અધ્યાય ૩
અગણિત પ્રકાશવર્ષો સુધી ફેલાયેલા અવકાશમાં ચારેકોર ચમકતા તારલાઓ જોતા-જોતા ઋષિ દાદી ગોમતીબાએ કહેલી સપ્તર્ષિ નક્ષત્ર સાથે જોડાયેલી લોકવાર્તા મનમાં વાગોળી રહયો હતો.
નાનપણમાં જ્યારે ઋષિએ આ વાર્તા સાંભળી હતી ત્યારે એણે શાળામાં વિજ્ઞાનના શિક્ષકે ભણાવેલા પાઠની ચોપડી ઉઘાડી એમાં લખ્યા પ્રમાણે ધ્રુવ તારાથી દક્ષિણ તરફ સીધી લીટી દોરી કોઇ ખગોળશાસ્ત્રીની માફક સપ્તર્ષિ નક્ષત્ર શોધી પણ કાઢયું હતુ.
ક્યારેક પોતાના વિમાનમાં છેક સપ્તર્ષિ નક્ષત્ર સુધી પંહોચી એમની સેંકડો વર્ષો પુરાણી પ્રણયાત્રાને અંતિમ પડાવ ચીંધવાનો જે વાયદો મનોમન કર્યો હતો, શૈશવની એ ક્ષણો ઋષિના મનમાં આજે ફરી ઉજાગર થઈ હતી.
*****
હજુ સાતમી ચોપડી ભણતો ઋષિ વેકેશનમાં મામાને ત્યાં રોકાવા આવેલો હતો. ઉંઘવાનો સમય થઈ ગયો હતો. આખો દિવસ ધમાચકડી કર્યા પછી પણ ઋષિ થાકયો નહોતો. હજુ પણ મામાના દિકરા હર્ષ સાથે એની દોડાદોડ અને મસ્તી ચાલુ જ હતી.
ગોમતીબાએ બંનેને પાસે બોલાવી વ્હાલ થી બેયના માથે હાથ ફેરવીને કહયુ,
"ઋષિયા અને હર્ષુ, ચાલો તમને આજે કદી નહી સાંભળી હોય એવી નવી જ વારતા કહુ, પણ પછી તરત સૂઈ જવાનુ એ એક જ શરત પર."
નાનપણથી ઋષિને પૌરાણિક કે ઐતિહાસિક વારતાઓ, કાવ્યો અને લોકકથાઓ વાંચવાનો અને સાંભળવાનો ગાંડો શોખ હતો. એમાં પણ ઋષિના નાની ગોમતીબા એવા વાર્તાકાર હતા કે કોઈ પણ કથા કહેતા, ત્યારે ઋષિ એ કથાનુ કોઈ પાત્ર બની જાણે કે પોતે જ એ સમયમાં પંહોચી એ વારતા જીવતો.
"બોલો, મંજૂર છે?"
"મંજૂર છે, બા. જલદી કહોને." વાર્તાઓનો ભૂખ્યો શ્રવણકાર એવો ઋષિ ઉતાવળો બન્યો.
આકાશ તરફ આંગળી ચીંધી એમણે કહયુ,
"સારૂ ત્યારે, પેલ્લો જો, ત્યાં એક જ સૌથી તેજસ્વી તારો દેખાય છે"
"હા, એ તો ધ્રુવનો તારો છે, તે એમાં શુ વળી, એ તો અમને ય ખબર છે બા." હર્ષ બોલ્યો.
"હા, ભાઈ તુ બહુ હોંશિયાર. સારૂ હવે જે કહુ એ તને કે તારા બાપુજી ને પણ નહી ખબર હોય. જો એ તારાની સીધી લીટીમાં પેલુ તારલાઓનુ ઝુમખુ દેખાય, ગણી જો, એમાં સાત તારા છે, ગણ્યા?"
"એક, બે, ત્રણ,ચાર, પાંચ, છ અને સાત." આશ્ચર્ય મિશ્રિત અવાજે બંનેએ ગણતરી માંડી.
બાએ આગળ કહયુ, "તો આજે તમને આ તારકજૂથની કથની કહેવાની છુ."
બંને બાળકો ખૂબ ઉત્સુકતાભેર આ નવીન વારતા સાંભળવા બાની એકદમ પાસે આવી બેઠા અને બાના ખોળામાં ધીમેથી માથુ મૂકી દીધું.
બેયના માથે હાથ પસવારતા પસવારતા બાએ તારા-કથની શરૂ કરી.
"તો એ તારકજૂથમાં હમણાં ગણ્યા એમ સાત તારાઓ છે અને એ નક્ષત્રનુ નામ સપ્તર્ષિ છે."
"હમમ્ પછી." અધીરો ઋષિ બોલ્યો.
"આ સાતે તારાઓ મહાન ઋષિઓ છે અને કરોડો વરસોથી આમ જ પૃથ્વીની પરિક્રમા કરી રહયા છે.
ક્રતુ, પુલહ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરા, વસિષ્ઠ અને મરિચિ એમ સપ્તર્ષિ. સમજાયું?"
"હા, બા."
"આ સાતેય ઋષિ પોતાની પૂજનીય માતૃશ્રીની એક અલૌકિક અંતિમ ઈચ્છા પૂરી કરવા વરસો-વરસથી આમ જ પૃથ્વીના ચક્કર કાપી રહયા છે."
"એવી કેવી ઈચ્છા બા કે એમાં આટલા વરસો સુધી ફરવુ પડે?"
"એમને થાક પણ ન લાગે?" હર્ષે આશ્ર્ચર્ય પ્રગટ કર્યુ.
"એ તો કોણ જાણે? કોઈ પૂછવા જાય ત્યારે ને?"
બા લગીર ચિડાયા.
"હું જઈશ, તુ જોજે બા, અને એમના બાની ઈચ્છા પૂરી કરવામાં મદદ કરીશ. પણ, બા એમની એ અંતિમ ઈચ્છા શુ છે એ તો કીધુ જ નહી તે." અધીરપણે ઋષિએ પૂછયુ.
"બહુ ડાહયા મારા દિકરાઓ." બાએ બેઉના ઓવરણા લીધા.
"તો સાંભળો, સપ્તર્ષિના માજીની અંતિમ ઈચ્છા એવી હતી કે એમના અંતિમ સંસ્કાર પૃથ્વીની એવી કોઈ કુંવારી ભૂમિ પર જ થાય જયાં ક્યારેય પણ કોઈ સુ:ખ કે દુ:ખની ઘટના ઘટી જ ન હોય."
શુ એવી કોઈ જગ્યા ખરેખરમાં છે, બા?" ઋષિએ જીજ્ઞાસાવશ પ્રશ્ર્ન કર્યો.
બંને બાળકો વિચારમાં પડી ગયા.
"ના, એવી કોઈ જગ્યા નથી, બેટા." બાએ નિસાસો નાખ્યો.
પાસે પડેલા માટલામાંથી ઘુંટડો પાણી પી બાએ વાત આગળ વધારી.
"સૌથી આગળ જે તારો દેખાય, એ ઋષિ મરિચિ છે જે પવિત્ર ધુણી લઈને ચાલી રહયા છે, એમની પાછળ ના બે ઋષિદેવ વસિષ્ઠ અને અંગિરા મુનિ "રામ-રામ" બોલી રહયા છે. અને સૌથી પાછળ ચાલી રહેલા ચાર ઋષિઓ અત્રિ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ ખભા પર એમના માજીના શવને કાંધ આપી ચાલી રહયા છે."
"બા, સામેવાળા દાદા મરી ગયા ત્યારે આવી જ રીતે લઈ ગયા હતાને એમને." હર્ષે પૂછ્યું.
"હા, દિકરા એને જ અંતિમયાત્રા કહેવાય. આ સપ્તર્ષિ એ ઋષિમાતાની અંતિમ શવયાત્રા જ છે."
બાને બંને બાળકોની આંખો ઘેરાતી લાગી.
સપ્તર્ષિ તરફ નજર નાખી વારતા પૂરી કરતા ગોમતીબાએ કહ્યુ.
"પૂરી ધરતી ફંફોસવા છતાં એવી કોઇ જગ્યા આટઆટલી સૈકાઓ સુધી પણ ન મળી હોવાથી એ લોકો હજુ પણ એવી કુંવારી ધરતીની શોધમાં પોતાના માતૃશ્રીની સ્મશાન યાત્રા સાથે અવકાશમાં અવિરતપણે ફરી રહયા છે."