the story of war books and stories free download online pdf in Gujarati

બલિદાન-એક યુદ્ધ કથા

"બલિદાન-એક યુદ્ધ કથા"

સાંજે ઝાલર સમયે એક અગ્ની સમાન તેજયુક્ત, હાથી જેવી ચાલ, ચન્દ્ર સમાન મુખ, પડછંદ કાયા અને સૂર્ય અને ચંદ્ર સમાન આંખો વાળો એક યુવાન પોતાના વતનના લોકોને વિદેશી આક્રમણકારીઓથી મુક્ત કરાવવા જઇ રહ્યો હતો.
કેડે સિંહોરી તલવાર, માથે પાઘડી,હાથમાં વજનદાર કડલા અને ચહેરા પર આકડિયા ચડાવેલી મુછો શોભાયમાન થતી હતી.
એ વિસ્તાર એટલે બહારવટિયાઓનો પ્રદેશ.અંધારુ થયાં પછી તો ત્યાંથી નીકળવાનો પણ વીચાર સુધ્ધા ના કરે કોઈ એવી ખતરનાક જગ્યા.. જાત જાતના ડરામણા આવજો, જંગલી જનાવરોની અવરજવર અને શિયાળા ની એ કડકડતી રાત હતી.આવા સમયે એ યુવાન પોતાના તેજોમય કાયાથી જંગલની કેડીઓ ને દિપાવતો એ આગળ વધી રહ્યો હતો.
એવામાં ત્યાં કોઈના પગરવનો અવાજ સંભળાયો અને યુવાન સાબદો થઈ ગયો. કેડે બાંધેલી તલવાર પર જેવો એણે હાથ મુક્યો કે તરત જ પાછળથી અવાજ આવ્યો "ખબરદાર... જો એક કદમ પણ આગળ વધાર્યો તો કટકે કટકા થઈ જશે તારા શરીરના..." અને યુવાનની ગ્રીવા પર એ બહારવટિયા એ ચળકતી તલવાર મૂકી અને હાથ ઉપર કરવાનો આદેશ કર્યો.
યુવાન મૌન બનીને એ ભરાવદાર અને પહાડી અવાજ સાંભળતો રહયો. હાથમાં તલવાર,પડછંદ કાયા, તલવાર વિદ્યા માં નિપુણ હોવા છતાં પણ એ યુવાનને ત્યારે મૌન રહેવાનું યોગ્ય લાગ્યું.
ત્યાર બાદ તો ત્યાં બહારવટિયાઓનું ટોળું આવી ચડ્યું અને હાકલા પડકારા કરતા કરતા એ યુવાનના હાથ પગ બાંધી ને તેને બંદી બનાવી લીધો અને લઇ ગયા એમના સરદાર પાસે.
સરદાર એ યુવાન ને ઓળખી ગયા અને જાણ્યું કે આ તો રાજ્યના રાજકુમાર છે અને ત્યારે સરદાર એ એમની માફી માંગી અને માફ કરી દેવા વિનંતી કરી અને આવા ખતરનાક જંગલમાં આવવાનુ કારણ પુછ્યું.
ત્યારે એ યુવાન રાજકુમારે કહ્યું કે "જંગલ પાર રાજયના પ્રદેશ પર વિદેશી આક્રમણકારીઓ હુમલો કરવાની તૈયારીમાં છે અને ત્યાં ભારે લૂંટફાટ મચાવીને આતંક ફેલાવી દીધો છે અને જો એ સેના આપણા રાજ્યને જીતી લેશે તો આપણા રાજ્યની સ્ત્રીઓ બાળકોને પણ નહીં છોડે અને સ્ત્રીઓ પર યાતનાઓ ગુજારશે અને બાળાત્કારો કરશે."
