Right Angle - 27 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 27

રાઈટ એંગલ

પ્રકરણ–૨૭

કશિશને હતું કે રાત પસાર થઇ છે એટલે કૌશલ હવે થોડો ઢીલો પડ્યો હશે. પણ એ માત્ર આટલું જ બોલીને વેધક નજરે એની સામે જોઇ રહ્યો, કશિશને ખ્યાલ આવી ગયો કે કૌશલ એની વાતમાં મક્કમ છે. હવે જે થાય તે હરિઇચ્છા!

‘હું એ વિશે જ વાત કરવા ઇચ્છું છું.‘

કશિશે કહ્યું એટલે કૌશલ બોલ્યા વિના એની સામે જોઇ રહ્યો,

‘તું કહે તે બધું હું કરી શકું છું...પણ એકવાર મારી જગ્યાએ તને મૂકીને વિચારી જો કે અગર તારી સામે મારી સાથે થયું તેવું થયું હોત તો તે શું રિએકશન આપ્યું હોત?‘ કશિશની આંખમાં સ્વાભિમાન હતું કે એ જોઇને ક્ષણવાર માટે કૌશલ ઢીલો પડી ગયો ત્યાં જ એને એના ડેડના શબ્દો યાદ આવ્યા.

‘તારી મોમ આ ઉંમરે ય મને પૂછયા વિના ડગલું ભરતી નથી.‘ અને કશિશ એનો પતિ હોવા છતાં પોતાને ગણકારતી પણ નથી, આજે ડેડનો ફોન આવશે ત્યારે પોતે શું જવાબ આપવો? મેલઇગો સામે પ્રેમ હારી ગયો. એ ફરી મક્ક્મ થઇ ગયો,

‘હું તારી જગ્યા પર નથી....અને મને એવી કલ્પના કરવી પણ નથી. મને બસ એટલું કે‘ તું કેસ પાછો ખેંચે છે કે નહી?‘

‘આ રીતે હું કેસ પાછો ખેંચું તેની મને મારું ઝમીર ના પાડે છે. હું મારી જાતને શરમિંદગીમાં ન મૂકી શકું. ‘ કાલથી કૌશલને સમજાવવાનો પ્રયત્ન કરતી કશિશે આજે ચોખ્ખેચોખ્ખું કહી દીધું. ક્યાં સુધી ઠાલો બચાવ કર્યા કરવો? જે થયું તે બહુ દુષ્કર છે પણ એમાં એનો વાંક શું? એ જ કે એ એને થયેલાં અન્યાય સામે લડે છે?

‘પણ અમને શરમમાં મૂકી શકે છે?‘ કૌશલે એની સામે તિક્ષ્ણનજરે જોઇ રહ્યો.

‘અન્યાય સામે લડવું એ માટે શરમ લાગે કે ગૌરવ થાય? પણ મારી નજરમાં નીચી પડીને હું ન જીવી શકું.‘ કશિશના જવાબથી કૌશલ સ્તબ્ધ થઇ ગયો. એને એમ હતુ કે પોતે કાલથી જે અક્કડતા દેખાડી છે તે જોઇને કશિશ ઢીલી પડશે અને કેસ પાછો ખેંચી લેશે. એના બદલે એ કેસ પાછો ન ખેંચવા માટે વધુ મક્ક્મ થઇ ગઈ. એ જોઇને કૌશલનો પીત્તો ગયો,

‘મને ખબર છે પેલા બે ટકાના ધ્યેયના કહેવાથી તું આટલી કૂદે છે. પણ યાદ રાખજે કેસ પાછો નથી ખેંચ્યો તો જોવા જેવી થશે!‘ કૌશલના આવા આરોપથી કશિશ ખિજાય,

‘ડોન્ટ ટોક રબિશ....તને કશી ખબર જ નથી...સમજ્યો! હું તને બે દિવસથી સમજાવી રહી છું કે ધ્યેયનો એમાં વાંક નથી. મેં મારી મરજીથી કેસ કર્યો છે. તોય તારી પીન ત્યાં જ અટકી ગઇ છે.‘ કશિશેને વચ્ચે અટકાવીને કૌશલ બોલી પડ્ડયો,

‘હા...તો અટકે જ ને...મારા પરિવારની ઇજ્જતનો સવાલ છે.‘ કૌશલ બોલ્યો એટલે કશિશે એની નજર સાથે નજર મીલાવીને પૂછયું,

‘કાલનો કહે છે કે મારો પરિવાર..... મારો પરિવાર...... પણ તારા નાણાવટી પરિવારમાં હું આવું છું કે નહીં?‘ કાલથી જે વાત ચૂંભતી હતી તે આખરે કશિશના હોઠ પર આવી ગઇ. કૌશલ સમજી ગયો કે એ ચર્ચામાં કશિશને પહોંચી નહીં શકે એટલે એણે છેલ્લું હથિયાર અજમાવ્યું.

‘નો મોર ડિસ્કશન! ખાલી હા કે ના...તું કેસ પાછો ખેંચે છે કે નહીં?‘કૌશલ સવાલ કરીને એની સામે તાકી રહ્યો, કશિશ ક્ષણભર એને જોઇ રહી. એના મનમાં અનેક લાગણીઓ સામસામે ખંચાઇ રહી હતી. એણે કલ્પના કરી ન હતી કે એણે આમ આજે જ આવો જવાબ આપવાનો થશે.

‘હું તને પૂછું છું...તું કેસ પાછો ખેંચે છે કે નહી? ‘ કશિશે જવાબ આપ્યો નહીં એટલે કૌશલે ફરી પૂછયું,

‘ના...હું કેસ પાછો નહીં ખેચું.‘‘ કશિશે એટલી જ મક્ક્મતાથી જવાબ આપ્યો. એનો જવાબ સાંભળીને કૌશલને આંચકો લાગ્યો. એને હતું કે પોતે આટલો મક્કમ રહેશે તો કશિશ કેસ પાછો ખેંચી લેશે. એના બદલે એ જરા પણ ઝૂકવા તૈયાર ન થઇ એટલે હવે કૌશલે પણ સામે પોતાનુ જોર દેખાડ્યું,

‘આ તારો આખરી નિર્ણય છે?‘

‘હા..!‘કશિશે ઊંડો શ્વાસ લઇને કહ્યું.

‘ફાઇન...જો એમ હોય તો આપણે સાથે રહી નહીં શકીએ!‘

કૌશલ છેક આવી વાત કરશે એની કશિશને કલ્પના ન હતી. સપ્તપદીના ફેરા ફરતાં સમયે તો એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપ્યું હતું અને આજે આમ આવી વાતમાં સાથ તોડવાની હદ સુધી કૌશલ પહોંચી ગયો,

‘તું એવું કહે છે કે મારે ઘર છોડીને જતાં રહેવું?‘ કશિશે પૂછયું,

‘હું એવું કહું છું કે તું કેસ પાછો ખેંચ પણ એ શક્ય નથી તો મારે સમાજમાં મારા પરિવારની આબરું જાળવવાની ફરજ છે.‘ કૌશલે બને એટલાં સંયમિત સ્વરે કહ્યું. કશિશ નિ:સહાય બનીને તાકી રહી. એ બહુ મન થયું કે એ કૌશલને સમજાવે કે પોતે શું કામ લડી રહી છે પણ કૌશલ હવે એની વાત નહીં સમજે એની એને ખાતરી થઇ ગઇ હતી. જાણે સમય અને સંજોંગો એના હાથમાંથી રેતની માફક સરકી રહ્યાં હતા. જેને એ મુઠ્ઠીવાળી જકડી રાખવાનો પ્રયત્ન કરતી હતી.

‘ઓ.કે....હું તને સાથે રહેવા મજબુર નહીં કરું.‘ કશિશ આટલું બોલીને ટેબલ પરથી ઊભી થઇ ગઇ. દોડીને પોતાના રુમમાં જતી રહી. એ આખો દિવસ બન્નેએ પોત પોતાના રુમમાં એકબીજાની રાહ જોયા કરી. પણ બેમાંથી એક પણ ઝૂકવા તૈયાર ન હતું એટલે એકબીજાના રુમમાં ગયા નહી. સાંજે ભારે હૈયે કશિશે બે–ચાર જોડી કપડાં અને પોતાની જરુરી ચીજ–વસ્તો લીધી.. પણ ક્યાં જવું? સામાન પેક કરીને એણે પોતાને સવાલ કર્યો. પપ્પાને ત્યાં તો હવે કોઇ એની સ્વીકારશે નહી. અને આ સિવાય તો કોઇ બીજું ઘર એને નથી. સ્ત્રીની આ કેવી મજબૂરી કે જે ઘરને એ પોતાના હાથોથી સંવારે–બનાવે એ જ ઘરને એ પોતાનું માની ન શકે? કશિશ પાસે આજે પતિનું ઘર કે પિતાનું ઘર છે પણ એનું પોતાનું કહેવાય તેવું કોઇ ઘર નથી. આ કેવી લાચારી?

ઘરમાંથી જતાં પહેલાં એ માસ્ટર બેડરુમમાં આવી. આ રુમમાં એ નવવધૂ બનીને આવી હતી. અનેક આશા–ઉંમગ સાથે એણે નવી જિંદગીને હસતે મોંઢે આવકારી હતી. આ રુમમાં કૌશલ સાથેના સહજીવનની અનેક મધુર પળો માણી હતી. કશિશના પગભારે થઇ ગયા. એને ધ્યેયના શબ્દો યાદ આવ્યા,

‘કિશુ, તારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. મારું માન કેસ કરવાનું માંડી વાળ.‘ બસ આ શબ્દોએ એના પગમાં જોર આણ્યું.. પોતે જે માટે લડી રહી છે તે માટે પોતાનું જ એ બલિદાન આપી રહી છે. ભલે પોતે રાખ થઇ જાય પણ જ્યાંસુધી ન્યાય નહીં મળે એ બેસી નહીં રહે. ભલે પોતાનું જીવન બરબાદ થયા પણ એને કારણે બીજી અનેક સ્ત્રીઓને લાભ મળે તેવું પણ બને. એણે બધું વિધાતા પર છોડીને પોતાની નાનકડી બેગ હાથમાં લીધી. એ કૌશલના રુમ પાસે આવી. કૌશલના રુમનો દરવાજો બંધ હતો પણ અંદરથી ટી.વી.નો અવાજ આવતો હતો.એણે ડોર પર ટકોરા માર્યા, એટલે અવાજ બંધ થયો પણ દરવાજો ખૂલ્યો નહી. કશિશે ઊંડો શ્વાસ લીધો અને બોલી,

‘કૌશલ....હું જાઉ છું. ટેક કેર! બાય!‘ કશિશ આટલું બોલીને સડસડાટ બંગલાની બહાર નીકળી ગઇ. કૌશલ પોતાના બેડરુમની બારીમાંથી એને જતાં જોઇ રહ્યો. એને બહુ મન થયું કે એ કશિશને બૂમ પાડીને અટકાવી દે. પણ એ કશિશનો પતિ ઓછો અને નાણાવટી પરિવારનો પુત્ર વધુ હોય તેમ એના ગળામાંથી અવાજ ન નીકળ્યો. એ કશિશને રિક્ષામાં બેસીને જતી જોઇ રહ્યો. જ્યાં સુધી રિક્ષા દેખાય ત્યાં સુધી એ જોતો રહ્યો.

‘ઓહ...કમોન પીક ધ કોલ...!‘ સવારથી ધ્યેય પેલા પેપરના એડિટરનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો પણ એ ફોન ઉપાડતો જ ન હતો. ધ્યેયએ મેસેજ પણ કર્યાં હતા. સતત રીંગ વાગતી હતી પણ સામેથી ફોન ઊઠાવ્યો નહીં એથી કંટાળીને ધ્યેયએ ફોન કટ કરવા જતો હતો ત્યાં સામેથી હલ્લો સંભળાયું તે સાથે જ ધ્યેય ગુસ્સામાં બોલી પડ્યો,

‘યાર તમે આ શું છાપી નાંખ્યું? ખબર છે ને અતુલ નાણાવટી કોણ છે? કેસ ઠોકી દેશે તો કાલે તમારું પેપર બંધ થઇ જશે.‘

‘યાર તું ગુસ્સે નહીં થા...જો મેં કર્યું તે સમજી વિચારીને કર્યું છે. મને કહે ખાલી એમ સમાચાર છાપતે કે કશિશ નાણાવટીએ કેસ કર્યો છે તો કેટલાં લોકોની નજર આ સમાચાર પર જતે? બહુ બહુ તો કશિશને ઓળખે તેટલાં લોકો આ સમાચાર પર નજર ફેરવે...તારી ક્લાયન્ટને હાઇપ મળે તે માટે નાણાવટી પરિવારનું નામ લખવું જરુરી હતું. અને મેં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકયું છે એટલે ખબર પાક્કા છે તેવુ કહી ન શકાય. એ કેસ કર તો ય મને કશુ ન થાય અને આજે આખા ગામમાં કશિશનો કેસ ચર્ચાયો છે. તારે આ જ તો જોઇતું હતું..રાઇટ?‘

એડિટરે વિગતવાર સમજાવ્યું એટલે ધ્યેયને એના પર વિશ્વાસ બેઠો.

‘તને બીજી વાત કહું...આજે મારા રિપોર્ટર ખબર લાવ્યો છે કે નાણાવટી આજે કોફી હાઉસ લોન્ચ કરવાના હતાં તેના ફિયાસ્કો થયો છે. કોફી હાઉસ ઓપનિંગના દિવસે જ બંધ થઇ ગયું. બોલ તું કહે તો આ ન્યુઝ છાપું?‘

‘નોઓ......પર્સનલ મેટરને છાપામાં નહીં ઊછાળતો...હું તને કેસ વિશે બ્રીફ કરીશ તે માહિતી છાપજે. પણ કશિશ વિશે કશું ઘસાતું નહીં લખતો...નહીં તો હું સહન નહીં કરું.‘ ધ્યેયેએ મોધમમાં એને સમજાવી દીધું કે એની લિમિટ કેટલી છે.

‘ઓ.કે...ડન.‘ એડિટર સહમત થઇ ગયો એટલે ધ્યેયએ ફોન મૂક્યો ત્યાં જ એનો ફોન પર રીંગ વાગી,

‘તું ઘરે છે?‘ સામે કશિશ હતી.

‘હા...કેમ શું થયું?‘ ધ્યેયના સવાલમાં ઉચાટ હતો.

‘હું થોડીવારમાં તારા ઘરે આવું છું...પછી વાત કરું.‘

કશિશે બીજું કશું કહ્યું નહી. રિક્ષા ધ્યેયના ઘર પાસે પહોંચી ત્યારે એ બહાર જ ઊભો હતો. કશિશ રિક્ષાવાળાને પૈસા આપે તે પહેલાં એણે આપી દીધા. એક તો કશિશ ગાડીના બદલે રિક્ષામાં આવી હતી વળી એના હાથમાં બેગ હતી તે જોઇને ધ્યેયએ અનુમાન કરી લીધું કે શું બન્યું હશે. બન્ને ઘરમાં આવ્યા. કશિશ કશું જ બોલ્યા વિના સોફા પર બેસી. ધ્યેય એના માટે પાણી લઇ આવ્યો. પાણી પીધાં પછી એણે ધ્યેય સામે જોયું,

‘કેસ પાછો નહીં ખેંચું તો સાથે નહીં રહું એવી શરત કૌશલે મૂકી એટલે....‘ કશિશ વાક્ય અધુરું છોડી દીધું. પોતે ધારણા કરી હતી તેવું જ બની રહ્યું છે, ધ્યેયને વિચાર આવી ગયો. એણે નિંસાસો નાંખ્યો. બે–ચાર ક્ષણ એમ જ પસાર થઇ, પછી ધ્યેયએ પૂછયું,

‘હમમ...હવે?‘

‘હવે શું? કેસ તો પાછો નહીં જ ખેંચું. એકવાર લડવાનું નક્કી કર્યા પછી પાછી નહીં હટું...અર્જુને ય એવું જ કર્યું હતું ને? સત્યની લડાઇમાં પોતાના પુત્રો સહિત સગાંનું બલિદાન પણ આપ્યું હતું ને?‘

કશિશની મક્કમતા જોઇને ધ્યેયને એના માટે બહુ જ આદર થયો. એક મિત્ર તરીકે એના માટે ખૂબ માન–સન્માન હતાં પણ આજે એની દોસ્તના નિર્ણયે એને સામાન્ય સ્ત્રી કરતા મૂઠી ઊંચેરી સાબિત કરી દીધી છે.

‘ધેર યુ આર..આઇ એમ પ્રાઉડ ઓફ યુ!‘ ધ્યેય લાગણીથી બોલ્યો.

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED