રાઈટ એંગલ - 19 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 19

રાઈટ એંગલ

પ્રકરણ–૧૯

‘હજુ તો શરુઆત છે ભાઇ જો આગળ શું થાય છે!‘ કશિશ મનોમન બોલી.

નિતિન લાકડાવાળાએ પોતાના અસીલ વતી બીજી દલીલ કરી,

‘સર, આ કેસમાં એલીગેશન્સનું લેવલ જ એવું નથી કે જેને કારણે કોઇ ગુનો બને છે તે સાબિત થાય. મારા અસીલને માત્ર હેરાન કરવાના ઇરાદાથી આખી ય વાત ઘડી કાઢવામાં આવી છે. બિનપાયાદાર વાતને આરોપ બનાવીને રજૂ કરવામાં આવ્યા છે. આથી મારી અરજી છે કે મારા અસીલની ડિસ્ચાર્જ અરજી મંજુર કરવામાં આવે. અને એમને ટ્રાયલમાંથી બરી કરવામાં આવે! ‘

જજે એમની દલીલ સાંભળીને રાઈટર પાસે એક–બે પોઇન્ટ નોટ કરાવ્યા. પછી એમણે રાહુલ સામે જોયું જેમાં આદેશ હતો કે હવે તમારો વારો.

‘સર,. મારા અસીલ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આઇ.પી.સી પીનલ કોડ ૪૦૬ કહે છે કે વિશ્વાસના ફોજદારી ભંગ બદલ વ્યક્તિ સજાને પાત્ર બને છે. એટલે કે બીચ ઓફ ટ્રસ્ટનું કૃત્ય થયું છે તેથી આ ઘટના ગુનાને પાત્ર છે. વળી મારી અસીલનું ભવિષ્ય ઊજળું હતું અને એને એડમિશન મળે છે તે વાત છુપાવામાં આવીને અને એને જાણ ન થાય તેની તકેદારી રાખવાનું કાવતરું મહેન્દ્રભાઇ શાહ તથા ઉદય શાહ દ્વારા ઘડવામાં આવ્યું તેથી આઇ.પી.સી. ૧૨૦ બી હેઠળ પનિશમેન્ટ ઓફ ક્રિમિનલ કન્સિપરસિનો ગુનો બને છે. વળી અપરાધ ઘડવામાં આવ્યો ત્યારે ગુનગાર ત્યાં હજાર હતા એટલે આઈ.પી.સી. વનવન ફોર કહે છે કે અબેટર પ્રેઝન્ટ વ્હેન ઓફેન્સ કમિટેડ એટલે કે મહેન્દ્રભાઇ તથા ઉદયભાઇ ત્યાં હાજર હતા અને એમણે ગુનો કરવામાં મદદ કરી અને ઉત્તેજન આપ્યું છે તેથી તેઓ પણ સજાને પાત્ર બને છે. આઈ.પી.સી. ૪૨૦ હેઠળ પણ ગુનો બને છે કારણ કે આ કલમ કહે છે કે કોઇ વ્યક્તિને છેતરવામાં આવે કે પછી તે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરે તો સજાને પાત્ર બને છે. એટલે મારી અરજ છે કે આ બધી કલમ લગાવીને કેસ ચલાવવામાં આવે અને આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજુર કરવામાં આવે.‘

રાહુલે સામેવાળાના વકીલને જડબાતોડ જવાબ આપીને ધડાધડ ચાર કલમ ઠોકી દીધી તેથી કશિશ ઇમ્પ્રેસ થઇ ગઇ. ધ્યેયએ એને સારું ગાઇડન્સ આપ્યું લાગે છે. રાહુલની દલીલની જજે રાઈટર પાસે થોડીક નોંધ કરાવી અને નિતિન લાકડાવાળાને પૂછયું,

‘તમારે હવે કશું કહેવાનું છે?‘

‘નામદાર સાહેબ, ચાલો માની લઇએ કે મારા અસીલે આ કૃત્ય કર્યું છે. પણ એવા કોઇ પુરાવા નથી જે સાબિત કરે કે મારા અસીલએ આ ગુનો કર્યો છે. આ આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે જેથી એમને બદનામ કરી શકાય. અદાલતને મારી રિકવેસ્ટ છે કે મારા અસીલોને બરી કરવામાં આવે અને એમને ટ્રાયલમાંથી મુક્તિ આપવામાં આવે.‘ નિતિનભાઈએ દલીલ કરીને રાહુલ સામે જોયુ. રાહુલ સહેજ આગળ આવ્યો,

‘આરોપીના વકીલ સાહેબની દલીલમાં કોઇ વજૂદ નથી કારણ કે એમણે જે ગુના કર્યો છે તેના પ્રૂફ અમારી પાસે છે. મારી અસીલને મળેલો મેડિકલ કોલેજનો ઇન્ટરવ્યું કોલ લેટર, મારા અસીલની બારમાં ધોરણની માર્કશીટ તેમજ તે સમયના મેરિટ લિસ્ટની કોપી. મારા અસીલની પહેલાં–ધોરણથી લઇને બારમાં ધોરણનો સ્કૂલ ગ્રેડ રિપોર્ટ છે. જે પુરવાર કરે છે કે મારી અસીલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાને લાયક હતી. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલનું સર્ટિ છે કે આ મેડિકલ કોલેજની આ બેઠક પર ક્લેમ થયો ન હતો એટલે માટે આ જગ્યા બીજા કોઈને આપવામાં આવી હતી. વળી મારી અસીલના પિતા એટલે કે મહેન્દ્રભાઇ શાહે જાતે લખીને કોલેજ પ્રિન્સિપાલને લેટર આપ્યો હતો કે અમે આ સીટનો દાવો જતો કરીએ છીએ. નામદાર આટલાં બધાં પુરાવા અમારી પાસે છે એટલે ટ્રાયલ ચાલવી જોઇએ અને આરોપીની ડિસ્ચાર્જ એપ્લિકેશન નામંજુર કરવી જોઇએ.‘ રાહુલ આટલું કહીને થોભ્યો. બન્ને પક્ષની દલીલ પૂરી થઇ ગઇ. જજસાહેબે એમાંથી યોગ્ય લાગે તે વાત રાઈટર પાસે લખાવી.

રાહુલ જે રીતે પોઇન્ટ ટુ પોઇન્ટ જજ સામે પોતાની વાત મૂકી તેથી કશિશને સંતોષ થયો. પહેલીવાર એને વિશ્વાસ બેઠો કે ધ્યેય વિના પણ આ કેસ જીતી શકે છે. જજસાહેબ ડિસ્ચાર્જ અરજી વિશે ચુકાદો લખતાં હતાં અને તે દમરિયાન રાહુલ પાસે આવીને કશિશ બોલી,

‘શું લાગે છે આપણે કેસ જીતી જશું?‘ રાહુલે ખભ્ભાં ઊછાળ્યાં.

‘મેમ હજુ દિલ્હી દૂર છે. પણ હોપ સો.‘ કશિશ કશું કહેવા ગઇ ત્યાં જજ સાહેબે એમનો ચુકાદો સંભળાવા માટે તૈયાર થઇ ગયા. અને ઉદયની નજર કશિશ તરફ ગઇ. બન્નેની આંખમાં ઇંતેજારી હતી કે જજ શું ચુકાદો આપે છે, કોર્ટમાં ટ્રાયલ થશે કે નહી? ડિસ્ચાર્જ અરજી મંજુર થશે કે નામંજુર?

બેમાંથી જે ડિસિઝન આવે તે પણ એકવાત નિશ્ચિત હતી આજે એક જણ પહેલી લડાઇ હારવાનું હતું.

‘કોણ જીતશે હું કે ઉદય?‘ કશિશ વિચારતી હતી. તો આ તરફ ઉદય પણ અસમંજસમાં હતો. એ વારંવાર એના વકીલ સાથે ગુસપુસ કરતો દેખાતો હતો.

જજ હુકમનામા સાથે તૈયાર થયા એટલે કશિશ અને ઉદય બન્ને આતુરતાથી જજ સામે જોઇ રહ્યાં. જજે બન્નેની સામે જોઇને પોતાનું હુકમ નામું સંભળાવ્યું,

‘ઉભયપક્ષની દલીલ સાંભળી,‘ જજે બન્ને પક્ષ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી તે ટૂંકમાં કહી અને પછી આગળ બોલ્યા,‘દલીલ તથા રેકોર્ડ જોતા આરોપી સામે પૂરતાં પુરાવા પડે છે. આરોપી સામે આઈ.પી.એસ. ૪૦૬, ૧૨૦બી અને ૧૧૪ હેઠળ ગુનો બને છે તેથી ચાર્જફ્રેમ કરવા માટે તથા કેસ આગળ ચલાવવા માટે પૂરતા પુરાવો છે. જેથી ડિસ્ચાર્જ અરજી રદ્દ કરવામાં આવે છે. અને ચાર્જફ્રેમ કરવાનો હુકમ કરવામાં આવે છે.‘

કશિશના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઇ. એ પોતાની સીટ પરથી ઊભી થઇ ગઇને જજ સામે સહેજ ઝૂકીને બોલી,

‘થેન્કયુ સર.‘ રાહુલે એને ઇશારો કર્યો કે આવું ન કરાય. પણ કશિશ પોતે પહેલી લડાઇ જીતી ગઇ તેથી પોતાના ઇમોશન કન્ટ્રોલ ન કરી શકી. કેટલાં લોકો એને વારી હતી કે આવી તે કાંઇ લડાઇ લડવાની હોય? આમાં કેસ કરવા જેવું મેટર શું છે? પણ એ તો જે વ્યક્તિને સહન કરવાનું આવ્યું હોય તે જ જાણે કે સપના છીનવાઇ જવા તે કેટલી મોટી ઘટના હોય છે. સપના તૂટી જાય ત્યારે માણસ શૂન્ય બની જતો હોય છે અને તો ય જિંદગી તો જીવવી જ પડતી હોય છે.

બીજીબાજુ અત્યાર સુધી બેફિકર દેખાતા ઉદયના ચહેરા પર સ્પષ્ટ રીતે ફિકર દેખાતી હતી.. જ્યારે મહેન્દ્રભાઇ આમ તો નિર્લેપ હોવાનો દેખાવ કરતાં હતા પણ એમની આંખોમાંથી દુ:ખ ડોકાતું હતું. કદાચ આજે એમનો અંતરઆત્મા એમને ડંખતો હતો. માણસ આવેશમાં એવી કેટલીક ભૂલ કરી નાંખે છે કે ત્યારે એને ભાન નથી હોતું કે એ શું કરી રહ્યાં છે. પછી એ હકીકત જગત સામે આવે ત્યારે એને અહેસાસ થાય છે કે પોતે જે કૃત્ય કર્યું તે કેટલું મોટું અને ગલત હતું. જગત માણસના કર્મનો આયનો છે. જેમાં પોતાના કૃત્યનું પ્રતિબિંબ દેખાય છે તે જીરવવું અઘરું હોય છે.

થોડીવાર ઉદય અને એમના વકીલની વાતચીત અંદરોઅંદર ચાલી. થોડીવાર પછી ઉદયના વકીલ એક અરજી સાથે નામદાર કોર્ટ સામે હાજર થયા અને જજસાહેબની પરમિશનથી પોતાની વાત રજૂ કરી,

‘અમારી ડિસ્ચાર્જ અરજી નામદાર કોર્ટે આજે રિજેક્ટ કરી છે, અમારો કેસ ચાર્જ ફ્રેમ કરવા પર આવી ગયો છે પણ અમે આ હુકમથી નારાજ છીએ અને અમે આના વિરોધમાં રિવિઝનમાં જવા ઇચ્છીએ છીએ એટલે અમને રિવિઝનમાં જવા પૂરતો સમય એટલે કે એક મુદત આપશો જી.‘ જજ સાહેબે એમની અરજી કરવાની મંજૂરી આપી અને રિવિઝનમાં તેમની અરજી પર ચુકાદો આવે તે માટે દોઢ મહિના પછીની તારીખ આપી તે પહેલા કશિશના વકીલ તરીકે ફરજ બજાવતા રાહુલને પૂછી લીધું કે એને ૨૫ જૂન ફાવશે ને? રાહુલે તે માટે સહમતિ આપી એટલે કોર્ટે બન્ને પક્ષને જણાવી દીધું કે પચીસ જૂને હાજર રહેવું.

કશિશ અને રાહુલ ઓફિસમાં આવ્યા અને બેઠાં એટલે કશિશ કશું પૂછે તે પહેલાં રાહુલે એને કહ્યું,

‘એ લોકો આ કેસ આગળ ન ચાલે એટલે કે ટ્રાયલમાંથી બચી જાય તેવી કોશિશ કરી રહ્યાં છે. એટલે હવે એમણે રિવિઝન અરજી સેસન્શ કોર્ટમાં કરવાની પરમિશન માંગી અને જજે એમને આપી.‘

‘ઓહ...આવું કેમ?‘ કશિશે પૂછયું એટલે રાહુલને એને સમજાવ્યું.

‘એ એમનો હક્ક છે, આરોપીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી નામંજૂર થાય તો તે સેસન્શમાં જઇ શકે. હવે ત્યાં શું ચુકાદો આવે છે તે પર આપણો કેસનો આધાર રહેશે. કોર્ટે આપણને પચીસ જૂન આપી છે ત્યાંસુધીમાં રિવિઝનનો ચુકાદો આવી જશે.‘ રાહુલે બધુ વિગતવાર કશિશને સમજાવ્યું.

‘ઓહ..મતલબ હજુ ય કેસનું ભાવિ અધ્ધર જ છે કે કોર્ટમાં આગળ કેસ ચાલશે કે નહી.‘ કશિશે પૂછયું.

‘હમ..કાઇન્ડ ઓફ...‘ રાહુલ એને જોઇ રહ્યો.

‘યાર બહુ અઘરું છે. આ બધું..‘ કશિશ બોલી. ચાર–પાચ વખતથી સતત તારીખ જ પડ્યા કરી કારણ કે સામેવાળા દાવ પર દાવ ખેલી રહ્યાં હતા. આજે કેસ આગળ ચાલશે તેવી આશા હતી તો રિવિઝન અરજી મુકાય. બે મહિના તો આમ જ નીક્ળી ગયા. હજુ કેટલો સમય જશે અને કોર્ટમા કેસ આગળ ચાલશે કે નહીં એ તો રામ જ જાણે. પણ એમ હિંમત હાર્યે હવે શું વળે? આટલા વર્ષો કોઇ ઉદ્દેશ વિના નીકળી ગયા. હવે કંઇક નક્કર કરવાનો સમય આવ્યો ત્યારે આમ નિરાશ થયા વિના લડવું તે જ આટલાં વર્ષોનું વળતર મળ્યું કહેવાશે. કશિશ પોતાના વિચારમાંથી બહાર આવીને રાહુલ સામે જોઇને પૂછયું,

‘જે થવાનું હોય તે થાય...બસ તું તૈયાર છે ને પછીની બધી પ્રોસેસ માટે?‘

‘યસ મેમ. તમે એ વિશે ચિંતા ન કરતા. આપણી પૂરી તૈયારી છે.‘ રાહુલે પૂરા વિશ્વાસથી જવાબ આપ્યો. એટલે કશિશને રાહત થઇ,

‘બસ તો પછી...હવે સેસન્શમાં કંઇ ડેટ પર મારે આવવાનું છે તે કહેજે. ‘ કશિશે કહ્યું.

‘યાહ..મેમ...હું તમને અપડેટ કરતો રહીશ.‘

કશિશ કોર્ટમાંથી નીકળીને સીધી કોફી હાઉસની સાઈટ પર ગઇ. ત્યાં પચીસ ટકા કામ થઇ ગયું હતું. એ જોઇને એ ખુશ થઇ ગઇ. ચાલો અહીં તો ભરોસો કરી શકાય છે કે ટાઈમ લિમિટમાં કામ પૂરું થશે.‘ એણે આનંદથી બધું ફરી ફરીને જોયું .કોન્ટ્રાકટર એની સાથે હતો. એણે એક બે સૂચન કર્યા જે કોન્ટ્રાકટરે નોંધી લીધા. ત્યાંથી નીકળતા પહેલાં કશિશે પૂછયું,

‘ક્યારે કામ પૂરું થશે?‘

‘મેમ તમને જૂનના પહેલાં વીકમાં બધું પતાવીને આપી દઇશ. બસ તે પછી ઇન્ટિરિયર ડિઝાઇનરના હાથમાં કામ જશે.‘

‘ઓ.કે...શક્ય એટલી જલદી પતાવજો.‘ કશિશે કહ્યું એટલે કોન્ટ્રેકટરે હકારમાં માથું હલાવ્યું. કશિશ ઘર તરફ નીકળી ત્યારે ડ્રાઇવિંગ મોનોટોનસ થતું રહ્યું પણ ત્યારે એના મનમાં વિચાર ચાલતા હતા કે હવે રિવિઝન અરજીના ચુકાદા માટે એકવાર કોર્ટમાં જવાનું થશે. તો આ દોઢ મહિના માટે કોર્ટના ચક્કરમાંથી ફ્રી છે તો એ દરમિયાન શક્ય હોય તેટલી કોફી હાઉસનું કામ પૂરું કરી દેવું જોઈએ. જેથી શક્ય હોય તેટલી ઝડપથી લોન્ચ થઇ શકે. સાંજે એણે કૌશલ સાથે આ વિશે વાત કરવાનું વિચાર્યું.

ત્યાં એને યાદ આવ્યું કે ધ્યેય સાથે ઘણાં સમયથી કોઇ વાતચીત નથી થઇ. પોતે આ કેસ અને કોફી હાઉસના ચક્કરમાં એની સાથે વાત કરવાનું જ ભૂલી ગઇ છે. આવા દોસ્તને સાચવી લેવો જોઈએ!

કામિની સંઘવી

(ક્રમશ:)