Samay khub kharab chale chhe - 1 books and stories free download online pdf in Gujarati

સમય ખુબ ખરાબ ચાલે છે. - 1

સમય ખુબ ખરાબ ચાલે છે.

(1)

તેની આંખો ખુલી અને ઉપર ફરતાં પંખા પર અટકી ગઈ. તેનું ગળું સુકાતું હતું, કોઈ આવે અને તેને પાણી પીવડાવી જાય તો રાહત થાય... કોઈ શું કામ આવે, માલતી જ આવે તો સારું અને હા ! તે જ કાયમ હાસ્ય રેલાવતી ઠુમક ઠુમક આવતી અને એના હાથમાં પાણીની ઓરેન્જ કલરની પ્લાસ્ટીકની બોટલ તો હોય જ. પાણી પીતા પીતા તેની નજર તો અનેકવાર માલતીના દેહલાલિત્ય પર મંડરાતી રહેતી. એને નીરખીને જ તે પોતાનું અડધું દર્દ ભૂલી જતો હતો. તે એ વિચારતો હતો કે આ ગામડાની છોકરીએ કેમ જાણે નર્સિંગનો કોર્સ કર્યો હોય તે રીતે તેની સેવા શુશ્રુષા કરી જાણતી હતી. પાટાપીંડી /બેન્ડેજ અને દવાઓ બધું ચોકસાઈથી અને નિયમિત.. તેના અમુક જખમ તો પાક્યા હતાં અને પરુ અને લોહી પણ ખુબ નીકળતાં, તે બધું આ છોકરી કોઇપણ સુગ બતાવ્યા વિના સાફ કરતી હતી. તે સિવાય જમવામાં અને બીજી અનેક બાબતોમાં પોતાની કાળજી રાખતી હતી. ખુબ તાવ આવ્યો હોય ત્યારે મીઠાના પાણીના પોતાં મુકવા, માથું દબાવી આપવું, તો કોઈવાર પગ દબાવી આપવાં.. આવી તમામ સારવાર માલતી નિસંકોચ પ્રેમપૂર્વક આપતી. કદાચ આવી શ્રેષ્ટ સારવારથી જ તે ધાર્યા કરતાં વધુ ઝડપે સાજો થઇ રહ્યો હતો! આમ જુઓ તો અહી તેને પંદર દિવસથી વધુ સમય થઈ ગયો હતો. ચારેક દિવસ તો તે બેભાન રહ્યો હતો એવું માલતી જ કહેતી હતી.

વાત એમ હતી કે તેનો ખતરનાક અકસ્માત થયો હતો. એ ક્ષણો ફરી યાદ આવતાં તેને પરસેવો છુટી ગયો. તેની જીપ હવા સાથે વાતો કરતાં દોડી રહી હતી, અને તે પણ જુના ગીતો મસ્તીથી સાંભળી રહ્યો હતો. કિશોરકુમાર તેનો ફેવરીટ સિંગર હતો.. તેના અવાજમાં તે ખોવાઈ જતો હતો. એક બાજુ પુરપાટ ભાગતી જીપની તેજ રફતાર અને બીજી તરફ ગીત સંગીતનો લય.... તે ઝૂમી ઉઠ્યો હતો અને અચાનક તે કલ્પનાની પાંખો પરથી ઉતરી એકદમ વાસ્તવિકતામા આવી પડ્યો. કોણ જાણે સામે કયું જાનવર હશે.. રોજ કે પછી ગદર્ભ, તેણે બ્રેક મારવા ખુબ કોશીસ કરી પરંતુ વ્યર્થ, તેણે સ્ટીયરીંગ વ્હીલ પણ એકદમ ગોળ ગોળ ગુમાવ્યું પણ બધું જ નકામું..

જીપ દશ બાર ગડથોલીયા ખાઈ ગઈ અને એક પથ્થર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ. તે મહામહેનતે બહાર નીકળ્યો, ઉભો પણ માંડ થયો અને લંગડાતો લંગડાતો દુર જવા લાગ્યો. હજી થોડે દુર ગયો ત્યાં તો જોરદાર ધડાકા સાથે જીપ સળગી ઉઠી. તેણે પાછુ વળી જોયું તો આગની ભયંકર જ્વાળાઓમાં જીપ લપેટાઈ ચુકી હતી. તેને ચક્કર આવવા લાગ્યા અને તે જમીન પર ફસડાઈ પડ્યો. તે ભાનમાં આવ્યો ત્યારે આજ ઝુંપડી જેવા મકાનમાં હતો. તેની આજુબાજુ અંદાજે દશેક લોકોનું ટોળું જમા હતું અને તેને ટગર ટગર નીરખી રહયું હતું. તે કઈક બોલે તેની કદાચ રાહ જોઈ રહયા હોય ! પરંતુ તે કઈપણ બોલ્યો ન હતો, ત્યારે તેને ઈચ્છા પણ નહોતી, શરીરમાં થતી ભયંકર વેદનાઓથી જ એનું મગજ બહેર મારી ગયું હતું. તે મનોમન આ ગ્રામીણ વૃંદને આભાર વ્યક્ત કરી રહ્યો, એટલા માટે નહિ કે તેમણે તેનો જીવ બચાવ્યો હતો, અને સારવાર કરી હતી, એતો કારણ હતું જ પરંતુ તેમની પ્રેમપૂર્વકની રીતભાત, વાણીમાં મીઠાસ, મેનર્સ બધુજ વખાણવાલાયક હતું.

અહી વડીલમાં એક રવજીકાકા હતાં, ઉમર કદાચ પાસઠ ઉપર હશે, માથે ચમકતી ટાલ, અને એકવડિયો બાંધો, ઊંચાઈ પણ સારી, પાંચ ફૂટ, સાત ઇંચ. ખુબ મીઠાસથી વાત કરે. તો બીજી વ્યક્તિ હતી માલતી જે એવીજ મધ ઝરતી બોલીથી વાર્તાલાપ કરતી, હા ! વાર્તાલાપ જ કહી શકાય કેમકે તે હંમેશ લાંબી લાંબી વાતો જ કરતી, ગામ વિશે, એના શોખ વિશે ... એની પાસે ટોપિક ખૂટતા જ નહિ. પરંતુ નવાઈની વાત એ હતી કે એને સીતેર ટકા સમજ જ નહોતી પડતી કે તે શું કહી રહી છે. આમ તો તેને પણ વાતો સાંભળવામાં એવો બધો રસ નહોતો, બસ, તે તો તેની રમતિયાળ આંખો જોઈ પોતાની વેદના ભૂલવા માંગતો હતો. એ જુવાનીના પહેલા પગથીયે પહોચી ગયેલ યુવતી રવજીકાકાની ભત્રીજી હતી. ત્રીજો હતો એક ખેપાની દશ કે બાર વર્ષનો કિશોર, નામ હતું તેનું પરબત. નાના મોટાં પરચુરણ કામો એ જ કરી આપતો. તે બહુ વાચાળ નહોતો પરંતુ મસ્તીખોર ખરો! અચાનક માથા પર ટાપલી મારી લે, અથવા તો ચૂંટલી ખણી લે. બીજા ઘણાં સારા કહી શકાય તેવા વ્યક્તિઓ તેની ખબર અંતર પૂછવા આવતાં પરંતુ આ ત્રણ જ મેઈન વ્યક્તિઓ તેની સેવા ચાકરીમાં રાતદિવસ લાગેલા રહેતાં. આથી જ તેને તેમની સાથે માનસિક ઘનિષ્ટતા સ્થપાઈ ગઈ હતી. એક જાતનો લાગણીનો તાંતણો જોડાઈ ગયો હતો. ગામ તો તેને એરિયા વાઈસ નાનું લાગતું હતું પણ તેની કમ્પેરમાં વસ્તી વધુ લાગતી હતી, પણ આ શંકાનો એની પાસે કોઈ સમાધાન નહોતું. જ્યારે તે થોડો હરતો ફરતો થયો હતો ત્યારે તેને ચબરાક માલતી ગામ-દર્શન કરાવવા લઇ ગઈ હતી .. તેઓ ધીરે ધીરે આખા ગામને ખુંદી વળ્યા હતાં. ચારેબાજુ ભીડ જ ભીડ. પરંતુ નવાઈની વાત હતી કે ક્યાય બુમાબુમ કે કોલાહલ નહિ. સૌ પોતપોતાની મસ્તીમાં ચાલ્યાં જતા હતાં. બધાજ વ્યસ્ત અને અંદરોદર વાતચીત પણ નહિ, એકબીજાને સામે મળે તો ફક્ત ઇશારા અને સ્મિતથી અભિવાદન કરે. રોડ રસ્તા પરની સ્વચ્છતા જોતાં આદર્શ ગામ લાગે. તે જે કઈ પૂછે એનો જવાબ માલતી આપે નહિ, અને બસ આગળ આગળ ધપ્યે જાય, હજી તે એકદમ રીકવર નહોતો થયો એટલે એ યુવતી જેટલી ઝડપ તો ન જ હોય ! આથી તે જાણે ઢસડાતો હોય એવું કોઈ ત્રાહિતને લાગે! તેણે વિનંતી કરી એટલે માલતી તેને મકાન પર પરત લઇ આવી.

પરત આવીને તરત જ તે ત્રણ ગ્લાસ પાણી પી ગયો અને એકબાજુ બેસી ગયો. માલતી એ તેની મજાક કરી – “કેમ થાકી ગયા? ટે થઇ ગયા! એક કિલોમીટર પણ નહી ચાલ્યા હોવ તમે ! તે હળવેકથી બોલ્યો, “માલતી હું હવે અહીંથી કંટાળી ગયો છુ, મારે હવે મારા ઘરે જવું છે, મિત્રોને મળવું છે. રવજીકાકાને પણ કેટલીય વાર રીક્વેસ્ટ કરી, પણ વાહનની વ્યવસ્થા નથી કરી આપતાં, આજકાલ આજકાલ કર્યે રાખે છે.”

“એમાં હું શું કરું!”

“મને તો લાગે છે કે રવજીકાકા બહાના કાઢે છે. પાછા કહે છે કે જખમ રૂઝાયા નથી, જો એમ જ હોત તો હું કઈ તારી જોડે ગામ જોવા શું કામ આવત ?”

“એ બધી મોટા લોકોની વાતમાં હું ના પડું” આટલું બોલી સ્મિત આપી માલતી રવાના થઇ ગઈ.

તેને ગુસ્સે થવું, હસવું કે ખરેખર રડવું એજ સમજણ ના પડી. તે વિચારતો વિચારતો પડ્યો રહ્યો, તેણે અહીથી ભાગી જવાનું પણ બે ત્રણવાર વિચાર્યું હતું પરંતુ માલતીના અપ્રતિમ સૌંદર્ય અને એના સ્મિત આગળ તે લાચાર થઇ જતો. એક બે દીવસ આઘાપાછા થાય તો શું ફાટી પડવાનું છે! એમ વિચારી તે મન મનાવી લેતો.

ત્યાં જ ધડામ અવાજ સાથે બારણું ખુલ્યું અને પરબતે ઉતાવળે અંદર પ્રવેશ લીધો.

“કેમ અલ્યા તું ? માલતી ક્યાં ? “

“એ તો બકરી માટે ચારો લેવા ગઈ છે, એણે જ મને અહી મોકલ્યો છે, કહેતા હોવ તો પાછો જતો રહું? બોલો શું ફરમાન છે?” પરબતે દાદાગીરીના ટોનથી પ્રશ્નો કર્યા.

“વાયડો થા મા, તું ખરેખર દોઢ ડાહ્યો છે. છાનોમાનો પાણી પીવડાવ અને પછી ડોક્ટરને બોલાવી લે.” તેણે ચિડાઈને કહ્યું. અને મો મચકોડી એ છોકરડો રવાના થયો. બારણું પણ તેણે વાખ્યું નહિ . ખરો છે આ છોકરો, આમ હસતો જ હોય પણ આપણે ખીજઈએ ત્યારે ખુબ ગુસ્સે થાય છે. તેમ છતાં તેને તેની નાદાનિયત અને નિર્દોષતા પર મનોમન હસવું આવ્યું.

દશેક મિનીટ પછી ડોકટર હુશેનચાચા હાજર થયા. એમના હાથમાં જુના જમાનાની બેગ હતી. જોકે ડોકટર પણ જુના જમાનાના જ હતાં ને ! લગભગ એંસીની વય હશે ! ચહેરા પર અગણિત કરચલીઓ, આંખો ઊંડી ઉતરી ગયેલ, ત્યાં મોટાં ખાડા જ દેખાય, ખુબ ધ્યાનથી જુઓ તો એમાં અંગારા ચમકતા દેખાય. આશુતોષને નવાઈ લાગી કે આ ડોહો આ ઉંમરે પણ શું ઢસરડા કરતો હશે! જાણે એના મનની વાત જાણી ગયા હોય તેમ ડોકટર હુસેનચાચાએ જવાબ આપ્યો, “ બેટા હું આમતો પ્રેકટીસ કરતો જ નથી, મારો દીકરો જ કલીનીક સંભાળે છે. પરંતુ અત્યારે મલેરિયામાં સપડાયેલ છે માટે હમણાથી હું જ આવું છુ. દર્દીઓ આ સીજનમાં વધુ નથી આવતાં એટલે રાહત છે.”

આ ડોસાની સારવારથી જ તે હરતો ફરતો થયો હતો, અને તેના જખમ રૂઝાવા લાગ્યા હતાં. અમુક સોજા આવ્યા હતાં તે તો બિલકુલ મટી ગયા હતાં.

“કેમ દીકરા હવે કેવું લાગે છે? અને હા, એકદમ મને કેમ બોલાવ્યો?” હુસેનચાચાએ કરડાકીથી પૂછ્યું. એમની આંખો વિચિત્ર જોઈ આશુતોષ ક્ષણીક ગભરાઈ ગયો. તે મનોમન બોલ્યો – “હે ભગવાન, હનુમાનદાદા બચાવી લે જે જો કઈક એવું મેલું હોય તો ! “

“આ ભગવાને બનાવેલ દુનિયામાં બધું જ પવિત્ર છે બેટા ... હાહાહાહા ...આતો રસ્તામાં એક પંડિત મને કહે આઘા ખસો મિયા હું અભડાઈ જઈશ..એમને મેલેરિયા થયો હતો ત્યારે મારા દીકરાએ જ સારવાર આપેલી. અભડાઈ ગયો.. હાહાહાહા. ખરેખર એનો આત્મા જ અભડાયેલ છે. હાહાહાહા.... અહિયાં બધા આત્મા જ છે, હે! છે કોઈ પરમાત્મા ? બોલો? હે બેટા તુજ જવાબ આપ”

આશુતોષ તો ચકિત થઇ ગયો કે આ ડોસો શું મનની વાત જાણી લે છે! કેવો ભયાનક લાગે છે! વાતને મૂળ હકીકત પર લઇ આવું નહીતર મારું કામ નહિ થાય એમ વિચારી તે બોલ્યો, ”બોલો ચાચા હું સાજો થઈ જ ગયો છુ ને ! હવે મારે ઘરે જ જવું છે સમજ્યા, અને રવજીકાકાને કહી દો કે આપણે એકદમ ફીટ છીએ.” તેણે કોન્ફીડન્ટલી વાત કરી.

આ સાંભળી હુસેનચાચા મંદ મંદ હસ્યા, પણ એમના હસવામાં દર્દ હતું, “બેટા, હું છુ તો ડોક્ટર પણ એથી વિશેષ...” તે આગળ કઈ બોલે ત્યાં જ રવજીકાકાનું આગમન થયું. “એને જવાની હજી વાર છે, સમય પાક્યો નથી. હજી ક્યા એ બરોબર સાજો થયો છે?” એમણે વેધક નજરે હુશેનચાચા સામે જોયું. તે આડું જોઈ ગયા.

રવજીકાકાના શબ્દો આશુતોષને કાંટાની માફક ખૂચ્યાં અને તેનાથી બોલ્યા વિના રહેવાયું નહિ, ” અરે! ના કાકા, શું યાર તમે ! હું હવે ખરેખર કંટાળી ગયો છુ, મને અહી બહુ ન ફાવે, હું શહેરનો જીવ છું અને આ તો નાનકડું ગામડું છે. થોડીઘણી રીકવરી બાકી છે તે મારા ઘરે થઇ જશે, અહી ફોગટના પડ્યા રહેવાનો કોઈ અર્થ નથી. આપ બધાએ મારો જીવ બચાવ્યો, આટલી સારવાર કરી એની કિંમત હું ચૂકવી શકું એમ નથી. ખુબ ખુબ આભાર! અને હવે મને મુક્ત કરો.” છેલ્લું વાક્ય તે કંટાળીને કટાક્ષયુક્ત બોલ્યો.

“દીકરા , તને અહી શું દુઃખ છે ? ચાલ, તેમ છતાં તારી ઈચ્છા છે તો ત્રણેક દિવસમાં તારા માટે જવાની કઈક વ્યવસ્થા કરીશું. “

આ સાંભળીને આશુતોષને લાગ્યુકે રવજીકાકા જુઠ બોલી રહ્યા છે. તેમના હાવભાવ જ કહી રહ્યા હતાં કે ફક્ત આશ્વાસન આપી રહ્યા છે, તે મનમાં ગુસ્સે તો ખુબ થયો, પણ વ્યક્ત કરી શકે તેમ નહોતો, લાચારી હતી. તે નિરાશ થઇ ગયો. તેનું મો વિલાઈ ગયું.

જેમતેમ કરીને તેણે ત્રણ દિવસ પસાર કર્યા. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઇ નહિ. ટુંકમાં તેની ધારણા સાચી હતી. તેને ગુસ્સો આવતો હતો પણ કોના ઉપર ઉતારે? હા, તે પરબત ઉપર વિનાકારણ ખીજાઈ જતો. જોકે ત્યાજ તેની લીમીટ પણ પૂર્ણ થઇ જતી. અને બન્યું એવું કે દાઝ્યા ઉપર ડામ જેવી પરિસ્થિતિ સર્જાઈ! તે એ કે એના બે જખમમા ઇન્ફેકશન થઇ ગયું અને ઘૂંટણમા સોજો આવી ગયો. તેણે માલતીને અને પરબતને ડોકટરને બોલાવવા વારાફરતી મોકલ્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. જાણવા મળ્યુકે ઘરડા ડોસા ખુદ બીમારીમાં સપડાયા છે.

એક દિવસ રવજીકાકા આવી ચડ્યાં ! તેમને જોઇને આશુતોષે ફરિયાદ કરી. “કાકા, હું તો જાણે સાવ સાજો થઇ ગયો હોઉં તેમ તમે તો દેખાતા જ નથી! પહેલાં રોજ મીનીમમ પાંચ કલાક તો રોજ બેસતાં. મને ઘેર રવાના કરવાની તો વાત સાવ ભૂલી જ ગયા. મારા જખમ પાક્યા છે, ઇન્ફેકશન આગળ વધી રહયું છે અને કોઈ સારવાર પણ થતી નથી, ક્યા મરી ગયા હુશેનચાચા?” તે આક્રોશમાં બુમ પાડી ઉઠ્યો.

“બેટા શાંતિ રાખ, ચાચા બીમાર છે, આપણે બાજુના ગામમાંથી બીજા ડોકટર બોલાવી લાવીશું. તું ચિંતા ન કર. મને માલતીએ કહ્યું એટલે જ દોડતો આવ્યો છુ.”

“આજે જ બોલાવી લો, સાંજ સુધીમાં. અથવાતો મને મારા ઘરે રવાના કરી આપો. પ્લીઝ!” તે આજીજી કરવા લાગ્યો, પછી થોડો શાંત પડ્યો. એને લાગ્યું કે એની રીક્વેસ્ટની કોઈ અસર રવજીકાકા પર થઇ નથી રહી. તે મનમાં ખુબ ગભરાયો, તેને લાગ્યું કે આ લોકો તેને આજીવન અહી જ કેદ રાખશે. વધારામાં અહીનું વાતાવરણ પણ કઇક અજુગતું અને ભયાવહ લાગતું હતું. પરંતુ કેમ લાગે છે, શું છે તે પિન્પોઇન્ટ નહોતો કરી શકતો. બધું જ તો નોર્મલ જણાતું હતું. તેમ છતાં તેને કેમ ડર લાગતો હતો! ઓહ! હા, કદાચ તેની બીમાર અવસ્થામાં તે માનસિકરીતે પણ અસ્વસ્થ થઇ ગયો હશે !

“બેટા તું કહેતો હતો ને કે અમે તારો જીવ બચાવ્યો ને સારવાર કરી તેની તું કિંમત ચૂકવી શકે તેમ નથી વગેરે વગેરે. પણ તું તેમ કરી શકે છે. હા! ચોક્કસ તારું ઋણ ઉતારી શકે છે.“ એમના મો પર રહસ્યમય સ્મીત રમતું હતું. આશુતોષને હવે ફાલતું વાતોથી કંટાળો આવતો હતો, તેમ છતાં લાચારીવશ તે તેમની સામે જોઈ રહયો, કદાચ આ લોકોને પૈસા જોઈતા હશે. આમ તો ગામડામાં બીજી શું કમાણી હોય, હમ, એને કોઈ વાધો નથી ... દશ હજારની ઓફર કરીશ, એટલા તો પુરતા છે!

“ખોટું કઈ વિચારતો નહિ દીકરા! અમને રૂપિયા પૈસાની જરૂર નથી.. બસ એક નાનકડું કામ કરી આપવાનું છે, તારા માટે નાનું પરંતુ અમારા માટે મોટું ગણાય.”

“અરે! એમ કઈ હોય, હું તો રૂપિયા પણ આપવા તૈયાર છુ, સેવા કઈ મફતમાં થોડી થાય છે!”

“અરે દીકરા સેવા જ મફતમાં થાય છે એટલે જ તો એનું નામ “સેવા“ છે, બાકી પૈસા લઈએ તો “નોકરી” કહેવાય! પછી જરા હળવા ટોનમા રવજીકાકાએ વાત આગળ વધારી, “એક ઘડો બાજુની નદીમાં દાટી દેવાનો છે, ગામની બાજુમાં. બસ! આટલું જ કામ છે. અટકીને તેમણે બુમ મારી.. જાણે માલતી પહેલેથીજ તૈયાર હોય તેમ તે ફટાક દઈને હાજર થઇ ગઈ. તેના હાથમાં એક અત્યંત જુનો પુરાણો ધાતુનો ઘડો હતો, અને આ વખતે તેના ચહેરા પર હંમેશ રમતું હોય એ સ્મીત નહોતું, પણ તેની જગ્યાએ ધીરગંભીર ભાવો હતાં.

