અંતિમ ઈચ્છા - ભાગ ૬ Pratik Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ ઈચ્છા - ભાગ ૬

અધ્યાય ૬

દૂરદર્શન પર આવતા "મહાભારત" કાવ્ય પર આધારિત સિરિયલમાં શરૂઆતમાં જે સમયચક્ર આવે છે અને બોલે છે કે "હું સમય છુ." એવા જ ભણકારા ઋષિને પણ સંભળાયા, જ્યારે જીવનના સમયચક્રે ઋષિને આટલો રખડાવી-ભટકાવી આખરે લક્ષ્ય સુધી પંહોચાડયો. એમાં પણ અવકાશયાત્રા દરમિયાન સંજોગોવશાત કે આપખુદ રીતે લીધેલા દરેક પગલા ઋષિને જાણે કે સપ્તર્ષિ સુધી એને દોરી લાવવા માટે જ હોય અને કોઈ અજાણ્યું અલૌકિક પરિબળ કે શક્તિ આની પાછળ જરૂર કામ કરતુ હોવુ જોઈએ, એવી એની માન્યતા વધુ દ્રઢ બની.

પ્રકાશના એ સાત શક્તિપૂંજ જાણે ઋષિને ખેંચી રહ્યા હતા. હવાના દબાણથી ચાલતા પેલા યંત્રની મદદથી ઋષિ જેમ જેમ આગળ વધતો ગયો, એમ એમ એ તેજપૂંજ માણસ આકૃતિમાં પરિવર્તિત થતી જણાઈ.

જ્યારે એ સાવ નજીક પંહોચી ગયો, ત્યારે બધી જ માનવ આકૃતિઓ એને સ્પષ્ટ દેખાવા લાગી. જેમ ગોમતીબાએ પોતાની વારતામાં સમજાવ્યું હતુ એમ જ હકીકતમાં પણ આ સાત ઋષિઓનુ જૂથ એક શવયાત્રા જ હતુ. આગળ ચાર ઋષિઓના ખભે કોઈ સ્ત્રી શરીરની નનામી હતી. એ ઋષિમાતા જ હોવા જોઈએ એવુ સમજી ચૂકેલા ઋષિએ મનોમન પ્રણામ કર્યા.

થોડુ આગળ જતા જ એને "રામ નામ સત્ય હે" ના નારા સંભળાયા અને એક ઋષિમહારાજના હાથમાં એણે કાળા કલરના માટીના વાસણમાં પ્રજ્વલિત ધૂણી પણ જોઈ. ઋષિએ મનોમન મૃત્યુંજય મંત્ર નો દસ વાર જાપ કર્યો.

ધુણી લઈને ચાલી રહેલા ઋષિ મરિચિ પાસે એ અટક્યો-અટકી શક્યો. ન જાણે કેમ અંહી એ પોતાનું વજન અનુભવવા પણ લાગ્યો અને અવકાશમાં સ્થિર પણ થઈ શક્યો. એણે બની શકે એટલા હાથ પાસપાસે લાવી પ્રણામ કર્યા અને બધા ઋષિઓને સંબોધન કરી કહ્યું," હે ઋષિદેવો, હું ધરતીથી આવેલો એક તુચ્છ માનવી આપ સૌને પ્રણામ પાઠવું છુ."

"આયુષ્યમાન ભવ:, વત્સ."

"એક મનુષ્યને ધરાથી આટલા જોજનો દૂર અમારી પાસે આવવા પાછળનુ પ્રયોજન શુ હોઈ શકે?" મરિચિ ઋષિએ પ્રશ્ર્ન કર્યો.

"કૃપા કરી આ રોશનીની તીવ્રતા જરા ધીમી કરશો તો આપ મહાનુભાવોના સારી રીતે દર્શન થઈ શકે."

બીજી જ ક્ષણે ત્યાં તેજપૂંજ ની જગ્યાએ સામાન્ય માણસો જણાય એમ ઋષિઓ ઉભા હતા. એ જટાધારીઓએ સાદા ભગવા વસ્ત્રો ધારણ કરેલા હતા. હાથમાં કમંડળ, ગળામાં રૂદ્રાક્ષ માળા અને કપાળમાં ત્રિપુંડધારી સંન્યાસીઓના મસ્તક પાછળ કોઈ વિશિષ્ટ પ્રકારની આભા હતી. એમના મુખ પર ચીર શાંતિના ભાવો હતા. આવી અનંત અવકાશયાત્રા પછી પણ એમના ચહેરા કે શરીર પર થાકના કોઈ જ ચિહ્નો વર્તાતા નહોતા.

"હું મારા વિમાનથી વિખૂટો પડી ગયો છુ, ઋષિવર. બાળપણમાં લીધેલો એક પ્રણ મને અંહી સુધી ખેંચી લાવ્યો છે."

"એક પ્રણ માટે તે ભગીરથ પગલુ ભર્યુ છે, પુત્ર. ભવિષ્ય જોઈ શકતી મારી આંખો આવતી અમુક જ ક્ષણોમાં તારૂ મૃત્યુ જોવે છે. તુ જો પાછો ફરી શકતો હોય તો અબઘડી ફર." મહર્ષિ વસિષ્ઠે આશીર્વાદની મુદ્રા ધરી મને મારા તરફ આગળ વધી રહેલા મૃત્યુથી અવગત કરાવ્યો.

"હે દેવો, મારૂ પાછુ ફરવુ હવે અસંભવ છે. તમારા સુધી પંહોચવાની યાત્રા દરમિયાન હું મારો મોટાભાગનો પ્રાણવાયુ ખરચી ચૂક્યો છુ. આ જે સૂટ એટલે કે વસ્ત્ર ધારણ કર્યા છે, જે મને પ્રાણવાયુ પૂરો પડે છે, થોડા સમય પછી આ વસ્ત્ર મારા માટે નકામા થઈ જશે અને મહર્ષિ વસિષ્ઠે જણાવ્યું એમ હું મોતને વહાલો થઈશ."

"આ વાત મને આ યંત્ર અમુક સમયાંતરે દર્શાવી રહ્યું છે કે મારા માટે મોતનો સમય નકકી થઈ ચૂક્યો છે અને હું એ સમયને મારા અંત સમય તરીકે હું હ્ર્દયથી સ્વીકારી ચૂક્યો છુ." મીટર તરફ નિર્દેશ કરી ઋષિ બોલ્યો.

"પણ એવો તો શો પ્રણ તે લીધો છે, વત્સ?"

"પ્રભુ, હું આપ સર્વેને પૂરા જગત અને ખાસ કરીને મારા દાદી ગોમતીબા તરફથી આપની આ અવિરત યાત્રા અને આપની સ્થિતિ વિશે પ્રશ્નોતરી કરવા આવ્યો છુ."

"આટલા વિશાળ જગમાં કોઈ એવો મનુષ્ય પણ છે જેને અમારી ચિંતા છે અને અમારા ખબર-અંતર પૂછવા એ આટલે દૂર સુધી પંહોચ્યો છે. ધન્ય છે તુ ભૂમિપૂત્ર, ધન્ય છે."

"પૂછ, વિના સંકોચ પૂછ પુત્ર. શુ છે તારા એ પ્રશ્ર્નો." અંગિરા મુનિએ બીજા ઋષિઓ તરફ નજર ફેરવીને કહયુ.

"મહાત્માઓ, તમારી ચિંતા તો માણસ જાતે કરવી જ રહી. આપ દ્વારા રચિત આ તારકજૂથ તો કેટલાય વર્ષોથી મુસાફરી કરતા માણસોને સાચી દિશા શોધવામાં માર્ગદર્શન પૂરૂ પાડે છે. આપના સંદર્ભે માત્ર રેખાઓ ખેંચી માનવે કેટલાય નવીન તારા અને ગ્રહોની શોધ કરી છે.આ નક્ષત્રસ્થળનો આધાર લઈ મનુષ્ય આ અમાપ અવકાશને માપવાના ઘણા પ્રયોગો કરી શક્યો છે."

"અલગ અલગ સમાજમાં વૈશ્ચિક સ્તરે તમારૂ જુદી જુદી રીતે મહત્વ છે, જેમકે ગુજરાતમાં નર્મદાનો આદિવાસી સમાજ તમને સાતશાલી દેવ તરીકે પૂજે છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આપના ઉલ્લેખ વિશે તો આપ જાણો જ છો, પ્રભુ. પાશ્ર્વાત્ય ગ્રંથોમાં પણ વિધ-વિવિધ પ્રકારે આપના આ તારકમંડળે ઓળખાણ જાળવી છે. તમારા ખબર-અંતર જાણવા તો માણસે કોઈ પ્રતિનિધિ બહુ પહેલા મોકલી દેવો જોઈતો હતો. હવે અજાણપણે પણ કદાચ મારા પ્રણના પ્રતાપે હું અંહી આવી પંહોચ્યો છુ."

"હે ઋષિમહારાજો, હું એટલુ જ જાણવા માંગુ છુ કે શુ આપ સૌને આ શવયાત્રાનુ અંતિમ સ્થાન એવી કુંવારી ભૂમિકા હજુ સુધી નથી મળી શકી?

જો તમે આ સેવકને આજ્ઞા આપો તો શુ હું કોઈ ઉપાય આપને જણાવી શકુ કે જે આપ ઋષિઓને
ઋષિમાતાને આપેલા વચનમાંથી મુક્તિ અપાવી શકે?
શુ એવી કોઈ ચર્ચા આપ સહુની સંમતિ સાથે શક્ય છે?" ઋષિએ જરાક ડર સાથે પ્રશ્ર્ન પૂછયો.

સાતેય ઋષિઓએ એકબીજાની સામે સૂચક નજરે જોયુ અને સાતમાંથી કોઈ પણ એક ઋષિ જવાબ આપે એ પહેલા જ ઋષિ જાણે કોઈ ઈમારત પરથી નીચે પડતો જતો હોય એમ વજનરહિત અનુભવવા લાગ્યો. હવાનો ઉપયોગ કરી અવકાશયાત્રીને સ્થિર કરી રાખતુ ઉપકરણ કાયમ માટે ખોટકાઈ પડયુ હતુ એવુ ઋષિને સમજાઈ ગયુ હતુ.

ઋષિદેવો અને ઋષિમાતાના દર્શન કરી શકયો હોવાથી એ પોતાને નસીબદાર માનતો હતો. પણ પોતે ઘણા તર્ક વિતર્ક કરી સપ્તર્ષિની મુક્તિ માટે શોધી કાઢેલો ઉપાય ઋષિઓને જણાવી ન શકવાનો એને પારાવાર પસ્તાવો થતો હતો.

એણે ફરી મીટર પર નજર કરી.

બચી હતી માત્ર ૧૦ મિનિટ.


એણે આંખો મીંચી હિંમત એકઠી કરવા માંડી.

હશે!
મનમાં વંટોળ ઉઠતા હશે,
હશે!
નિંદ્રામાં સ્વપનો ઢંઢોળતા હશે,
હશે!
કદી ન છિપાય એવી તૃષા હશે,
હશે!
મંઝિલ સુધીની જીજીવિષા હશે,
હશે!
આંખના ખૂણે આંસુડા હશે,
હશે!
થોડા ઘણા યાદોના ટુકડા હશે,
હશે!
સાથી-સખા સઘળા વ્યસ્ત હશે,
હશે!
પોતીકા ને પારકા સરખા જ હશે,
હશે!
અડચણો નો થયેલો ખડકલો હશે,
હશે!
મુશ્કેલીઓથી ભરેલો રસ્તો હશે,
થશે!
માત્ર શ્ર્વાસે-શ્ર્વાસે રટતો રહેજે "થશે"...
-પ્રતિક "શૂન્યમનસ્ક"