(રામભાઇ ગઢવી )
એક દિવસ સાંજનો સમય છે, ફક્કડાનાથ બાપા ગામના ભક્ત સમુદાય સાથે જ્ઞાનનો ચર્ચા કરી રહ્યા છે. તેવા સમયે એક અજાણ્યા માણસ જગ્યામાં દાખલ થયા,
જય માતાજી , કહી આવનાર વ્યક્તિ ડાયરાને રામરામ કર્યા, ગળામાં માળા પહેરી છે, અને આવીને કહે છે કે, મારે ફકડાનાથ બાપા ને મળવું છે .
ફક્કડાનાથ બાપા બોલ્યા પધારો પધારો બાપ, આપતો દેખાવે દેવીપુત્ર લાગો છો. ફક્કડા બાપાએ તેનું નામ પૂછ્યુ, તો એ આવનાર અતિથિ એ કહ્યું, મારું નામ રામભાઈ છે, ફ્કક્ડા બાપુએ કહ્યું કાંઈ કવિતા કાવ્ય જાણો છો ?
ત્યારે રામભાઈ એ કહ્યું, હા બાપા ચારણ છું, મા ભગવતીની કાલીઘેલી ભાષામાં સ્તુતિ વંદના કરીને રીજવું છું.
બિરદાવું છું , આમ કહેતા એ રામ ભાઈ એ જગતજનની માં ભગવતીની સ્તુતિ ગાવાનું શરૂ કર્યું .
કવિના કંઠે કહેણી અને શબ્દ છટાં
ના જ્ઞાન વૈભવથી ડાયરો આનંદના હિલ્લોળે ચડ્યો, ફક્કડા બાપા પ્રસન્ન થયા, ચારણ ને આગ્રહ કરી પોતાની જગ્યા માં રાતવાસો કરાવ્યો, બીજા દિવસે સવારમાં ચડતા પહોરે કવિએ વિદાય માગી, બાપાએ કહ્યું કવિરાજ તમે આજ ને આજ સાંજની સભામાં ભાવનગર પહોંચી જાવ, ભાવનગર મહારાજ વજેસિંહજી પ્રસન્ન થશે ,
અને તમને જમીન જાગીર માગવાનું કહેશે, તો તમે અહીં ઝમરાળા માં જ જમીન માગજો, જુઓ આજે જ સાંજની સભામાં ભાવનગર પહોંચી જાજો, જાવ મહાવીર હનુમાનજી મહારાજ આપની સહાય કરે.
ફક્કડા બાપાના આશીર્વાદ મેળવી કવિરાજ ભાવનગર ના પંથે ચડયા ,
હનુમાનજી દાદા એ કવિના પગે બળ પુર્યુ. સાંજ ની કચેરી અકડેઠાઠ ભરાણી છે .
સિંહાસન ઉપર ભાવનગરના ધણી વજેસિંગજી મહારાજ બિરાજેલા છે.
આવા સમયે રામભાઈ કવિ કચેરીમાં પહોંચ્યા, અને ફકડાનાથ બાપા પાસે બોલ્યા હતા એ જ ભગવતીની સ્તુતિ ઉપાડી, જગતજનની જગદંબા ની સ્તુતિ સાંભળ, કચેરીમાં બેઠેલા દરબારીઓ, કારોબારી, કર્મચારી, સૌના મુખ પર પ્રસન્નતા તરવરી ઉઠી, ભાવેણાના ધણીના અંતર ઉદધિ માં મોજ નો હિલોળો ચડ્યો.
માંગો માંગો કવિરાજ કયા ગામમાં જાગીરની જમીન આપુ? આજે હું તમારી કંઠ કહેણી ઉપર ખૂબ રાજી થયો છું.
કવિને બાપુના આશીર્વાદ ફળયા એવું લાગ્યું , રામભાઈ એ બાપુ ની સલાહ મુજબ જમરાળા ગામમાં ગામતળની જમીન માગી , વજેસિંહજી મહારાજે કારભારી ને બોલાવી, રામભાઈ કવિને જમરાળા ગામે ગામ તળ ની અને સીમ તળ ની જમીન નો લેખ કરી આપ્યો. અને ભાવનગરમાં પણ કવિને ૨ ઓરડાના મેડીબંધ મકાન આપ્યા. આમ , વચન સિદ્ધ ફકડાનાથ બાપા ના પ્રતાપે કવિ ઉપર ગંગાજળિયા ગોહિલ રાજ રીજ્યા અને કવિનું દાળદર દૂર કરી દીધધુ, રાજ તરફથી ત્યાંના પાકા બંધાવી આપેલ આ કૂવામાં આ બાબતની તખ્તી શિલાલેખ આજે પણ મોજૂદ છે .
આજે એ જગ્યાએ રામભાઈ ગઢવી ની પાંચમી પેઢી જમરાળા ની જગ્યા ને એટલે કે , એ ગઢવી ની વાડી ને સંભાળે છે, અને ફક્કડા નાથ બાપાની જગ્યા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવે છે.
રાજ તરફથી બંધાવી આપેલ તે કુવો આજે તો ગામ વચ્ચે આવીગયો છે.
રાજાના મન મેહરામણ ની મોજ, અને સંતના આશિર્વાદની સાક્ષી ની પૂર્તિની આ નિશાની આજે પણ જમરાળા ગામની વચ્ચે મોજુદ છે. સાચા સંતો સમાજ પાસેથી કાંઈ લે છે એના કરતાં એનાથી અનેકગણું વધારે સમાજને આપતા હોય છે .
એમ ફકડા નાથ બાપા એ કક્ષાના વચન સીદ્ધ યોગી પુરુષ હતા.
જે આજે પણ આપણા સૌના માટે પૂજનીય, અને વંદનીય છે . આમ તો એ દરબાર- ક્ષત્રિય વંશમાં જન્મ્યા હતા .
પણ અનન્ય સંતસેવા , અને ભક્તિના માર્ગે ચાલી અને આજે વિશ્વ વંદનીય સિદ્ધ, સમર્થ સંત બનીને વિશ્વને શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ પૂરો પાડી રહ્યા છે .
આવા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન .
વધારે આવતા અંકે ક્રમશઃ . (
પુરણ સાધુ)