(આગળ આપણે જોયું કે ઈશાન અને કલ્પના ફોન પર વાત કરી રહ્યા હતા. ડિમ્પલ એ જોઈ રહી હતી અને બંને બસમાં સવાર થઇ ગીતોની મજા માણતા માણતા હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા. હવે આગળ...)
*****************
ઈશાન અને સ્ત્રીઓ
(ભાગ - ૨)
*****************
ઈશાન તલ્લીન થઇને મ્યુઝિકમાં ખોવાયો હતો. ડિમ્પલને પણ ગીતો સાંભળવાનો શોખ હતો પણ ન જાણે કેમ દિલના એક ખૂણામાં એને કંઈક ખૂંચતુ હતું. એને એમ થતું કે હું પણ દેખાવે સુંદર છું, ભણવામાં પણ સારું ધ્યાન આપું છું, રિઝલ્ટ આવે ત્યારે અમારો ક્રમ પણ ઉપર-નીચે જ હોય છે. તેમ છતાં કેમ આ ઈશાન મને નોટિશ નહીં કરતો હોય. એને સ્વમાન થોડું ઘવાઈ રહ્યું હતું. સામેથી ઈશાનને ન બોલવાની જાણે એનું મન એને કસમ આપી રહ્યું હતું.
અચાનક બસના ડ્રાઈવરે જોરથી બ્રેક મારી. આખી બસના બધા પેસેનજર હલી ગયા. ઈશાન અને ડિમ્પલ પણ સોંગ્સ બંધ કરીને જોવા લાગ્યા. બસનો ડ્રાઈવર બસ માંથી ઉતરીને ભાગી ગયો. બસના લોકો હો...હા કરતાં નીચે ઉતાર્યા. ઈશાન અને ડિમ્પલ પણ વારાફરીથી નીચે ઉતાર્યા. બસ જ્યાં ઉભી હતી એના બોનેટ આગળ જ એક ટોળું વળ્યું હતું. ઈશાન સમજી ગયો કે નક્કી અહીં કંઈક એક્સિડન્ટ થયું લાગે છે. ઈશાન ઝડપથી ટોળામાં ઘુસીને જોયું.
"હે.... ભગવાન...." આ શબ્દો બોલતા એની ચીસ નીકળી ગઈ. ડિમ્પલ પણ ઈશાનનો અવાજ સાંભળી ટોળામાં ઘુસી ગઈ.ઈશાન અચંબિત થઇ ગયો હતો. ડિમ્પલને ન સમજાતું હતું કે આ છોકરી કોણ છે. પણ નક્કી એનો ઈશાન સાથે કોઈ ને કોઈ સંબંધ જરૂર હશે.
ત્યાં ઉભેલા લોકો માંથી કોઈએ ઉતરીને તરત જ ૧૦૮ પર કોલ કરેલો અને એમબ્યુલ્સનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એમ્બ્યુલન્સ આવીને ઉભી રહી અને ટોળાને દૂર કરતા ડોક્ટર સાથે એમ્બ્યુલન્સના બે બીજા લોકો સ્ટ્રેચર લઇને આવ્યા. ઈશાનને એ સ્ત્રીની નજીક જોઈ ડોક્ટરે પૂછ્યું.
"તમે આમને ઓળખો છો? શું તમે આમના સગા છો?" ડોકટરના સવાલને સાંભળી ઈશાન રડતાં રડતાં ડોકિયું હલાવવા લાગ્યો. છોકરીને ઝડપથી સ્ટ્રેચર પર લઇ અને એમ્બ્યુલન્સમાં લઇ ગયા અને પ્રાઈમરી તપાસ કરી. ઈશાનને પણ ઈશારાથી એમબ્યુલન્સમાં ચડવા કહ્યું. એમબ્યુલ્સ સાયરન વગાડતી નજીકની હોસ્પિટલ પર તરફ રવાના થઇ. ડોક્ટર તપાસ કરી રહ્યા હતા ને ઈશાન ગમગીન આંખોથી બધું જોઈ રહ્યો હતો.
"સિસ્ટર પેસન્ટની હાર્ટબીટ ચાલે છે. પરિસ્થિતિ ખુબ જ નાજુક છે પણ આપણે પૂરતા પ્રયાસ કરીશું કે એ બચી જાય" ડોક્ટરના આ શબ્દો સાંભળી નર્સ પણ ઝડપભેર પ્રાથમિક સારવાર આપવા લાગી. એમ્બ્યુલન્સ હોસ્પિટલે પહોંચી.
ડિમ્પલ અહીં ટોળા વચ્ચે જ ઉભી રહી હતી. ઈશાન એમ્બ્યુલન્સમાં એ છોકરી સાથે ગયો હતો. એને રડતો જોઈ ન જાણે કેમ ડિમ્પલને પણ રડવું આવ્યું હતું. બસનો ડ્રાઈવર પણ બસ મૂકીને ભાગી ગયો હતો એટલે લોકો બીજી બસ પકડવા થોડે દૂર રહેલા સ્ટેશન તરફ ઉભા હતા. પણ ડિમ્પલની હોસ્ટેલ અંદાજે 500 મીટર જ દૂર હતી એટલે એ વિચારો કરતાં કરતાં ચાલી રહી હતી.
"કોણ હશે એ છોકરી, ઈશાન જેની સાથે રોજ વાત કરે છે એજ હશે એ? કે બીજું કોઈ હશે? બીજું કોઈ હશે તો એ કોણ હશે? શું ઈશાન એક કરતાં વધારે છોકરીઓ સાથે વાત કરતો હશે? ના ના એવું તો ન બને પણ કોણ હશે? મને કેમ ખબર પડશે? એ છોકરી જીવતી હશે? હવે ઈશાન થોડા દિવસ કોલેજ નઈ આવે?" આવા અનેક સવાલો જાણે ડિમ્પલના મગજમાં જ ગુંજી રહ્યા હતા. ન જાણે કેમ ઈશાન અને પેલી છોકરી માટે એ આટલું વિચારી રહી હતી. ડિમ્પલનો હોસ્ટેલનો ગેટ આવ્યો અને એ આ વિચારોની દુનિયામાંથી પાછી ફરી અને હોસ્ટેલમાં પ્રવેશી.
હોસ્પિટલ પહોંચીને તરત જ પેસન્ટને આઈ.સી.યુ. તરફ લઇ જઈ રહ્યા હતા. ઈશાન પણ સ્ટ્રેચર સાથે જ દોડી રહ્યો હતો. એમ્બ્યુલન્સના ડોક્ટરે ઈશાનને ઇમર્જન્સી વોર્ડમાં જઈ ફોર્માલિટીઝ પુરી કરવા કહ્યું. પેસન્ટને આઈ.સી.યુ.માં પ્રવેશ આપ્યા બાદ ઈશાન ઝડપથી ઇમર્જન્સી વોર્ડ તરફ ગયો.
"તો તમે છો આ પેસેન્ટના રિલિટીવ?"
"જી હા, સિસ્ટર..."
"આ એક અકસ્માતનો કેશ છે એટલે પોલીસ ઇક્વાયરી પણ આવશે. એટલે તમે પહેલા આ ફોર્મ ભરી દો અને પછી તમારે થોડા હોસ્પિટલના નિયમ અનુસાર થોડા એડવાન્સ પૈસા જમા કરવા પડશે.." ઈશાન નર્સના આ શબ્દો સાંભળી થોડો ચિંતિત થયો. પોતે હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. કમાવવાનું કોઈ સાધન નહોતું પપ્પા ઘરેથી જે પૈસા આપતા એ હોસ્ટેલ અને કોલેજની ફીઝમાં જતા.
"હેલો ક્યાં ખોવાઈ ગયા ભાઈ.. આ ફોર્મ જલ્દી ભરો તો ટ્રીટમેન્ટ શરૂ થઇ શકે..."
"જી સિસ્ટર..." પરાણે આટલું બોલી ઈશાને ફોર્મ ભરવાનું શરૂ કર્યું.
"નામ... શિલ્પા પટેલ.. ઉંમર ... 22 વર્ષ સરનામું... મમતા અનાથ આશ્રમ સુરત... દર્દી સાથે સંબંધ: ભાઈ... વગેરે.." ભરી ઈશાને નર્સને ફોર્મ પાછું આપ્યું. નર્સ ફોર્મ વાંચી રહી હતી.
"અરે તમે તો કહો છો કે તમે એના રિલેટિવ છો. તો પછી આ અનાથ આશ્રમનું સરનામું કેમ?"
"સિસ્ટર વાત એમ છે કે શિલ્પા મને છેલ્લા 3 વર્ષથી રાખડી બાંધે છે. અને હું એને સગી બેન જ માનું છું. એનું બીજું કોઈ નથી દુનિયામાં અને થોડી શ્યામ હોવાથી એને અનાથ આશ્રમમાંથી કોઈ દત્તક પણ નથી લઇ ગયું. એટલે જે પણ માનો હું એક જ એનો રિલેટિવ છું..."
"તો આ પૈસા? આ પૈસા તમે આપશો...?"
"હા સિસ્ટર હું આપીશ. કેટલા આપવના છે?"
"હાલ એડવાન્સ તો 25,000 જમા કરવો. પછી જયારે ડિસ્ચાર્જ થશે ત્યારે બિલ બનશે..." આ સાંભળી ઈશાન વધારે મુંઝાયો. ક્યાંથી લાવશે પોતે બધા પૈસા એ વિચારો એને અંદરથી ખાઈ રહ્યા હતા. તમે છતાં હિંમત કરી એ બોલ્યો.
"સિસ્ટર તમે મારી બેનની સારવાર શરૂ કરો. હું તમને 24 કલાકમાં પૈસાનું કરી આપીશ. "
"એમ ન ચાલે... તમારે પહેલા પૈસા જમા કરાવવા જ પડે..."
"સિસ્ટર તમને આજીજી કરું છું. તમે કહો એને મળીને વિનંતી કરું પણ મારી બેનને બચાવી લ્યો. હું તમને ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે તમને પૈસા આપી જ દઈશ..."
નર્સ આ શબ્દો અને ઈશાનનો ચહેરો જોઈ સમજી રહી હતી કે આ વ્યક્તિને માનેલી બહેન માટે પણ કેટલો પ્રેમ છે. અને એ વ્યક્તિ આકાશ પાતાળ એક કરીને પણ પાઈ પાઇ ચૂકવી દેશે. પણ એ એની જવાબદારીઓમાં બંધાયેલી હતી.
"તમે કહો એ બધી વાત સાચી પણ મારી પણ નોકરી છે. મને જે નિયમ પાળવાનું કહેવામાં આવે એ મારે કરવું જ પડે. મારી પરિસ્થિતિ પણ તમે સમજો ભાઈ..."
"હું સમજુ છું સિસ્ટર તમે જે કહો છો એ. પણ તમે મને એ વ્યક્તિને મળાવી દો જે આ બાબતે નિર્ણય લઇ શકે"
ઈશાનના કહેવાથી સિસ્ટરે થોડો વિચાર કર્યો અને બાજુમાં પડેલા ફોન પરથી કોલ લગાવ્યો.
"હેલો મેડમ, હાલ જે આઈ.સી.યુ. માં પેસન્ટ આવ્યું છે. એમના ભાઈ મારી સાથે અહીં છે. પેમેન્ટના થોડા ઇસયુઝ છે તો એ તમારી સાથે એકવાર મળીને વાત કરવા માંગે છે."
"સારું.. મોકલી આપો એમને કેબીનમાં..." સામાં છેડેથી મધુર સ્વર આવ્યો અને સિસ્ટરે ડાયલ મૂકીને ઈશાન સામે જોયું.
"મેડમ ને મળી લો. આગળથી લેફ્ટ ત્રીજું કેબીન છે..." ઈશાન આ સાંભળી ખુશ થયો અને એ તરફ આગળ વધ્યો.
કેબીન તરફ આગળ વધતા વધતા અનેક વિચારો એના મગજમાં દોડી રહ્યા હતા.
"શું થશે.. એ મેડમ મારી વાત સાંભળશે? મારી પરિસ્થિતિ સમજશે? એમને કઈ રીતે મારી વાત સમજાવું? શું કહું અને શું ન કહું? શું મારી બેન શિલ્પા સાજી થઇ શકશે? શું એની ટ્રીટમેન્ટ થશે? એ બચી જશે?" આવા અનેક સવાલો સાથે એ કેબીને પહોંચ્યો. ડોરબેલ વગાડી અને સામે છેડેથી અવાજ આવ્યો "કમ ઈન...."
ઈશાન જેવો દરવાજો ખોલી અંદર ગયો કે એના હોશ ઉડી ગયા. એ અચંબિત થઇ ગયો. સામેની રોલિંગ ચેર પર બેઠેલી વાઈટ ડ્રેશ, માથે એકદમ ઝીણી બિંદી, સટ્રેટ હેર, ભરાવદાર ને સુડોળ ચહેરો, નાજુક આંખો અને પહેલાની જેમ જ ઓલવેઝ યંગ દેખાતી એ સુંદરી.
"અમી.... તું?"
"ઈશાન ...... તું?"
(ક્રમશ: આવતા અંકે...)
****
ઈરફાન જુણેજા
અમદાવાદ.