સમય ખુબ ખરાબ ચાલે છે. - 4 પ્રદીપકુમાર રાઓલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય ખુબ ખરાબ ચાલે છે. - 4

સમય ખુબ ખરાબ ચાલે છે.

(4)

આશુતોષે બીજા ઘણાં ફોટા જોયા, ઘણાખરા તો કુદરતી દ્રશ્યો હતાં જેમકે ગામડુ, નદી, ઝાડ, જંગલ પક્ષીઓ, વાંદરા, ભેંસો, ઘેટાં અને બકરાં વગેરે. ગામલોકોના પણ અસંખ્ય ફોટા હતાં, લુહાર, સુતાર, ખેત મજુરો અને કડિયા... અમુક ગ્રુપ ફોટોમાં આર્થર પણ ઉભા હતાં, અને એવા ઘણાં ફોટા નીકળ્યા જેમાં રવજીકાકા, હુશેનચાચા... પણ હતાં, એક ફોટાએ આશુતોષનું ધ્યાન ખેચ્યું, જેમાં ગામનો કુવો અને બાજુમાં ચબુતરો હતો. બારીકાઈથી જોયું તો તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય એવાજ હતાં. યસ! તેણે અને માલતીએ અહી થોડો સમય વિશ્રામ લીધો હતો. ઓહ! ગામ પણ એજ છે, ધરમપુર.. થોડે દુર શાળાના નામના બોર્ડમાં પણ સ્પષ્ટ લખેલ હતું. વળી એક ફોટામાં સર આર્થર પોતાની ગન સાથે, બાજુમાં એમના વફાદાર કુતરા જોડે રુઆબદાર પોજમાં ઉભા હતાં.

મનમાં કઈક નિશ્ચય સાથે તેણે મક્કમ નજરે સહદેવ સામે જોયું અને બોલ્યો, “હા સહદેવ, આ એજ ગામ છે ધરમપુર જ્યાંથી હું હમણાં જ આવ્યો છુ. આ બધી નિશાનીઓ જોતાં મને કોઈ ડાઉટ નથી, અને હા, આ મંદિરની બાજુમાં પડેલ મોટો પત્થર પણ એજ છે. જેનો વિચિત્ર આકાર મારા મગજમાં અંકિત છે. મને તો હવે ડાઉટ નથી, જોકે તારી વાત અથવા શંકા પણ વ્યાજબી છે.”

“અને એ શંકાનો કીડો તું હવે મારા મનમાથી દુર કરવા મને ત્યાં લઇ જઈશ એની પણ મને પાકી ખાતરી છે, બીજું અને હા હવે તો હું મારું કામ પણ પતાવીશ.” સહદેવ ગંભીર થઇ બોલ્યો.

“હા યાર, તારે પેલો દાંત જમીનમાં દાટીને ફરીથી શોધવો છે ને! પણ એ માટે તું એકલા હાથે ક્યાંથી કરીશ અને એ પણ છાનાંછપના ?”

“કામ તો અઘરું છે, પરંતુ મને બુલડોઝર ચલાવતા આવડે છે. ડ્રાઈવરને રજા આપી દઈશ. દાંત જમીનમાં ઊંડે મૂકી દઈશું, પછી મહિનાઓ પછી એને શોધીશું, એજ જગ્યાએ થોડું થોડું ખોદીએ અને સહેજ દેખાય એટલે મીડીયાને બોલાવી લઈશું, લાઈવ ખોદકામ...! પછી પ્રસિદ્ધિ અને પ્રમોશન!”

“વાહ! આઈડિયા સારો છે, તને એ કાર્યમાં સર આર્થરનું ભૂત સહાય કરે એવી શુભેચ્છાઓ. પરંતુ હું મારું વિચારું તો મારે એજ સાબિત કરવાનું છે કે સર આર્થર જોડે જે લોકો રહેતાં હતાં, બસ હું એમની જોડે જ હમણા રહીને આવ્યો હતો. એટેલે એવું કહી શકાય કે હું ટાઈમટ્રાવેલ કરી ત્યાં ગયો હતો કે એ લોકો ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગયા, ખાસ મને બચાવવા અને સારવાર કરવા..હાહાહાહાહા...”

“કે પછી એ સઘળા ડૂબી જનારાઓ ભૂત બનીને તને બચાવ્યો!” મજાકિયા અંદાજમાં સહદેવ બોલ્યો.

