અંતિમ ઈચ્છા - ભાગ ૭ Pratik Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ ઈચ્છા - ભાગ ૭

અધ્યાય ૭

જેમ તરવૈયાઓ સ્વિમિંગપુલમાં પેલી ડાઈવિંગ કરવાની પટ્ટી પરથી પુલમાં ડાઈવ કરે અને ધુબાકેબાજો વિશાળ ધોધના છેડેથી કે ટેકરીઓ પરથી પાણીમાં ધુબાકા મારે છે, એવી જ રીતે ઋષિ પણ અવકાશની વિશાળતામાં જાણે કૂદી ગયો હતો અને રેતના પોલા દ્રમમાં માણસ જેમ ઉતરી જાય એમ ખૂંપી રહયો હતો.

મનમાં સપ્તર્ષિના દર્શન કરી શક્યો એ માટેનુ ગૌરવ હતુ પણ એમની આ યાત્રા ને અંતિમ સ્થળ સુધીનો રસ્તો ચીંધવાનો ઉપાય એમને ન જણાવી શકવાનો
ઋષિને ખેદ પણ હતો.

બધા હથિયાર હવે એણે હેઠા મૂકી દિધા હતા. પ્રભુનુ એકાદ ભજન ગાવાની ઈચ્છા થતા એણે કંઠમાંથી સૂર વહેતા મૂક્યા.

હરિ, તુ ગાડુ મારૂ કયાં લઈ જાય,

કાંઈ ન જાણુ....

આગળની પંક્તિ ગાવાની શરૂઆત કરે એ પહેલા ઋષિ પાછો ઉપર તરફ ખેંચાવા લાગ્યો અને થોડી જ ક્ષણોમાં એ ફરી પાછો મહાન સાત તારલાઓની વચ્ચે ઉભો હતો.

બિલકુલ સ્થિર જાણે એ પૃથ્વી પર ક્યાંક ઉભો હોય.

એના ઓકિસજન મીટરના આંકડા પ્રમાણે હજુ પણ એના પ્રાણવાયુમાં ઘટાડો તો ચાલુ જ હતો.

"તુ અંહી સુધી આવ્યો છે અને તારી સાથે વાત પણ પૂરી ન થઈ શકે તો અમને ખૂબ ખેદ થશે. હા, તારૂ મૃત્યુ રોકવુ અમારા હાથમાં નથી, પરંતુ તારી આખરી ક્ષણોમાં તુ અમારી સમીપ રહી શકે એટલુ તો અમે કરી જ શકીએ છીએ." ધુણી લઈ ઉભેલા મરિચિ ઋષિએ ઋષિને ઉદ્દેશી કહ્યુ.

"બોલ વત્સ, તારા બધા પ્રશ્ર્નોનો જવાબ આપવો એ અમારો ધર્મ બને છે કારણકે તુ મૃત્યુની સાવ નજીક છે અને અનાયાસે આ તારી અંતિમ ઈચ્છા જ બની જાય છે." અંગિરા મુનિએ પણ મરિચિ ઋષિની વાતને વધાવી લીધી. બાકીના ઋષિઓએ પણ હકારમાં ડોકુ ધુણાવ્યું.

એક ઉંડો શ્ચાસ ભરી ઋષિએ વાતની શરૂઆત કરી. "મુનિવર, આપ સૌનો ખરા હ્ર્દયથી આભાર માનુ છુ. બહુ સમય બચ્યો નથી મારી પાસે."

-જરાક અટકીને-

"પરંતુ તમારી આ વરસોથી રઝળતી આ અંતિમયાત્રાનો કોઈ અંત તો હોવો જ જોઈએ. એના માટે મારી પાસે અમુક ઉપાયો છે. જો એમાંથી કોઈ પણ જો ઋષિમાતાના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર માટેની ભૂમિ શોધી આપવામાં મદદરૂપ થઈ શકશે, તો હું સમજીશ કે મારો જન્મારો સફળ થઈ ગયો."

"ધન્ય છે તુ પુત્ર, જરૂર તુ કોઈ મહાન માનવીનો અંશ છે કે અમારા જેવા અજાણ્યા સંન્યાસીઓ માટે આટલુ વિચારે છે. કળિયુગમાં લોકો પોતાના સાવ નજીકના સ્વજનો વિશે વિચારતા નથી, જયારે તે તો પોતાના જીવની સામે અમારા જેવા જોજનો દૂર બેઠેલા તારાઓના દર્શનને વધુ મહત્વ આપ્યું છે."

"કૃપા કરીને તારા એ ઉપાયો અમને જણાવ.અમે જરૂર એના પર વિચાર-વિમર્શ કરીશુ અને યોગ્ય ઉપાય પર અમલ પણ જરૂરથી કરીશુ." ઋષિ વસિષ્ઠે હાથ ઉંચા કરી ઋષિને આશીર્વાદ આપ્યા.

"મારી પાસે ગણ્યા-ગાંઠયા જ સૂચનો છે. એમાં સૌપ્રથમ તો હું પૃથ્વી પર સદીઓથી અસ્તિત્વમાં રહેલા સ્થળો જ્યાં કદી કોઈ પશુ, પક્ષી કે માનવે મુલાકાત કરેલા ન હોય એવા સ્થળો છે જ્યાં કદાચ આપને લગતી કોઈ ભૂમિ મળી જવાની શક્યતા રહેલી છે."

"એ યાદીમાં પહેલુ સ્થળ છે મારા દેશ ભારતના ઉતર ભાગે આવેલ હિમાલય. મારા મત મુજબ હિમાલયની આ અમાપ વિસ્તારમાં ફેલાયેલી પર્વતમાળા અને એમાં બનેલા જંગલોમાં કેટલીય એવી જગ્યાઓ, ગુફાઓ, ખીણો કે નદી-નાળાના તટ હશે જ્યાં આપના પ્રણની પૂર્તિ થઈ શકે. શુ તમે ત્યાં તપાસ કરી?"

"શુ કુરૂક્ષેત્રની પ્રાણહીન બની ચૂકેલા રણભૂમિ જ્યાં હવે પાંદડુ પણ ઉગતુ નથી એ તમારા પ્રણના નિયમો પ્રમાણે યોગ્ય નથી?"

"શુ પૃથ્વી પર લગભગ દરેક ભૂખંડમાં પથરાયેલા વેરાન અને નપાણિયા રેતીના રણોમાં પણ આપને તસુએ તસુમાં સુ:ખ દુ:ખના ચોપડા વંચાય છે?"

"શુ અવિરતપણે પ્રજ્વલિત રહેતા અને ધરતીના ગુસ્સાને ધગધગતા પ્રવાહી લાવા સ્વરૂપે બહાર વહાવતા રહેતા સૈકાઓ પૂરાણા આ જ્વાળામુખીઓની ભૂમિ પણ તમારી પ્રણપૂર્તિ માટે નુ સ્થળ બચાવી શકી નથી? એમાંનો એક યુરોપ ખંડમાં આવેલો જ્વાળામુખી જેનુ નામ એતના(Etna) છે એ તો લગભગ ૫,૦૦,૦૦૦ વરસો જૂનો છે."

"મારા મત મુજબ અને ભૌગોલિક જ્ઞાન મુજબ પૃથ્વી પરના આ દ્વીપકલ્પો પર મેં જણાવેલા વિસ્તારોમાં જરૂર કોઈ નાનકડો કુંવારો ધરતીનો ટુકડો જરૂર હોવો જોઈએ, પ્રભુ."

ઋષિએ પોતે વિચારી રાખેલા ઉપાયોમાંથી એક ઉપાય વિશે વિસ્તૃત રીતે ઋષિમુનિઓ સમક્ષ માહિતી મૂકી. લગલગાટ કરેલા પ્રશ્ર્નોના લીધે અને ઓકિસજનના અભાવે ઋષિને જરાક ગભરામણનો અનુભવ થયો અને એની આંખે અંધારા છવાયા.