રાઈટ એંગલ - 16 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 16

રાઈટ એંગલ

પ્રકરણ–૧૬

‘આ ધ્યેય પણ જબરો છે...મને ધંધે લગાવી દીધી કે બિઝનેસ કર..પણ એમ કાંઈ રાતોરાત કોઇ બિઝનેસ થોડો થાય છે? કોઇ આઇડિયા પણ આવવો જોઇએ ને!‘

કશિશ બહાર ગાર્ડનમાં સાંજે વોક કરતાં કરતાં વિચારતી હતી. એક અઠવાડિયાથી રોજ કશું વિચારતી અને તે વિશે નેટ પર સર્ચ કરતી. અને જરાક મન એ બાબત પર પોઝિટવ થાય તો ધ્યેય સાથે એ વિશે ચર્ચા કરતી. આ છેલ્લાં અઠવાડિયામાં એણે અનેક નવા આઇડિયા વિશે વિચારીને કેન્સલ કર્યાં. કદીક વિચાર આવતો તે પ્રક્ટિકલી બંધબેસતો ન લાગતો. તો કદીક કોઈ આઇડિયા પ્રેક્ટકલી જામ તેવો હોય તો કશિશને પસંદ ન આવતો.

‘શું કરવું જોઇએ જેથી બિઝિ પણ રહેવાય અને કશુંક યુનિક પણ હોય?‘ ફ્રેશ થવા માટે કશિશે સરવન્ટને કોફી લાવવા કહ્યું.. કદાચ કોફી પીવાથી કશુક ક્લિક થાય!

અને કશિશને ત્યાં સ્ટ્રાઇક થઇ.

‘કોફી હાઉસ?‘

એને પહેલેથી વેસ્ટના નામાકિંત લેખકોનો કોફીહાઉસ વિશેની આસક્તિ વાંચીને એને ત્યાંના કોફી હાઉસ જોવાનું ખૂબ આકર્ષણ હતું. એટલે જ એ જ્યારે યુરોપ ફરવા ગઇ ત્યારે ચાહીને એણે ત્યાંના બે–ત્રણ કોફીહાઉસ જોયા હતા. પેરિસનું લેસ ડ્યુક્સ મેગેટ્સ ખાસ જોવા ગઇ હતી. કારણ કે એના ફેવરિટ ઐતિહાસિક કલાકારોએ ત્યાં કદી જ્ઞાન–વિજ્ઞાન–કલા–સાહિત્યની ચર્ચાઓ કરી હતી. ત્યાં પગ મૂકતા એને અદ્દભુત લાગણી અનુભવાઇ હતી. આ શહેરમાં કોઇ એવી જગ્યા નથી જ્યાં માણસ કલાકો બેસી શકે, મનગમતું વાંચી શકે કે કોઈ બૌધ્ધિક ચર્ચા કરી શકે.

બસ આ વિચાર કશિશના મનમાં ક્લિક થઇ ગયો. કરવું તો કશું આવું કરવું. એણે તરત ધ્યેયને ફોન કર્યો.

‘યુરેકા...!‘ કશિશ આટલું બોલી એટલે ધ્યેય હસીને બોલ્યો,

‘બોલ, શું શોધ્યું ?‘

‘હું કોફી હાઉસ ખોલુ?‘ કશિશે પૂછયું.

‘સાઉન્ડસ ગુડ!‘ ધ્યેયએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો એટલે કશિશે પોતાના પ્લાનની વાત કરી. એવું કોફી હાઉસ જે દિવસ–રાત ચાલે. તદ્દન ચીલાચાલુ કોફી હાઉસ નહી. લોકો કલાકો ત્યાં કોઇ રોકટોક વિના પોતાની પ્રવૃતિ કરી શકે. ત્યાં એક નાનકડું સ્ટેજ પણ હોય. જ્યાથી લોકો પોતાની સાહિત્ય,સંગીત કે નૃત્યકલા, નાટક જે કાંઇ કરવું હોય તે કરી શકે. ટૂંકમાં કલા અને કલાકારને સ્પેસ આપે તેવું કોફી હાઉસ. જ્યાં લોકોને પોતાની કલા પ્રર્દશન કરવાની તક મળે. કશિશે પોતાના મનનાં વિચાર કહ્યાં કે ધ્યેય તરત બોલી પડ્યો,

‘ઓસમ...! ‘

કશિશ ખુશ થઇ ગઇ. પણ મેઇન પ્રશ્ન એને જે થયો હતો એ એણે કહી કહ્યોં,

‘પણ ફેનાન્સ ધણું જોઇએ ને? તેટલાં પૈસા ક્યાંથી કાઢવા?‘

ધ્યેય સમજી ગયો કે આ સવાલ કેવી રીતે કશિશના મનમાં આવ્યો છે. કેટલાંક દોસ્ત એવા હોય છે કે વગર કહ્યેં પણ મનની વાત સમજી જતા હોય છે. એ જાણીજોઇને આટલું જ બોલ્યો.