રાજકુમારે કહ્યું "આ જ સમય છે આપણા દેશ આપણી માતૃભૂમિ અને આપણી માતા કે જેમણે આપણને જન્મ આપ્યો એમનુ ઋણ ચૂકવવાનો...જ્યારે જ્યારે આ દેશ પર આફતો આવી છે ત્યારે ત્યારે તમારા અને મારા પૂર્વજો એ પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા. આપણે એ વીર યોધ્ધાઓના અને એ શહીદોના સપૂતો છીએ કે જેમણે આમાતૃભૂમિની રક્ષા કાજે પોતાનાં લીલા માથા ધરી દીધા હતા. આ રાજ્ય સ્થાપના કરવામાં અને આ રાજ્યને સ્વતંત્ર કરવામાં જેમણે પોતાનું બલીદાન આપ્યું એ શહીદોના બલિદાન ને એળે નહીં જવા દઈએ"
રાજકુમારના આ શબ્દો સાંભળતાં જ બધા બહારવાટિયાઓનું લોહી ઊકળી ગયું અને તલવારો ઝગારા મારવા લાગી.દરેક બહારવાટિયાઓમાં કોઈ નવું જ જોમ નવું જ તેજ આવી ગયું અને "હર હર મહાદેવ હર હર મહાદેવ" ના નાદ થી આકાશ ગૂંજી ઉઠ્યું.
બહારવાટિયાઓ પણ આ જ ભૂમિના સપૂતો હતા. તેમણે પણ પોતાના વતન માટે લડવા અને વિદેશી આક્રમણકારીઓથી સ્ત્રીઓ ની રક્ષા કરવા માટે તૈયારી બતાવી અને એક એક બહારવટિયો પોતાના દેશ માટે લડવા માટે અને શહીદ થવા માટે થનગની ઉઠ્યો.
આમ એકલો લડવા નિકળેલો રાજકુમાર પોતાના સાથે બહારવાટિયાઓના સૈન્યને લઈને નીકળી પડે છે જંગના મેદાનમાં...
માત્ર તલવારો અને ભાલાના જોરે બહારવાટિયાઓ રાજકુમાર સાથે કેસરીયા કરવા નિકળી પડે છે. ધરતી ધુણાવતી એ સેનાના સમાચાર વિદેશીઓને મળે છે અને તેઓ યુદ્ધની તૈયારીઓમાં વળગી જાય છે.
બીજી બાજુ ભયભિત અને દુશ્મનોથી ઘેરાયેલી પ્રજા પોતાના તારણહાર રાજકુમારની વાટ જોઇને બેઠી છે. મધરાત થતા રાજકુમાર અને બહારવાટિયાઓનું સૈન્ય આવી પહોચે છે અને યુધ્ધના એંધાણ મંડાય છે.
અહીં રાજકુમાર અને બહારવાટિયાઓનો સરદાર મધરાતે ઇષ્ટદેવની આરાધના કરે છે અને યુધ્ધ માટે ની તૈયારીઓ કરવા લાગી જાય છે.
વહેલી સવારે સુર્ય ઉગતાની સાથે જ બન્ને સૈન્ય ત્યાં રણ મેદાનમાં સામસામે ગોઠવાઈ ગયા છે, ઢોલ, નગારા અને શંખના અવાજો ગગન ને ગજવી નાખે છે. આકાશ માં ગિધો મંડરાવા લાગ્યા છે, બંને સેનાઓના સૈનિકો હાથમાં તલવારો અને ભાલા લઈને યુધ્ધ લડવા માટે સુસજ્જ થઈને ઉભા છે.
દુશ્મનો એ રાજકુમારના સૈન્ય સામે તોપો ગોઠવી દીધી છે અને આક્રમણ કરવાની તૈયારીઓ કરે છે ત્યારે રાજકુમાર સફેદ વાવટા ફરકાવીને દુશ્મન સૈન્ય સાથે વાતચિત કરવા અને યુદ્ધને ખાળવા માટે સંદેશો મોકલાવે છે પરંતું તે સંદેશાનો કોઈ પ્રત્યુત્તર ન આવતા રાજકુમાર પણ યુદ્ધનું એલાન કરી દે છે.
"આક્રમણ.......... " દુશ્મન સૈન્યનો સેનાપતિ આદેશ કરે છે અને ધૂળની ડમરીઓ ચડાવતા એ અશ્વસવારો રાજકુમાર ના સૈન્યને હરાવી દેવાના ઈરાદા સાથે આગળ વધે છે...
અને બીજી બાજુ રાજકુમારનું સૈન્ય પણ "હર હર મહાદેવ" ના નાદ સાથે પોતાની તલવારોને મ્યાનમાંથી ખેંચી કાઢે છે અને દુશ્મન સેના તરફ વાયુ વેગે આગળ વધે છે.બપોરના ધોમધખતા તાપમાં પણ સૈન્ય વિરતાપૂર્વક લડે છે.
