મનોબળ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મનોબળ

મનોબળ

પલ્લવ હમેંશ ખુશ મિજાજમાં જ હોય. આજે પોતાના પુત્ર આર્જવનો ૧૦મો જન્મદિન હતો. તેના હાથમાં એક સરસ ગીફ્ટ આપતા પોતાની નજીક બેસાડ્યો. ‘બેટા, આજે તું એટલો મોટો થઇ ગયો છે કે હું તને એમ કહી શકું કે I am not disabled person. I am differently able person. હકીકતમાં Disability is the state of mind. તું તો જાણે છે કે હું પગથી ચાલી શકતો નથી. પણ મન જ માન અપાવે છે. તનની ખામીને અવગણીને તમે અડગ મનના મુસાફર બનો તો હિમાલયને પણ સર કરી શકો.’ આર્જવ થોડો વ્યવસ્થિત થઈ વધુ નજીક તેની વ્હીલચેર પાસે નીચે બેઠો. તે આશ્ચર્ય સાથે પૂછી રહ્યો, ‘પપ્પા, તમે શું પહેલેથી જ આ રીતે ચાલી શકતા ન હતા. મારા જેવડા હતા ત્યારે પણ આમ જ હતા?’ ‘ના બેટા, એવું નથી.’ પલ્લવ આંખો બંધ કરી અતીતમાં અટવાયો.

શહેરની ટોચની શાળામાં પ્લે હાઉસ થી ૮ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પપ્પાનો બીઝનેસ જ ખૂબ સારો ચાલતો હતો. સરસ રાચરચીલાથી સજ્જ ભવ્ય બંગલો, નોકર-ચાકર. સૌ સાથે હંમેશ નમ્રતાથી વાત થાય, શિષ્ટાચાર અને સંસ્કાર સાથે સાહ્યબી પણ ભોગવેલી. બાળપણના સુખદ સંસ્મરણો સાથે અચાનક જ એવું બન્યું કે શાળા છોડવી પડી. આજે છેલ્લીવાર પોતે બધા મિત્રો-શિક્ષકો-આચાર્યને મળીને લીવીંગ સર્ટીફીકેટ લઈને બહાર આવતા દરવાજા પાસે જ ‘પગ'રૂપી વ્હીલચેર અટકી ગઈ!

ના, પોતે કંઈ આ ખામી સાથે જન્મ્યો ન હતો. છપ્પડ ફાડીને આપેલા સુખને એક જ ઝાટકે છીનવી લેવાનો અધિકાર ઈશ્વરે નિભાવ્યો હતો. થોડા દિવસો પહેલાં તો પોતે આ જ શાળાના વાર્ષિકોત્સવમાં ‘Best student” નો એવોર્ડ મેળવીને ગૌરવ અનુભવતા પિતા - પુત્ર એસેન્ટ કારમાં પરત ફરી રહ્યા હતા. અચાનક જ એક ટ્રકે કારને ઠોકરે ચડાવી દીધી અને અકસ્માતમાં વહાલસોયા પિતાને ગુમાવ્યા અને પોતાના પગ એટલે હવે આ દૂરની શાળાએ આવવું થોડું કઠિન હતું. હોમસ્કૂલિંગથી જ અભ્યાસ કરવો એવો નિર્ણય તેની માતા એ લીધો.

નિરાધાર- બિચારો- બાપ વગરનો - એવા લેબલ લાગી ગયા. “ અરે ! હવે આ શું કરશે ?”ની રોકકળ કિશોર વયનો પલ્લવ સાંભળી રહ્યો. ખૂબ રડ્યો મમ્મીના ખોળામાં માથું મૂકીને. ઈશ્વરને પણ ફરિયાદ કરી. પણ ના, એમ આત્મસન્માનને ઠેસ વાગે ને પોતે તેનો ઈલાજ ન કરે એવો ન હતો. જીવન મુલ્યોના પાઠ તે શીખ્યો હતો. એલેક્ષનો પાઠ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણ્યો હતો. બસ એ જ બધું યાદ કરાવ્યું ઈશ્વરે. ઈશ્વર પર શ્રદ્ધા અતૂટ. મનમાં ધૂન લાગી ગઈ કે હું પણ હિંમત નહિ હારું. મારું સ્વમાન જાળવીશ.આત્મ સન્માન વગર સન્માન શક્ય જ નથી. હું બધું જ કરી શકું છું મક્કમ મનોબળ કરી મન પરોવ્યું અભ્યાસમાં. સાથે ઘરમાં જ રમી શકાય તેવી ગેમ્સમાં. ચેસ રમતો. તેમાં વધુ રસ કેળવ્યો. ક્યારેક શેરી મિત્રો તો ક્યારેક જૂની શાળાના મિત્રો સાથે તો ક્યારેક વડીલો એમ બધા સાથે ચેસ રમે અને જીત તો પોતાની જ હોવી જોઈએ એ જીદ તો ખરી જ. જોત જોતામાં તો ચેસ પ્લેયર તરીકે અનેક એવોર્ડ મેળવતો ગયો. સમયની ઝડપ તો ક્યાં કોઈ માપી શક્યું છે. ૧૨ માં કોમર્સ પ્રવાહ પછી C.A. બનવાના ખુલ્લી આંખે સ્વપ્નાં જોયા.

B.Com. અને ઇન્ટરશીપ અને ફાઈનલ- દરેકમાં પ્રથમ પ્રયાસે જ પાસ થતો ગયો. સુશીલ અને સમજુ મોહા સાથે લગ્ન કરતા પહેલા જ બધું જ જણાવી દીધું હતું. સુશીલ-સંસ્કારી મોહાએ પલ્લ્વની તનની ખામીને અવગણીને જીવનસાથી તરીકે પોતાને પસંદ કર્યો. પછી તો જાણે જીવન સ્વર્ગ બની ગયું. આર્જવનો જન્મ થતાં ઘરમાં ફરી પોતાનું બાળપણ ફરી વળ્યું. બાળક એ તો ઈશ્વરની અમૂલ્ય ભેટ હોય છે. હા, હજી ઈશ્વરે માનવજાતમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી તેની ખાતરી છે. દાદીમાના લાડ કોડમાં તો કંઈ બાકી રહે? આજે ૨૦ વર્ષ પછી આંખ બંધ કરીને યાદ કરે ત્યારે એ સાકાર થયેલા સ્વપ્નાં સામે સ્મિત વેરી દે.

બુદ્ધિ ખૂબ સારી. હું જે છું તે મારા વિચારોને લીધે છું એમ માને. મારી ટેલેન્ટને લીધે છું. મહેનતને કારણે છું. એવો હકારાત્મક અભિગમ રાખે. સેલ્ફ ઈમેજ સુધારતા જઈને જાતને નિષ્ફળ ગણ્યા વગર ધ્યેયને આંબવાના પ્રયત્નો કરે. ઈશ્વરશ્રદ્ધા વધતી ચાલી. જે થાય તે સારા માટે એમ વિચારી તનની ખામીને અવગણીને મનની તાકાતને કામે લગાડતો ગયો કારણકે આપણું શુભત્વ જ મેગ્નેટ જેવું કામ કરે છે માટે જ જેનામાં શુભત્વ છે તેની પાસે આપોઆપ બધું જ ખેંચાઈ આવે છે. ચિંતા ઉદ્વેગ અશાંતિ જેવી માનસિક કમજોરી જ માણસને દુઃખી બનાવે છે એવા પોતાની મા ના શબ્દો યાદ આવી ગયા. C.A.બની ૩ વર્ષ નોકરી કરી અને પછી તો પોતાની જ ફર્મ. સાથે ચેસ માસ્ટર પણ ખરો. અનેક શાળા-કોલેજ અને કંપનીઓમાં મોટીવેશનલ સ્પીચ માં પણ વ્યસ્ત બની રહ્યો. ફરી એ જ આર્થિક માનસિક સુખ માણે છે.પલ્લવ માતા, પુત્ર અને પત્ની સાથે ખુશ છે. આર્જવે પલ્લવના ખોળામાં માથું મૂકી દીધું. એ બધું જ જાણે કે સમજી ગયો હતો.

આર્જવને ઈશ્વરનું ધ્યાન ધરવાનું કહી એમ વિચારવાનું કહ્યું કે ઈશ્વર હંમેશ મારી સાથે છે મારામાં દુઃખ-પીડા સહન કરવાની તાકાત છે માટે જ પ્રભુએ મને પોતાનો ગણીને આ બધી તકલીફ આપી એ જ આમાં થી ઉગારશે. એ જ સમયે મોહાએ આવીને બંનેને હવે તૈયાર થઇ જવાનું યાદ કરાવ્યું. પલ્લવે લીધેલો નિર્ણય પણ યાદ કરાવ્યો કે દર મહિને પોતે મોટીવેશન સ્પીચની આવક દિવ્યાંગ બાળકોની સંસ્થાને અર્પણ કરે છે તો આજે ત્યાં જવાનું છે. ભગવદગીતામાં કહેલું છે તે પલ્લ્વને યાદ છે કે આસપાસના સહકારથી પોતાને મળેલા લાભમાંથી બીજાઓનો ભાગ જે કાઢતો નથી તે તો આધ્યાત્મિક રીતે ચોર છે. માટે જ સમાજમાંથી પોતે જે કમાણી કરે છે તેનો અમુક ભાગ તે આ રીતે પરત કરે છે. તે ‘ચોર’ બનવા માંગતો નથી.

બાળકો સાથે બાળક બની જવાની મજા કંઇક ઔર જ છે. આજ તો ત્યાં બાળકોને ચેસ શીખવવાનું પણ શરુ કર્યું. સંસ્થાના આચાર્ય એ પણ એ જ વાત કરી કે નકારાત્મકતાનો ત્યાગ કરવો તો સહેલો છે પણ પણ પ્રતિકુળ સંજોગોમાં હકારાત્મકતા ટકાવી રાખવી મુશ્કેલ બને ત્યારે પલ્લવભાઈ તમારું જ ઉદાહરણ આ બાળકોને આપીએ છીએ. બસ હૈયે હામ રાખીએ તો બધું જ પોઝીટીવ બની રહે. બાળકોને બાય બાય કરતાં પલ્લવે એક વાત ફરી કહી, “ છે તે છે જ તો તેના રોદણા રોઈને કે તેમાં પડ્યા રહી જીવનને ઢસડવું કે પછી મનની તાકાતથી બમણા જોરે પ્રવૃતિશીલ રહી જીવનને દોડાવી જીવંત બનાવવું એ આપણા જ હાથમાં છે. બાકી લોકોની તો માનસિકતા જ એવી હોય છે કે તનની ખામી ધરાવનારને દયાની નજરે અથવા તુચ્છ નજરે જોવે. પરિણામે ઘણા લોકો પોતાની આ ખામીને સ્વીકારી શકતા નથી અને મન પર લઈને હતાશ બની જાય. જીવનમાંથી રસ ખોઈ બેસે છે. આવા નકારાત્મક અને ટીકા કરતા લોકો થી તો દુર જ રહેવું. મનોબળ મજબૂત બનાવી અથાગ પરિશ્રમથી ધીરજ ગુમાવ્યા વગર કાર્ય કરતા રહો.” અને પલ્લવને પોતાની જાતે જ તેની અલ્ટ્રામોર્ડન વ્હીલચેર લઈ મક્કમ ‘પગલે’ બહાર જતા સૌ કોઈ જોઈ રહ્યાં.

પારુલ દેસાઈ

parujdesai@gmail.com

9429502180