nafratno ant prem - premno arth vishwas books and stories free download online pdf in Gujarati

નફરતનો અંત પ્રેમ - પ્રેમનો અર્થ વિશ્વાસ

એ દિવસે સવારે માનવ ઉતાવળે જ ઘરેથી નીકળી ગયો અને ઉતાવળમાં પાકીટ ભુલી ગયો. રેવાનું ધ્યાન ગયું તો એને થયું હું જ આપી આવું! કેમકે એમાં ઘણી જરૂરી સામગ્રી હતી અને તરત જ રેવા માનવની પાછળ ગઈ. પણ રેવાએ જોયું કે માનવતો આૅફિસ તરફ નહતો જઈ રહ્યો! આ જોઈ રેવાને જાણવાની જિજ્ઞાસા થઇ કે આખરે માનવ આટલી વહેલી સવારે જાય છે ક્યાં?
રેવા માનવની પાછળ પાછળ એક દવાખાનામાં આવી ગઈ, માનવ દવાખાને કોને મળવા આવ્યો છે એ ખબર પડે પહેલા જ માનવ ત્યાંથી પરત જવા રવાના થઇ ગયો એટલે રેવા દવાખાનામાં માનવ કેમ આવ્યો હતો એ જાણી જ ના શકી. પણ રેવા એ જાણવા આતુર હતી કે માનવ અહીં દવાખાને કોને મળવા આવ્યો હશે?
રેવાએ દવાખાનામાં રહેલાં દર્દીઓની યાદી તપાસી. એના પગ નીચેથી જમની સરકી ગઇ જયારે રેવાને ખબર પડી કે એ કોને મળવા આવ્યો હતો. રેવા સરળ અને સમજદાર હોવા છતાંય આ વાત ના પચાવી શકી આ ઘટનાએ એને વિચલિત કરી દીધી. આ ક્ષણે રેવાના ચહેરા પરના ભાવ સમજવા કઠીન હતાં, એની આંખો ગભરાટથી ફફડી રહી હતી અને ચિંતા એના મગજ પર છવાયેલી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એના હાવભાવ પરથી એવું લાગતું હતું જાણે એ અંદરથી વિખેરાઈ ગઈ હોય. એ જરીક સ્વસ્થ થઈ અને ઘરે પરત આવી.
આ દિવસ પછી રોજ એવું બનવા લાગ્યું કે માનવ રોજ સવારે વહેલો નિકળી જતો અને અમુકવાર સાંજે પણ મોડેથી જ પાછો આવવા લાગ્યો. રેવા બધુ જ જાણતી હોવા છતાં ચુપ હતી, પરંતુ હવે એ અંદરથી વિખેરાઈ ગઈ હતી અને એની ધીરજ પણ ખુટવા લાગી હતી. એના મનમાં એવી ગાંઠ વળી હતી કે માનવ હવે ક્યારેય એને પ્રેમ કરશે જ નહિ, એને અનુભૂતિ થયા કરતી હતી કે માનવ એનાથી વધારે ને વધારે દૂર થઈ રહ્યો છે, માનવનો વ્યવહાર જે રીતથી બદલાયો હતો અને એ જેમ રેવાથી વાતો છુપાવવા લાગ્યો હતો એનાથી સ્પષ્ટ જણાતું હતું કે માનવ અને રેવા વચ્ચે અંતર વધી ગયું છે, રેવાને એની આજ સુધીની બધી જ પ્રાર્થનાઓ નિષ્ફળ ગઈ હોય એવું લાગવા માંડ્યું હતું.
પછી એક દિવસ હિંમત કરીને રેવા પેલા દવાખાને પહોંચી ગઈ જ્યાં માનવ રોજ જતો હતો. ત્યાંથી માનવ જેને મળવા દવાખાને ગયો હતો એ વ્યક્તિનું સરનામું મેળવી અને તરત જ એ સ્થળે પહોંચી ગઈ, ત્યાં એ સીધી જ એક રૂમમાં દાખલ થઈ. ત્યાં જતાં જ એને જેમ વિચાર્યું હતું એનાથી તદ્દન ઊલટું થયું.
એક તો ત્યાં કવિતાને જોઈને રેવાને જરીક પણ આશ્ચર્ય ના થયું અને બીજું કવિતાએ એને જોતા જ હસીને પુછ્યું, "તું રેવા છે ને? "
રેવાએ કવિતાને ગુસ્સામાં કહ્યું "હા, હું રેવા છું પણ તું મારા અને માનવના જીવનમાં કેમ પાછી આવી છે?"
કવિતાએ રેવાને બાજુમાં બેસાડી અને કહ્યું," રેવા, મને તને અહીં જોઈને ખુબ આનંદ થયો અને મને ખુશી છે કે તું માનવના જીવનમાં છે અને માનવને પોતાની જાતથી પણ વધારે પ્રેમ કરે છે."
પણ રેવાનો ગુસ્સો કંઈ ઓગળી જાય એવો થોડો હોય! એ કવિતાને કહેવા લાગી, " કવિતા તું માનવને છોડીને જતી રહી હતી એ પછી માનવને મેં સંભાળ્યો, માંડ હજુ અમારો સંબંધ ખીલવા લાગ્યો હતો અને હવે તું ફરી આવી ગઈ માનવના જીવનમાં.
અને જો તને માનવ સાથે લાગણી છે તો તું એને છોડી ગઈ જ કેમ??"
કવિતાએ રેવાને સાંત્વના આપી અને કહ્યું "હું તને બધું જ સ્પષ્ટ કહુ છું, હું જ્યારે માનવને છોડીને ગઈ એના પછી હું અમેરીકા જતી રહી હતી અને ત્યાં જ નોકરી શોધી લીધી હતી. એક વર્ષ જેવું થયું હતું કે મારી ઓળખ સાગર સાથે થયેલી, સમય સાથે અમારી દોસ્તી વધી અને આ દરમિયાન મેં પોતાનું નવું કામ શરૂ કર્યું અને સાગરને પણ મારી સાથે રાખ્યો. નસીબજોગે મારો આ બિઝનેસ પણ સારો ચાલવા લાગ્યો અને મેં ઘણાં રૂપિયા પણ કમાઈ લીધા.
એકદિવસ સાગરે મને લગ્ન માટે પુછ્યું અને મેં પણ હા પાડી. કેમકે હું અને સાગર એકબીજાને ખુબ સારી રીતે ઓળખતા હતા અને અમારા કામ અને વિચારો પણ મળતાં હતાં અને સાગરને ના કહેવાનું પણ મારી પાસે કોઈ કારણ ન હતું. અમે બંને ભારત આવી બધાંની હાજરીમાં લગ્ન કરીને અમેરીકા પાછા આવી ગયાં. અમે સાથે ખુશ હતાં, અમે અમારાં નવા જીવનની સફર શરૂ કરી દીધી હતી અને કામમાં પણ અમને સારી સફળતા મળી રહી હતી.
સાગર મારું ખુબ ધ્યાન રાખતો, મારી નાની નાની ખુશી માટે હંમેશા કંઈકને કંઈક નવું કરતો. મને પણ એની સાથે જ રહેવું અને વાતો કરવી ગમતી. આમ અમે એકસાથે ખૂબ સરસ મજાનો સમય પસાર કરી રહ્યા હતા અને ઘણી યાદો ભેગી કરી રહ્યા હતા.
પરંતુ!!!!
જેવી કવિતા અટકી કે તુરંતજ
રેવાએ પણ આતુરતાથી પુછી જ લીધું, "તો પછી સાગર ક્યાં છે હમણાં અને તું અહીં કેમ છે??? "
કવિતા એ કહ્યું "પરંતુ એકદિવસ અચાનક મને ઉલટી થવા લાગી અને એ પણ લોહીની! ઘણાં સમયથી મને શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસી તો હતાં જ પણ મેં એને નકારી કાઢ્યાં હતાં, અમે તરત જ દવાખાને ગયાં અને મારી સારવાર શરૂ કરાવી.
એક મહિના પછી ફરીથી આવી જ ઘટના બની એટલે અમે ડૉક્ટરને કારણ પુછ્યું. લગભગ એક અઠવાડિયા પછી ડૉક્ટરે અમને બોલાવ્યા અને મારી બીમારી અંગે જણાવ્યું. મને ભયાનક અને લાઈલાજ 'કૅન્સર' ની બીમારી હતી. ડૉક્ટરના કહેવા મુજબ હું કદાચ એક મહિનો, એક વર્ષ કે વધારે તો બે વર્ષ સુધી જ જીવી શકીશ. પણ તો ય મેં હિંમત ના હારી. હું મારા છેલ્લાં શ્વાસ સુધી સાગર સાથે ખુશીથી રહેવા તૈયાર હતી. સાગર આ ઘટનાથી વિચલિત થઈ ગયો હતો પણ મેં એને કહ્યું કે જેટલો પણ સમય છે આપણે સાથે રહીશું. શરૂ શરૂમાં તો સાગર મારું ખુબ ધ્યાન રાખતો, મને સમયસર દવા અને જમવાનું આપતો અને જરીક પણ તકલીફ ન પડે તેની કાળજી લેતો. આ બધું સાગર પ્રેમ માટે જ કરતો હતો એવું મને લાગતું હતું પણ હું ખોટી હતી.