માથે કેસરીયા કરીને નીકળેલા રાજકુમાર સૈન્ય સાથે દુશ્મન સૈન્ય પર આગની જેમ તૂટી પડે છે અને પછી તો યુદ્ધભૂમિમાં હાહાકાર મચી જતા દુશ્મન સૈન્ય થાકી જતા પીછેહઠ કરે અને સૂર્ય આથમી જતા યુદ્ધવિરામ માટે ના સંદેશો આપવા માટે ધ્વજ લહેરવામાં આવે છે અને ફરી રણશીંગા ફૂંકાય છે.
યુદ્ધવિરામના સંદેશાનું માન રાખીને રાજકુમારના સૈનિકો હુમલો અટકાવે છે અને પોતાના ડેરા તરફ વળે છે પરંતું રાત્રી સમય દરમિયાન દુશ્મન સૈન્યમાં હિલચાલ જોવા મળતા રાજકુમારનું સૈન્ય સાવચેત બને છે પરંતું યુદ્ધવિરામ હોવાથી સૌ કોઈ પોતાના ઘાયલ સાથી સૈનિકોની સેવા કરવામાં લાગી જાય છે.રાજકુમાર પોતે પણ ઘાયલ સૈનિકોની સેવા કરે છે અને તેમને પ્રોત્સાહિત કરવામાં લાગી જાય છે.
રાજકુમારની વ્યસ્તતાનો લાભ લઇને અચાનક જ દુશ્મન સૈન્ય હુમલો કરે છે અને આમ અચાનકના હુમલાથી રાજકુમાર ના સૈનીકોમાં અફરાતફરી મચી જાય છે.
ગુસ્સાથી લાલચોળ બનેલો રાજકુમાર પોતાની તલવાર અને ઢાલ લઇને સેનાનો સામનો કરવા મેદાનમાં ઉતરે છે અને કાળ બનીને દુશ્મન સૈન્ય પર તૂટી પડે છે.
સિંહણ ગાંડી ગીર, બકરા મારણ થાય...
વહેતુ ખળખળ નીર, સાવજ ઉભો થાય..
હો સાવજ જો એકલો, રણમેદાને જાય,
કરે મારણ ગજરાજ ના, ને ઉભા ઉભા ખાય...
આવે જંગે ટોળા હજાર,સાવજ બેઠો થાય...
ડણક કરે જો એક કેસરી,ટોળું નાસી જાય...
શહાદત ના એળે જાય ,જો લડવા આવે વીર
ધડાધડ તુટે ગઢ દુશ્મન ના,જો હાકલ કરે વીર
અરે વાતું થાય સિંહ ની જો રણમાં રમેં ખમીર
ધખાવે ધુણો દેહ નો ઇ જ મરદ કેવાય "જાદવા"
અહીં રણ મેદાનમાં એ રાજકુમાર દુશ્મન સેનાના સૈનિકોથી ઘેરાય જાય છે પણ છતાંય એ હાર માનતા નથી અને બહાદુરીપૂર્વક લડે છે.
બંને હાથમાં તલવાર લઇને એ એક પછી એક દુશ્મનોના માથા વાઢતા જાય છે અને સેનાનો ખાતમો બોલાવી દે છે.
એમાં અચાનક જ પાછળથી હૂમલો થાય છે અને એક ધારદાર તલવાર રાજકુમારની ગરદન પર ફરી વળતા એમનુ ધડ અને મસ્તક અલગ થઈ જાય છે પરંતુ એ મસ્તકવિહીન ધડ પણ કલાકો સુધી દુશ્મનો સાથે લડતું રહે છે અને કેટલાંય સૈનિકો માથા અને ધડ અલગ પાડી દે છે.
અંતે પોતાનો પરાજય નિશ્ચિત હોવાથી દુશ્મન સેના ભયભીત બનીને રણમેદાન છોડીને ભાગી જાય છે અને એકલા હાથે દુશ્મન સેનાના સૈનીકોનો સંહાર કરનારા અને પ્રજાપ્રિય રાજકુમાર દુશ્મનો સાથે લડતા લડતા શહીદ થાય છે.
આજ પણ એ રાજકુમાર અને એ દરેક બહારવાટિયાઓ કે જેમણે પોતાના રાજય અને પ્રજાજનોને બચાવવા અને રાજ્યની સ્ત્રીઓની આબરૂ અને માન સન્માન જાળવવા માટે પોતાના લીલા માથા આપી દીધા એમના પાળિયાઓ એ ગામના પાદર માં પૂજાય છે.
-કૌશલ એન જાદવ
રાજકોટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED