Right Angle - 25 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 25

રાઈટ એંગલ

પ્રકરણ–૨૫

આમ પોતાની જ પાર્ટી છોડીને જતો રહ્યોં એટલે વાતાવરણમાં સ્તબ્ધતા છવાય ગઇ. લોકો અવાચક થઇને કશિશ સામે જોઇ રહ્યાં. કશિશ શરમની મારી જમીન પર નજર ખોડીને ઊભી હતી. એને સમજ ન હતી પડતી કે કૌશલ પોતાના જ ફંકશનમાંથી આવી રીતે જતો રહે તેથી કેમ કરીને ગેસ્ટસનો સામનો કરવો. થોડીક ક્ષણો એમ જ વીતી. કશિશ ચૂપચાપ ઊભી હતી. સૌથી પહેલાં એ.સી.પી. શિવકુમાર રાવ પાસે આવ્યા અને બોલ્યા,

‘ગોડ બ્લેસ યુ!‘ અને એમની મિસિસ સાથે જતાં રહ્યાં. એટલે એક પછી એક એમ બધાંજ મહેમાનો જવા લાગ્યા. કશિશ મૂક થઇને બધાંને જતાં જોઇ રહી. પાંચેક મિનિટમાં તો કોફી હાઉસ તદ્દન ખાલી થઇ ગયું.

કશિશ સૂમસામ કોફી હાઉસને તાકી રહી. ઘડી પહેલાં અહીં કાચના વાસણનો ખડખડાટ હતો. લોકોની વાતચીતનો ગણગણાટ હતો. કોફીની ફલેવરનો મઘમઘાટ હતો અને અત્યારે ફકત સન્નાટો છવાયો હતો. ઉદય અને મહેન્દ્રભાઇ ચેર પરથી ઊભા થયા. મહેન્દ્રભાઇએ નજીક આવીને કશિશના માથાં પર હાથ મૂક્યો, અને એક શબ્દ પણ બોલ્યા વિના નજરથી જ દિલગીરી દર્શાવી. એમનો આશ્વાસનભીનો સ્પર્શ કશિશની આંખને ભીંજવી ગયો. ઉદયના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું. એ જોઇને કશિશને વિચાર આવ્યો કે આ એનું જ કારાસ્તાન હશે. ન્યુઝપેપરમાં એણે જ માહિતી આપી હશે. આના સિવાય તો બીજું કોણ હોય શકે જે એને આમ બરબાદ થતી જોઇને ખુશ થાય? અને કશિશે સેલ્ફ કન્ટ્રોલ ગુમાવ્યો, ઉદય જતો હતો અને કશિશે ઝડપથી ઉદયનો શર્ટ પાછળથી પકડીને ઊભો રાખ્યો,

‘હવે કલેજામાં ઠંડક થઇ તને?‘

ઉદયે પોતાનો શર્ટ છોડાવ્યો,

‘જોયા જાણ્યા વિના ખોટા આક્ષેપ નહીં કર...મેં પેપરમાં ન્યુઝ નથી આપ્યા...સમજી...મેં તો સવારે જે વાંચ્યું તે ખાલી દેખાડયું.‘

‘જૂઠ...સરાસર જૂઠું બોલે છે....તારું જ કામ હોય આ....એ સિવાય બીજા કોઇનું ન હોય....મને ખબર છે તારાથી મારું સુખ જોવાતું નથી!‘ કશિશ આઘાતમાં સૂધબૂધ ગુમાવી ચૂકી હતી. પોતે કેવા બિનયપાયાદાર અક્ષેપ કરે છે એની એને અક્કલ જ ન હતી.

‘જસ્ટ શટઅપ.....હું તારું ભલું ઇચ્છતો ન હોત તો તને કૌશલ જેવો છોકરો શોધી ન આપ્યો હોત સમજી!‘ ઉદયે પોતાનો બચાવ કરતાં કહ્યું.

‘તારે મને ઘરમાંથી જલદી કાઢવી હતી, જેથી હું પપ્પાના વારસામાં ભાગ ન પડાવવું એટલે તે મારા માટે કૌશલ શોધ્યો હતો. એમ ન સમજતો મને ખબર નથી...મેં તારી અને ભાભીની વાત સાંભળી હતી. હું જોબ કરતી હતી તે પગાર મારા એકલાને જીવવા માટે પૂરતો ન હતો એથી તમે બન્ને મન જલદી પરણાવવા ઇચ્છતા હતા એની મને ખબર છે..સમજ્યો!‘ કશિશને પહેલો આક્ષેપ તર્કહીન હતો પણ બીજા આક્ષેપમાં સત્ય હતું. ઘણીવાર ખોટા આક્ષેપથી માણસ જલદી ઉશ્કેરાતો નથી એટલો સાચા આક્ષેપથી ઉશ્કેરતો હોય છે. કારણ કે સાચા આક્ષેપને ખોટો સાબિત કરવા માટે માણસે વધુ મહેનત કરવી પડતી હોય છે. ઉદયે તેમ જ કર્યું.

‘ગમે તેમ ન બોલ...તું કહે છે તેવું મન કાંઇ યાદ નથી!‘ ઉદયના આ જવાબથી કશિશને ગુસ્સો આસમાને પહોચ્યો હતો.

‘ઓહ રિયેલી! નાનપણથી તું આ જ શીખ્યો છે....પોતાની ભૂલ કબૂલ કરવાની આવે એટલે ફટ દઇને કહીને ઊભો રહી જાય કે મને યાદ નથી....‘ કશિશની નજર સામે એવા કેટલાય કિસ્સા તરવરી ગયા જેમાં એવું બન્યું હતું કે પોતાનો વાંક હોય ત્યારે ઉદય મને યાદ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા હોય.

‘તને એમ લાગતું હોય તો એમ...!‘ ઉદયના જવાબે કશિશને પૂરેપૂરી ઉશ્કેરી મૂકી. અત્યાર સુધીનો સંયમ જાણે કડડભૂસ થઇને માટીના ઢગલાંની જેમ ફસડાય પડ્યો,

‘નફ્ફટ! બહેનું ઘર બરબાદ કરીને હજુ જીભાજોડી કરે છે!‘

એણે ગુસ્સાથી ઉદયના ગાલ પર તમાચો ઠોકી દીધો અને બીજો તમાચો મારવા જાય ત્યાં કોઇએ એનો હાથ પાછળથી ખકડી લીધો. કશિશને લાગ્યું કે મહેન્દ્રભાઇએ એનો હાથ પકડ્યો હશે એથી એ હાથ છોડાવતી બોલી,,

‘પપ્પા તમે છોડી દો મને...તમને ખબર નથી આણે શું કર્યું છે..મને તમારી મિલકતમાં ભાગ ન મળે એ માટે મારી પાસે બ્લેન્ક પેપર પર સહી કરાવી છે...નાલાયક છે તમારો દીકરો!‘

કશિશ આવેશથી ધ્રુજતી હતી. એણે ફરી ઉદય સામે હાથ ઉગામ્યો તો હવે જરા જોરથી એનો હાથ કોઇ પકડ્યો. કશિશ ગુસ્સામાં પાછળ ફરી તો સામે ધ્યેય હતો.

‘કશિશ એને છોડી દે...આ કામ એણે નથી કર્યું.‘ ધ્યેય દયાથી કશિશ સામે જોઇ રહ્યો. ગુસ્સા અને આવેશને કારણે એના ચહેરા પર અનેક રેખાઓ ખેંચાઇ ગઇ હતી. ચહેરા પરનો મેકઅપ પસીનાને કારણે રેલાઇ રહ્યોં હતો. એની હેર સ્ટાઇલમાંથી વાળ વિખેરાઇને ફેલાઇ ગયા હતા.

‘બસ તું ય આવી ગયો એની વકીલાત કરવા...! તારી સાથે દોસ્તી કોણે વધુ નિભાવે છે હું કે એ?‘ કશિશ હવે પોતાની વિચારશક્તિ પર કાબૂ ગુમાવી બેઠી હતી! એ ઉદય તરફ એ ક્રોધથી જોઇ રહી હતી. ઉદય અવાચક હતો. એની નાનીબહેને એને તમાચો માર્યો એનો આઘાત એના ચહેરા પર દેખાતો હતો.

‘આઇ હેટ યુ....આઇ હેટ યુ...હવે કદી મને તારો ચહેરો દેખાડતો નહી. આજથી મારા માટે મારો ભાઇ મરી ગયો છે.‘ કશિશ હવે હદ વટાવી ગઇ હતી. ધ્યેયએ આગળ આવીને એને હાથમાં જકડી લીધી.

‘બસ કર...કિશુ! પ્લિઝ કન્ટ્રોલ યોર સેલ્ફ!‘ ગુસ્સા અને આવેશમાં એ ધ્રુજતી હતી.

‘મારો શાપ છે તને! તારું ધનોત–પનોત નીકળશે....જા...મર!‘ આ શબ્દ કશિશ બોલી એ સાથે જ ધ્યેય ચિલ્લાયો,

‘સ્ટોપ ઇટ....જસ્ટ સ્ટોપ ઇટ.....આ કામ એનું નથી...મારું છે!‘ ધ્યેયના શબ્દો કાન પર પડ્યા અને પોતે જે સાંભળ્યું છે તે સાચું ન હોય તેમ કશિશ એની સામે જોઇ રહી. એની આંખોમાં ભારોભાર અવિશ્વાસ હતો જાણે ઉદયને બચાવવા માટે ધ્યેય આ આરોપ પોતાના માથે લઇ રહ્યોં હશે તેવો શક એના ચહેરા પર દેખાતો હતો.

‘હું સાચુ કહું છું. મેં જ પેપરમાં ન્યુઝ મોકલ્યા હતા.‘ ધ્યેયએ બોલ્યો. કશિશ આઘાતથી સ્તબ્ધ બનીને એને તાકી રહી. જાણે સમજાવવાની કોશિશ કરી રહી હતી કે ધ્યેય શું કહી રહ્યોં છે. ના, ધ્યેય કદી આવું ન કરે. એનું હ્રદય એ વાત સ્વીકારવાની ના પાડતું હતું. પણ ધ્યેયનો ચહેરો ચાડી ખાતો હતો કે એ સાચું કહી રહ્યોં છે. બધાં એકેમકને તાકતા ચૂપચાપ ઊભા હતા.

કોફી હાઉસના વાતાવરણમાં ભારેખમ મૌન છવાય ગયું. ક્યારના બધુ જોઇ રહેલાં મહેન્દ્રભાઇ હવે આગળ વધીને કશિશ પાસે આવ્યા અને એને માથે હાથ મૂકયો, કશું કહે તે પહેલાં ઉદય એમની પાસે આવ્યો અને એમનો હાથ પકડીને રાધર ઘસડતો હોય તેમ એમને લઇ ગયો. જતાં જતાં મહેન્દ્રભાઇ લાચાર નજરે કશિશ સામે તાકી રહ્યાં. કશિશના આક્ષેપ અને વર્તનથી ક્ષુબ્ધ ઉદયે એની સામે જોયું જ નહી. બન્ને જણાં ગયા એટલે ધ્યેય ધીમેથી કશિશ પાસે આવ્યો. એને ચેર પર બેસાડી. એ કશિશના પગ પાસે ગોઠણવાળીને બેઠો. એના બન્ને હાથ પકડીને અને એની સામે જોઇ રહ્યો. કશિશ એની સામે જોવાના બદલે કશે શૂન્યમાં તાકી રહી હતી. ધ્યેય એને જોઇ રહ્યો. આવી હારી–થાકેલી કશિશને એણે કદી જોઇ નથી. એની નજરમાં માત્ર શૂન્યતા છે. કોઇ એવો આઘાત જે પચાવી જ ન શકાય.

‘પ્લિઝ લુક એટ મી...કિશુ...પ્લિઝ!‘ ધ્યેય બોલ્યો પણ કશિશ એની સામે જોવાના બદલે એમ જ બેઠી રહી.

‘કિશુ...પ્લિઝ લિસન મી...લુક એટ મી...કિશુ!‘ પણ કશિશએ એની સામે જોયું નહી. ધ્યેય નિ:સહાયતા અનુભાવતો હતો. એણે કદી સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી કે એનું આવું પગલું કશિશની જિંદગીમાં ઉથલપાથલ મચાવી દેશે. બન્ને થોડીવાર એમ જ બેઠાં રહ્યાં. હવામાં બોઝિલતા હતી. ઉભડક પગે બેસીને હવે ધ્યેયના પગ દુ:ખતા હતા. પણ તો ય એ એમ જ બેસી રહ્યો. આમ તો કેવી રીતે કશિશને એ છોડી શકે?

‘કિશુ...પ્લિઝ! લુક એટ મી! પ્લિઝ બીલીવ મી...મેં જે કર્યું તે તારા ફાયદા માટે કર્યું હતું. તારા સમ!‘ થોડા સમય પછી ફરી ધ્યેય બોલ્યો. એટલે કશિશ પીગળી. એણે ધ્યેય તરફ નજર ફેરવી. ધ્યેય એની આંખમાં આંખ મેળવીને એ જોઇ રહ્યો. કશિશની આંખમાં અનેક સવાલ હતા.

‘તું જરા સ્વસ્થ થા...હું તને બધી વાત કરું!‘ ધ્યેયએ વેઇટરને ઇશારો કર્યો એટલે એ પાણી લઇને આવ્યો. કશિશ તરફ ધ્યેયએ પાણીનો ગ્લાસ લંબાવ્યો. કશિશે કશી આનાકાની વિના પાણી પી લીધુ. એટલે ધ્યેયએ ઈશારાથી વેઇટર પાસે કોફી મંગાવી. ધ્યેયને ખાતરી હતી કે કશિશને કકડીને ભૂખ લાગી હશે પણ આ બધી રામાયણમાં તો ભૂખ ક્યાંથી કશિશને યાદ આવે. કોફી સર્વ થઇ ત્યાંસુધીમાં બન્ને જણાં કશું પણ બોલ્યા વિના બેઠાં રહ્યાં. કશિશ તરફ ધ્યેયએ કોફીનો મગ લંબાવ્યો એટલે એણે કોફી પીવા માંડી. સવારથી ફંકશનની દોડાદોડીમાં એણે કશું ખાધુંપીધું ન હતું તે અત્યારે યાદ આવ્યું. એટલે જ કોફી પિવાય ગયા પછી કશિશ હવે થોડી સ્વસ્થ દેખાતી હતી. ઘણીવાર ભરેલું પેટ માણસને સ્વસ્થતાથી વિચારવાની તાકાત આપે છે.

‘તારા કેસને મહત્વ મળે તે વાત બહુ ઇમ્પોર્ટન્ટ હતી. જો આ રીતે કેસ ચાલશે તો વર્ષો નીકળી જશે. એટલે મેં વિચાર્યું કે આ કેસને હાઇપ મળે તે બહુ જરુરી છે. જેથી કરીને મે મિડિયામાં મેટર મોકલાવ્યું હતું. તારો કેસની વિગત આમ જનતા સુધી પહોંચે તો તને સપોર્ટ મળે જેથી કેસ વધુ મજબૂત બને. મિડિયામાં તારા કેસ વિશે ડિસ્કશન થાય અને આખા સમાજનું ધ્યાન આ નવીનત્તમ કેસ તરફ ખેચવા માટે મેં તારું મેટર મારા ઓળખીતા એડિટરને મોકલ્યું હતું. અને એને અઠવાડિયા જેટલો સમય થઇ ગયો. બીલીવ મી આઈ ડોન્ટ હેવ એની આઇડિયા કે તે લોકો આજે છાપશે. આઇ એમ સો સોરી ડિયર! સો સોરી!‘ ધ્યેયએ કશિશનો હાથ પોતાના માથે મૂકયો,

‘આપણી દોસ્તીની કસમ..મેં તારા ભલા માટે જ કર્યું હતું.‘

ધ્યેયના અવાજમાં હડહડતી સચ્ચાઇ હતી. આજસુધી એવી એકપણ ઘટના બન્ને વચ્ચે બની ન હતી કે જેને કારણે કશિશએ ધ્યેય પર શંકા કરવી પડે. એ સાચો મિત્ર હતો. એના પર આંખ બંધ કરીને ભરોસોં કરી શકાય. બસ આજે એનાથી ભૂલ થઇ ગઇ છે, એ વાત સાચી કે આ ભૂલના ઘસરકા કશિશના જીવન પર પડશે અને કદાચ આ સંબંધો પર કોતરાયેલા ઘસરકા મિટાવવા અઘરા પડશે પણ તે માટે એ ધ્યેયની મિત્રતા પર શક કરી ન શકે.

‘હમમ....આઇ ટ્રસ્ટ યુ...પણ હવે શું કરવું? કૌશલને કેમ સમજાવવો?‘ કશિશએ સવાલ કર્યો. ધ્યેય સમજતો હતો જેટલી આસાનીથી કશિશ એના પર ભરોસોં કરે છે તેટલો ભરોસોં કૌશલને એના પર ન હોય તે સ્વાભાવિક છે. પણ પોતે ગમે તે રીતે આખી પરિસ્થિતિ કૌશલને સમજાવવાની ટ્રાય કરવી પડશે.

‘જો અત્યારે તું ઘરે જા....પછી કૌશલને આખી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર. ત્યાં સુધીમાં અહીં હું બધું વાઇન્ડ અપ કરાવવીને તારા ઘરે આવું.‘

‘ઓ.કે.‘ કશિશે એની વાત માની લીધી. કશિશને ગાડી સુધી એ મૂકી આવ્યો અને પછી વેઇટરને બધું સમેટવા કહી દીધું.

કામિની સંઘવી

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED