તનની ખામીને મન સુધી ન જવા દઈએ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તનની ખામીને મન સુધી ન જવા દઈએ

તન ની ખામીને મન સુધી ન જવા દઈએ

તન અને મન શું જુદા કહેવાય ? હા ચોક્કસ. તન આંતરિક અને બાહ્ય બન્ને ભાગ ધરાવે છે જયારે મન માત્ર આંતરિક ભાગ જ છે. તેને જોઈ શકાતું નથી, બતાવી શકાતું નથી. જયારે તનને બતાવી શકાય, મેકઅપ અને કોસ્મેટોલોજીથી સુંદરતામાં વધારો કરી શકાય. મનમાં કંઇક જુદું જ વિચારતું હોય પણ તન વાણી, વર્તન અને વ્યવહાર –હાવભાવ દ્વારા જુદું દર્શાવતું હોય એવું બની શકે. આપણા તનની ખામી મનને પણ અસર કરે અને મનની લાગણીઓ પણ તનને બીમાર કરી શકે. એ કઈ રીતે ? તો કહી શકાય કે ઘણી બધી રીતે.

પ્રથમ તો દેખાવ. લગ્નની બાબત હોય કે કેરિયર, ઉચ્ચ અભ્યાસ-નોકરી કે વ્યવસાય-ધંધાની બાબત હોય ૨૧ મી સદીમાં આજે પણ ભારતીય સમાજમાં બાહ્ય દેખાવને જ મહત્વ આપી પસંદગી થાય છે. તેમાં પણ યુવતીઓએ તો તનની નાની-નાની ખામીઓ હોય તે સંજોગોમાં વધુ સંઘર્ષ કરવો પડે છે. શ્યામવર્ણી ,ખીલ-કળા ડાઘ, દાઝ્યા વાગ્યાના ડાઘ, સફેદ દાગ, દાંત બહાર હોવા કે પછી હાથ-પગની નજીવી ખામી ધરાવતી યુવતીઓને સફળતા મેળવવા માટે ઘણી માનસિક યાતનાઓ સહન કરવી પડે છે. જેના પરિણામે ઘણીવાર ડીપ્રેશન માં આવી જઈ અન્ય કોઈ બીમારીઓનો ભોગ બને છે કે પછી કંટાળીને આત્મહત્યાનું પગલું ભરી લે છે.

બુદ્ધિજીવી,કળા-કૌશલ્ય ધરાવતી વ્યક્તિ હોય, સ્વભાવ પણ સારો હોય પરંતુ તનની નાની-મોટી ખામીઓ ધરાવનાર ને સ્વ-વિકાસની તકો ઓછી મળે છે. સહનાભૂતિ અને દયાની નજરે જ તેઓને જોવાય છે અથવા તો મશ્કરી કરાય કે તુચ્છ નજરે જોવાય. તેઓને પરાધીન બનાવવામાં આપણો સમાજ ખુદને ‘મહાન’ ગણે છે. આવડત અને ગુણને બદલે તનની સુંદરતા જ અગ્રગણ્ય ગણાય છે. મનની સુંદરતાને તો જાણે કોઈ સ્થાન જ નથી. આપણા સૌથી જ સમાજ રચાય છે માટે જ સૌ એ તેઓને અસામાન્ય નહિ પણ અસામાન્ય આવડતવાળા ગણી સ્વીકાવા જોઈએ. તેઓને તક આપી કાર્ય કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તો જ તેઓનો આત્મવિશ્વાસ વધશે. લઘુતાગ્રંથીથી પીડાયા વગર જિંદગીને માણી શકશે.

તન કરતા મન સુંદર હોવું જીવનમાં વધુ ઉપયોગી છે. ક્યારેક રૂપાળા તનના માનવીના મન કાળા પણ જોવા મળે છે. માટે જ તનને જાજું મહત્વ આપીને મન પર હાવી ન થાવ દેવાય. પોતાના મન પર વિજય મેળવવો એ તમામ જીતમાં સૌથી પ્રથમ અને મહાન જીત હોય છે. તનની કોઈ પણ ખામી હોય, બીમારી હોય તેને માત કરવા મનોબળ મજબૂત બનાવો. ખામીને સ્વીકારી લઈ તે સાથે શું કરી શકાય? કયું ક્ષેત્ર પોતાના માટે અનુકુળ રહેશે તે અપનાવવું. આત્મવિશ્વાસ,ઇચ્છાશક્તિ,અથાગ પરિશ્રમથી કાર્ય કરતા રહો. તનની ખામીને મન સુધી પહોચાડ્યા વગર પોતાની મંઝિલે પહોચેલા વ્યક્તિ વિશેષની જીવન-કથનીમાંથી પ્રેરણા મેળવી શકાય. લુઇસ બ્રેઇલ એ બાળપણમાં પોતાની દ્રષ્ટિ ગુમાવી પણ આ ખામીને અવગણીને મક્કમ મનથી ૧૫ વર્ષની નાની ઉંમરે જ પ્રજ્ઞા ચક્ષુઓ માટેની લીપી શોધવાની શરૂઆત કરી સફળતા મેળવી. જેને આપણે ‘બ્રેઇલ લીપી’ થી ઓળખીએ છીએ. હેલન કેલરે માત્ર ૧૯ મહિનાની ઉંમરે જ મગજનો તાવ આવતા દ્રશ્ય, શ્રાવ્ય ઇન્દ્રિયો ગુમાવી બધીર અને પ્રજ્ઞાચક્ષુ બન્યા. પણ બાળપણથી જ તેના માતાપિતા એ કેળવણી આપી તેઓના મનને મક્કમ બનાવ્યું અને તેઓ માત્ર ૨૪ વર્ષની ઉંમરે પ્રથમ અંધ સ્નાતક બન્યા. તેઓ લેખિકા તરીકે ખ્યાતનામ બન્યા. એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, ચાર્લી ચેપ્લીન, માર્ક ટ્વેઇન તેઓના મિત્ર હતા. આપણા સૌના પ્રિય લેખિકા ‘કુંજ કલરવ’ના હુલામણા નામથી ઓળખાતા કુંજલ પ્રદીપ છાયા જન્મ જાત દિવ્યાંગ હોવા છતાં નાની ઉંમરે ટૂંક સમય પહેલા જ વિદાય લીધી ત્યાં સુધી તેઓએ સતત લેખન કાર્ય દ્વારા પોતાનું નામ ચમકાવ્યું. આપ સમાન બળ નહિને જીવનમંત્ર બનાવી હકારાત્મક અભિગમ થકી ‘self image’ સુધારવાની કોશિશ જ આત્મવિશ્વાસ વધારશે. આત્મ-સન્માન જાળવીને મનથી એક ફોર્સ આપવામાં આવે તો જીંદગી ફોર્સફૂલ બની જાય. ચિંતા- ઉદ્વેગ –અશાંતિ જેવી માનસિક કમજોરી જ આપણને દુખી બનાવી નિષ્ક્રિય બનાવે છે. ઈશ્વર શ્રદ્દ્ધા રાખી આંખોમાં સફળતાને જોઈએ તો તેને પામવા માટે આયોજન કરી પરિશ્રમ કરી શકાય. પરિવારના સભ્યોએ પણ તનની ખામી ધરાવતા સ્વજનને પ્રોત્સાહન આપતા રહી તેના ઉત્સાહમાં વધારો કરવો જોઈએ. તેની આવડતમાં વિશ્વાસ રાખી જરૂર પડે તે મુજબ તાલીમ અપાવી તેની ટેલેન્ટને બહાર લાવવામાં મદદ કરવી જરૂરી છે. સમાજથી છુપાવાને બદલે ખામી હોવા છતાં તેનામાં રહેલા ગુણ- આવડત તથા નાની- નાની સિદ્ધિઓને સમાજ સુધી પહોચાડવી જોઈએ.

તનની ખામીને અવગણીને કાર્ય કરવું. ‘હું જે છું તે મારા વિચારોને લીધે છું. મારી ટેલેન્ટને કારણે છું, મહેનતને કારણે છું’ એવો હકારાત્મક વિચાર કરવો. આ શુભત્વ એક મેગ્નેટ જેવું કામ કરે છે માટે જ જેનામાં શુભત્વ છે તેની પાસે આપોઆપ બધું જ ખેંચાઈ આવે છે. ચિંતા , ઉદ્વેગ, અશાંતિ જેવી માનસિક કમજોરી જ માણસને દુઃખી-હતાશ બનાવી નિષ્ક્રિય બનાવે છે. માટે એવું જ વિચારો કે મારામાં દુઃખ-પીડા સહન કરવાની તાકાત છે માટે જ મને પોતાનો ગણીને ઈશ્વરે આપ્યું છે. હા, ઈશ્વરશ્રદ્ધા પણ એટલી જ જરૂરી. એ જે કરશે તે હમેશ સારું જ કરશે. ઈશ્વર મારી સાથે મદદ અર્થે ઉભા જ છે.

પરિવાર અને સમાજ પણ મદદ કરી શકે છે. પરિવાર પોતાના સંતાનની ખામી સ્વીકારીને તેને સતત પ્રોત્સાહન આપીને તેનામાં વિશ્વાસ રાખીને, નિરાશ થયા વગર તેનામાં કઈ આવડત રહેલી છે તે શોધીને તે મુજબ વ્યવસ્થિત તાલીમ અપાવવી જોઈએ. સતત કાર્યરત રહે તેવું આયોજન કરે. સમાજથી છુપાવવાને બદલે ખામી હોવા છતાં તે વ્યક્તિ કેટલી બધી ટેલેન્ટેડ છે તે જણાવવું. તેના દ્વારા થયેલા કાર્યને સમાજ બિરદાવે તો તેનો આત્મવિશ્વાસ વધી જાય. આમ સૌના સાથથી પોતાના મનને મજબૂત બનાવી શકે.

ઘણી ખામીઓ એવી હોય છે કે જે ઉંમર વધતા આવે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ નિરાશ બની જાય છે. ઉંમરની અસરોને સ્વીકારી શકતા નથી ત્યારે મનથી હારી જતા હોય છે. સફેદ વાળ, કરચલી કે હાથ પગની નાની નાની તકલીફો કોઈ બીમારી સ્વીકારી લઈને તે મુજબ કાર્યશીલ રહેવાથી મન તંદુરસ્ત રહેશે. શોખને પુરા કરવાનો આ શ્રેષ્ઠ સમય કહી શકાય. નવું નવું શીખી શકાય. ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌને મળી શકાય. પોતાના વિચારો દર્શાવો, રમત રમી શકો તો પણ ચોક્કસ રમો. વિખ્યાત સ્કેટર યવોન ડાલેન ૮૯ વર્ષે પણ સ્કેટિંગ કરે છે. ઝોહરા સહેગલ ૧૦૦ વર્ષની ઉંમરે પણ અભિનય કર્યો. આપણા ચાહિતા બીગ બી – અમિતાભ બચ્ચન અત્યારે ૭૮ વર્ષની ઉંમરે જુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ ધારે છે. કારણકે ઉત્સાહ અને તરવરાટ મનથી હોય છે. વિનોબાજીએ આ બાબતે ખૂબ સરસ કહ્યું છે કે શરીર તો શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. કામની ઝડપ થોડી ઓછી થઈ ગઈ હોય તો એમ પણ કરો. પણ કામ તો કરવું જ રહ્યું.’ એટલે એક જ ધ્યાનમાં રાખો કે ઉંમરની અસર તનને થાય મનને નહિ. મનથી યુવાન હોઈએ તો ધાર્યું કાર્ય કરી શકશો.

ટૂંકમાં તનની ખામીને મન સુધી પહોચાડીને નિરાશ થયા વગર સ્વીકારીને તે ખામી હોવા છતાં શું કરી શકાય તે જાણી લેવું જરૂરી છે. જાતને તે મુજબ તૈયાર કરતા જઈ ધીરજથી કાર્ય કરતા રહેવાથી ચોક્કસ પસંદ કરેલા ક્ષેત્રમાં પદ-પૈસો- પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ શકે. વ્યક્તિ માત્ર એ એક જ વાત સમજી લેવી જોઈએ કે પોતાનું નસીબ પોતાના સિવાય કોઈ ચમકાવી શકતું નથી. જે ખામી છે તે તો છે જ. પણ મનની ખૂબીને કેળવીને તનની ખામીને માત કરવા તૈયાર રહેવું. રોદણા રોઈને કે ‘બિચારા’ બની જઈ ને જીવનને ઢસડવાને બદલે મનની તાકાતથી બમણા જોરે પ્રવૃતિશીલ રહી જીવનને દોડાવી જીવંત બનાવવું એ જ જિંદાદિલી છે.

પારુલ દેસાઈ

9429502180

parujdesai@gmail.com