અફેર Ashok Luhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

અફેર

"પપ્પા ! આમ અચાનક ફોન કરીને અમને બોલાવ્યાં, શું વાત છે ...??? તમારી તબીયત તો સારી છે ને ...!?!"

દિલ્હીથી ગઈકાલ રાતની ફ્લાઈટ પકડી સવારની પહોરમાં અમદાવાદ પહોંચેલાં પ્રવિણ અને ભારતીએ ઘરમાં પ્રવેશતાંની સાથે જ અંદરનું ગંભીર વાતાવરણ જોઈ ગભરાયેલા સ્વરે પપ્પાને પૂછ્યું.


સોફા પર બેસેલાં પપ્પા અને મોટાભાઈએ પહેલાં તો પ્રવિણને બેસવાનો ઈશારો કર્યો. પ્રવિણ લગેજ સાઈડ પર સરકાવી સોફા પર બેઠો અને ભારતી રસોડા પાસે ઊભેલાં મમ્મી પાસે ગોઠવાઈ. મોટાભાભી પાણી લાવ્યાં પણ પાણી પડતું મૂકી પ્રવિણ પપ્પા અને મોટાભાઈ તરફ તાકી રહ્યો.


"બેટા, હવે તને !" પપ્પા બોલવાં ગયાં પણ તેમને અત્યંત વિચલિત જોઈ મોટાભાઈએ તેમને શાંત રહેવાનો ઈશારો કર્યો.

"પ્રવિણ, આપણી કવિતા ખૂબ મુશ્કેલીમાં છે !" મોટાભાઈએ બોલવાની શરૂઆત કરી.

"શું થયું કવિતાને ? એની તબીયત તો સારી છે ને ? અને...!" કવિતાનું નામ સાંભળતાં જ મોટાભાઈને અધવચ્ચેથી અટકાવી પ્રવિણ ગંભીર થઈ ગયો અને એણે સવાલોની ઝડી વરસાવી દીધી.


"પહેલાં મારી આખી વાત સાંભળી લે. !" મોટાભાઈએ પહેલાં તો પ્રવિણને શાંત રહેવાનો ઈશારો અને આગળ બોલ્યાં.

"એકાદ વરસ પહેલાં, કપિલકુમારની ઓફિસમાં એક છોકરી તેમની પી.એ. તરીકે એપોઈન્ટ થઈ. ઘણીવાર તેઓ બંનેને ટૂર્સ પર સાથે જવાનું થતું, અને થોડાં જ સમયમાં બંને વચ્ચે ઘનિષ્ઠતા વધી ગઈ. ઓફિસના સ્ટાફમાં પણ તેઓ વિષે ધણી ચર્ચા થવા લાગી. જ્યારે કવિતાને આ વાત ઓફિસના એક કલીગ દ્વારા જાણમાં આવી તો એણે આ વિષે કપિલકુમારને પૂછ્યું, પણ કપિલકુમારે તો એનો જવાબ ખૂબ જ બેશરમીથી અને નફ્ફટાઈથી આપ્યો અને થાય તે કરી લેવાની ધમકી પણ આપી. છતાં પણ કવિતાએ આપણને કશું જ ન કહ્યું." મોટાભાઈએ એક નિઃસાસો નાંખ્યો.

"છેલ્લા ત્રણેક અઠવાડિયાથી તો કપિલકુમારે એક ફ્લેટ પણ ભાડે રાખ્યો છે અને તેઓ બંને પતિ-પત્નીની જેમ રહેવાં લાગ્યાં છે. અને હવે તો કપિલકુમાર કવિતાને ડિવોર્સ માટે પણ દબાણ કરવાં લાગ્યાં છે. કવિતા ભાંગી પડી છે."


"સૌથી પહેલાં તો હું એ છોકરીને જ ખતમ કરી નાંખીશ જેણે મારી બહેનના જીવનમાં ઝેર ઘોળ્યું, અને પછી કપિલનો વારો, એને તો હું બરબાદ કરી નાંખીશ. એનો જીવ લઈ લઈશ !" મોટાભાઈની વાત સાંભળીને પ્રવિણ ગુસ્સાથી ઉછળી પડ્યો અને બોલ્યો, "આખરે છે કોણ આ છોકરી ? મને બસ એનો એક ફોટો લાવી આપો."

"એક શું પ્રવિણભાઈ, મારી પાસે તો એનો આખો આલ્બમ છે.." અત્યાર સુધી રસોડામાં ઊભેલી કવિતા બહાર નિકળી અને પ્રવિણ સામે એક મોટું કવર ધરીને બોલી.

"કવિતા !" કવિતાને જોઈ પ્રવિણને આશ્ચર્ય થયું. તેણે કવિતાના હાથમાંથી કવર લીધું.

પણ આ શું ? કવરમાં તો પ્રવિણના પોતાના જ ફોટા હતા જે સંધ્યા સાથેના તેના અફેરની ચાડી ખાઈ રહ્યાં હતાં. રેસ્ટોરન્ટમાં, ગાર્ડનમાં, બીચ પર, થીએટરમાંના આટલાં બધાં ફોટા જોઈ પ્રવિણ ડઘાઈ ગયો.


"સંધ્યા...! સંધ્યા નામ છે એનું...! બોલ પ્રવિણ, ખતમ કરી શકીશ એને ?" કવિતાની સાથે રસોડામાં ઊભેલાં કપિલે હવે બહાર આવીને કહ્યું, "મારું કોઈ છોકરી સાથે અફેર છે અને હું કવિતાને છૂટાછેડા આપવા માંગું છું, એવી વાત માત્રથી તું મને અને એ છોકરીને મારી નાંખવાં તૈયાર થઈ ગયો. પણ તું એ કેમ ભૂલી ગયો કે ભારતી પણ કોઈની બહેન છે !"


પ્રવિણ પાસે બોલવા માટે હવે કશું રહ્યું ન હતું. પપ્પાની આંખોમાં નફરત, મોટાભાઈની આંખોમાં ગુસ્સો, મમ્મીની આંખોમાં શરમ અને ભારતીની આંખોમાં આંસું જોવાની હિમ્મત હવે તેનામાં રહી નહોતી, તેના હાથ ધ્રૂજવાં લાગ્યાં અને મગજ ચકડોળે ચઢ્યું. બધાં ફોટાઓ તેના હાથમાંથી સરકીને જમીન પર વિખેરાઈ ગયાં અને તે સોફા પર ફસડાઈ પડ્યો.