' આજે મારે મીટીંગ માં જવાનું છે , રાત્રે આવવામાં થોડું મોડું થશે. તું જમી ને સૂઈ જજે.' ચિરાગ એ પહેલ ને ફોરહેડ કિસ કરી ને બાય કહ્યું. અને ચહેલપહેલ કરતી પહેલ ચૂપચાપ થઈ ગઈ.કેવી રીતે આજે નાચતી ગાતી હતી.ચિરાગ ના મનપસંદ ઉત્તપમ બનાવ્યા હતા. લેહરાતા વાળ અને ચિરાગ એ સૌથી પેલા આપેલી ગિફ્ટ વાળું ટી શર્ટ, સિલ્વર ઝૂમખાં અને હલકી કાજળ, ચેરી લિપબામ અને જાસ્મીન પર્ફ્યુમ. પણ ચિરાગ ની નજર એ બધું જ નજરઅંદાજ કર્યું હતું!
સવારે જાગી ત્યારથી કેટલી ઉત્સાહિત હતી, આજે એની ૫ મી એનીવર્સરી હતી. કેટલું વિચારી ને રાખ્યું હતું, ઘર ને ફૂલ થી શણગારશે, લગ્ન નું પાનેતર પેરશે, દુલ્હન જેવો સાજ કરશે, ચિરાગ નો મનપસંદ સફેદ ગજરો લગાવશે, નવા પ્રોમિસિસ કરશે, આખો દિવસ બસ પોતે ચિરાગ ની આજુબાજુ ફરશે, સાંજે બાલ્કની માં કેન્ડેલ લાઈટ ડિનર કરશે અને રાત્રે ખુલા આસમાન માં સુતા સુતા અત્યાર સુધી ની બધી જ વાતો કરશે; આ નવા શહેર વિશે - કેવા અળગા પાડોશી છે, બહાર જાય તો રસ્તા કેવા પોતાને ચિરી ને ઝડપ થી દોડતા હોય છે, પોતે આખો દિવસ કેવી રીતે ઘરે કંટાળે છે, ફ્યુચર માટે ના પ્લાન અને સૌથી મહત્વનું એક નવા મહેમાન ના આવકાર માટે તૈયારી ! પોતે કેટલા સમય થી એક બાળક ઝંખતી હતી, આખો દિવસ ઘરે એકલાં રહી જીવન જ જાણે બદલાઈ ગયું હતું. પોતાના મન ની બધી જ વાત આજે એ ખુલી ને ચિરાગ ને કેહવા માગતી હતી.પણ એને તો એનીવર્સરી યે યાદ નથી!!
પહેલ ઝાકળ ભરી આંખે વિચારવા લાગી ૫ વરસ પેલા એ શું હતી, પોતે ક્યાંથી આવી છે, એક સામાન્ય ૧૨ પાસ , અને કેવી રીતે એના અરેંજ મેરેજ થાય હતા, કેટલી નર્વસ હતી એ સમયે , કોઈ અજાણ્યા સાથે આખી જિંદગી નું બંધન થવાનું હતું, શહેર માં એડજેસ્ટ થવાનું હતું, આ બધું કેવી રીતે થશે! સાસુ સસરા કેવા હશે.અને લગન થઈ ગયા. પણ એ જ દિવસ થી એને પોતાના ઘરની યાદ નહોતી આવી.સાસુ અને ચિરાગ એ એવી રીતે આવકાર આપ્યો કે જાણે પોતે કોઈ રાજકુમારી હોય, બધી જ ઈચ્છા પૂરી થતી, બધું જ ટ્રેન ની જેમ અવિરત ગતિ એ સુંદર રીતે ચાલતું હતું.પોતે આટલી ખુશનસીબ કેવી રીતે બની એ જ નહોતું સમજાતું, ચિરાગ જેવો પતિ જે કોઈ પણ નાની નાની વાત માં પ્રેમ જતાવવાનું ભૂલતો નહી , હમેશા પોતાને આંખ ની પાંપણ પર બેસાડી ને રાખતો.સાસુ પણ માં થી જરાય ઓછું વ્હાલ નહોતી કરતી.પોતાની બેસ્ટ લાઈફ જીવી રહી હતી.પણ કિસ્મત થી આ સહન ના થઈ શક્યું!
૩ વરસ થી કેન્સર સામે ઝઝૂમતી સાસુ એ દમ તોડી દીધો , અને ચિરાગ તૂટી પડ્યો. જેણે માં બાપ બંને બની ને તેને ઉછેર્યો હતો, એક સાચો મિત્ર બની હમેશા સલાહ આપી હતી, પોતાના ભગવાન જ જાણે એને છોડી ને જતા રહ્યા! બધું જ દુઃખ સહન કરી ને જેણે પાલનપોષણ કર્યું એના ઈલાજ માટે જ્યારે ચિરાગ પાસે પૂરતા પૈસા ના હોવાના કારણે મમ્મી નું મોત થતાં એ કદીય પોતાને માફ ના કરી શક્યો.બસ હવે એને પૈસા કમાવા હતા.પોતાની પહેલ માટે, એને કદીયે કશું ના થાય એના માટે, પોતાના આવનારા બાળક માટે,હવે એના માટે પહેલ સિવાય કોઈ નહોતું.આ ધૂન એને વિદેશ લઈ ગઈ.આખો દિવસ તનતોડ મેહનત કરી અને પોતાની સ્કીલ ના કારણે થોડા જ સમય માં એણે પોતાનું ડ્રીમ હાઉસ બનાવી લીધું હતું, પહેલ માટે બધું જ હાજરાહજૂર રેહતું, સિવાય કે પોતાનો સમય! ચિરાગ હવે બિલકુલ જ બદલાઈ ગયો હતો, પૈસા ની ધૂન એટલી હદે એના મન માં છપાય ગઈ હતી!
