nafratno ant prem books and stories free download online pdf in Gujarati

નફરતનો અંત પ્રેમ

તમે જાણો છો? કે પ્રેમની શરૂઆત ખુબ આહ્લાદક હોય છે અને નફરતની શરૂઆત પ્રેમ હોય છે!
ઘણીવાર પ્રણય બધી સરહદો વટાવીને નફરત બની જાય છે..

"પ્રેમની અભિવ્યક્તિ એક અદભુત અનુભવ છે જ્યારે કોઈ પ્રણયના વહેણમાં વહેવા લાગે ત્યારે એને બધુ જ ગમવા લાગે છે બસ એમ જ 'માનવ' પણ કંઈક આવું જ અનુભવે,
માનવ અભ્યાસ પૂરો કરી ને નોકરીની શોધમાં હતો અને એને આ સમયે આ પ્રેમની અનુભૂતિ થઈ હતી ગઈકાલ સુધી એક ચપળ વિદ્યાર્થી હતો આજે કંઈક અલગ જ ધુનમાં હતો, પહેલી વાર જ્યારે એને એ છોકરીને જોઈ એ જોતો જ રહી ગયો, ગુલાબ જેવા કોમળ ગાલ, મદહોશ પણ સતેજ આંખો, ગુલાબી હોઠ, આતુરતાથી ફડફડતા પાંપણ, ગોરોવાન અને ઘાટીલું અંગ, એકદમ આકર્ષક પહેરવેશ, આંગળીમાં વિંટી અને હાથમાં એક જુની ઘડિયાળ, કપાળમાં કંકુ તિલક, ચુપચાપ પણ ઘણીબધી વાતો કરી રહ્યું હતું એનુ મન, ઉતાવળમાં અટવાયેલું અધધ હાસ્ય, સુંદરતા અને નિખાર એવો જાણે ચાંદનો ટુકડો લાવ્યો હોય ઓઢણીમાં વિંટાળીને, માનવ તો આ પ્રકૃતિની અદભુત કૃતિને જોઈ જ રહ્યો.
માનવની સમજણ ની બહાર પહેલીવાર કંઈક એના મનમાં ગડમથલ ચાલવા લાગી, એ જરાક સ્વસ્થ થયો અને બેસવા માટે જગ્યા શોધવા લાગ્યો, પેલી છોકરીની બાજુવાળી જગા ખાલી હતી એટલે માનવ પેલી ના બાજુમાં જાય છે અને ત્યાં બેસે છે, માનવ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ એકદમ શાંત બેઠો હતો, એનું ઈન્ટરવ્યુ જેવું પત્યું એ છોકરી ત્યાંથી જતી રહી. માનવ પણ કામ પતાવી ઘરે પાછો આવ્યો.
માનવને આ નોકરી મળી એના માટે એને બીજા શહેરમાં જવાનું થયું. પરીવારથી દૂર એ એકલો શહેરમાં રહેવા લાગ્યો અને પેલી છોકરીને ખુબ વાગોળ્યાં બાદ એ હવે લગભગ ભૂલી જ ગયો હતો અને પાછુ એને એ પણ ખબર નહતી કે એ કોણ છે એટલે એને શોધવા જવું પણ વ્યર્થ હતું.
પણ નસીબમાં પાછું મળવાનું લખ્યું હતું એટલે સદનસીબે એ છોકરી એની જ આફિસમાં કામ કરવા આવી, હવે માનવને થયું નક્કી આ મારા નસીબમાં જ લખાયેલી છે આજે ફરી એકવાર એ છોકરી સાથે વાત કરવાનો મોકો મળ્યો, જાણે કુદરત જ તેમને મળાવવા માટે વારંવાર એકબીજાની સામે લાવી રહી હતી, બસ એમના વચ્ચે એક સેતુની જરૂર હતી અને આ સેતુ નું કામ એમના આૅફિસના કામે કરી દીધું.
માનવ તેની પાસે ગયો અને પુછ્યું, "તમારું નામ શું છે?"
એણે જવાબ આપ્યો, "કવિતા !", માનવે કહ્યું હું અહીં જ કામ કરું છું કંઈ મદદની જરૂર પડે તો કહેજો એમ વાત કરી એ એન2 કામમાં પરોવાઈ ગયો.
આ પછી એ બંને ધીમે ધીમે એકબીજાને ઓળખવા લાગ્યા સાથે કામ કરતા કરતા હવે મિત્રો જેવા બની ગયાં, કામ કરતાં કરતાં પોતાની અંગત વાતો અને વિચારો પણ આપ લે કરવા લાગ્યા, એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા, સાથે આવવું અને સાથે ઘરે જવું, રજાના દિવસે સાથે જમવા જવું અને કોઈવાર સાથે ફરવા પણ જતાં અને ખરીદી કરવા પણ, હવે બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો હતો, બન્ને વચ્ચે હવે કોઈક સંબંધ બંધાયો ચુક્યો હતો, એકવાર માનવે હિંમત કરીને લગ્ન માટે પુછ્યું. "કવિતા, હું તારી સાથે મારી આખી જીંદગી વિતાવવા માંગુ છું. શું તું મારા પ્રેમની ભાગીદારી કરીશ??? "
કવિતા એ સમયે કંઈ જ બોલ્યાં વિના ત્યાંથી જતી રહી, પણ પછી એણે આ પ્રસ્તાવને સ્વીકાર્યું, હવે માનવ માટે બધું જ સરળ બની ગયું, એ બંને ખુબ ખુશ હતાં, માનવે બધી વાત એના ઘેર પણ કરી અને માનવની ખુશી માટે એના પરિવારજનોએ કવિતા અને માનવના સંબંધ નો સ્વીકાર કર્યો અને કવિતાને પણ મળ્યા. જેટલા વખાણ માનવ કરતો એના કરતાં સવાયી રૂપાળી અને દોઢી સંસ્કારી હતી કવિતા. દરેક વાતમાં એ બધાનું માન જાળવતી અને દરેક સાથે વિનમ્રતા સાથે વાત કરતી, થોડાક જ સમયમાં એ સૌની પ્રિય બની ગઈ, જોતજોતામાં ઘણો સમય વીતી ગયો.
એકવાર અચાનક કવિતાનો ફોન આવ્યો અને માનવની તો જાણે જીંદગી બદલી દીધી એણે, બધું વેરવિખેર થઇ ગયું, માનવ સંપુર્ણ ભાંગી પડ્યો કવિતાના શબ્દો સાંભળી માનવ પોતાનું જાણે અસ્તિત્વ જ ગુમાવી બેઠો, માનવનો હસતો ખિલતો ચહેરો ક્ષણમાં આથમી ગયો, એનું ખુશહાલ જીવન જાણે કુદ્રષ્ટિ નો શિકાર બની ગયું.
કવિતાના છોડી ને જવાના વિચાર માત્રથી એ થીજી જતો હતો અને આજે કવિતાએ તો સામેથી કહ્યું કે એના જીવનમાં માનવ માટે કોઈ જ જગા નથી.
કવિતાએ કહ્યું કે મારો અને તારો કંઈ જ મેળ નથી, આપણા વિચારો પણ મળતાં નથી, બસ હવે હું તારી સાથે નથી રહેવા માંગતી, તું મને ભુલી જજે.
આ વાત કવિતાએ જેટલી સહજતાથી સંક્ષેપમાં વ્યક્ત કરી એટલી જ જટિલ એને સમજવી માનવ માટે હતી, એ કંઈ સમજે એ પહેલાં એનો સંબંધ વિખેરાઈ ગયો, જ્યારે એને બધું જ ગમવા લાગ્યું હતું ત્યારે આ આકસ્મિક ઘટનાએ એનું આખું જીવન બદલી દીધું.
પ્રેમની પરિભાષા જે માનવ સમજતો હતો એ આજે એને ખોટી લાગવા લાગી, એના મનમાં પ્રેમ માટે નફરતની ગાંઠ બંધાઈ ગઈ, મસ્ત મોજીલો માનવ એકદમ ગમગીન અને ધીરગંભીર બની ગયો, કવિતાના ગયા પછી એ સાવ બદલાઈ ગયો, ઘરમાં કે બહાર કામ વગર એ કોઈને મળતો પણ નહી અને વાત પણ ના કરતો...
બધું જ જોતજોતામાં વિખેરાઈ ગયું, પ્રેમ નફરતમાં તબદીલ થઈ ગયો, લાગણીઓ પિંખાઈ ગઈ, વિશ્વાસનો ઘાત થઇ ને એની જગ્યાએ નફરત અને ધૃણા મનમાં વસી ગઈ...
પણ એક સ્પષ્ટ વાત છે કે પ્રેમનો અંત ક્યારેય શક્ય નથી ભલે પછી નફરત પ્રેમ કરતાં વધારે હોય પણ પ્રેમની એક ચિનગારી, એક ઝલક, એક બુંદ જ કાફી હોય છે નફરતનો અંત આણવા માટે...


જેમ ભગીરથ એ તપ કર્યું અને ધીરજ ના ખુટવા દિધી એટલે સ્વર્ગની ગંગા પૃથ્વી પર આવી બસ એમ જ હવે ધીરજથી જ માનવના હદયમાં પ્રેમ આવી શકે એવી સ્થિતિ ઊભી થઇ.
પણ આજના સમયમાં કોણ આટલી ધીરજ રાખવાની ક્ષમતા ધરાવે છે? બધાને ઉતાવળે જ આંબા પકવવા હોય છે...

આખી પરિસ્થિતિ થી અલગ એક વાર માનવ માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો, માનવે કંઈપણ વિચાર્યા વગર ના કહી દીધું પણ પછી બધાની જીદ્દ આગળ એણે નમતું મુક્યું અને એ છોકરી જોવા ગયો.
એના ચહેરા પર કોઈજ પ્રકારના ભાવ નહતા, એ ના તો ખુશ હતો કે ના ગુસ્સામાં, એ સ્થિતપ્રજ્ઞની જેમ સ્થુળ બની ગયો હતો. હવે માનવ એના જેની સાથે લગ્ન થવાના છે એની પાસે બેઠો હતો પણ એની પાસે કોઈ જ પ્રશ્ન કે વાત ન હતી એની સાથે કરવા માટે એટલે એ કંઈ બોલ્યા વગર જ પાછો ઘેર આવી ગયો અને બીજા દિવસે સવારે એને ફરી મળવા ગયો, આ વખતે માનવે એની અને કવિતાની બધી જ વાત કહી અને પછી કહ્યું, "કે હું લગ્ન કરી લીધા પછી પણ ફરીથી પ્રેમતો નહીં જ કરી શકું, હું તને કે પછી કોઈપણ છોકરીને લગ્ન કરીને દુઃખી નથી કરવા માંગતો પણ બસ બધાની જીદ્દ છે એટલે મારે લગ્નતો કરવા જ પડશે એટલે હું મારી બધી હકીકત તને કહેવા આવ્યો હતો. "
હવે તારો જે જવાબ હશે એ મને મંજુર જ રહેશે, તું સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે.
હવે બીજી કોઈ છોકરી હોય તો ના જ પાડે લગ્ન માટે.
પણ આ તો ઉછળકુદ કરતી 'રેવા' એના વિચારો નદિના વ્હેણ જેવા બધાથી તદ્દન નોખા, એની ધીરજ જણે ઝરણાં ને હોય સાગરને પામવાની એવી અચળ, પ્રેમસાગર તો એ આંખોમાં લઇ ને ફરે, શ્યામવર્ણી પણ ચહેરો સુઘડ અને ઘાટીલું અંગ, વાતો એવી કરે કે સાંભળનાર મટકું ના ભરે, બધા માટે એના અંતરમાં પ્રેમ, મુંગા જાનવરો માટે ય મનમાં અનુકંપા અપાર, જેવું એનું નામ સ્વભાવ પણ અદ્દલ એવો જ, સૌની પ્રિય ને જીવનમાં ઉમંગ લાવનારી એટલે 'રેવા', નર્મદા નદીનું બીજું નામ પણ એ જ...
રેવા એ માનવને કહયું, "શું હું તમને પ્રશ્ન પૂછી શકુ? "
માનવે હકારમાં ડોકું હલાવ્યું.
રેવા એ પુછ્યું, "મને પ્રેમ નથી જોઈતો એ મારી પાસે ખુબ જ છે અને એ ખૂટશે પણ નહી, પણ શું તમે રોજ આમ જ કંઈપણ બોલ્યાં વિના મારી વાતો ધીરજથી સાંભળી શકશો?, હું જમવાનું બનાવું ત્યારે રોજ મારા પિતાની જેમ વખાણ કરી શકશો?, મને મિત્ર બનાવી તમારા મનમાં ચાલતી બધી હકીકત મને કહી શકશો?, હું કોઈવાર ઘરમાં ના મળું તો મારી મમ્મીની જેમ મને અધીરાઇથી શોધવા પ્રયત્ન કરશો? અને છેલ્લું મને મારા ઘરના બધા યાદ આવે તો હું રડતી હોઉં ત્યારે મને સાથ આપશો? "
"જો તમે મારા માટે આટલું કરો તો પછી આપણા બંને નો પ્રેમ તો હું એકલી ય કરી લઈશ, ભુતકાળમાં જે થયું એ કદાચ યોગ્ય નથી પણ હું તમારા ભવિષ્યને અદભૂત બનાવવા માંગું છું બસ તમે સાથ આપો તો આ પણ શક્ય છે અને હું તને ક્યારેય નહી કહું કે તું મને પ્રેમ નથી કરતો. કેમકે મેં પણ ક્યાંક વાંચ્યું છે કે પહેલો પ્રેમ ક્યારેય ભુલાતો નથી પણ મને કંઈ વાંધો નથી ભુતકાળમાં જે થયું એનાથી કેમકે મારે તો વર્તમાન અને ભવિષ્યની ચિંતા કરવાની છે અને એમાં જીવવાનું છે, તો હવે હું તમારા જવાબની રાહ જોઈશ!!! "
આટલી વાત કરી બંને છૂટા પડ્યા, આ બાજુ માનવ વિચારમાં ડૂબી ગયો અેને થયું કવિતાથી આ છોકરી કેટલી જુદી છે અને એ હા અને ના વચ્ચે અટવાઈ ગયો, બીજી બાજુ રેવાનો વિશ્વાસ, અેની અખુટ ધીરજ અને નિર્મળ પ્રેમ.
માનવે લગ્ન માટે હા કહ્યું અને પછી રિવાજ મુજબ બધાની હાજરીમાં અને વડીલલોકોના આશિર્વાદથી બંનેએ નવા જીવનની સફર શરૂ કરી.
આ સફર જેટલી સરળ બહારથી દેખાતી હતી એટલી હકીકતમાં હતી નહી અને સાચું જ છે કે બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ નથી અને દોસ્તી પણ થઇ નથી તો સાથે રહેવું થોડું મુશ્કેલ બની જ જાય પણ રેવા એની સુઝબુઝથી બધું એકલાં હાથે જ સંભાળી રહી હતી ગમે તેવી પરિસ્થિતિમાં એ પોતાના મન અને સ્વાભાવને કાબૂમાં રાખતી હતી, ગમે તે હોય એનું વર્તન માનવ સાથે હંમેશાં લાગણીશીલ અને પ્રેમભર્યુ જ રાખતી.
સવારે સાંજે જેટલાં પ્રેમથી જમાવનું બનાવતી એટલાં જ પ્રેમથી રોજ સાંજે માનવની બાજુમાં બેસી આખા દિવસની વાતો કરતી અને એની ભૂતકાળની સારી સારી યાદો પણ વ્યક્ત કરતી.
માનવ આ બધું કંઈપણ બોલ્યાં વગર જ સાંભળે જતો, રવિવારે રેવા સાથે સાંજે મંદિરમાં પણ જતો, એ જમવાનું ગમે તેવું હોય પણ રોજ વખાણ કરવાનું ના ભુલતો અને હવે તો રેવાનું ધ્યાન પણ રાખવા લાગ્યો હતો, હવે તો બંને સારા મિત્ર બની ગયા હતાં અને માનવ પણ હવે સાંજે રેવાને આખા દિવસમાં એને શું કર્યું એ કહેવા લાગ્યો હતો.
એકંદરે માનવ હવે ખુશ રહેવા લાગ્યો હતો પણ એની આ ખુશી માટે રેવાએ શરૂઆતમાં એની ઘણી નફરત સહન કરી હતી પણ એના મનમાં એક જ વિશ્વાસ હતો કે પ્રેમ હંમેશા ખુશી જ આપે છે અને માનવને આ પ્રેમની ખુશી એ આપી શકે છે બસ, પોતાના પ્રેમને ધીરજ થી સાચવતી હતી રેવા, કદાચ એટલે જ માનવ હવે ખુશ રહેવા લાગ્યો હતો અને રેવા પણ એની સાથે ખુશ હતી.
રેવાના કઠીન વ્રતની અસર હતી આજ, એના ત્યાગની ઝલક હતી આજ, એની લાગણીની ધારા હતી આજ, એના હાસ્યનું પ્રતિબિંબ હતી આજ. આ આજ માટે રેવાએ ઘણી કાલ હોમી હતી હવનમાં પણ આજે માનવ અને રેવા એકબીજાના સૌથી સારા મિત્રો બની ગયા હતાં એટલે રેવા ગઈકાલે બનેલું બધુંજ ભુલી ગઈ હતી.
બસ, આમ હવે ખુશીથી દિવસો પસાર થઈ રહ્યાં હતાં.
પણ એકદિવસ માનવ સમય કરતાં વહેલાં ઘેર આવી ગયો અને રેવા એને ઘરમાં ના મળી, એણે ફોન કર્યો પણ કંઈ જવાબ ના મળ્યો, એણે ઘરની બહાર નિકળીને આજુબાજુમાં જોયું પણ ક્યાંય રેવા મળી નહિ, તે રેવાના અમુક મિત્રોને ઓળખતો હતો ત્યાં પણ તપાસ કરી જોઈ, એણે ખુબ શોધખોળ કરી સુરજ આથમીને સાંજ અને પછી રાત પડી ગઈ, માનવ ગભરાઈ ગયો હતો અને ખુબ ગુસ્સામાં પણ હતો પણ એણે હિંમત ના હારી એણે રેવાને શોધવાનું ચાલું જ રાખ્યું...
જાણે આજે માનવની ધીરજની પરીક્ષા લેવાઈ રહી હતી, આ ઘટનાથી એ ખુબ જ વિચલિત થઈ ગયો હતો, એને શું કરવું એ સમજમાં નહોતુ આવી રહ્યું, એ બસ એ જ વિચારતો હતો કે રેવા ક્યાં જતી રહી હશે? મને છોડીને તો નથી જતી રહી હોય ને? અને જાય તો પણ હું કેમ રોકી શકું એને મેં આજસુધી એના માટે કંઈ કર્યું પણ નથી ને! આવા વિચારો કરતાં એ ભાંગી પડ્યો હોય એવો ભાસ થતો હતો.
માનવ થાકીને ઘરે પાછો આવી ગયો, એને કકડીને ભુખ લાગી હતી પણ રેવા ના મળી એટલે એ અસ્વસ્થ બની ગયો અને ઘરનાં પગથિયાં પર જ ઊંઘી ગયો.
રાત અડધી વીતી હશે ત્યાં માનવના ખભા પર કોઈએ
હાથ મુકી એને જગાડ્યો, માનવ અકળાયેલો બેઠો થયો અને સ્વસ્થ થઈને જોયું, જોતાવેંત જ ચોંકી ઉઠ્યો અને ગુસ્સામાં રાતોચોળ બની ગયો, રેવા એની સામે ઊભી હતી એણે રેવાને કંઈપણ પૂછ્યા કે કે કહ્યાં વિના જ એક થપ્પડ મારી દીધી અને ઘરમાં જતો રહ્યો, રેવા પણ રડતાં રડતાં જ ઊંઘી ગઈ.
આ પછી ઘરમાં વાતાવરણ થોડું ગરમ થઈ ગયું અને જાણે અજાણી જગ્યાએ આવી ગયા હોય એવું વર્તન ગુસ્સામાં કરવા લાગ્યાં અને પછી છેક ત્રણ દિવસ પછી માનવને લાગ્યું કે ભુલ મારી છે એટલે એ સાંજે રેવા પાસે ગયો અને એણે માફી માંગી, રેવા ગુસ્સે હતી કેમકે માનવને એ જાણવામાં જરાય રસ નહતો કે એ દિવસે રેવા ક્યાં અને કેમ ગઈ હતી, રેવા એ જ્યારે માનવને આ વાત કહી ત્યારે માનવે કહ્યું, "ખરેખર આ મારી ભૂલ છે પણ મેં તને જેમ પહેલાં કહ્યું હતું કે હું તને ક્યારેય પ્રેમ નહીં કરી શકુ એવું આજે નથી, હું ઘરમાં તને ના જોઉં તો ગભરાઈ જાઉં છું, તને ચૂપ જોઈને અસ્વસ્થ થઇ જાઉં છું, મને તારી આદત થઇ ગઇ છે, સાંજે તારી બાજુમાં બેસીને તારી બકબક સાંભળવાની આદત પડી છે, તું જે જમવાનું બનાવે એના વખાણ કરવાની આદત પડી ગઈ છે, તારી સાથે બગીચામાં ચાલવાની આદત પડી છે, રોજ સવાર-સાંજ તારી સાથે ચા પીવાની આદત પડી છે, રોજ બપોરે તને ફોન કરીને તે જમ્યું એવું પૂછવાની આદત પડી ગઈ છે, તારી સ્કુટી પર પાછળ બેસીને બજાર જવાની આદત પડી છે, તારા માટે રોજ અલગ અલગ આઈસક્રિમ લાવવાની આદત પડી છે, તારી સાથે અમુકવાર કારણ વગર રડવાની આદત પડી છે, તું મારી એ મિત્ર છે જેના વિના મને ઘડીક પણ નથી ફાવતું અને આવું કેમ છે એ મને નથી ખબર! પણ એ દિવસે જયારે તું મને ઘરમાં ના મળી તો હું તને શોધવા બહાર ગયો ખુબ શોધખોળ પછી જ્યારે તું મને ના મળી તો હું એકદમ ગભરાઈ જ ગયો અને તું આમ કહ્યાં વિના જતી રહી એટલે હું ડરી ગયો હતો મને એમ થયું કે તું મને છોડીને જતી રહી હશે તો! એટલે મને ખબર નથી કેમ પણ હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો, હું એ માટે દિલગીર છું તું મને પ્રેમ કરે છે તો મને એક તક તો આપીશને?? મને માફ કરી દે રેવા..."
આટલું બોલીને માનવ રેવાને ભેટી પડ્યો અને બંને ખુબ રડ્યા અને આ આંસુંમાં પ્રેમ પાંગર્યો...
રેવાની અચળ ધીરજ અને સાચા પ્રેમની જીત થઈ, રેવાએ માનવના હૃદયમાં લાગણીનું બીજ એનાં નિર્મળ પ્રેમથી રોપી દિધું, પ્રેમથી નફરતની શરૂઆત થાય છે અને પ્રેમ જ નફરતનો અંત પણ છે, પરંતું પ્રેમતો અનાદિ (જેનો અંત નથી તે) છે
ખરેખર તો આજે ખરાં અર્થમાં માનવના જીવનમાંથી નફરતની 'કવિતા' ભૂંસાઈ ગઈ અને પ્રેમ અને લાગણીથી ભરપુર 'રેવા' વહેવા લાગી.
લિ.
P. K... (Dobrener Ni Duniya)
રેવા=નર્મદાનદી=વહેણ.

બીજા રસપ્રદ વિકલ્પો