પાંત્રીસી વટાવી ચૂકેલાં નવિનભાઈએ ભારે અસમંજસ બાદ સ્ટેશને સમયસર પહોંચવા માટે આખરે ડેપોમાંનો શોર્ટકટ પકડ્યો. સૂર્ય ડૂબી ચૂક્યો હતો. ક્રમશઃ ફેલાઈ રહેલાં અંધકારમાં બંધ પહેલાં ડેપોમાંનો કાટમાળ વિકરાળ ભાસી રહ્યો હતો.
કોઈક પાછળ આવી રહ્યાનાં આભાસથી તેમણે એક અછડતી નજર પાછળ નાંખી, અનાયાસે તેમની ઝડપમાં વધારો થયો. સ્હેજ આગળ જતાં એક બીજી માનવ-આકૃતિ તેમને આગળ દેખાઈ. નવિનભાઈ તેની સાવ નજીક પહોંચી ગયા ને આ દરમિયાન પાછળ આવતી માનવ-આકૃતિ પણ તેમની નજીક આવી પહોંચી. તેમનું હૃદય ધબકારા ચૂકી ગયું.
અંધારું હવે વધારે ઘેરું થઈ ચૂક્યું હતું. આગળ ઊભેલી માનવ-આકૃતિના હાથમાં તેમણે એક વિચિત્ર ચળકતી વસ્તું જોઈ.
"જે કંઈ હોય તે બધું જ કાઢીને મૂકી દે..." આગળથી એક ઘેરો અવાજ આવ્યો.
"કપડાં પણ...." પાછળથી અવાજ આવ્યો ને બંને માનવ-આકૃતિઓ વિચિત્ર રીતે હસવા માંડી.
નવિનભાઈનું શરીર ધ્રૂજવા માંડ્યું. મનોમન ભગવાનનું નામ રટણ કરવા માંડ્યાં.
ને અચાનક આગળ ઊભેલી માનવ-આકૃતિ રીતસરની હવામાં ઊછળીને દસેક ફૂટ દૂર ફંગોળાઈ ગઈ ને તે સાથે જ બીજી માનવ-આકૃતિ પણ બૂમાબૂમ કરતી નાસી છૂટી. નવિનભાઈને કશું સમજાયું નહિં કે શું થયું.
"હવે આ લોકો કોઈને હેરાન નહીં કરે. ચાલો અંકલ...! હું પણ સ્ટેશન તરફ જાઉં છું." એક યુવા સ્વર નવિનભાઈના કાને પડ્યો ને તેઓ તે તરફ ઝડપથી ચાલી નિકળ્યાં. થોડીવારમાં સ્ટેશનનું અજવાળું દેખાતા તેમના મનને શાંતિ થઈ.
પ્લેટફોર્મ નજીક પહોંચતા નવિનભાઈએ પહેલાં તો આ આશરે અઢારેક વર્ષના યુવાનનો આભાર માન્યો.
"લે દીકરા...! આજે કદાચ તું ન આવ્યો હતો તો રામ જાણે શું થાત...?" તેમણે ખીસ્સામાંથી જે કંઈ રૂપિયા હતા તે કાઢી આ યુવાન સામે ધરીને કહ્યું.
"અરે નહિં અંકલ...! આ મારે નથી જોઈતાં..!"
"અરે દીકરા....! પણ...!"
"ના અંકલ...! મારે રૂપિયાની નહીં પણ કામની જરૂર છે. હું કોઈપણ કામ કરી લઈશ. કામ નવું હશે તો હું મન લગાવીને શીખી લઈશ. મારે કામની ખૂબ જરૂર છે. પ્લીઝ અંકલ...!" યુવાને આજીજી કરતાં કહ્યું.
"ઠીક છે...!" નવિનભાઈએ વિચારતાં કહ્યું, "હું મારા શેઠને વાત કરું છું. તું મને તારો નંબર આપી રાખ."
"મારી પાસે મોબાઈલ નથી, પણ અહીં ગોપાલનગરમાં એકસો બાવન નંબરનું મકાન મારું છે." ડેપો બાજુની ઝૂંપડપટ્ટી તરફ હાથ બતાવતા યુવાન બોલ્યો, "ચાલો અંકલ...! મારા માટે કંઈક કામ જોજો..."
"અરે પણ તારું નામ...!....?"
"સંદીપ.... ત્યાં કોઈને પણ પૂછી લેજો...! મારું ઘર બતાવી દેશે." બોલતાં યુવાન ડેપોના અંધારામાં અલોપ થઈ ગયો ને નવિનભાઈ કેટલીયે વાર તે તરફ જોઈ રહ્યાં.
* * *
"સંદીપનું ઘર આ જ છે...?" ગોપાલનગર ઝૂંપડપટ્ટીમાં એકસો બાવન નંબરના ઝૂંપડા જેવા મકાનમાં ડોકીયું કરીને નવિનભાઈએ પૂછ્યું.
"હા....! આજ છે...!" અંદરથી એક બાવીસેક વરસની યુવતીએ હોંકારો આપ્યો, "પણ, તમે કોણ...? "
"હું કોણ છું એ પછી! પહેલાં તો મને સંદીપને ખૂશખબર આપવા છે...!" જવાબ મળતાં જ નવિનભાઈ અંદર પ્રવેશ્યાં.
"સંદીપે મને કહ્યું હતું કે એને નોકરીની ખૂબ જરૂર છે. અમારી ઓફિસમાં એક માણસની જરૂર છે. મેં મારા શેઠને સંદીપની વાત કરી છે એટલે એને મળવા બોલાવ્યો છે." નવિનભાઈ ઉત્સાહમાં બોલી રહ્યાં હતાં.
"પણ... સંદીપે... એ તમને ક્યારે કીધું....!....? " યુવતીએ સ્હેજ ખચકાટ સાથે એક વિચિત્ર ભાવે પૂછ્યું.
"પરમ દીવસે સાંજે.... પરમ દીવસે સાંજે એ મને અહીં ડેપો પાસે મળ્યો હતો. અરે... ! બે ગુંડાઓએ મને રીતસરનો ઘેરી લીધો હતો, ખબર નહીં મારું શું થાત... પણ સંદીપે આવીને.... " નવિનભાઈ બોલ્યે જતાં હતાં, ત્યાં અનાયાસે એમની નજર સામેની દીવાલ પડી ને તેઓ એકાએક બોલતાં અટકી ગયા. દીવાલ પરનું દ્રશ્ય જોતાં જ તેમનું મગજ ચક્કર ખાઈ ગયું, ને હાથ-પગ રીતસર ધ્રૂજવા માંડ્યાં.
પ્લાસ્ટર વગરની દીવાલ પર એક યુવકનો ફોટો લટકી રહ્યો રહ્યો હતો જેના પર લખ્યું હતું, "સંદીપ તુકારામ પાટીલ – સ્વર્ગવાસઃ તા. 28-9-2017"
* * *