એકદિવસ એણે જ મારી આંખો ઉઘાડી દીધી. એણે મને આવીને કહ્યું, "જો કવિતા હું તને કંઈ પ્રેમ કરતો નથી. તારો બિઝનેસ અને પૈસા મારે જોઈતા હતા એટલે આ બધું નાટક કરવું પડ્યું મારે. ગઇકાલે તે જે પેપર મને આપ્યા એ મુજબ હવે આ બધું જ મારું છે તો હવે મારે આ નાટક વધારે કરવાની જરૂર નથી. તું જેમ બને એમ આ ઘર છોડીને વહેલી તકે જતી રહે તો તારા માટે સારું રહેશે." આ સાંભળ્યા પછી હું સ્તબ્ધ થઈ ગઈ કેમકે જેને મેં મારા જીવથી વધારે પ્રેમ કર્યો અને જેની સાથે મારી અમુલ્ય લાગણીઓ વહેંચી, જેને મેં ખુદથી પણ વધારે મહત્વ આપ્યું એ મારી સાથે આટલા સમયથી ઢોંગ કરી રહ્યો હતો??? હું ત્યાંથી મારી એક મિત્ર પાસે ગઈ અને મદદ માગી કે મારે ભારત જવું છે મને પૈસાની જરૂર છે. જ્યારે મેં મારી મિત્રને બધી વાત કરી તો એણે મને સાગરને સજા આપવાની સલાહ આપી પણ હું ભારત પરત આવી ગઈ. મેં અહીં આવીને પહેલું કામ માનવને શોધવાનું કર્યું. હું એના ઘરે ગઈ અને ત્યાંથી મને એનું સરનામું અને મોબાઈલ નંબર મળ્યા. મેં અહીં આવીને માનવને ફોન કર્યો અને મળવા બોલવ્યો.
જ્યારે સાગરે મારા પ્રેમનો આવો બદલો આપ્યો અને મારો વિશ્વાસ તોડ્યો ત્યારે મને એ દુઃખ નો અહેસાસ થયો જે મેં વર્ષો પહેલાં માનવને આપ્યું હતું. જ્યારે મારાં સપના તૂટ્યા ત્યારે ભાન થયું કે મેં પણ માનવનાં બધા સપના એક જ ક્ષણમાં વિખેરી દીધા હતા. મેં માનવ સાથે લાગણીની રમત જ રમી હતી. માનવે મને સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો પણ હું મહત્વાકાંક્ષી એ સમજી ના શકી. મને સાગરે મારી સાથે જે કર્યુ એના કરતાં વધારે દુઃખ માનવ સાથે મે કરેલાં વ્યવહારથી થયું. મેં એને લગ્ન કરવાની પણ હા પાડી દીધી હતી અને છેલ્લે એને છોડી દીધો. એ સમયે તો મને આ સહજ લાગ્યું હતું પણ જ્યારે મારી લાગણીને ઠેસ વાગી એટલે મને સમજાયું કે એ દિવસે માનવ કેટલું રડ્યો હશે!
મેં માનવને ખુબ વિનંતી કરી ને મળવા તો બોલાવી દીધો પણ શું વાત કરીશ એ સમજાતું ન હતું. એ જ દિવસે સાંજે માનવ મને મળવા આવ્યો. મેં માનવની સામે મારી ભૂલ માટે માફી માંગી પણ માનવે મને કહ્યું, "કવિતા, તારે માફી માંગવાની જરૂર નથી મેં તને ક્યારનીય માફ કરી દીધી છે મારા મનમાં તારા માટે કોઈ જ દ્વેષ નથી અને આપણી વચ્ચે જે પણ થયું એ પણ મેં ભુલાવી દિધું છે. તો તારે હવે ખચકાવાની જરુર નથી."
મને માનવે માફ કરી દીધી એટલે મનને હાશકારો થયો. મેં માનવને મારી બધી વાતો કહી અને કહ્યું કે હું હવે કદાચ વધારે સમય નથી જીવવાની તો જેટલા દિવસ અહીં છું એટલાં તારી સાથે વિતાવવા માંગુ છું તું આવીશ ને રોજ મને આમ મળવા?
માનવે એ દિવસે મને જે કહ્યું એ સાંભળીને મને થયું કે આ છોકરાનો પ્રેમ કેટલો નિર્દોષ અને સાચો છે. જેને પણ આ મળશે એ સૌથી વધુ નસીબદાર હશે. માનવે કહ્યું, "હા, હું તને રોજ મળવા આવીશ પણ એક મિત્રની માફક એથી વિશેષ કંઈ જ નહિ. મારા લગ્ન થઈ ગયા છે અને હું મારી પત્નીનો વિશ્વાસ નહીં તોડું કેમકે અમારો સંબધ પ્રેમ કરતાં ચડિયાતા વિશ્વાસનો છે."
એ પછી માનવ છેલ્લાં એક સપ્તાહથી રોજ મને મળવા આવે છે. એક દિવસ એ મને મળવા છેક દવાખાને પણ આવ્યો. મારી વાતો સાંભળે છે અને તારી ખુબ વાતો કરે છે. કેવા સંજોગોમાં તમારાં લગ્ન થયાં અને આજે પરિસ્થિતિ તદ્દન જૂદી જ છે બધું મને ખબર છે. માનવ પણ તારા ખુબ વખાણ કરતો રહે છે રેવા. એ તને અનહદ પ્રેમ કરે છે અને મને ખુશી એ વાતની છે કે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરે છે અને સાથે મળીને રહે છે. તમને બંનેને દુનિયાની બધી ખુશીઓ મળે એ જ પ્રાર્થના કરું છું હું તો. હું તમારી વચ્ચે ક્યારેય નહીં આવું રેવા. હું હંમેશાં તમારા સફળ જીવનની કામના કરતી રહીશ."
આ સાંભળતા જ રેવાને ખબર પડી કે માનવ એને કેટલો પ્રેમ કરે છે અને રેવાની આંખમાંથી દડ દડ આંસુંની ધાર પડવા લાગી. એને થયું કે એને માનવ પર શક કરીને ખુબ મોટી ભુલ કરી છે. એ માનવના જીવનમાં રહેવા લાયક નથી.
ત્યારે કવિતાએ રેવાને કહ્યું, "તે કોઈ ભુલ નથી કરી રેવા. આમાં બધો વાંક મારો છે મે માનવને મળવા ના બોલાવ્યો હોત તો કંઈ ના થયુ હોત આવું અને માનવ માટે તને પ્રેમ છે એટલે જ તું મારી પાસે આવી છે આ અવિશ્વાસ નથી."
રેવા કવિતાના ઘરેથી નીકળીને મંદિરમાં ગઈ અને ત્યાં બેસીને ખુબ રડી અને પોતાની જાત સાથે જ ઘણી લડાઈ કરી અને છેવટે ખુબ મોડી રાતે એ ઘેર પાછી આવી. રાત અડધી વીતી ગઇ હતી પણ ત્યાં માનવ ઘરની બહાર પગથિયાં પર બેઠો હતો. અલબત્ત ઉંઘી જ ગયો હતો. રેવાએ એના માથા પર હાથ મુકી એને જગાડ્યો, માનવ અકળાયેલો બેઠો થયો અને સ્વસ્થ થઈને જોયું, જોતાવેંત જ ચોંકી ઉઠ્યો અને ગુસ્સામાં રાતોચોળ બની ગયો, રેવા એની સામે ઊભી હતી એણે રેવાને કંઈપણ પૂછ્યા કે કે કહ્યાં વિના જ એક થપ્પડ મારી દીધી અને ઘરમાં જતો રહ્યો, રેવા પણ રડતાં રડતાં જ ઊંઘી ગઈ.
અને પછી છેક ત્રણ દિવસ પછી માનવને લાગ્યું કે ભુલ મારી છે એટલે એ સાંજે રેવા પાસે ગયો અને એણે માફી માંગી, રેવા ગુસ્સે એટલા માટે હતી કેમકે માનવને એ જાણવામાં જરાય રસ નહતો કે એ દિવસે રેવા ક્યાં અને કેમ ગઈ હતી, રેવા એ જ્યારે માનવને આ વાત કહી ત્યારે માનવે કહ્યું,"રેવા આમાં ભૂલ મારી છે મેં તારાથી કવિતાને મળવા જવાની વાત છુપાવી પણ હું તને કવિતાના પાછા આવવની વાત કહીને દુઃખી કરવા ન હતો માંગતો એટલે જ છુપાવ્યું હતું. મારા મનમાં ય તને દુઃખી કરવાનો વિચાર નથી આવતો."
આ પછી માનવે પોતાના હૃદયમાં રેવા માટે કેટલો પ્રેમ છે એ રેવાની સામે શબ્દોમાં વર્ણન કર્યું અને રેવાને ખરાં અર્થમાં પોતાની અર્ધાંગીની બનાવી. રેવા અને માનવના પ્રેમનો અર્થ એમની બંને વચ્ચે નો વિશ્વાસ છે એવું કહેનારી કવિતાના જીવનનો દુઃખદ અંત થયો પણ રેવા અને માનવના પ્રેમની એ એકમાત્ર અનંત સાક્ષી બની ગઈ.
આમ પ્રેમ પર માનવનો અતુટ વિશ્વાસ અને માનવના વિશ્વાસ પર રેવાની નિરંતર શ્રધ્ધાથી એમનો પ્રેમ અને લગ્ન જીવન સફળ અને સુખદાયી બન્યાં.
P. K...
(Dobrener Ni Duniya)
(અંશ - નફરતનો અંત પ્રેમ)

બીજા રસપ્રદ વિકલ્પો