Jena premne pankhar n nade te maa books and stories free download online pdf in Gujarati

જેના પ્રેમને પાનખર ન નડે તે - મા

જેના પ્રેમને કોઈ પાનખર ન નડે તે મા

બા,મમ્મી,મમા, મોમ, મા એટલે મનની ઈચ્છા,વ્યથા, દુઃખ, ખુશી એમ કંઈપણ વગર કહે જ સમજી જનાર વ્યક્તિ. જગતના તમામ સ્નેહ સંબંધમાં માનો પ્રેમ સર્વોચ્ચ છે. ઉમરથી વડીલ હોવા છતાં ‘તું’ કારે બોલાવાનો હક તેણી પોતાના સંતાનને આપે. જેના પર ગુસ્સે થયા હોઈએ, ઝઘડ્યા હોઈએ પછી ૧૦મી મીનીટે તેના જ હાથની સ્વાદિષ્ટ રસોઈ પ્રેમથી જમાડે તે મા. મનની નાની મોટી કોઈ પણ વાતો વ્યક્ત કરવાનો મોકો આપે એ મા.

એક જ ઝાટકે એક સાથે શરીરના ૨૦ હાડકા તૂટે અને જે પીડા થાય તેટલી બાળકને જન્મ આપે તે સમયે માતા પીડા ભોગવે છે. પરંતુ બાળકના રડવાનો અવાજ સાંભળતા જ તેણીની આંખમાંથી હર્ષના આંસુ વહે છે. આ એક જ દિવસ એવો હોય છે કે જયારે બાળક રડે છે અને મા સ્મિત કરે છે. ભક્ત જેમ પ્રભુને શણગાર સજાવે, ભોગ ધરાવે તે જ ભાવથી મા બાળકને નવરાવે, તૈયાર કરે,જમાડે, સુવડાવે. ૧૦ -૧૨ વર્ષની ઉમર સુધી બાળક માટે પોતાની મા એટલે જરૂરિયાત પૂરી કરનારી, વ્હાલ કરી પ્રોત્સાહિત કરનારી તો ક્યારેક નાની-નાની વાતમાં ખીજાતી, રોકતી-ટોકતી, માર્ક્સ ઓછા આવે તો લાંબુ લેકચર આપતી વ્યક્તિ. ટીનેજર્સ પર તીખી નજર રાખતી, મોબાઇલ પર શું કરે છે તેનું ધ્યાન રાખતી વ્યક્તિ. પરંતુ સમય જતા સમજણ આવે કે આ વ્યક્તિ માત્ર જન્મદાત્રી જ નહિ પણ શ્રેષ્ઠ માર્ગદર્શક, હિતેચ્છુ અને સંસ્કારદાત્રી છે. આ એ છે જેનું ઋણ સો જન્મ લીધા પછી પણ ચૂકવી શકાતું નથી. તે જ સારી ખરાબ બાબતોથી વાકેફ કરી,થયેલી ભૂલોને સુધારવા પ્રેમથી સમજાવી સંતાનનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રેરણા પૂરી પાડે છે. માતાની લાગણી જ સંતાનને આત્મવિશ્વાસી બનાવે. ઈશ્વર જેમ કોઈ પણ ભેદભાવ વગર ભક્તને શરણું આપે તે જ રીતે માતા સંતાનની ભૂલોને માફ કરી તમામ મુશ્કેલીઓ દુર કરે છે. ટૂંકમાં Mother ને વર્ણવવી હોય તો

M= merciful, O= obliging, T= tolerance, H= hard working, E= eager, R=righteous મા એ દયાનું ઝરણું છે. નિસ્વાર્થ સેવિકા બની હમેશા પરગજુ બની રહેનારી હોય. પોતાના સંતાનના ઉછેર માટે સહિષ્ણુ બની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી તેના સુખ માટે પરિશ્રમ કરી હંમેશા સફળ સમૃધ્ધ બનાવવા આતુર રહે છે. માતૃપ્રેમ અતુલ્ય છે. માટે જ તો કહેવાયું છે કે नास्ति मात्रुसमा छाया, नास्ति मात्रुसमा गति: नास्ति मातृसम त्राण, नास्ति मात्रुसमा प्रिया અર્થાત માતા સમાન કોઈ છાંયડો નથી. માતા તુલ્ય કોઈ આશરો નથી. માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા સમાન કોઈ પ્રિય નથી.

House is not Home without Mom. જી હા, મા વિના સુનો સંસાર, મા વગરનું ઘર ન હોઈ શકે એ માત્ર મકાન હોઈ શકે. મા એ કુટુંબના સભ્યોને, તમામ સંતાનોને જોડતી કડી છે. તેની માટે બધા સરખા. બધા વચ્ચે સંપ રહે તેવું શીખવે, કોઈ અન્યાય કે ભેદ નહિ. દીકરી એ મા ની પરછાઈ છે તો દીકરો તો હોય જ મા નો. ગમે તે ઉમરે મા ના ખોળામાં માથું રાખી વાતો કરતા રહેવાનું, ક્યારેક આંખો બંધ કરી પોતાના સુખ-દુઃખના સ્મરણો વાગોળવાનું એને ગમે છે. મા ના પાલવથી મોઢું લુંછવામાં જમ્યાથી વધુ લહેજત એને મળે. જો કે આજકાલ જીન્સ પહેરતી મમ્મીઓ દીકરાને આ સંતોષ આપી શકતી નથી.

માત્ર બાળકને જન્મ આપવાથી જ ‘મા’ નથી બની જવાતું. જવાબદારી લઇ તેની માટે સમય આપવો, બાળકની ખરાબ આદતોથી વાકેફ થઇ સાચું માર્ગદર્શન આપવું,પોતાના વાણી –વર્તનથી સત્ય,સહનશીલતાના,ધીરજના ગુણો ખીલવે તે મા. પોતે હકારાત્મક વલણ રાખશે તો અન્યને પણ એ જ આપી શકશે. સાંપ્રત સમયમાં યુવતીઓ લગ્ન કરી બાળકને જન્મ તો આપે છે પરંતુ આ આધુનિકા પોતાના બાળક કરતા વધુ કારકિર્દી અને મોજશોખને મહત્વ આપે છે ત્યારે તેણી ‘બેબી સીટીંગ’ અથવા ‘આયા’ ના ભરોસે બાળકને છોડતા અચકાતી નથી. ચીજવસ્તુઓના ઢગલા દ્વારા એશોઆરામ આપી પોતાની ફરજ બજાવનારી સ્ત્રી ને ‘મા’ કેમ કહી શકાય? બાળપણથી જ મોબાઈલ અને ટીવી ની આદત પાડે અને પછી ફરિયાદ કરવી એ ક્યાંથી ચાલે?

માતાના ખરા સદગુણો સભર એજનીસ ગોન્હા કે જેઓને આપણે ‘મધર ટેરેસા’ના નામ થી સુપેરે જાણીએ છીએ. તેમણે માત્ર ૧૮ વર્ષની વયે જ ઈશુ ની સેવિકા બનવાનો નિર્ધાર કરેલ. દીનદુખીયોની સેવા કરવાના કાર્ય માં જોડાઈને સમસ્ત દુનિયાના ‘મા’ બની ગયા. મા હોવું એટલે દેશના ભાવિના ઘડવૈયા હોવું. બાળઉછેર એ એક લાંબી પ્રક્રિયા છે. માતા એ સંતાન માટે જીવન સોપવું પડે છે. જો શિવાજી, વિવેકાનંદ કે ગાંધીજી, કલામ જેવા સંતાન બનાવવા હોય તો જીજાબાઇ અને પુતળીબાઇ જેવી માતાઓ જોઇશે. બાળકને દુનિયામાં લાવતા પહેલા જ તેની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર થવું પડે. બાળક મા ના ઉદરમાંથી સંસ્કાર મેળવવાનું શરુ કરે છે માટે ગર્ભાવસ્થાના સમયથી જ ખાન-પાન સાથે સારા પુસ્તકોનું વાંચન તેમજ ધર્મગ્રંથનું વાંચન જરૂરી છે. જેના આચાર-આહાર અને વિચારની અસર આવનાર બાળક પર પડે. મા ની જવાબદારી તેનામાં પ્રમાણિકતા,નિષ્ઠા, સેવાભાવ જેવા અનેક ગુણોનું સિંચન કરી એક સંસ્કારી વ્યક્તિ તરીકે દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરવાની છે. માટે જ તો કહેવાય છે કે સો શિક્ષક બરાબર એક માતા.

પાનના ગલ્લે સિગારેટ ના કસ લેતા કે મોઢામાં તમાકુ ભરેલા માંદીયલ યુવાનોને જોઈને દુઃખ થાય. કોઈ નિસહાય યુવતી પર અત્યાચાર,છેડતી-બળાત્કાર કરતા યુવાનો,પ્રગતિ સાધવા ટૂંકા રસ્તા અપનાવતા યુવક-યુવતીઓ, ભ્રષ્ટાચાર,દાણચોરી અને અપ્રમાણિકતાથી કમાણી કરતા લોકો પોતાની મા ની કુખ ને લજવી રહ્યા છે. અહીં એક પ્રશ્ન સહજ થાય કે માતાએ શું આ સંતાનોનું ધ્યાન રાખી તેની કેળવણી કરવામાં ઉણપ રાખી દીધી હશે કે અતિ લાડકોડમાં તેની બાળપણથી જ નાની નાની ભૂલોને સુધારવાના પ્રયત્નો નહિ કર્યાં હોય ?

વર્ષે એક જ વાર ‘Mother’s day’ ની ભેટ સોગાદો આપી દઈ ને ઉજવવાનો ન હોય. આજીવન તેનું નામ રોશન રહે, તેણીની લાગણીઓ ને ઠેસ ન પહોચે તેવા કાર્યો ની ભેટ તેના ચરણે ધરવાની તૈયારી દરેક સંતાને રાખવી જોઈએ.

પારુલ દેસાઈ

'નિલયમ', એસ.બી.એસ. સોસાયટી,

સહકાર નગર મેઈન રોડ,

મહિલા કોલેજ પાછળ,

રાજકોટ ૩૬૦૦૦૭

9429502180

parujdesai@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED