વારસદાર Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વારસદાર

વાર્તા-વારસદાર લેખક-જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.96017 55643

રામજીમંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ થયો એટલે આનંદીબા ઓસરીમાંથી ઊભા થઇ લાકડીના ટેકે ધીરે ધીરે ચાલતા ઘરમાં ગયા.ઉંમરના કારણે શરીર કમરમાંથી વાંકું વળી ગયું હતું એટલે લાકડી રાખવી પડતી હતી.ઘરમાં જઇને દેવઘરમાં દીવો પ્રગટાવ્યો.અને લાઈટ નો બલ્બ ચાલુ કર્યો. જૂનું ખંડેર જેવું ઘર હતું.આનંદીબા એકલાજ રહેતા હતા.તેમના પતિ નટુદાદાને ગુજરી ગયે વીસ વર્ષ વીતી ગયા હતા. ગામડાનું જીવન સાદું એટલે ખાસ ખર્ચ નહીં.બપોરે રસોઇ બનાવી હોય તેમાંથી વધ્યું હોય એ જ સાંજે જમી લેતા.પંચ્યાશી વર્ષની ઉંમર હતી એટલે ભૂખ પણ ઓછી લાગતી. પડોશની નવી આવેલી વહુઓ પણ ઘણીવાર બા બા કરતી અવનવી ખાવાની વસ્તુઓ આપી જતી એટલે તેમને જમવા બાબતની બહુ પળોજણ

નહોતી.તેમને નાનપણથી જ વાંચવાની ટેવ હતી જે હજી પણ જળવાઈ રહી હતી.ભગવાનની દયાથી આંખો સારી હતી એટલે થોડું વાંચી શકાતું હતું.અત્યારે અધિક માસ ચાલતો હોવાથી થોડું ધાર્મિક સાહિત્ય વાંચતાં અને રાત્રે પોળની બધી મહિલાઓ સાથે બેસીને ભજન કીર્તન કરતાં.

આનંદીબા સાતમા ધોરણ સુધી ભણેલા હતા.એ વખતે સાતમા ધોરણમાં ફાઈનલ ની પરીક્ષા આવતી એ પરીક્ષા પણ તેમણે વડોદરા સેન્ટરમાં આપીને પાસ કરી હતી અને સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરીનો ઓર્ડર પણ આવ્યો હતો પણ નટુદાદાએ નોકરી કરવાની ના પાડી એટલે પછી નોકરી પડતી મૂકી હતી.નટુદાદાને આરોગ્ય ખાતામાં નોકરી હતી એટલે પૈસે ટકે તકલીફ નહોતી.સંતાનમાં એક દીકરો કુશલ જે મોટી ઉંમરે આવ્યો હતો.નટુદાદા નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે દીકરા કુશલની ઉંમર અઢાર વર્ષની હતી.અને એસ.એસ.સી.ની(મેટ્રિક)પરીક્ષામાં કુશલ આખા જીલ્લામાં ફર્સ્ટ આવ્યો હતો.એ વખતે અગિયારમું ધોરણ એટલે મેટ્રિક ગણાતું અને પછી કોલેજ શરૂ થતી.કુશલને ઉચ્ચ શિક્ષણ લેવું હતું અને નટુદાદા નિવૃત્ત થઇ ગયા હતા એટલે થોડી આર્થિક ચિંતા તો હતી જ.પણ આનંદીબા એ તેમના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ કાઢીને પતિના હાથમાં મુકી દીધી હતી.અને જરૂર પડશે તો ઘર પણ વેચીને દીકરાને ડોક્ટર બનાવીશું એવું પતિને કહ્યું હતું.તે વખતે જવાબમાં નટુદાદાએ હસતાં હસતાં એવું કહ્યું હતુકે ‘ડાહ્યો પુરૂષ એને કહેવાય જે પોતાની બધી મિલકત પત્નીના નામે જ કરતો જાય.કાલે દીકરો ના સાચવેતો ઘડપણ ના બગડે.એટલે બધુ દીકરા માટે વાપરી ના દેવાય’’

કુશલને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું.તે હોસ્ટેલમાં રહેવા ગયો હતો અને નિવૃત્ત માબાપ ઘરે એકલા રહેતા હતા.પેન્શન આવતું હતું એટલે ગુજરાનની ચિંતા નહોતી.કુશલને શિષ્યવૃત્તિ મળતી હતી અને કોલેજની ફી માફી હતી એટલે ફક્ત રહેવા-જમવાના પૈસા ઘરેથી મોકલવા પડતા. દીકરો પણ સમજદાર હતો એટલે બિનજરૂરી ખર્ચ કરતો નહોતો.કુશલને ખબર નહોતી પણ નટુદાદા સવાર સાંજ અંગ્રેજી ના ટ્યુશન કરતા હતા.ટયુશનની આવકના કારણે ઘરખર્ચ અને કુશનના ખર્ચને પહોંચી વળાતું હતું.આનંદીબાનો જીવ બળતો હતો નટુદાદાને આ ઉંમરે ટ્યુશન કરતા જોતાં પણ કાલે દીકરો કમાતો થઇ જશે પછી આરામ કરીશું એવું મન મનાવતા હતા.

પણ દીકરાને ડોક્ટર બનેલો જોવાનું નટુદાદાના નસીબમાં નહોતું.હજી કુશલને ડોક્ટર બનવાની એક વર્ષની વાર હતી.અને તેમની તબિયત અચાનક બગડી.સાત દિવસ જેટલું પથારીવશ રહ્યા અને અવસાન પામ્યા.પણ પથારીમાં પડ્યા પડ્યા મકાન તથા થોડી બેન્કની બચત બધું આનંદીબા ના નામે કરી દીધું. કોણ જાણે તેમના મગજમાં એવું જ ઠસી ગયું હતુકે દીકરા ઘડપણમાં માબાપને તરછોડી ના દે એટલે જીવતેજીવ મિલકત દીકરાના નામે ના કરવી પણ જિંદગીભર સુખ દુઃખ માં સાથ આપનાર પત્નીના નામે જ કરવી.એટલે પત્ની નું ઘડપણ ના બગડે.દીકરો કુશલ તો તેમને જીવ થી પણ અધિક વ્હાલો હતો પણ દીકરા આગળ આખું ભવિષ્ય પડ્યું છે જયારે તેની મા હવે ઘરડી થઈછે એટલે તેની સલામતી વધારે વિચારવી પડે એવું તેઓ માનતા હતા.દીકરાને પરણાવવાની તેમની ઈચ્છા અધૂરી રહી ગઇ હતી.સારા ઘરની કન્યાઓની વાતોતો આવતી હતી પણ કુશલ ડોક્ટર બની ગયા પછીજ સગાઇ કરીશ એવું કહેતો હતો એટલે વાત અટકી પડી હતી.નટુદાદાના અવસાનનો કુશલને બહુ આઘાત લાગ્યો હતો.તે જાણતો હતોકે તેના પિતાએ આખી જિંદગી સાયકલ ચલાવીને એક ગામથી બીજે ગામ ઢસરડા કર્યા હતા અને પોતાને ભણાવ્યો હતો.હવે જયારે તે પિતાની સેવા કરવા લાયક બન્યો હતો ત્યારે જ તેઓ વિદાય થઇ ગયા હતા.

જોતજોતામાં વર્ષ વીતી ગયું અને કુશલ ડોક્ટર બની ગયો.ડોક્ટરની ડીગ્રી લઈને ઘરે આવ્યો અને માના ચરણ સ્પર્શ કર્યા.આનંદીબા નું સપનું પૂરું થયું હતું.ડોક્ટર બની ગયો હતો દીકરો.દીકરો ડોક્ટર બની ગયો તેની ખુશાલીમાં બા એ આખા ફળિયામાં પેંડા વહેચ્યા.કુશલને શહેરની સરકારી હોસ્પીટલમાં નોકરી નું એક મહિના પછી હાજર થવાનું નક્કી થઇ ગયું.

રાત્રે જમીને મા દીકરો વાતો કરતા હતા.આનંદીબા એ હસતાં હસતાં કહ્યું’ બેટા હવે તને નોકરી પણ મળી ગઈછે.અને હવે શહેરમાં રહેવા જવું પડશે.તો હવે તારા લગ્ન બાબતે વિચારીએ’

‘ એવી શું ઉતાવળ છે બા ? તું મારી સાથે શહેરમાં આવવાની જ છે પછી મારે જમવાની તકલીફ તો પડવાની નથી’

‘ જો દીકરા હું હવે આ ઉંમરે શહેરમાં ના આવી શકું.મને તો અહીં ફળિયામાં પડોશીઓ જોડે વધારે ફાવે.અને તારે હવે નવેસરથી નવી જિંદગી જીવવાની છે એટલે હવે તારે વહુ ની જ જરૂર છે.તને ગમતી કન્યા તે જોઇ રાખી હોયતો તેને વહુ બનાવીએ.’

‘ ના બા કોઈ કન્યા મેં જોઇ નથી.તમે પસંદ કરો એજ વહુ બનીને આવશે’ કુશલનો જવાબ સાંભળીને બા ને સંતોષ અને ગર્વ પણ થયો.

શહેરની સરકારી હોસ્પીટલમાં કુશલ હાજર થઇ ગયો.રહેવા ક્વાર્ટર મળ્યું હતું અને જમવાનું એક બેનના ઘરેથી આવતું હતું.રવિવારે રજાના દિવસે કુશલ ગામડે બા પાસે આવી જતો.કુશલનો બચપણથી એક નિયમ હતો કે દિવસમાં એકવાર બાના ખોળામાં માથું મુકીને ઊંઘી જવાનું.બા માથે હાથ ફેરવે જાય.આ નિયમ હજી પણ જાળવી રાખ્યો હતો.એ તેના ડોક્ટર મિત્રોને પણ કહેતો કે ‘ બા ના ખોળામાં માથું મુકીને ઊંઘવાની જે મજા છે એ અવર્ણનીય છે.માથા ઉપર માનો આશીર્વાદ ભર્યો હાથ ફરતો હોય ને મિત્રો ત્યારે સ્વર્ગનું સુખ મળેછે.માબાપ જ ભગવાન છે.’ મિત્રો આ સાંભળીને હસતા.તેમને ડો.કુશલની ભાવુકતા સ્પર્શી જતી. કુશલ વૃદ્ધાશ્રમનો સખત વિરોધી હતો.ઢોર ઘરડું થાય તો પણ ઘરમાં રાખીને સેવા કરનારી આપણી સંસ્કૃતિ માટે વૃદ્ધાશ્રમ કલંક સમાન હતું એવું એ માનતો હતો.પોતાનાં ભૌતિક સુખો પૂરા કરવા માબાપો ને ઘરમાંથી વિદાય કરનારાઓ જેવા કોઈ પાપીઓ નથી.તે ઘણીવાર અલગ અલગ વૃદ્ધાશ્રમો ની મુલાકાતે જતો ત્યારે ત્યાં ઘરડાં ના ચહેરા ઉપર જે ઓશિયાળાપણું અને હતાશા જોતો ત્યારે તેનું હૈયું રડી ઉઠતું.નિરાધાર વૃદ્ધો માટે કંઇક કરી છૂટવાની તેની ભાવના હતી.

રવિવારે એક મહેમાન કન્યાને લઈને કુશલને જોવા ગામડે આવ્યા હતા.હરિતા એમ.કોમ.સુધી ભણેલી અને દેખાવડી હતી.તેમની જ્ઞાતિનું જ ઘર હતું.આખો દિવસ હરિતા રોકાઇ તે દરમ્યાન તે આનંદીબા ને ઘરકામમાં મદદ કરતી રહી.કુશલ અને હરિતા એ પણ ઘણી વાતો કરી.સાંજે વિદાય થતી વખતે આનંદીબા એ મહેમાનને સંમતિ આપી દીધી.બંને પક્ષે પંદર દિવસ પછીનું લગ્નનું મુહુર્ત કઢાવ્યું.

ડો.કુશલ અને હરિતાના ધામધૂમથી લગ્ન થઇ ગયા.લગ્નમાં આવેલા મહેમાનો એ જયારે જાણ્યું કે ભોજન સમારંભમાં બાજુના શહેરના બે વૃદ્ધાશ્રમોમાં રહેતા તમામ વડીલોને જમવા બોલાવ્યા હતા ત્યારે સહુ મહેમાનો કુશલથી પ્રભાવિત થઇ ગયા.અને વૃદ્ધાશ્રમના આ વડીલોએ તો રાજીના રેડ થઇને કુશલને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા હતા.ન્યુઝપેપરમાં આ સમાચાર છપાયા.એક પત્રકારે પૂછતાં કુશલે એવો જવાબ આપ્યો હતોકે દરેક પુત્રોએ માબાપની સેવા કરવી જોઈએ અને જે પુત્રો માબાપને વૃદ્ધાશ્રમમાં મુકી આવ્યા છે તેઓ પ્રાયશ્ચિત કરીને તેમને ઘરમાં પાછા લાવે અને સેવા કરે.તમારા સંતાનો તમારી સેવા કરે એવું તમે ઈચ્છતા હો તો તમારે સેવા કરવી જ પડશે.કરશો એવું પામશો આ સનાતન નિયમ છે.

કામની ગમે એટલી વ્યસ્તતા હોય તો પણ કુશલ રવિવારે ગામડે આવવાનું ચૂકતો નહીં.અને આવીને બા ના ખોળામાં માથું મુકીને ઊંઘવાનું પણ ભૂલતો નહીં.પણ આનંદીબા હવે ખર્યું પાન હતાં.હમણાંથી બિમાર પણ રહેતાં હતાં.કુશલના ઘરે દીકરો આવ્યો એ સમાચાર જાણીને ખુશીથી પાગલ થઇ ગયાં અને દસ દિવસ પછી આ ફાની દુનિયા છોડી દીધી.એક બે પડોશીઓ એ પણ કહ્યું કે બા કહેતા હતા કુશલના ઘરે દીકરો આવે ત્યાં સુધી ભગવાન જીવાડે તો સારું.

શહેરમાં અત્યારે ડો.કુશલની પોતાની ‘ આનંદીબા’ હોસ્પીટલ છે.બા ને ગુજરી ગયે પંદર વર્ષ વીતી ગયાછે.ગામડાનું ઘર કુશલે ગ્રામપંચાયતને બાલમંદિર બનાવવા આપી દીધું હતું.એમાં એક શરત રાખી હતી કે બાલમંદિરમાં આનંદીબા ની પલોઠી વાળીને બેસેલી મૂર્તિ મુકવી અને મને દર રવિવારે અડધા કલાક માટે અંદર બેસવાની મંજુરી આપવી.આનંદીબા ની મૂર્તિ પણ કુશલે જ તેના ખર્ચે બનાવીને આપી હતી.દર રવિવારે કુશલ આવીને બાલમંદિરમાં જઇ બા ની મૂર્તિના ખોળામાં માથું મુકીને અડધો કલાક ઊંઘી જાય અને તેને એવું અનુભવાય કે બા એ માથામાં હાથ ફેરવ્યો પછી જ બહાર આવે.પંદર વર્ષથી આ ક્રમ તુટ્યો નથી.તેની આ સુવાસ ચોમેર ફેલાઇ છે.ઘણા દીકરાઓ વૃદ્ધાશ્રમ માંથી માબાપ ને ઘરે પણ લઇ ગયા છે.’ આનંદીબા હોસ્પીટલ’ માં વૃદ્ધાશ્રમ ના પેશન્ટ માટે બિલકુલ મફત સેવા કરવામાં આવેછે.વૃદ્ધાશ્રમમાં રહેતી દરેક મા એ કુશલ માટે આનંદીબા છે.

ભગવાન શ્રીરામે લંકા ઉપર વિજય મેળવ્યા પછી વિભીષણનો રાજ્યાભિષેક લક્ષ્મણ ના હાથે કરાવ્યો હતો.પોતે વનવાસી તરીકે પિતાની આજ્ઞાનું પાલન કરી રહ્યા હોવાથી રાજ્યાભિષેકમાં હાજર નહોતા રહ્યા.રાજ્યાભિષેક માંથી આવ્યા પછી લક્ષ્મણ સોનાની લંકાના ભરપેટ વખાણ કરેછે.લક્ષ્મણને લંકા નગરી બહુ ગમી ગઇ હોયછે.ત્યારે શ્રીરામ નીચે મુજબ શ્લોક બોલેછે.

‘ અપિ સ્વર્ગમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે ,જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી.’

હે લક્ષ્મણ, આ લંકા સોનાની છે તો પણ મને તેમાં રુચિ નથી કેમકે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અધિક છે.