ભૂસાંતાં ચિત્રો Nilesh Kadavla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ભૂસાંતાં ચિત્રો




આપણા રીતરિવાજો અને ઋઢિઓ પણ ખૂબ સરસ હતી અને છે. આજે થોડીક સાંભળેલી જ વાતોને વગોળીયે...
આપ આપના મગજને પાંચેક દાયકા પૂર્વે લઈને વાતને વાંચજો.
અત્યારના સમયે માત્ર કપડાંની ખરીદી જેટલા બજેટમાં થાય છે કદાચ એનાથી પણ ઓછા પૈસે સમગ્ર લગ્નનું ખર્ચ આવી જતું. ખરેખર પાર વગરની મુસીબતો વચ્ચે વડિલો ઉછી-ઉધારે રૂપિયા લઈને આ પ્રસંગ દિપાવતાં. ત્યાં સુધી કે વરરાજો કહેવાનો, બાકી તો એ બીજાનાં કપડાં પહેરીને પરણતો હોય.(માત્ર એક જોડી કપડાં હોય તો હોય) એમાંય જેણે લગ્ન પ્રસંગે ઉછીના રૂપિયા આપ્યા હોય એ તો રોફથી વરરાજા બાપ પાસે બેઠો હોય ને એની બંડીમાંથી નકદ કાઢી દાનધર્માદામાં વર પક્ષ તરફથી લખાવતો હોય અને પોતાની મોટાઈના દેખાડા કરતો હોય, વાહવાહી લુંટવા બેઠો હોય!

વાત કરીએ દીકરીનાં લગ્નની, તો એક તો દીકરીને સાસરે વળાવવાની હોય અને કયા બાપ કે પરિવારને એનું એક ઊંડે ઊંડે પણ દુઃખ ન હોય ? "અમાસના તારા" માં લેખક કિશનસિંહ ચાવડાએ બહેન અમૃતાનું જે પાત્ર - ચરિત્ર ચિત્રણ કર્યું છે એવી કોઈ પણ લાડકવાયી દીકરીની જાન આવવાની હોય અને એનો હરખ પણ દરેકને હોય પરંતુ માંડવો (લગ્ન મંડપ) આજના જેવો તો ક્યાંથી હોય જ? તો શેનો? સાવ સાદો. વાડીમાં થયેલ બાજરી, જુવાર જેવા પાકના પૂળા કે નીરણને છાવરવામાં આવે ને માંડવાનાં દિવસે(જાન આગમનને આગલે દિવસ) ઘરની સ્ત્રીઓ નદીએથી વેળુ(રેતી) કે ધૂળ લેવા જાય અને એ પાથરવામાં આવે.

મંડપરોપણનો માણેકસ્થંભ (થાંભલી) આજકાલની જેમ માત્ર કુંડામાં જ નહોતી રોપાતી, એ તો કાયમ માટે ફળિયામાં રોપાયેલી રહેતી અને ઘણી થાંભલીઓને તો ચોમાસે કૂંપળો પણ ફૂટી જોવા જોવા મળતી ! ... અને એ થાંભલી (માણેક સ્થંભ) કાયમ માટે ફળિયાનું એક ઝાડ પણ બની રહેતું.

લગન આવે ત્યારથી વરરાજાને ખાટું નહીં ખાવાની વડીલો જડબેસલાક 'ના' પાડી દે. લગન લઈને કન્યાનો ભાઈ આવે ને એને પણ એ દિવસ ખાટું ખાવું નહીં, લગન અને લગનિયાને વધાવી ના લેવાય ત્યાં સુધી રામરામ ન કરવાં કે ખાટલે નહીં બેસવા સહિતના નિયમોનું પાલન કરવું પડે.

કન્યા પક્ષ તરફથી લગન મોકલાય, એ દિવસથી બન્ને પક્ષે લગ્નનો માહોલ ઓર તેજ થઈ જાય. હવે તો માત્ર ત્રણ જ દિવસના (હાલમાંએનાથી પણ ખૂબ ઓછા દિવસોના) સમયગાળામાં લગ્ન પુર્ણ થઈ જાય છે, પરંતુ કોઈ એક સમયે તો છ-છ (એથી પણ વધુ) દિવસનાં લગ્નનો માહોલ બનતો. આજકાલના ઝડપી યુગમાં સમય તો કોઈ પાસે છે નહીં. એક સમયે એક બે દિવસ સુધી જાન રોકાતી. એ વાત પણ આજે નવાઈની લાગે. પેટ્રોમેક્ષનાં, વીજળીબત્તી કે કીટ્સન લાઈટનાં અજવાળાં તો આપણે યુવાનોએ ના જોયાં હોય, પરંતુ અમુક લોકોએ આમાંનાં નામ પણ પહેલી વખત સાંભળીયાં હશે. એ વીજળીબત્તી લઈ ગામનો વાળંદ ચાલ્યો જતો હોય, એ જ અજવાળાં. લાઈટનો તો જનમય નહોતો ત્યારે !

...અને જાન તો જાન. ગાડાંઓ જોડીને, બળદોને શીંગળે, માથે શરીરે શણગારીને ગાડાવાળો રાસ (રાયસ) ખેંચી ડચકારા કરતો બળદોને હાંકતો હોય, ધૂળની ડમરીઓ ઊડતી હૉય... ને ગાડામારગે બળદો ય ઉતાવળા હાલ્યા જતા હોય ને જાનડિયુ તૂટતા સાદે તૂટક તૂટક સ્વરે ગીત ગાતી જતી હોય...

"હઠિલે... વરરાજે સિમળીયું ઘેરી માણાં રાજ..."
સમા સમાનાં ગીતો ગવાતાં હોય ને એમાં જાન જતી હોય ત્યારે વેવાઈ પાસે ઉતારા વગેરેની જરુર પડશે એવી વાત પણ લગ્નગીતમાં કરવામાં આવતી હોય છે, તો વળી સપ્તપદી(અત્યારે ચાર જ ફેરા લેવાય છે.)નાં ગીતો અને એક એક ફેરામાં વિવિધ પ્રકારના દાનની વાતને સારી રીતે વણી લેવામાં આવી હોય છે. તો લખાયેલ લગ્નને ગોર મહારાજ વાંચે અને એ વંચાય જાય એટલે તુરંત જ લગ્ન વંચાઈ જવાનાં ગીત ગવાય તો જાન વિદાય સમયે જાનૈયાઓને આંખ ભીની થઈ જાય એવાં વિદાય ગીતો માન પક્ષ તરફથી ગવાતાં હોય, વાતાવરણમાં ગમગીની છવાઈ જાય અને સૌ કોઈ ભારે હૈયે દીકરીને વિદાય આપે. જાન વિદાય થાય અને વેવાઈએ કરેલી આગતા સ્વાગતાનાં વખાણ કરતાં ગીતો જાન પક્ષે ગવાવાંનાં શરૂ થાય. જાન પાદર તરફ આગળ વધે... જાનને વિદાય દેવામાં આવે.

જાન આવતી હોય એની જાણ થાય એ સારુ સવારના(પહેલાં જાન સાંજે જતી, રાતવાસો કરતી) સમયે દૂરથી આવતાં ગાડાંઓ અને ધૂળની ડમરીઓથી જાન નજીક આવી ગઈના વાવળ કન્યાપક્ષે મળે કે ધમધમાટ ઓર તેજ થઈ જાય અને પછી જાન આવ્યાની વાટ્યુ જોવાય. કન્યાના બાપને જાન સાચવવાનો ને કન્યાને આજ પારકી થઈ જવાનો મનમાં ઉચાટ વર્તાય, હૃદયમાં એક થડકો અનુભવાય ! અંતર કંપી જાય !

બધું જ મંગલમય બની રહે અને જાન ગામને પાદર આવી પહોંચે ને સામૈયાની તૈયારી થાય. ગોરમહારાજ એની તૈયારીઓ કરે.

#સહયોગી સાહિત્ય- લોકસાહિત્ય અને વાર્તાઓ, સાંભળેલી વાતો.

~ નિલેશ કદાવલા