આજે એને આખું ઘર જાણે કરડવા દોડતું હતું.પોતાની પાસે બધું જ હતું, પણ આ બધું માણવા માટે ના કોઈ દોસ્ત હતા કે ના ચિરાગ.એને લાગતું હતું કે હવે એક બાળક જ ચિરાગ ને નોર્મલ કરી શકશે.એના માટે જ આજે વાત કરવી હતી, પણ ..!
આ બધું પહેલ ને પાગલ બનાવતું જાય છે. એણે જાતે કેક બેક કરી ને એકલા જ ઉજવણી કરી લીધી.ચિરાગ થી હવે ખૂબ જ શિકાયત હતી, મળે એટલે બધું જ ચોખ્ખું કહી દેવું છે, ઘણી લડાઈ કરવી છે , ખૂબ ગુસ્સો કરવો છે, હવે ચિરાગ એ મને સમય આપવો જ પડશે, હાથ પકડી શોપિંગ લઈ જવી પડશે, અગણિત તારા ની હાજરી માં સવાર સુધી વાત કરવી પડશે, વરસાદ ને જોતા જોતા એક કપ ચા પીવી પડશે, સાથે ન્યુઝપેપર વાંચવું પડશે, સાથે ગાર્ડન ની માવજત કરવી પડશે, બધા જ સેલિબ્રેશન સાથે કરવા પડશે. ચિરાગે હવે મારા માટે બધું જ કરવું પડશે. કેટલાંય વિચારો ના ઝંઝોવત સાથે જમ્યા વિના જ રડી રડી ને આંખો લાલ કરી ક્યારે સૂઈ ગઈ ખબર જ ના રહી.
સવારે જાગી તો જોયું કે ચિરાગ હજી ઘરે નથી પહોંચ્યો. હવે પહેલ નો ગુસ્સો સાતમા આસમાને હતો.આટલો સમય એ કેવી રીતે પોતાને એકલી છોડી શકે! અચાનક ડોરબેલ વાગ્યો, દરવાજો ખોલ્યો તો સામે ૫૦ ગુલદસ્તા ! અને બધા જ પર સુંદર વાક્યો લખેલા હતા. ચિરાગ પોતાને કેટલો પ્રેમ કરે છે એ જાણી પહેલ ની આંખ ભરાઈ ગઈ, એને યાદ હતી એનીવર્સરી! વાહ! ખુશી થી નાચવા લાગી. ત્યાં એક માણસ ઉભેલો છે એ ધ્યાન જતા જ એને ૧૦ મિનીટ લાગી! એના હાથ માં એક ગિફ્ટ બોક્સ હતું જે એણે પહેલ ને આપતા કહ્યું, ' સર તમને કાલે જ આ બધું આપવા માંગતા હતા, પણ વરસાદ અને આટલી સંખ્યા માં ગુલદસ્તા ના લીધે ટાઈમ એ ડિલિવરી ના કરી શક્યો એના માટે સોરી!' આટલું બોલી એ માણસ ચાલ્યો ગયો. પહેલ હવે ખુશી થી પાગલ બની ફરીથી કાલે અધૂરું રહેલું ગીત ગણગણવા લાગી.હવે ચિરાગ આવતો જ હશે.એનીવર્સરી તો ગમે ત્યારે મનાવી શકાય ને! કાલ નું અધૂરું સપનું આજે પૂરું થશે, ઝૂમતાં ઝૂમતાં કાલે વિચારેલું એવી જ રીતે તૈયાર થઈ ને બેસી ગઈ. ચિરાગ ના પણ લગ્ન ના કપડા બહાર કાઢી ને ગોઠવી દીધા, ઘર શણગાર્યું. એના મનપસંદ ઉત્તપમ પાછા આજે નાસ્તા માં બનાવ્યા! બધું જ તૈયાર હતું, હવે રાહ નથી જોવાતી! ટીવી ચાલુ કરી ને સમાચાર જોવા બેસી ગઈ. આ શું?! પહેલ ના પગ તળેથી જમીન ખસી ગઈ , હોશ પર કાબૂ ના કરી શકી અને ઢળી પડી.
સમાચાર ની હેડ લાઈન હતી: " પહેલ ઇન્ડસ્ટ્રી ના માલિક નું કાર એક્સીડન્ટ માં મોત! " કેટલાં અરમાન એક ઝાટકા માં રોળાઇ ગયા! જિંદગી જ છૂટી ગઈ!