‘મિસિસ કશિશ કૌશલને આ સવાલ નડવો ન જોઇએ.‘ સામેથી કશો રિસ્પોન્સ ન આવ્યો એટલે કૌશલે પોતાની વાત આગળ કહી,

‘લુક કિશું, આઇ ડોન્ટ નો વ્હોટસ ગોઇંગ બિટવીન યુ એન્ડ કૌશલ. બટ આઇ કેન ગેસ! પ્લિઝ ડોન્ટ સ્ટ્રેચ ધ મેટર! આફટર ઓલ તમારાં મેરેજને સાત વર્ષ થઇ ગયા છે. કોઇપણ સંબંધ ટકાવી રાખવો હોય તો એક જણે ઇગો બલિદાન કરવો જોઇએ. જસ્ટ ટ્રાય વન મોર ટાઇમ! અને ખાતરીથી કહું છું તું નિરાશ નહીં થાય. હું આ કહી રહ્યો છું કારણ કે હું કૌશલને જાણું છું.‘

ધ્યેયની વાત સાંભળીને કશિશને મનમાં થયું કે આ માણસથી કશું છુપાવી ન શકાય. ખરેખર ધ્યેય પોતાને કેટલી જાણે છે કે આટલે દૂરથી અને વગર કહ્યેં પણ એ કળી શકે છે કે એના ઘરમાં શું ચાલે છે. ધ્યેય પ્રત્યે કશિશને પહેલાં હતું તે કરતાં અનેકગણું માન વધી ગયું.

‘થેન્કસ ફોર ઓલ ધીસ કેર!‘

કશિશ આટલું બોલી એટલે ધ્યેય સમજી ગયો કે કશિશ હવે કૌશલ સાથે સમાધાન કરી લેશે.

‘યુ આર ઓલવેઝ વેલકમ ડિયર! હવે હું કામ કરું?‘

‘તું અને તારું કામ ...કદી એકબીજાને છોડો છો ખરા! ‘ કશિશે કટાક્ષમાં કહ્યું.

‘યાહ...એટલે તો મેં લગ્ન નથી કર્યા. યુ નો, કોર્ટમાં મને બધાં ટોન્ટમાં કામાતુર જ કહે છે.‘

અને એ વાત પર બન્ને હસી પડ્યા.

ધ્યેય ફોન મૂકયો અને કશિશ વિચારમાં પડી. ધ્યેયના સજેશન મુજબ કૌશલને એકવાર કહી જોવું. જો એ પોઝિટિવ રિસ્પોન્સ આપશે તો બરફની જેમ થીજી ગયેલો સંબંધ ફરી ખળખળ ઝરણાંની જેમ વહેતો થાય! જો એ કશી પ્રતિક્રિયા ન આપે તો સમજી લેવાનુ કે હવે એને સંબંધ જાળવી રાખવામાં રસ નથી. કશિશ આ નિર્ણય પર તો પહોંચી ગઇ પણ એને કૌશલને ફોન કરવાનું મન ન થયું. એ ઉપાડે ન ઉપાડે તો બધું ત્યાં જ પૂરુ થઇ જાય. એન કરતાં વ્હોટસ એપ પર મેસેજ કરી દેવો સારો. છેલ્લા કેટલાય દિવસથી વ્હોટસએપ એણે યુઝ જ કર્યું ન હતું. એણે એપ ખોલી તે સાથે જ કૌશલનો મેસેજ ટપકી પડ્યો,

‘ડીડ યુ કોલ મી ટૂડે? એવરીથીંગ ઇઝ ફાઇન?વોઝ બિઝિ ઇન મિટિંગ.‘

આ વાંચીને કશિશની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. પોતાનાથી ભૂલમાં ફોન થઇ ગયો હતો છતાં કૌશલે એની પરવા કરી એને મેસેજ કર્યો. પોતે જ આટલાં દિવસ વાંચ્યો નહીં. તો ભૂલ કોની? જાણે પોતાની ભૂલ સુધારતી હોય એમ એણે કૌશલેને વિગતવાર મેસેજ લખ્યો કે પોતે શું કરવા ઇચ્છે છે. કોઇજ પ્રકારની ઉત્તેજના કે ટેન્શન વિના એ જમીને સુઇ ગઇ.

સવારે સાત વાગે કશિશ ઊઠી તો કૌશલ બાજુમાં સુતો હતો. કશિશ આશ્ચર્યથી એને જોઇ રહી. ટૂર પરથી પાછો આવી ગયો ને મારી બાજુમાં સુતો હતો તો પણ મને ખબર ન પડી? મને કહ્યું કેમ નહીં હોય? કાલના અનભવથી એટલું શીખી હતી કે કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલાં એકવાર મેસેજ જોઇ લેવો. એના શું રિએક્શન છે તે જાણવું જરુરી છે.

એટલે કશિશ પોતે કાલે મેસેજ કર્યો હતો એનો શું રિપ્લાય કૌશલે આપ્યો છે તે જાણવાની તાલાવેલી થઇ. એણે જલદીથી વ્હોટસ એપ ખોલીને ને જોયું તો રાતે બાર વાગે મેસેજ વંચાયો હતો અને એના રિપ્લાયમાં એણે થમ્સ અપનું સિમ્બોલ મોકલ્યું હતું અને લખ્યું હતું,

‘હું રાતે ત્રણેક વાગે ઘરે પહોંચું છું. આપણે સવારે ચા પીશું ત્યાંરે આ બાબત વિશે વાત કરીશું.‘

કૌશલે સાથે ચા પીવાનું કહ્યું. કશિશ આનંદમાં આવી ગઇ. કૌશલ મોડો આવ્યો છે એટલે એને સુવા દેવો ત્યાંસુધીમાં પોતે નાહીને તૈયાર થઇ જાય.

આઠ–સાડા આઠે તો કશિશ સજીધજીને તૈયાર હતી. એણે કૌશલના ફેવરિટ બ્લુ કલરનું ફ્રન્ટ કટ વાળું લોંગ સ્કર્ટ અને સાથે મેંચિગ ટોપ પહેર્યું હતું. માથાના વાળને સાઈડમાં પીનઅપ કરીને ખુલ્લાં રાખ્યા હતા. સહેજ લાઇટ મેકઅપ. આટલી ટાપટીપ સાથે એ બહુ જ બ્યુટીફૂલ લાગતી હતી.

કશિશ ચા સાથે બેડરુમમાં આવી. સાથે કૌશલને ભાવતાં મલ્ટીગ્રેન બટર ટોસ્ટ હતા. એણે સોફા સાથેના સર્વિંગ ટેબલ પર ટ્રે મૂકીને સુતેલા કૌશલ તરફ નજર ફેરવી. કેટલો સોહમણો લાગે છે. જીમમાં વર્ક આઉટ કરીને કસાયેલું શરીર, એણે પહેરલી શોર્ટસમાંથી દેખાતું હતું. સહેજ શ્યામ પણ નમણો કૌશલ જો એની હાઇટને બાદ કરતો તો કોઇપણ સ્ત્રીને અપીલ કરે તેટલો હેન્ડસમ હતો. જો કે પાંચફીટ સાત ઇંચ હાઈટ એટલી ઓછી પણ ન કહેવાય. પણ કશિશને હાઇહીલ શૂઝ પહેરવાનો બહુ શોખ હતો પણ એ બન્નેની હાઇટમાં માત્ર બે ઇંચનો ફેર હતો એટલે લગ્ન પછી એણે પહેરવાનું બધં કર્યું અને કૌશલે સાચું કારણ જાણ્યું એટલે એને કહ્યું હતું,

‘કંઇ જગ્યાએ એવું લખ્યું છે કે સ્ત્રી કરતાં પુરુષ નીચો દેખાય કે હોય તો તે પત્ની માટે શરમજનક કહેવાય? ડિયર આવું વિચારીને તમે જ સ્ત્રીત્વનું અપમાન કરો છો. તું તારે બિનધાસ્ત પહેર. મને તારાથી નીચા દેખાવવાનું ગમશે.‘

કશિશ જાણે પહેલીવાર જોતી હોય તેમ નીરખી નીરખીને એને જોઇ રહી. એન્ગેજમેન્ટ થયા ત્યારથી એની ફ્રેન્ડ હંમેશાં એને કહેતી,

‘કિશુ, તારી તો લાઇફ બની ગઇ. નક્કી બાસમતીએ ગોરમાં પૂજયા છે તે આવો વર અને ઘર મળ્યો છે.‘

શરુઆતમાં આવું સાંભળવાનું ગમતુ. ઈવન લગ્ન પછી કશિશને આવું કોઇ કહે તો અભિમાન થતું. સાચે જ એ નસીબદાર તો હતી કે એને કૌશલ જેવો પતિ મળ્યો.

‘ગુડ મોર્નિંગ!‘ કૌશલનો અવાજ સંભાળયો એટલે કશિશ પોતાના વિચારમાંથી બહાર આવી,

‘ગુડ મોર્નિંગ! તું ઊઠી ગયો?‘ કશિશે સ્માઇલ સાથે જવાબ આપ્યો.

કૌશલ એને જોઇ રહ્યો. કેટલી બ્યુટીફૂલ લાગે છે. એ બેડમાંથી ઊભો થતાં બોલ્યો,

‘આટલી તૈયાર થઇ આજે સવાર સવારમાં ક્યાં જાય છે?‘ જવાબમાં કશિશ હસી,

‘કશે નહી..બસ એમ જ મન થયુ.‘

કૌશલ એની નજીક આવ્યો.

‘મારા માટે?‘ કશિશ કશું બોલી નહીં માત્ર સ્માઇલ કર્યું. એની કામણગારી આંખોમાં સ્નેહ છલકાતો હતો. કૌશલ નજીક આવી એને ભેંટતા બોલ્યો,

‘રોજ આમ જ તૈયાર થાય તો રોજ જ ઓફિસ જવાનું લેટ થાય હો!‘ અને જવાબમાં કશિશ ખડખડાટ હસી પડી. અને એનું હાસ્ય કૌશલના હોઠની ભીંસમાં દબાઇ ગયું.

***

‘આજે સાંજે આવે છે ને?‘ ધ્યેયએ ફોન કરીને કશિશને પૂછયું. અને કશિશને યાદ આવ્યું કે આજે તો સોમવાર છે અને ધ્યેયના ઘરે ઉદયને મળવાનું છે.

કૌશલેને કોફી હાઉસનો આઈડિયા બહુ ગમ્યો અને એના માટે ફેનાન્સ કરવાનું સ્વીકારી લીધું ત્યારથી કશિશ એ કામમાં બહુ બિઝિ થઇ ગઇ હતી. કશિશ જોરશોરથી કામ શરુ કરી દીધું હતું. પહેલા આખા પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની હતી પછી તે વિશેની જગ્યા કાઇનલ કરવાની અને તે પછી ત્યાં બાંધકામ ચાલુ થાય. જો કે કૌશલની ખુદની જ કન્ટ્રક્શન કંપની હતી એટલે એની પાસે આર્કિટેક્ટથી લઇને ઇન્ટિરિયર ડિઝાઇનર સુધીનો સ્ટાફ હતો. એટલે કશિશે તો માત્ર પોતાના આઈડિયાઝ કહેવાના હતા. બાકીનું બધું કામ તો કૌશલના માણસો સંભાળી લેવાના હતા. પણ કશિશ આ કામમાં કોઇ કચાશ રહેવા દેવા ઇચ્છતી ન હતી. કૌશલ એને બધી રીતે સપોર્ટ કરી રહ્યોં હતો. આખરે કશિશ કોર્ટકેસમાંથી બહાર નીકળીને કશું પોઝિટિવ કરી રહી છે એટલે એ દિલથી કશિશને મદદ કરતો હતો. ઊંડે ઊંડે કૌશલને શ્રધ્ધા હતી કે કશિશ કેસ પાછો ખેંચી લેશે. કૌશલના આ વિચારથી કશિશ અજાણ હતી. કૌશલ એના કોફી હાઉસમાં તનમનથી હેલ્પ કરી રહ્યોં છે તે વાતથી જ એ ખુશ હતી.

‘ઓહ...હલ્લો...મેડમ સાંભળો છો?‘ ધ્યેયનો અવાજ સંભળાયો એટલે કશિશ પોતાના વિચારમાંથી બહાર આવી.

‘યહ..આઠવાગે આવું છું. પણ બહુ મોડું નહીં કરતો. કૌશલ ઘરે મારી રાહ જોવે ને!‘ કશિશ બોલી એટલે ધ્યેયને ખ્યાલ આવી ગયો કે બન્ને વચ્ચે સુલેહ થઇ ગઇ લાગે છે.

‘હા...મારી મા...પહેલાં આવ તો ખરી. બે–ચાર કલાક કૌશલને છોડ, બિચારો શાંતિથી શ્વાસ તો લે!‘ ધ્યેયએ મજાક કરીને કશિશ ગિન્નાઇ,

‘ઓયે બહું કૌશલની ફેવર કરવાની જરુર નથી. તું મારો ફ્રેન્ડ છે અને મારા કારણે તારે કૌશલ સાથે દોસ્તી થઇ છે. સમજ્યો!‘ કશિશ બોલી એટલે ધ્યેયએ હસતાં હસતાં ફોન મૂકી દીધો.

કશિશે ફોન કરીને કૌશલને માત્ર એટલું જ કહ્યું કે એ ધ્યેયના ઘરે ડિનર માટે જાય છે. દસ વાગે આવી જશે. કૌશલે પણ સામે બહુ પૂછપરછ કરી નહીં એટલે કશિશને રાહત થઇ.

કામિની સંઘવી

(ક્રમશ:)