રાઈટ એંગલ
પ્રકરણ–૨૨
કેસ જીતવા માટે ક્યાં ક્યાં હથિયાર છે આપણી પાસે?‘ ઉદયે એના વકીલ નિતિન લાકડાવાલાને પૂછયું એટલે એમણે રહસ્યમય સ્મિત કરતાં કહ્યું,
‘તમે મને છૂટો દોર આપી શકો?‘
નિતિનભાઇની વાત ઉદયને સમજાય નહીં.
‘એટલે?‘ એણે પૂછયું,
‘તમે એ કહેવત જાણો છો ને,‘ એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર!‘ બસ આપણે હવે આ જ કરવાનું છે. જો તમે પરિમશન આપતા હોવ તો!‘
‘એમા પરમિશનની શી જરુર છે? મારે આ કેસ જીતવો છે...બસ...!‘ ઉદયે કહી દીધું. આ સાંભળીને બન્નેની સહેજ પાછળ ચાલતા મહેન્દ્રભાઇના પગ થંભી ગયા. આ વાત એમના માટે આધાતજનક હતી. એમની વય એમને સાવચેત કરતી હતી કે વકીલ જે કહે છે તેનો અર્થ શું થાય. મહેન્દ્રભાઇ ઝડપથી ચાલીને ઉદય અને નિતિનભાઇ સાથે થઇ ગયા,
‘ભાઇ નિતિન, તું કેસ ગમે તે રીતે લડે પણ મારી દીકરી પર કોઇ લાંછન નહીં લગાવતો ભાઇ! બસ એના ચરિત્ર પર ડાઘ લગાવવાનું કામ નહીં કરતાં! ભલે હું કેસ હારી જાવ..!‘ મહેન્દ્રભાઇની આંખમાં લાચારી હતી. વૃધ્ધ અને અશક્ત પિતાનાની આંખમાં હોય તેવી બેબસી. એકાદ ક્ષણ ઉદયનું દિલ હચમચી ગયું. પણ બીજીપળે એને કશિશ લગાવેલા આરોપ યાદ આવ્યા,
‘તમારી દીકરીએ મારી ઉપર કાંઇ વિતાડવાનું બાકી રાખ્યું છે? તો ય હજુ તમ એનો જ પક્ષ લો છો?‘ ઉદયના ચહેરા પર ગુસ્સો તો હતો પણ સાથે સાથે નારાજગી પણ હતી.
‘આપણે બેઉ જણે જે કર્યું તે એને પૂછયા વિના કર્યું હતું. એટલે ભલે હું બીજું સમજતો ન હોવ પણ એટલું સમજું છું કે એનું દિલ ખૂબ દુ:ભાયું હશે ત્યારે જ આમ મારા પર કેસ કર્યો હશે ને?‘ મહેન્દ્રભાઇ દીકરીના દિલની વેદના સમજતા હતા. આખરે કશિશ એમની વહાલસોયી દીકરી હતી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ અહીં તો ઉલટું જ થયું હતું અને એ જ વેદના એમને ખળભળાવતી હતી.
અત્યાર સુધી બાપ–દીકરાં વચ્ચે ચાલતી વાતચીત ચૂપચાપ સાંભળતા નિતિનભાઇ વચ્ચે બોલ્યા,
‘અંકલ...તમે ફિકર ન કરો. તમે કહ્યું તે બાબતનું હું ધ્યાન રાખીશ.‘ એમ કહીને નિતિનભાઇએ ઉદયને ચૂપ રહેવા ઇશારો કર્યો એટલે એ કશું બોલ્યો નહીં. બધાં ગાડી પાસે આવ્યા એટલે નિતિનભાઇએ દરવાજો ખોલીને મહેન્દ્રભાઇને બેસાડી દીધા.
‘અંકલ તમે બેસો, અમે પાન ખાઈને આવીએ!‘
બન્ને પાનના ગલ્લે ઊભા રહ્યાં, ઉદયે બે કલકતી મીઠાં પાનનો ઓર્ડર આપ્યો. નિતિનભાઇએ સિગારેટ સળગાવી,
‘અંકલે કહ્યું તેવું કરવાનું છે આપણે?‘ નિતિન લાકડાવાલાએ સિગારેટના કશ લેતાં પૂછયું,
‘તમે શું કહો છો?‘ ઉદય એમની સામે જોઇ રહ્યો.
‘કેસ જીતવો હોય તો મેં કહ્યું છે તે એક જ રસ્તો છે.‘
ઉદય અસંમંજસમાં તાકી રહ્યો. એની નજર સામે નાનપણથી લઇને કશિશના લગ્ન થયા ત્યાંસુધીની બધી ઘટનાઓ રીલ માફક ફરી ગઇ. એવું તો ન હતું કે એને કશિશ પ્રત્યે વહાલ ન હતું. પણ એ સમજતો હતો કે મોટાભાઇ તરીકે એણે જે કાંઇપણ કર્યું તે યોગ્ય જ કર્યું છે. કશિશને બહાર ભણવા જવા ન દીધી એ એની ભુલ હતી પણ ઉદયને કદી એવું લાગ્યું ન હતું,
‘હું વિચારીને કહું.‘
******
‘કોફી હાઉસનું ઓપનિંગ ક્યારે કરવું છે?‘ બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ સમયે કૌશલે પૂછયું એટલે કશિશને આનંદ થયો કે ચાલો કૌશલ આજે સમજદારી દેખાડી, કદાચ કાલે કોર્ટમાં લોચો માર્યો હતો ત્યારે ધ્યેયએ એને સાચવી લીધો હતો એટલે કૌશલનું વર્તન બેલેન્સ થયું લાગે છે.
‘પાંચ જુલાઇ રાખીએ?‘ કશિશે પૂછયું,
‘પણ તે વર્કિંગ ડે છે, લોકો આવશે?‘ કૌશલને શક હતો કે ચાલુ દિવસે લોકો એટલાં બધાં વ્યસ્ત હોય કે કશે જવાનું બહુ પસંદ ન કરે.
‘લુક, જે લોકો ખરેખર આપણું ભલું ઇચ્છે છે તે ચોક્કસ આવશે. બાકી ફોર્માલિટિ માટે આવતાં લોકો આવે કે ન આવે એની આપણે ચિંતા કરવી ન જોઇએ.‘ કશિશે ચોખ્ખેચોખ્ખું કહ્યું.
‘હમમ..યુ આર રાઇટ! તો પાંચ જુલાઇ ફિક્સ રાખીએ. ઓફિસ જઇને હું તને કાર્ડની ડિઝાઇન મોકલવાવું છું તું પસંદ કરી લે જે.‘
‘નો... મારે કશુંક યુનિક કરવું છે. આપણે એવું કરી શકીએ કે કોફી હાઉસમાં શું છે તેવા કાર્ડ ડિઝાઇન કરીને સાથે કોફીના એક–બે સેમ્પલ મોકલીએ? લોકો ટેસ્ટ કરે અને એમને પસંદ આવશે તો તરત જ કોફી હાઉસ આવશે. તેવું કરી શકાય?‘ કશિશે પોતાનો આઇડિયા કહ્યોં અને કૌશલ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
‘ગ્રેટ...હું ઇવેન્ટ ઓર્ગેનાઈઝરને મોકલું છું તું એની સાથે ડિસ્કસ કરી લે જે.‘ કૌશલે પોઝિટિવ રિપ્લાય આપ્યો એટલે કશિશને ગમ્યું. થોડા દિવસ પછી કશિશ સતત કોફી હાઉસના કામકાજમાં બિઝિ રહી. આમ તો એણે બધું ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને સોપી દીધું હતું પણ એના પર પર્સનલ ધ્યાન રાખતી હતી. જેથી કરીને બધું કામ ચોકસાઇથી થાય. એ દરમિયાન એ રાહુલના કોન્ટક્ટેમાં હતી કારણ કે પચીસ જૂને કોર્ટમાં ડેટ હતી અને ત્યારે પ્લી રેકોર્ડ થશે એટલે કે આરોપીઓ ઉદય શાહ એ મહેન્દ્ર શાહ પર ચાર્જીસ ફ્રેમ થશે. એટલે કેસ આગળ વધશે.
પચીસ તારીખે સવારે બ્રેકફાસ્ટ સમયે જ કશિશએ કૌશલને જાણ કરી,
‘આજે કોર્ટમાં ડેટ છે...મહત્વનો દિવસ છે. કોફી હાઉસના કેટલાંક ઇન્વિટેશન પર્સનલી આપવાના છે એ મેં મારા ગ્રુપમાં આપી દીધા છે હવે તું તારા ગ્રુપમાં પણ આપી દેજે.‘
‘ઓ.કે...‘ કૌશલે કોર્ટમાં આવવા વિશે કે કેસ વિશે કશું કહ્યું નહીં તેથી કશિશને રાહત થઇ.
કશિશ કોર્ટમાં પહોંચી ત્યારે રાહુલ આવી ગયો હતો. રાહુલે આજે પ્લી રેકોર્ડ થશે તેની વિગત સમજાવીને કહ્યું,
‘મેમ તમે પ્રયત્ન કરો તો આજે જ કેસ પૂરો થઇ જાય!‘ રાહુલની આવી ઓચિંતી સલાહથી કશિશ ચોંકી ગઇ.
‘રિયેલી? કેવી રીતે?‘ કશિશના ચહેરા પર ભારોભાર આશ્ચર્ય હતું.
‘ઇમોશનલ બલ્કેમેઇલ.‘ પછી રાહુલે વિગતવાર સમજાવ્યું. પછી બોલ્યો,
‘એટલે કે તમે તમારા પપ્પાને કહો કે આજે પ્લી રોકર્ડ થાય ત્યારે એમના પરના આરોપ કોર્ટમાં કહેવામા આવશે પછી છેલ્લે પૂછવામાં આવશે કે આ આરોપ તમને મંજૂર છે? જો તમારા પપ્પા ત્યારે કહી દે કે આરોપ મંજૂર છે. એટલે તરત જ કેસનો ફેંસલો આવી જાય. અને એમને સજા થઇ જાય. અને કેસ પૂરો.‘
કશિશ આશ્ચર્યથી રાહુલને તાકી રહી. આવું તે એણે વિચાર્યું જ નહતું.
‘ના...હું આવું કદી ન કરું....અને આજ પછી તું મને આવું કહેતો પણ નહી.‘ કશિશ જે મક્કમાતાથી કહ્યું તેથી હવે રાહુલને આંચકો લાગ્યો. એણે કશિશને ઇમોશનલી બ્લેમમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો.
‘તમારા પપ્પા વારંવાર કોર્ટના ધક્કા ખાય તેથી તમને દુ:ખ નથી થતું? શું સત્ય તમારે પક્ષે નથી? તમે ખોટો કેસ કર્યો છે?‘ રાહુલે એક સાથે અનેક સવાલોનો વરસાદ વરસાવી દીધો. આવા કેસમાં દરેક વકીલનું એક જ ટાર્ગેટ હોય છે, બસ કોઈક રીતે કેસ જીતવો.
‘ઇમોશનલ બ્લેકમેઇલ દરેક વખતે ખોટુ ન હોય શકે. યસ આઇ નો તમે એવા નથી કે જે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોરમાં માનતા હોવ. પણ હું કહું છું તે અજમાવવામાં પણ કોઇ વાંધો નથી.‘ રાહુલ બોલ્યો .
‘તારી બધી વાત સાચી પણ આ કામ હું ન કરી શકું. અને આજ પછી આવું કરવાનું કહેતો પણ નહી. હું મારા સિધ્ધાંત પ્રમાણે જીવવામાં માનું છું. અને હું કદી મારા પપ્પાને કહું નહીં કે એ પોતાનો ગૂનો કબૂલ કરી લે જેથી એમને સજા થાય.‘ આટલું કહીને કશિશ કોર્ટરુમ તરફ ચાલવા લાગી. અને રાહુલના મનમાં સવાલ ઊઠયો,
‘અગર સજા નથી કરાવવી તો શું કામ કશિશમેમ કેસ લડી રહ્યાં હશે?‘રાહુલના મનમાં સવાલ ઊઠયો પણ હાલ પૂરતું પ્લી રકોર્ડ થાય તે પર ધ્યાન આપવા માટે એ ચૂપચાપ કશિશની પાછળ ચાલ્યો.
બન્ને કોર્ટરુમમાં આવ્યા અને એમણે જોયું કે ઉદય અને મહેન્દ્રભાઇ એમના વકીલ સાથે આવી રહ્યાં હતા. એમને જોઇને રાહુલ અને કશિશની નજર મળી. મહેન્દ્રભાઇ તરફ ડગ માંડ્યા. એ નજીક ગઇને હંમેશની જેમ એમને પગે લાગીને બોલી,
‘જય શ્રી કૃષ્ણ પપ્પા!‘ મહેન્દ્રભાઇએ એના માથે હાથ મૂકીને બોલ્યા,
‘જય શ્રી કૃષ્ણ દીકરાં!‘ ઉદય અને એના વકીલ નિતિન લાકડાવાલા એ બન્ને જોઇ રહ્યાં. પછી આપસમાં વાત કરવા લાગ્યા. કશિશ કશું વિચારતી હતી અને એણે કહ્યું,
‘પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે, બે મિનિટ આપણે બહાર જઇ વાત કરી શકીએ?‘
‘ચોક્કસ બેટા!‘
મહેન્દ્રભાઇનો હાથ પકડીને કશિશ એમને કોર્ટરુમની બહાર લઇ ગઇ તે રાહુલ વિસ્મયથી જોઇ રહ્યો. તો બીજીબાજુ ઉદય અને નિતિન લાકડાવાલા પણ એ બન્નેને જોઇ રહ્યાં.
‘પપ્પા, એક વાત કહું? પ્લિઝ મને સમજવાની કોશિશ કરજો.‘ મહેન્દ્રભાઇએ બોલ્યા વિના આંખોથી જ ધરપત આપી કે એ એની વાત સમજવાની કોશિશ કરશે.
‘તમે વાંરવાર કોર્ટના ધક્કા ખાવ તે મને નથી ગમતું. તમે જાણો જ છો કે સત્ય મારા પક્ષે છે, તો પછી તમે આજે પ્લી રેકોર્ડ થાય ત્યારે તમને પૂછે કે તમને આ ગુનો કબૂલ છે તો તમે હા પાડી દેશો તો આજે જ આ કેસનો અંત આવી શકે. એવું મારા વકીલ કહેતાં હતા,‘ આટલું કહી કશિશ એકક્ષણ થંભી, મહેદ્રભાઇ એને જોઇ રહ્યાં હતા,
‘પણ તમે એવું નહીં કરતા. નહીં તો તમને સજા થઇ જશે. જે હું કદી ઇચ્છતી નથી.‘ કશિશની લાગણી એના અવાજમાં પડઘાતી હતી. એની ભાહવાહી આંખોમાં અજબ લાગણી છલકાતી હતી.
કશિશ જે બોલી તે જાણે સમજાતું ન હોય તેમ ક્ષણ બે ક્ષણ કશિશ સામે મહેન્દ્રભાઇ તાકી રહ્યાં. એમની દીકરી એમની કેટલી પરવા કરે છે. ભલે પોતે એના સપના સાકાર કરવાની પરવા ન કરી. ભગવાન દીકરીઓને કેવી રીતે આવા વિશાળ હ્રદયની બનાવતો હશે? સહેજ ભીનાશ આવી ગઇ એમની આંખોમાં. એમણે ગળું ખંખાર્યું અને કશિશનો હાથ પકડ્યો,
‘બેટા, તારા પપ્પાની તને આટલી ફિકર છે એથી રુડું શું હોય શકે? આઇ નો મારી દીકરી મને ક્યારેય ઇજા ન પહોંચાડે.‘
કશિશ કશુ બોલે તે પહેલા તો ઉદય ત્યાં ધસી આવ્યો, અને કશુ જોયા–જાણ્યા વિના બોલ્યો,
‘મારા વિરુધ્ધ પપ્પાને ભરમાવે છે? આજ પછી મને કે મારા વકીલને પૂછયા વિના પપ્પાને મળી છે તો નોટિસ ઠોકીશ સમજી!‘ ઉદય કશુ પણ સમજયા વિના ગુસ્સો કર્યો એ જોઇને મહેન્દ્રભાઇ અકળાઇ ગયા.
‘કશું સમજ્યા વિના બૂમાબમ ન કર....એ તો મારું ભલું ઇચ્છે છે.‘
‘હા...એટલે જ કેસ ફટકારી દીધો છે તમારે માથે!‘ ઉદય ટોન્ટ મારવાનું ચૂક્યો નહી.
એ વાતનો જવાબ મહેન્દ્રભાઇ પાસે ન હતો. ઉદયના મેલોડ્રામાથી કશિશ દુ:ખી થઇ ગઇ. ઉદય જાણે ઘસડતો હોય તેમ મહેન્દ્રભાઇનો જોરથી હાથ પકડીને કશિશથી દૂર લઇ ગયો. નિતિનભાઇ પાસે બન્ને પહોંચ્યાં કે તરત જ એમણે મહેન્દ્રભાઇને પૂછી લીધું કે કશિશ સાથે શું વાતચીત થઇ. મહેન્દ્રભાઇએ બધી વિગત કહીને ઉદયને કહ્યું,
‘મે કહ્યું ને એ મારું ભલું ઇચ્છે છે! હજુ ય તને એના પર કોઇ શક છે?‘ મહેન્દ્રભાઇને વાતથી ઉદય અને એના વકીલને રાહત થવી જોઇએ એના બદલે બન્ને ટેન્શનમાં આવી ગયા કે આ કશિશની કોઇ ચાલ જ છે. મહેન્દ્રભાઇને બ્લેકમેલ કરીને આજે જ ગુનો કબૂલ કરાવવા ઇચ્છે છે જેથી એમને તરત સજા થઇ જાય અને કેસ પૂરો થઇ જાય. એટલે ઉદય અને વકીલે મહેન્દ્રભાઇને વારવાર સમજાવ્યા કે કાંઈપણ થાય ગમે તેવા સવાલ થાય કે ઇમોશનલ બ્લેકમેઈ થાય પણ એક જ વાક્ય બોલ જો.
‘મને ગુનો કબૂલ નથી.હું નિર્દોષ છું.‘
મહેન્દ્રભાઇ બન્નેને સાંભળતા હતા છતા એમની વાત સમજતા ન હોય તેમ કોઇપણ એક્સપ્રેશન આપ્યાં વિના મૌન બેઠાં રહ્યાં. તેથી ઉદય વધુ ચિંતામાં આવી ગયો. એણે એ મનમાં ગાંઠ વાળી લીધી કે સામ,દંડ,ભેદની નીતિ અપનાવીને પણ આ કેસ હવે જીતવો રહ્યો.
કામિની સંઘવી
(ક્રમશ:)