Shraddhano ho vishay to puravani Shi jarur ! books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર !

વાત છે ઈ.સ. ૧૯૮૭ની. આખાય મલકની માથે સિતાંસીના દુકાળનો ડોળો ફરતો'તો. હજારો હાથીઓ સમાં રૂની પુણી જેવાં ધોળાં ધબ વાદળાં આખાય આકાશને રોકીને હડિયા પાટી કરતાં'તાં. ગામડાંની હાલત ખૂબ બેકાર બની રહી હતી. શહેરમાં ખરીદી કે અન્ય ચીજ વસ્તુઓ લેવા માટે સ્થાનિક લોકો સિવાય ભાગ્યે જ ગામડાનાં કોઈ લોકો જોવા મળતાં'તાં. ગામડે ગામડે સરકારે રાહત કાર્ય શરૂ કર્યાં હતાં. ક્યાંક સડકનાં કામ તો ક્યાંક તળાવો ખોદાવી લોકોને રોજગારી આપવા સરકાર ય મરણતોલ પ્રયાસ કરતી હતી. દુકાળ તો સૌરાષ્ટ્રની પ્રજાને જાણે કાંઈ સગો થતો હોય એમ અહીં જ પડ્યો પાથર્યો રહેતો.
એવો એ ભયંકર દુકાળ અને લોકોને ખાવા રોટલો, પહેરવા કપડાંનાં સાંસાં પડતાં હોય એવે સમય કોઈ અજાણ્યો માણસ મોટી બે ફાંટ ભરાય એવડી લગભગ વીસ-વીસ કિલોની ત્રણેક ધારણ થાય એટલી સાકર લઈ હાલાર પંથકના સાવ વેરાન પ્રદેશમાં આવેલ એક ગામને પાદરે આવી ગામનાં ટાબરિયાંઓને પુછે છે, કે આ ગામનું નામ ઘેલડા જ ને....? અચરજ ભરી નજરે આવતલ માણસને પાદરે રમતાં બધાં છોકરાં જોઈ રહ્યાં. ગામમાં આવેલ એ પતિ-પત્નીનું જોડલું ગામનાં કોઈ લોકોનું સગું-સાગવું તો ન્હોતું થતું, એમ છતાંય આ માણસ કેમ આ જ ગામનું નામ લઈ પૂછતો હશે? એ કૂતુહલનો વિષય બની ગયો પરંતુ થોડી જ વારમાં એ આવેલ અજાણ્યા માણસે વાત કરી કે અમે આ ગામમાં આવેલ પીરની દરગાહ પર અમારી માનતા પૂરી કરવા આવ્યાં છીએ. નાનાં મોટાં સૌ આવેલ માણસની મદદ કરવા લાગ્યાં અને એ પુરુષે પોતાની પત્નીના વજન બરાબર સાકર જોખી, પીરને ધરી અને આખાય ગામમાં વહેંચી. આ વાત આજથી ત્રીસેક વર્ષ પહેલાંની છે. એ સમયે એટલી સાકર ખરીદવી કે માનતામાં માનવી એ પણ ઘણું મોઘું પડે એવું હતું, પરંતુ...
"દવા અને દુઆ બંને કામ કરે પરંતુ ક્યારેક દુઆને આધારે દવા કામ કરી જતી હોય છે, યા જ્યાં દવાનું નથી ચાલતું ત્યાં દુઆ જ ચાલતી હોય છે."
એ અજાણ્યા માણસે ગામલોકોની સાથે પોતાની વાત કરતાં કહ્યું કે, "અમે જાતના લુહાર છીએ. અમારું વતન જામ ખંભાળિયા. આ મારી પત્ની છે અને થોડા સમયથી એ ખૂબ બીમાર હતી. ઘણાં બધાં દવાખાનાં બદલાવી નાખ્યાં, દોરા ધાગા વગેરે કરાવી લીધું આખરે સૌરાષ્ટ્રની પ્રખ્યાત અને મોટી ઇરવીનમાં (જી. જી. જી. હોસ્પિટલ - જામનગરમાં) એની સારવાર કરાવી, પણ કુદરત અમારી પરીક્ષા કરતો હોય એમ એને ત્યાંથી પણ તબીયતમાં કોઈ જ ફરક પડતો નહોતો. અમે એને ત્યાં દાખલ કરેલી અને એ સમય દરમિયાન કોઈએ વાત કરી કે તમે એક વાર પીરબાપાની માનતા કરો. ક્યા પીર? ક્યાંના પીર? શું માનતા? એવી કોઈ વાતની મને જાણ નહોતી. એમણે બધી વિગતો જણાવતાં કહ્યું કે ઘેલડા નામે એક ગામ છે અને ત્યાં એક પીરબાપાનું સ્થાનક છે. એની માનતામાં બીજું તો કશું નથી પણ તમારી શ્રદ્ધા હોય એટલે બધું સારું થઈ જશે. માત્ર એ પીરને પાણા ચડાવવા...( પીરની પાણા ચડાવવા એટલે આસપાસમાંથી છબલાં ભરી નાના નાના પથ્થરા પીરની દરગાહના વંડામાં નાખવા.) ....બસ આટલી જ માનતા!!! મને નવાઈ લાગેલી. પરંતુ મેં તો મારી પત્નીના વજન બરાબર સાકળની માનતા કરેલી અને જે જગ્યા, જે પીર, જે સ્થાનક, જે ગામ પણ મેં ક્યારેય જોયેલું નહીં ત્યાં આજે મારી પત્ની સાથે અમે પહોંચ્યાં છીએ. એ આ પીર બાપાના પ્રતાપે...."
ગામ લોકો તો અહીં જ મોટા થયાં છે, એમને પણ એટલી જ અતૂટ શ્રધ્ધા કાયમ માટે રહી છે, પરંતુ કોઈ આવો સાવ અજાણ્યો માણસ પણ જો આટલી શ્રધ્ધા એમના ગામને પાદરે બેઠેલા એક ઓલિયા-પીર પર રાખતો હોય એ માટે પણ એમને ગર્વ થતો હતો.
આજે પણ બીન મુસ્લિમ (હિંદુ) હોવા છતાં ગામનો પરણવા જતો દરેક વરરાજો સાંજે "પીરે પગે લાગવા અચૂક જાય છે, તો બીજી બાજુ આખું ગામ ખેતી સાથે જ જોડાયેલું હોય, પશુઓ હોય, બળદો હોય. એક સમય સુધી ગામમાં ખરવાનો રોગ આવ્યો જ ન્હોતો. કારણ, પશુઓને થતો ખરવા-મોવા નામનો અસાધ્ય રોગ ન થાય એ માટે શ્રદ્ધા પૂર્વક ધુળેટીની સાંજે એક ઘર મુજબ એક બે શ્રીફળ અને સાથે પાંચેક શેર (આશરે બે અઢી કિલો) ચડાવવાનો ક્રમ હતો. આજે પણ શ્રીફળ વધારવાનો ક્રમ જળવાયેલો છે. આજે ગામને પાદર લીલી છમ લીમડાની ઘટાદાર છાંય તળે પીરની એક દરગાહ વર્ષોથી લીલી ધજાઓ અને પાસે જ મરવાના ફુલઝાડની ગંધને કારણે દૂરથી જ અનુભવી શકાય કે પીરની દરગાહ નજીકમાં જ છે.(છેલ્લાં વીસેક વર્ષ પહેલાં દરગાહનું નિર્માણ થયું, એ પહેલાં સાવ સાદા પથ્થરોની ગોઠવણીનો ગોખલો માત્ર હતો. અંદર કશી જ વસ્તુ નહી...) ગામ આમ તો હિન્દુઓનું જ પરંતુ વર્ષો પહેલાં અહીં મુસ્લિમ લોકોનો વસવાટ હતો, ત્યાર પછી સગર જ્ઞાતિના લોકો આવી અહીં વસેલા. આજે એની પણ પેઢીઓની પેઢીઓ અહીં થઈ ગઈ છે. પરંતુ પીર પ્રત્યેની આસ્થા આજે ય એવી જ અકબંધ છે.

- નીલેશ કદાવલા

(સાંભળેલી વાતને આધારે, સત્ય ઘટના આધારિત)

બીજા રસપ્રદ વિકલ્પો