણભૂમીમા પ્રવેશ કર્યો. ચકીની ફોજ મારી જ રાહ જોઈ રહી હતી. ચકી, તેના પપ્પા, તેના મમ્મી, તેની બહેન અને તેના જીજાજી બધા AK-47 રાઈફલ લઈને બેઠા હશે એવું દ્રશ્ય મનમાં રચાયું. જોકે ડરવા જેવું કઈ હતું નહિ, પરંતુ ચકાનું આ પહેલું યુદ્ધ હતું ને ! કુરુક્ષેત્રમા જેમ અર્જુનનું ગાંડિવ શિથિલ થઇ ગયું હતું તેવી જ હાલત ચકાના દરેક અંગની હતી. ચકા સાથે કોઈ શ્રીકૃષ્ણ પણ નહોતા કે જે ચકાનો આત્મવિશ્વાસ વધારી શકે. આ તો ચકાનું એકલાનું જ યુદ્ધ હતું અને તેણે જાતે જ લડવાનું હતું. ચકો લડ્યો, થોડો ઘવાયો પણ ખરો. પરસેવે રેબઝેબ થયેલા ચકાને ચોકલેટ આઈસ્ક્રીમ વડે થોડી રાહત આપવામાં આવી. એક પછી એક મહારથીઓ ચકા પર સવાલો રૂપી બાણનો પ્રહાર કરવા લાગ્યા. પરંતુ સાલો ચકો તો અભિમન્યુની જેમ લડ્યો હો બાકી. આ બધા બાણોની વચ્ચે ચકીની મમ્મી તરફથી એક બ્રહ્માસ્ત્ર છૂટ્યું. તારા મામાની સરનેમ શું? ચકા પાસે બ્રહ્માસ્ત્રને પ્રતિકાર કરવાનું જ્ઞાન તો હતું પરંતુ એ સમયે ચકાનું જ્ઞાન વિલુપ્ત થતું હોય એવું લાગ્યું. કર્ણને જેમ અર્જુન સાથેના યુદ્ધમાં વિલુપ્ત થયું હતું એમ જ. માંડ માંડ ચકાએ એ સવાલનો જવાબ યાદ કરી પોતાની ઈજ્જત બચાવી. પાછા ફરતી વખતે ચકાની મોટરસાઇકલે ચકાનો સાથ છોડી દીધો. જેમ કર્ણના રથે કર્ણનો સાથ છોડ્યો હતો અર્જુન સાથેના યુદ્ધમા. કેટલી કિક મારી તો પણ ભડની દિકરી ચાલુ ના થઇ એટલે ના જ થઇ. એટલે છેલ્લે ચકાનું પોપટ તો થયું જ.
ચકા-ચકીની લાઈફ તો આવા અનેક કિસ્સાઓથી ભરપૂર છે. બધા લખીશ તો પેજના પેજ ભરાઈ જશે. પરંતુ તમારી ઈચ્છા હશે તો સમય સાથે આવા કિસ્સાઓ અવશ્ય કહેતો રહીશ.
Hope You Enjoy It...