“મને તો આ જ સત્ય જણાય છે, કે હું પ્રેતોની સારવાર માણી આવ્યો!” આશુતોષ પણ મજાકિયા બોલ્યો.

ત્યાજ જોરદાર પવનની લહેર રૂમમાંથી પસાર થઇ ગઈ, સહદેવ ઘડીક કંપી ઉઠ્યો. એને જરા ભય પણ લાગ્યો. તે સ્વગત બબડ્યો, “મુકને આ બધી લપ, આજે રાત્રેજ આપણે ત્યાં જઈશું અને બન્નેના કામ પતાવી આવશું, પહેલા મારું કામ અને પછી તારું કામ. કેમકે અહીંથી જતા પ્રથમ નદીની જગ્યા આવશે ત્યાં આ ફોટો પટમાં દાટી દઈશું, અને પછી જઈશું મારી સાઈટ પર, ડ્રાઈવરને હું રાજા આપી દઉં છું, ત્યાંથી આપણે તારા ગામની, સોરી! ભૂતિયા ગામની મુલાકાત લઈશું, બરાબર?” સહદેવે ટેન્ટેટીવ પ્લાન સમજાવ્યો.

“બરાબર, પણ કેટલા વાગે નીકળીશું?”

“રાત્રે ૧૨.૪૫ વાગે,” સહદેવ બોલ્યો.

“દોસ્ત વહેલા જઈએ તો વહેલા પાછા આવી શકાય ને !” આશુતોષ બોલ્યો.

“અરે મારી સાઈટ પર બધા જાગતા હોય, ખોટા ટોળે વળી જાય અને અનેક પ્રશ્નો કરે.”

“ઓકે ઓકે, અને હવે વાહનમાં જઈશું એટલે ફટાફટ જઈને આવતાં રહીશું, હું જ્યાં પડ્યો રહેતો હતો એ રૂમમાં જ ઘડો હશે, લઈને આવતાં રહીશું, કોઈને મળવાની જરૂર નથી. બાત ખતમ!”

“શું બાત ખતમ, આવી મોડી રાત્રે કોઈ ચોર સમજીને ઢીબી નાખશે! હમણા હમણાં મોબલીન્ચિંગ પણ વધી ગયું છે.” સહદેવે આક્રોશ વ્યક્ત કર્યો, “અને બીજું યાર તેતો પેલી વાત જ ઉડાવી દીધી, હું એમને જોઇશ જ નહિ તો તારી વાત કેમ સાચી માનીશ ?”

“કઈ વાત?” આશુતોષે પૂછ્યું.

“કે તું જે લોકો સાથે હમણાં જ રહ્યો હતો એ બધા વર્ષો પૂર્વે ધરમપુરના રહેવાસીઓ હતાં અને સર આર્થરના પરિચિત હતાં.”

“મારા ધ્યાનમાં છે, એ લોકો બહાર ફળિયામાં સુતેલા હશે, કાયમ ત્યાજ સુઈ જાય છે, દિવસના પણ ત્યાજ ખાટલા ઢાળી પડ્યા રહેતા હોય છે. હું ટોર્ચના અજવાળામાં તને માલતી, અને રવજીકાકાના ચહેરા બતાવી દઈશ. બરાબર? પછી સંતોષ કરી લેજે, જે માનવું હોય એ માનજે, મને પણ તું પ્રેત સમજી લે એવો ગાંડો છે! ”

“સારું સારું. બહુ સ્માર્ટ બનવાનું નહિ, અને જો એ બધા જાગી ગયા તો ધોકા પણ ખાઈ લઈશું, હાહાહાહા...”

*****

બંને દોસ્તો સુઈ ગયા હતાં અને સમય પણ ઘણો પસાર થઇ ગયો હતો ઝડપથી. સહદેવ જ્યારે જાગ્યો ત્યારે સવાએક થઇ ગયેલ, “સવા એક સાલું લેટ થઇ ગયા!” એણે નિસાસો નાખ્યો. આશુતોષ સામે જોયું તો તે એકીટસે સીલીંગફેન સામે જોઈ રહ્યો હતો એની નજર એકદમ સ્થિર હતી.

સાલો શું જોઈ રહ્યો હશે, સહદેવે વિચાર્યું. “એય આળસુ, જાગતો પડ્યો છે ને કહેતો પણ નથી કે મોડું થાય છે”

“એમાં શું જેમ મોડું થાય એમ રાત જામે અને રાત જામે તો મને ઓર મજા આવે. તેણે વિચિત્ર જવાબ આપ્યો.” એનો અવાજ સહદેવનો વધુ પડતો જાડો લાગ્યો.

ચાલ ઉભો થા, હું મો ધોઈને આવું છુ. કહીને સહદેવ કિચનમાં ગયો, મો સાફ કરી બે કોગળા કર્યા અને સારી પેઠે ટુવાલથી મો લુછ્યું. તેને નશો કરવાની ઈચ્છા થઇ આવી. આવા કામ કે કોઈ એડવેન્ચર પહેલા તે થોડું પી લેતો. તે ઉપરાઉપરી ત્રણ પેગ વ્હીસ્કીના લગાવી ગયો..

બને એ સાચવીને વજનદાર દાંત જીપના ટ્રેલરમાં મૂકી દીધો તે પહેલા નીચે ગાદલું રાખી દીધું હતું જેથી કરીને રસ્તામાં આંચકાઓથી તે ડેમેજ ન થાય.

તેઓ નિર્વિધ્ને સહદેવની સાઈટ પર પહોચી ગયાં, આખી ટીમ રાત્રીના શહેરમાં આવી જતી હતી, એટલે અત્યારે ત્યાં કોઈ હતું નહિ, બધા ઓજારો, સામાન એક ઓરડામાં બંધ રહેતો, જેની એક ચાવી સહદેવ પાસે રહેતી, સહદેવે રૂમ ખોલી, બુલડોઝરની ચાવી લીધી. લગભગ અડધી કલાકમાં તેઓએ મહેનત કરી પોતાની સાઈટથી સો એક મીટર દુર ઇંગ્લેન્ડથી આવેલ ડાયનોસરનો દાંત જમીનમાં ઊંડે દફનાવી દીધો. સહદેવે તે જગ્યાની અમુક નિશાનીઓ મનમાં યાદ રાખી લીધી . બંને એ ભેગા મળી ઉપર ઝાડની સુકાયેલી ડાળીઓ, પાંદડા, કચરો અને પથ્થરો ગોઠવી દીધાં. અજાણ્યા કોઈને ખબર જ ન પડે કે આ જગ્યા ખોદાયેલ છે.

સહદેવ બોલ્યો, “હવે બે મહિના પછી આ દાંતને હું દુનિયા સમક્ષ લાવીશ, મારા માટે એ એક અનોખી સિદ્ધિ લેખાશે અને એના કારણેજ મને પ્રમોશન આપવું પડશે, હાહાહાહા..” તેનું અટહાસ્ય ભેંકાર રાતમાં ગુંજી ઉઠ્યું. ત્યારબાદ તેમને ધરમપુરની સરહદે પહોચતા વાર ના લાગી.. રાત્રીના રસ્તો પણ સારો હતો અને ટ્રાફિક હળવો હતો.

“જો આ તારું ધરમપુર!” સહદેવના અવાજમાં ઉત્સાહ હતો, એને ઇન્તેજારી અને સાહસના ભાવો ઉછાળા મારી રહયા હતાં. એ એવું માનતો હતો કે અકસ્માતના કારણે આશુતોષના મગજમાં કઈક ગડબડ થઇ ગઈ છે, આવું બનતું હોય છે જેને પોસ્ટ ટ્રોમેટીક ડીસઓર્ડર કહેવામાં આવે છે. ચિતભ્રમ... હકીકત અને કલ્પના વચ્ચે ભેદ ન સમજવો, યાદદાસ્ત જતી રહેવી, ડીપ્રેસનમાં આવી જવું વગેરે સમસ્યાઓ આવી શકે છે. અન્યથા કેવી રીતે એક ક્લાસ વન દરજ્જાનો અધિકારી એમ કહે કે તે વર્ષો પહેલા મરેલા વ્યક્તિઓ સાથે રહેતો હતો, “હું પણ ગાંડો છુ કે એની સાથે ચાલ્યો આવ્યો, ખેર જોઈએ શું ખેલ થાય છે, હાલ તો બધું સુમસામ છે, કોઈ દેખાતું નથી...” સહદેવે વિચાર્યું.

જીપને તેણે ધીમી કરી નાખી, રાત્રીના અંધકારમાં દુર લાઈટો ઝળકતી હતી, નાની મોટી ઈમારતોની કાળી ડીબાંગ આકૃતિઓની જાણે ભૂતાવળ સર્જાઈ હતી. તો જોરદાર પવનની ઝાપટોના કારણે લહેરાતા વ્રુક્ષોની ડાળખીઓ જાણે નૃત્ય કરી રહી હતી. એમના થડ અડીખમ સંત્રીની માફક સ્થિર ઉભા હતાં. ક્યાંક ક્યાંક ખેતરોમાં ઉભા પાક દીવાલની જેમ સરહદો સાચવી રહ્યા હતાં. અને એકદમ વેરાન જગ્યાઓમાં ચીબડીઓના અવાજ ગુંજી ઉઠ્યા, અને શિયાળવા પણ રડવા લાગ્યા. વાતાવરણમાં ભયંકરતા છવાઈ ગઈ. ભયનું લખલખું બંનેના શરીરમાં પ્રસરી ગયું. અમુક અવાજો ભય પમાડે તેવા હોય છે, તમને એકલા પાડી દે, ઘણાંને એમ થાય કે હનુમાન ચાલીસા આવડતી હોત તો સારું થાત. ભૂત પણ ભાગે અને ચૂંટણી પણ જીતી શકાય. મૂળ તો આ બધો પ્રભાવ અંધકારના આધિપત્યનો હોય છે. બંને દોસ્તો યુવાન તો હતાં પરંતુ ભય તો યુવાનને પણ નથી છોડતો.

“અરે અહી નહિ, આગળ લઇ લે, આના પછી આવશે, આ બધી નાની નાની ઇમારતો પછી આવશે, આપણને તે પહેલાં ચબુતરો દેખાઈ જશે.” આશુતોષ બોલ્યો.

“પણ આજ ધરમપુર છે, નકશા પ્રમાણે,“

“તે હશે, હું ક્યા ના પાડુ છુ, પણ હું જ્યાં રોકાયો હતો તે આ જગ્યા નથી, ત્યાતો જુનવાણી મકાનો હતાં, બિલકુલ ગામડામાં હોય તેવા. ગામના છેવાડે અમુક ઝુંપડીઓ હતી. આતો શહેરી ઇલાકો છે જે પાછળથી ડેવલપ થયેલ લાગે છે.”

“અચ્છા બાબા આગે લે જાતે હૈ,” કહી સહદેવે સ્પીડ વધારી.

ખાસ્સી પંદરેક મિનીટ તો જીપ પુરપાટ ચાલી અને જ્યારે આશુતોષે સંકેત આપ્યો ત્યારે સહદેવે વાહન ધીમું પાડી સાઈડમાં લીધું, અને પાર્ક કર્યું.

ધીરે ધીરે તેઓ સાવચેતીથી ગામ તરફ ચાલવા લાગ્યાં, દુર જાણે કોઈ મોટો રાક્ષસ ઉભો હોય તેમ લાગતું હતું, તેના તરફ આંગળી ચીંધી આશુતોષ બોલ્યો, “હા, એજ ચબુતરો છે. અને જો તેની બાજુમાં પાણીનો ટાંકો.”

“ધીરે બોલ ધીરે, ક્યાંક કુતરા જાગી જશે તો પાછળ પડી દોડાવશે, અને પછી આખું ગામ દોડશે”

“ચિંતા ન કર ...” આશુતોષ આખું વાક્ય પૂરું કરે ત્યાં તો જોરદાર ધડાકો થયો. બંનેએ પાછળ જોયું તો ચોતરફ પીળો પ્રકાશ ફેલાઈ ગયો હતો અને સહદેવની જીપ આગની લપેટોમાં સળગી રહી હતી.

સહદેવે જીપ તરફ દોટ મૂકી પરંતુ આશુતોષે તેને રોકી લીધો. તેની પાસે જવાનો કોઈ અર્થ નહોતો. બંને એ વિકરાળ આગને જોઈ રહયાં. સહદેવની કલ્પના બહારનું આ દ્રશ્ય હતું. શું કોઈ તેમને મારી નાખવા માંગતું હશે. એના મનમાં પ્રશ્ન ઉઠ્યો. આ દ્રશ્ય જોઈ તે વિચલિત થઇ ઉઠ્યો હતો. જો આ ધડાકા વખતે બંને અંદર હોત તો અત્યારે સળગી રહયા હોત... આ વિચારર્થી તે કાંપી ઉઠ્યો.

*****