“પણ આ ઘડામાં શું છે? ને કયું ગામ એતો કહો કાકા. “

“બેટા, ધરમપુર ગામ છે, બાજુમાં જ છે ઉગમણી દિશામાં અને ત્યાં સુંદર નદી છે. નામ છે રંગમતી ! તેના પટમાં આ ઘડો દાટી દે જે, પાણી બહુ ઊંડું નથી એટલે તને તકલીફ નહિ પડે. ”

“કાકા , ધરમપુર સીટી કહો સીટી ! સાડા આઠ લાખની વસ્તી છે. હાહાહાહા ...અને સપના જુઓ છો! ત્યાં કોઈ નદી નથી.

“બેટા, ત્યાં નદી છે, તું બહારનો એટલે તને ખબર ન હોય, સમજ્યો!”

“અરે ! કાકા હું બાજુમાંથી આવું છુ, આ વિસ્તાર મારાથી અજાણ્યો છે પરંતુ એના વિષે થોડી જાણકારી મેળવીને આવ્યો છુ. હા, નદી હતી એવી મને ખબર છે, આગળ બહુ બધા ડેમ બની ગયા છે એટલે સુકાઈ ગઈ છે.”

આ સાંભળી રવજી કાકા એકદમ નારાજ થઇ ગયા એમની આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો, અને બોલ્યા,” જે હોય તે, તારે કામ ના કરવું હોય તો ના કર, કોઈ જબરજસ્તી નથી....” આટલું બોલ્યા ત્યાં તો આશુતોષના એકેએક જખમમાં ત્રીવ વેદના ઉપડી જાણે કે હજારો વીંછી ડંખ મારી રહ્યા હોય, વળી ઇન્ફેક્ટેડ જખમમાંથી પરુ અને લોહી વહેવા લાગ્યું. તે ચીસો પાડી કુદકા મારવા લાગ્યો. અને આ શુ! એના દરેક જખમમાંથી નાના નાના કીડા અને જીવાત નીચે ખરવા લાગ્યા હતાં.. ઓહ શું તે સડી રહ્યો છે? તે વિચારી શકે તેમ ન હતો, આઘાતમાં તેનું મગજ બહેર મારી ગયું હતું.. તેની આંખો ચકળવકળ થવા લાગી અને તે મૂર્છિત થઇ ભોય પર પડ્યો.. રવજી કાકા ખડખડાટ હસી પડ્યા, ‘બીકણ છે આ યુવાન.” રવજીકાકાએ તેના માથા પર હાથ ફેરવ્યો. થોડીવારમાં તે ભાનમાં આવ્યો અને જોયું તો તે સાવ નોર્મલ જેવું ફિલ કરવા લાગ્યો હતો, તેના જખમ જાણે મટી ગયા હોય તેમ લાગ્યું, લોહી, પરુ ક્યાય જણાયું નહિ, અરે જમીન ઉપર પણ નહિ. તે રીલેક્સ થઇ ગયો. તેના કાને રવજીકાકાનો અવાજ અથડાયો. “સારું બેટા, તું નહિ કરે તો કોઈ બીજો કરશે.”

“ના ના કાકા, એવું નથી પણ ત્યાં નદીના પટમાં, મેદાનમાં કેટલાય કારખાના થઇ ગયા છે પરંતુ ચાલોને હું ક્યાંક ખુલ્લી જગ્યા શોધી આ ઘડો દાટી દઈશ, તે હસ્યો, હસી શક્યો કેમકે તેનું દર્દ સાવ ઘટી ગયું હતું..

“વાંધો નહિ બેટા, આટલું કામ થઇ જાય તો અમારા માથેથી ભાર હળવો થઇ જાય.”

“સારું કાકા, ચિંતા ન કરશો. તમારું કામ થઇ જ ગયું સમજજો.“ એટલું સાંભળી માલતીના મુખ ઉપર પણ સ્મીત રેલાયું, તે મનોમન ખુશ થયો. થોડીવારમાં બધા જતાં રહયા, પણ તે વિચારોમાં ખોવાઈ ગયો.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED