મારી સ્મરણ યાત્રા... Faruk Shaikh Sufi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મારી સ્મરણ યાત્રા...

સૂર્ય ઉગે અને આથમે છે, રાત જાય અને દિવસ આવે છે. સૂર્ય ના આથમ્યા બાદ સમગ્ર વાતાવરણમાં અંધકાર છવાય જાય છે. આકાશમાં સિતારાઓ ટમટમેં છે ચાંદ પોતાની ચાંદની લીલાછમ મેદાન પાથરે છે. રસ્તાઓ શાંત થઈ જાય છે. આખા દિવસનો કકળાટ અને કોલાહલ શાંત થઈ જાય છે. દિવસો ને રાતો એક પછી એક એમ પસાર થતી જાય છે. આપણી ઉંમર પણ સાથે વધતી જાય છે. વર્તમાન ના દિવસો વીતી ભૂતકાળ બની જાય છે. વીતેલા દિવસો માત્ર યાદો બનીને રહી જાય છે. પરંતુ અમુક યાદો ક્યારેય ભુલાતી નથી. એક વાત સ્મૃતિપટ ઉપર આવે એટલે ગમે તેવી ચિંતામાં પણ આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે. અમુક 'યાદો' આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તેવી જ સોનેરી યાદો ને આપણે ‘બાળપણ’ કહીએ છીએ.

એમ તો મારો જન્મ આ સદીની શરૂઆતમાં એટલે કે ઈ.સ. ૨૦૦૦ માં થયેલો. પરંતુ ૯૦ પછીના દાયકાના બાળકોની જે સોનેરી યાદો છે તે જ સ્મરણો અને પળો અમે પણ માણેલા. મારી મોટા ભાગની યાદો મારા જન્મસ્થાન એટલે કે મારા આલીપોર ગામ તથા સૂંઠવાડ ગામ સાથે મારુ બાળપણ જોડાયેલું છે. તે દાદી નો વ્હાલ, મામા-મોસાળ માં વિતાવેલ ઘણી બધી યાદો, બાળપણની રમતો, મસ્તી-તોફાન, છતાં બધાનો વ્હાલ, તેમજ મજાનું સાદું-સરળ ભોજન !

અનેક યાદો મારા સ્મૃતિપટ ઉપર ઝળહળી રહી છે. જેમાં બાળપણમાં રમેલી સંતા-કુકડી, સંગીત ખુરશી, ખોખો, પકડ-દાવ, લંગડી દાવ, કબડ્ડી વગેરે રમતો ખૂબ જ રમેલી. જોકે ક્રિકેટ નો ક્રેઝ મને બાળપણ થી જ ઓછો છે તેથી અહીં ક્રિકેટ નો ઉલ્લેખ ન કર્યો, પરંતુ જોવાની ખૂબ મજા પડતી ! ચોમાસુ શરૂ થાય એટલે ઘરમાં બેસીને કોડીઓ, સાપ સીડી, નવો વ્યાપારી, લુડો, કેરમ બોર્ડ, આંબલી ના ચિચકા (અમારા ગ્રામ્ય વિસ્તારોમાં આખા વર્ષની સામટી આંબલીઓ ભરી લેવાનો રિવાજ છે, આંબલી માંથી તેના ઠળિયા કાઢી નાંખ્યા બાદ તે ઠળિયા અમારા મનોરંજન નું સાધન હતા. એક આંગળી વડે ઠળિયાઓ ખસેડવાના, જેના ઠળિયા વધુ તે જીતે).

ટીવી નો પ્રભાવ એટલો બધો ન હતો. પરંતુ ટીવી પર આવતા કાર્યક્રમો જેમાં શક્તિમાન, અલીફ લૈલા, શરારત, સોન પરી, શાકાલાકા બુમ બુમ, હાતિમ વગેરે અમારી પ્રિય સિરિયલો !

બપોરના સમયે ખેતરમાં જઈ શેરડી ખાવાનો આનંદ, નાનું અમસ્તું ટેન્ટ-ઝૂપડું બનાવતા, માટીના રમકડાં બનાવતા, બધા મળીને રસોઈ બનાવતા (એક રીતની પાર્ટી), બધા પોતપોતાના ઘરેથી જરૂરિયાતની વસ્તુઓ લઈ આવતા, કોઈ વાસણ લાવે, કોઈ તેલ લાવે, કોઈ ચોખા લાવે, કોઈ દહીં લાવે, કોઈ મીઠું-મરચું લાવે, કોઈ કાંદા-બટેટા લાવે. આ બધું આવી જાય પછી ચૂલો સળગાવવા માટે લાકડા, કાગળ, પ્લાસ્ટિક વગેરે શોધવા જતા. પછી ચૂલો સળગે ને ભોજન તૈયાર થાય. (અમે નાના હોઈ મોટા ભાગે અમારા કઝીન્સ અમને ચૂલા કે આગથી દૂર રાખતા) બધા મળીને રસોઈ બનાવતા, જેમાં મોટા ભાગે તીખી ખીચડી, કઢી ખીચડી અને બટેટાની ચિપ્સ બનાવતા. ઘણી વાર ચીકી, તલના લાડવા, અને સેવ-મમરા ની ભેલ (એ તો હજુંય મારી પ્રિય) વગેરે અનેક વસ્તુઓ બનાવતા. તે પોતે બનાવેલ રસોઈની જે લિજ્જત હતી તે આજની ફાઈવ સ્ટાર હોટેલોમાં ક્યારેય નહીં મળે ! તે ઉપરાંત રસોઈ બને એટલી વાર બેઠા-બેઠા આન પાન અને અંતાક્ષરી જેવી રમતો રમતા. કેરીની સિઝન હોય ત્યારે આંબાવાડીમાં જઈ તાજી કેરીઓ તોડતા અને મીઠું અને લાલ મરચું ભેગું કરી કેરી પર લગાવી ખાતા. જમરૂખ પણ એ જ રીતે ખાતા. અમારા ગ્રામ્ય વિસ્તારોમાં ધામણા નામના નાના-નાના બોર જેવા દેખાતા ફળો વીણવા જતા, અને બોરની સિઝન બોર વીણવા જતા, અમારા નાના ને ત્યાં ખૂબ મોટી આંબલી હતી, તેના પર હિંચકાઓ ગાતા, અને અમારી મોટા ભાગની બપોર ઝાડ નીચે ન પસાર કરતા. આજે એસીમાં પડ્યા પડ્યા જે ઊંઘ ન આવે તેવી મધુર ઊંઘ ઝાડ નીચે સુવામાં આવતી. બીજી તો વાત જ શું કરું તે બાળપણની મજા જ કંઈક અલગ હતી.

આખો દિવસ આવી ઉઠલ પાથલ અને મસ્તીઓ કરતા સાંજે ઘરે આવતા. તે સમયે કોઈ ૨ રૂપિયા આપતું તો આજના ૨૦ રૂપિયા સમાન લાગતા. તે બે રૂપિયામાં કેટલી વસ્તુઓ આવતી. રાત્રીનું ભોજન લીધા પછી મને દાદી પાસે વાર્તા સાંભળવાનો બહુ શોખ ! દાદીમાં ની અવનવી રહસ્યમય વાર્તાઓ ખૂબ આતુરતાથી સાંભળતો. એમાંય મને એવી આદત કે દાદીમાં વાર્તા કહે અને હું એમના પગો દાબતો. અને વાર્તા સાંભળતા સાંભળતા એમના પગો પર જ સુઈ જતો. આજે તે દિવસો ય રહ્યા નથી અને દાદીમાં પણ રહ્યા નથી. 😢

‘दिल ढूँढता है फिर वहीँ फुरसत के रात-दिन’

આજના સમય જેવું ભૌતિકવાદી જીવનશૈલી ન હતી. બાળપણમાં ભલે કરકસરમાં જીવ્યા હોય પણ જીવન રાજકુંવર થી ઓછું પણ ન હતું. જીવન અને બાળપણના જે દિવસો વીત્યા છે તેવા દિવસો આજના ભૌતિકવાદી જીવનશૈલીમાં ક્યારેય નહીં મળે !
આજની નવી પેઢી બાળપણ શું તે પણ ખબર નથી. બસ માં-બાપ હાથમાં ફોન પકડાવી દે એમાં જ એમનું બાળપણ પૂરું થઈ જાય છે. જે રમતો આપણે રમેલી તે આજના બાળકો વિચારી પણ નહીં શકે.

જે દિવસો વીતી ગયા છે તે ફરી આવવાના છે નથી. પરંતુ જે સોનેરી પળો આપણે વિતાવ્યા છે તે કોઈ દિવસ ભુલાશે નહીં. અંતમાં એક શેર કહી મારી સ્મરણયાત્રા અહીંજ અટકાવું છું.

“ उजाले अपनी यादों के हमारे साथ रहने दो
न जाने किस गली में ज़िंदगी की शाम हो जाए ”

- ફારૂક શેખ પેરા વાળા ‛સૂફી’