** ઓર્ડર.. ઓર્ડર.. ! **
શહેરના નામી એડ્વોકેટ પ્રવિણ શાહ પર લોક ડાઉનના કાયદાના ભંગ માટે મુકદ્દમો ચાલવાનો હોવાથી આખો કોર્ટરૂમ વકીલો અને પ્રેક્ષકોથી ભરાઈ ગયો હતો.
ક્રિમિનલ લોયર પ્રવિણ શાહ ‘કાયદે આઝમ’ ના હુલામણા નામથી પ્રખ્યાત હતા. કાનૂનની કિતાબના એક એક કાયદાથી સુપેરે માહિતગાર અને કાયદાની તમામ આંટીઘૂંટીના જાણકાર દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવી હોવાની વાત જ્યારે લોકોની જાણમાં આવી ત્યારે કોઈ તે વાત માનવા કોઈ તૈયાર ન હતું પરંતુ જ્યારે તેમની ધરપકડના ફોટા સાથે સ્થાનિક ચેનલો પર સમાચારો વહેતા થયા ત્યારે સૌને અચરજ થયું હતું.
એડ્વોકેટ પ્રવિણ શાહની ધરપકડ શહેરના રેડ ઝોનમાં લોક ડાઉનનું સખત પાલન થાય તે માટે વિશેષ રીતે નિયુક્ત કરવામાં આવેલ ખૂબ કડક લેડી એ.એસ.પી. શાલિની વર્મા દ્વારા કરવામાં આવી હતી તેથી સ્થાનિક ચેનલો પર એડ્વોકેટ પ્રવિણ શાહ અને શાલિની વર્મા પર વિશેષ કાર્યક્રમો પ્રસારીત કરી આખા ઇસ્યુ ને બિન જરૂરી મહત્વ આપી એડ્વોકેટ પ્રવિણ શાહ ને અપમાનીત કરવાનું આમનાવીય કામ કરવામાં આવી રહ્યું હતું જે લોકોને ગમ્યું ન હતું.
જજ સાહેબે ડાયસ પર સ્થાન લઈ હાજર સૌ સમક્ષ નજર ફેંકી મુકદ્દમો શરૂ કરવા જણાવ્યુ. સરકારી વકીલે કેસની ટૂંકી હકીકત જજ સાહેબ સમક્ષ રજૂ કરી એડ્વોકેટ શાહ જેવા કાયદાના જાણકાર દ્વારા કરવામાં આવેલ કાયદાના ભંગ બદલ તેમને કાયદામાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ વધારેમાં વધારે સજા કરવા ન્યાયાધીસ સાહેબને વિનંતી કરી પોતાની રજૂઆત પૂરી કરી.
સરકારી વકીલની રજૂઆત પછી ન્યાયાધીશ સાહેબે આરોપીના પાંજરામાં ઉભેલા એડ્વોકેટ પ્રવિણ શાહ પર નજર ફેંકી કહ્યું “ મિસ્ટર શાહ, આપને આપના બચાવમાં કઈ કહેવું છે ?”
મિ. શાહ : “ નો, માય લોર્ડ , હું મારો ગુનો કબુલ કરું છું “
ન્યાયાધીશ : “ મિ. શાહ આપના જેવા કાયદાને માન આપતા એડ્વોકેટ દ્વારા જ્યારે કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોય ત્યારે તે પાછળ કોઈ કારણ જરૂર હશે. પ્લીઝ ... મારે એ કારણ જાણવું છે. કૂડ યૂ બી કાઇંડ ઇનફ ટુ એક્સપ્લેઇન ધ રીઝન ...?”
મિ. શાહ : માય લોર્ડ .. પ્લીઝ મને તે વાત જણાવવા મજબૂર કરવામાં ન આવે તેવી મારી નામદાર કોર્ટને વિનંતી છે ..”
ન્યાયાધીશ : “ મિ. શાહ ! ચુકાદો આપતા પહેલાં અદાલતને તે જાણવું જરૂરી જણાય છે. “
મિ. શાહ : “ઑ.કે. માય લોર્ડ “
મિ. શાહે ગળું ખંખેરી કહ્યું “ માય લોર્ડ તે દિવસે હું મારા બંગલાની બાલ્કનીમાં બેસી પુસ્તક વાંચી રહ્યો હતો ત્યાં મારી નજર રોડ પર એક શ્રમિક બાઈ પર પડી. તે તેના અપંગ પતિને એક ટ્રાઈસિકલમાં બેસાડી ઉઘાડા પગે પસાર થઈ રહી હતી. કદાચ તે લોકો ઘણે દૂરથી ચાલીને આવી રહ્યા હોય તેમ ખૂબ થાકેલા જણાતા હતા તેની સાથે એક પાંચ સાત વર્ષની બાળકી પણ ચાલી રહી હતી. તે બાળકીના પગમાં પણ ચપ્પલ ન હતા. કદાચ તેના પગમાં લાંબુ ચાલવાના કારણે છાલા પડી ગયા હતા એટલે તે ખોડંગાતી ચાલતી હતી. તપતા રસ્તાથી બચવા માટે તેના જે પગમાં છાલા પડ્યા હતા તેણે તે પગ ફરતે પ્લાસ્ટિકની કોથળી વીંટાળી હતી. આ દ્રશ્ય મારા હદયને હચમચાવી ગયું એટલે મેં ઝડપથી ઘરમાંથી તેમના માટે ખાવાનું અને નાસ્તાની ચીજ વસ્તુઓ લીધી. પેલી સ્ત્રી માટે મારી પત્નીના અને નાની બાળકી માટે મારી દીકરીના ચપ્પલ લીધા તેમજ ઠંડા પાણીની એક બોટલ અને હાથ ખર્ચી માટે થોડા રૂપિયા લઈ તેમને આપવા માટે હું મારા ઘરની બહાર આવ્યો પરંતુ તે લોકો ત્યાં સુધીમાં થોડા દૂર નિકળી ગયા હતા એટલે મેં તે બધી વસ્તુઓ મારી ગાડીમાં મૂકી તેમને આપવા માટે ગાડી દોડાવી મૂકી. તેમને તે વસ્તુઓ પહોંચાડી હું ઘરે પરત આવ્યો એટલે શાલિની મેડમે લોક ડાઉનના કાયદાના ભંગ બદલ મારી ધરપકડ કરી હતી. મિ. લોર્ડ હું આ બાબતે શાલિની મેડમનો કોઈ વાંક જોતો નથી. તે કાયદાથી બધાએલા હતા.”
“ હા એક વાત જરૂર કહીશ માય લોર્ડ કે શાલિની મેડમના હદયમાં પણ તે ગરીબો પ્રત્યે અનુકંપા હતી એટલે તેમણે બીજા શ્રમિકોની જેમ તે લોકોને ઊઠબેસ નહોતી કરાવી કે ડંડા પણ નહોતા લગાવ્યા. તેમણે પોતાની નજર ફેરવી લઈ તે લોકોને જવા દીધા હતા. મે જોયું હતું કે જ્યારે તેમણે પેલી ગરીબ બાઈને ઉઘાડા પગે જોઈ ત્યારે તેમણે તેને મદદરૂપ થવા માટે પોતાના પગ તરફ જોયું હતું. તેમના પગમાં બુટ પહેરેલા હતા જો તેઓ ડ્યૂટી પર ન હોત અથવા તેમના પગમાં બુટના બદલે ચપ્પલ હોત તો તેમણે તે ક્ષણે જ પોતાના ચપ્પલ તે બાઈને આપી દીધા હોત ! મિ. લોર્ડ એ ગરીબ લોકો સતત પંદર દિવસથી ચાલતા હતા અને ત્યાર સુધીમાં પંદરસો કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને હજુ ચારસો કિલોમીટરનો રસ્તો કાપવાનો બાકી હતો. ધેટ્સ ઓલ માય લોર્ડ “
એડ્વોકેટ પ્રવિણ શાહની કેફિયત સાંભળી લોકોનો આંખોમાં આંસુ આવી ગયા. સૌ એડ્વોકેટ શાહના માનવીય અભિગમના વખાણ કરવા લાગ્યા એટલે કોર્ટમાં ઘોંઘાટ થઈ ગયો. ન્યાયાધીશ મહોદયે લાકડાની હથોળી પછાડી “ ઓર્ડર.. ઓર્ડર ..” કહી સૌને શાંત કર્યા.
ન્યાયાધીશ મહોદય બોલ્યા “જેમ શાલિની મેડમ કાયદાથી બંધાએલા હતા તેમ મિ.શાહ માનવતાથી બાંધેલા હતા. એટલે હું તેમને નિર્દોષ જાહેર કરી ઇજ્જત સાથે છૂટા કરવાનો આદેશ કરું છું.”
ન્યાયાધીશ મહોદયનો ચુકાદો સાંભળી કોર્ટરૂમમાં આનંદનું મોજું ફરી વળ્યું.
આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી )
તા. 11-05-2020