Rotli- Bread ni safar books and stories free download online pdf in Gujarati

રોટલી- બ્રેડની સફર

રોટલી- બ્રેડની સફર

જર્મનીના એક મ્યુઝીયમમાંથી બહાર નીકળો ત્યારે દર્શકોને વિનંતી કરતુ એક બોર્ડ મારેલું છે જેમાં લખ્યું છે –

“વિશ્વમાં બે અબજ લોકોને રોજ ખાવાનું પણ મળતું નથી. લોકો ભૂખમરાથી પીડાય છે ત્યારે આ મ્યુઝીયમ જોયા પછી તમે બ્રેડ ની મહત્તા સમજજો.”

મ્યુઝીયમ એટલે પ્રાચિનતમ ચીજ વસ્તુઓનું સંગ્રહાલય. અહીં રા જા રજવાડાના વસ્ત્રો, શસ્ત્રો અને અનેક પુરાણી ચીજવસ્તુઓ રાખવામાં આવી હોય. અહીં જ એ જમાનાની જાહોજલાલીના દર્શન પણ થાય. એ સમયે ટાંચા સાધનો હોવા છતાં કેટકેટલી કળા કારીગીરી કરેલી વસ્તુઓ બનતી તેની જાણકારી પણ મળે. સંગ્રહાલયની મુલાકાત લેનારને ઘણી બધી બાબતોની જાણકારી મળે. ઇટાલિયન ગાલીચા અને કાચ ની ક્રોકરી જોઇને એકવાર એવો વિચાર ચોક્કસ આવે કે આજથી ૮૦૦-૯૦૦ વર્ષ પહેલાના કારીગરો સાચા સર્જકો હતા. તેઓને સલામ કરવાનું મન પણ થાય. ઉત્સુક મુલાકાતી તો ત્યાં ડાયરી લઈને જ જાય અને ઘણી માહિતી ટપકાવી લે. ઇતિહાસકારોનું મનપસંદ સ્થળ. તેઓ કંઇક ને કંઇક નવું શોધતા રહે અને મ્યુઝીયમ માં ઉમેરતા રહે. તેઓની મહેનત અને જહેમતને લીધે જ વિશ્વના સંગ્રહાલય ટકી રહ્યા છે.

સંગ્રહાલય એટલે કંઈ માત્ર જૂની પુરાણી ચીજવસ્તુઓ જ હોય એવું રહ્યું નથી. આજે વાત કહેવી છે રોટલી અને બ્રેડની સફર કરાવતા એક અદભૂત મ્યુઝીયમની. જી હા, મિત્રો, જર્મન બ્રેડ મ્યુઝીયમની. ઈ.સ.૧૯૭૪માં એક ફિલ્મ આવેલી “રોટી”. આ ફિલ્મમાં મનમોહન દેસાઈએ લોકોના ભૂખમરાને પ્રતિકૃત કરેલો. ઘણી સેવાકીય સંસ્થાઓ શહેરની દરેક વ્યક્તિ સુધી ભોજન પહોંચી શકે તે હેતુથી “અન્નપુર્ણા” રથ ફેરવે છે. ખોરાક એ માનવીની મૂળભૂત જરૂરિયાતમાંની પ્રથમ જરૂરિયાત છે. તેમાં પણ રોટી પ્રથમ છે. ગમે તેટલું આધુનીકરણ આવે પણ રોટલી વગર ૧૦-૧૫ દિવસથી વધુ ચલાવી શકાય નહિ. પછી તો ફૂલકા રોટલીની રીતસરની તલપ જ જાગે.

રોટલીનું સંસ્કૃત નામ “રોટિકા”, હિન્દીમાં “રોટી” તો અંગ્રેજીમાં “બ્રેડ” એમ નામરૂપ જૂજવા પણ સ્વાદરૂપ તો અંતે એક જ. ઘઉં,બાજરા,જાવ, મકાઈ કે જુવાર, મેંદામાંથી બનતો આ ખાદ્યપદાર્થ ભારત ઉપરાંત પાકિસ્તાન,નેપાળ, શ્રીલંકા,બાંગ્લાદેશ,દક્ષિણ આફ્રિકાના અમુક ભાગમાં તથા દક્ષિણ કેરેબિયન અને ગુઆના, ફીજીમાં એમ વિશ્વના અનેક ભાગોમાં છવાયેલો છે. રોટલીના જ અન્ય સ્વરૂપ એવા ભાખરી,થેપલા,રોટલા,ઢેબરા,પાઉં,પરાઠા-બ્રેડ વિગેરેમાં ૩૬૫ દિવસ આરોગી શકાય તેટલું અધધધ વૈવિધ્ય છે. પણ આપણામાંથી કેટલા એ આ રોજ થાળીમાં પીરસાતા અને પેટમાં પધરાવતા ખાદ્યપદાર્થના ઉદભવ વિષે વિચાર્યું છે?

જર્મનના બ્રેડઉદ્યોગ સાથે સંકળાયેલ એઇસેલીનને આ વિચાર સ્ફૂર્યો. કલ્પના જાગી અને કલ્પનાને સાકાર કરવા લેખની શરૂઆતમાં જે મ્યુઝીયમની વાત કરી છે તે “જર્મન બેકરી મ્યુઝીયમ”ની સ્થાપના ઈ.સ. ૧૯૫૫માં કરી. પશ્ચિમ જર્મનીના સેન્ટર વિલી એઈસેલીને રોટલા-રોટલી, બ્રેડનો ઈતિહાસ જાળવી રાખવા આ મ્યુઝીયમ બનાવ્યું. ડેન્યૂલ નદીને કિનારે ઉલ્મ શહેર પાસે વિશાળ મકાન ખરીદીને તેમાં વર્ષો પહેલાના જૂના બ્રેડનો ઈતિહાસ સમજાવતા નમૂના એકઠા કરવામાં આવ્યાં. ઉપરાંત જુદાજુદા દેશમાં બ્રેડ કઈ રીતે બનાવાય છે તેની વિધિ બતાવવામાં આવી છે. અનાજ કેવી રીતે ઉગાડાય, દળાય અને રાંધણ પ્રક્રિયાઓ પણ ચિત્રો અને “મોડેલ આર્ટ વર્ક” આ મ્યુઝીયમમાં મુકવામાં આવ્યા છે. ઈજીપ્તની જૂની કબરોમાંથી મળી આવેલા બ્રેડ પરથી નમૂના બનાવીને આ મ્યુઝીયમમાં તે સાચવીને મૂકવામાં આવ્યા છે. જ્વાળામુખી ફાટવાથી ખાખ થઇ ગયેલા પોમ્પાઈનગરના અવશેષોમાંથી પણ રોટલાના અવશેષો મળી આવ્યા હતા. અહીના રાજાઓ સારા લોટમાંથી બનેલા રોટલા ખાતા જયારે ગરીબ ઈજિપ્શિયન રણની રેતી ભેળવેલા લોટના રોટલા ખાતા જેથી તેઓના દાંત જલ્દી બગડી જતા.

જેમજેમ બ્રેડ બનાવવાની કળા પાંગરતી ગઈ તેમ તેના રંગ-રૂપ અને કદ બદલવા લાગ્યા. ઈ.સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ પહેલાનો ડાયરેલ બહરી ખાતેની એક કબરમાંથી મળી આવેલો રોટલો ત્રિકોણકારનો હતો તો ઘણી જગ્યાએ તે શંકુ આકારનો પણ મળી આવેલ. આ મ્યુઝીયમમાં ભાઠીયારા અને અનાજ દળનારા લોકોના એસોસિએશનના દસ્તાવેજો પણ સંગ્રહ કરવામાં આવ્યા છે. અહીના બગીચામાં બ્લેક ફોરેસ્ટ નામના સ્થળેથી મળી આવેલી ૮૦ વર્ષ જૂની ઓવેન પણ ગોઠવાઈ છે. બાઈબલના સમયની બાસલ્ટ હેન્ડમિલ (ઘંટી) કે જે જેરીચો ખાતેથી મળી આવેલી છે તે પણ મુકવામાં આવી છે. કોલોનની શેરીમાં પાઉં વેચનારા જે ઘોડાગાડી લઈને નીકળતા તેને પણ મ્યુઝીયમના બગીચામાં ગોઠવાઈ છે. તો પથ્થરયુગમાં જયારે ચૂલા, તાવડી કે ઓવનની શોધ નહોતી થઇ ત્યારથી તે અત્યાર સુધી ભાખરી,રોટલી કે બ્રેડ બનાવટમાં કેટલા ફેરફાર થયા છે તે સમજાવવામાં આવ્યું છે. અનાજનો દળીને ઉપયોગ શરુ થયો ત્યારની ઘંટી જેવા મોટા પથ્થરના અને ચૂલાના નમૂના આ મ્યુઝીયમની શાન વધારે છે. શેકીને રોટલા બનાવવાની પ્રથા ઈજીપ્તમાં થઇ હોવાનું માનવામાં આવે છે. એ સમયથી ૩૦ પ્રકારના બ્રેડ બનવાતા હશે તેમ મનાય છે.

આ મ્યુઝીયમના મુખ્ય પાંચ ઉમદા ઉદેશ્ય છે. લોકોને બ્રેડ બનાવવાની પ્રક્રિયાનો ઈતિહાસ સમજાવવો, બ્રેડ માટે આટો ગુંદનારા (મિલર) અને બેકરની પ્રણાલિકાને આધાર આપવો, લોકોને તેમની સંસ્કૃતિ અને સમાજ માટે બ્રેડનું(ખોરાક)નું કેટલું મહત્વ છે તે સમજાવવું, લોકોને ભૂખ એ શું છે તે વિષે ગંભીરતાથી વિચાર કરતા કરીને ભૂખમરા સામે લડત આપવા પ્રેરવા. બ્રેડ વિશેની દરેક માહિતી આપવી.

વર્તમાનમાં તો આ રોટલી, ભાખરી, પરાઠા કે બ્રેડ લાંબા સમય સુધી તાજા રહે તેવા પેકેટમાં પણ ઉપલબ્ધ છે. આપણી માનીતી રોટલી આમ જોઈએ તો ખૂબ લાંબી સફર ખેડીને આપણો સાથ નિભાવી રહી છે.

પારુલ દેસાઈ

પરુજદેસાઈ@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED