વતનની વાટે - 3 - છેલ્લો ભાગ ER.ALPESH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વતનની વાટે - 3 - છેલ્લો ભાગ

થાકીને ઢીલાઢબ થઈ ગયેલા પાંચેય જણા સામે પડકાર હતો કે રાત પડે એ પહેલાં જંગલ માંથી બહાર નીકળી જવાનું , પણ હજી તો જંગલ શરૂ પણ નહતું થયું. તેઓ જંગલથી ઘણા દૂર હતા અને તેને પસાર કરવા માટે કોઈ ઝડપી પરિવહન જરૂરી હતું. જો તેઓ ચાલીને જાય તો સમયસર પહોંચવું મુશ્કેલ હતું. તેઓ ઇચ્છે તો એક દિવસ તે ગામમાં રોકાઈ જાય અને બીજા દિવસે વહેલા નીકળે તો કોઈ મુશ્કેલી થાય નહિ, પણ વતન જવાની તીવ્ર ઘેલસા તેમને રોકી શકી નહિ અને તેઓ ત્યારે જ ચાલવા માંડ્યા. પ્રકૃતિ પણ સાથ આપે છે જો પ્રયત્નો રુદિયાં ના રાજીપા સાથે હોય, એ હકીકત છે. આવી જ ઘટના ત્યારે બનતી હોય તેવું લાગે છે જ્યારે બળદગાડું લઈને તેના ગામનો જ એક જુવાન દૂરથી આવતો દેખાય છે. એ જુવાન તેના ગાડા ની પાછળ એક વિયાયેલી ગાય બાંધીને તેઓની પાછળ જ ચાલ્યો આવે છે. ગાડામાં ગાયનું વાછરડું બેસાડેલું છે અને તે જુવાન દૂરથી જોઈને જ ઓળખાય જાય છે. જુવાન ને પણ ખબર છે કે રાત અંધકારમાં ગાય જેવા પશુની સાથે જંગલ પસાર કરવું એ મોતના મુખમાં જવા જેવું છે, તેને જંગલી જાનવરની બીક લાગતી હતી પણ જુવાની ના જોશમાં એ સામે ચાલીને આ જોખમ ખેડવા તૈયાર થઈ જાય છે. આખોય પરિવાર એ જુવાનની સામે ટગર ટગર જોવે છે. ગાડું નજીક આવે છે અને એ જુવાન બધાને ઓળખી ગયો હોય એમ બધાને ગાડીમાં બેસી જવા માટે કહે છે. નાના ભાઈબહેન વાછરડાં ની બાજુમાં બેસી જાય છે અને એને રમાડતા રમાડતા બધો થાક પણ ભૂલી જાય છે. તેના દાદીમા અને માબાપ આગળ બેસે છે અને બધા વાતો કરતા કરતા રસ્તો કાપે છે. ગામના જ અને ઓળખીતા માણસ ના ગાડામાં બેસીને હવે તો બધા ખુબજ ખુશ છે. દાદીમા ગાડામાં લાંબા ટાંટિયા કરીને સુઈ જાય છે. બાળકો મજાક મસ્તીમાં વ્યસ્ત થઈ જાય છે અને તેના માતાપિતા પેલા જુવાન ની સાથે ગામની અને શહેરની વાતોમાં વળગી જાય છે. હવે તો બધાને આરામથી જંગલ પસાર થઈ જશે એવું લાગે છે અને પેલા જુવાનને જંગલમાં ગાય સાથે જવામાં પણ બીક રહી નથી અને એણે પણ નિરાંત નો શ્વાસ લીધો. સૂર્યાસ્ત નો સમય થવા આવ્યો છે અને જંગલ ની શરૂઆત પણ થવા લાગી છે. સૂર્યના આકરા તાપ થી લીલીછમ વનરાજી સુકિભઠ્ઠ થઈ ગઈ હોય તેવું લાગે છે. વૃક્ષોની સૂકી ડાળખીઓ અને પાંદડાથી નીચેની ભૂમિ ઉપર જાણે ભૂરી ચાદર પાથરેલી હોય એવું લાગે છે. તોય કુદરત નો નજારો તો નયનરમ્ય જ હોય છે. ઢળતી સાંજના સૂર્યનાં કિરણો સૂકા વૃક્ષોની આરપાર થઈને આવે છે. પંખીઓનો કલરવ એ દ્રશ્ય ને મીઠું મધુર બનાવે છે. ગાડુ ધીરે ધીરે અડધું જંગલ પર કરી લે છે. શાંત સૂર્યાસ્ત માં અચાનક કડાકો થવાનો અવાજ સંભળાય છે, બળદ ભડકી જાય છે જેથી ગાડુ બેકાબૂ થઈ જાય છે. પાછળ બાંધેલી ગાય સહિત બળદગાડું દોટ મૂકે છે. જુવાન તેના હાથમાં પકડેલી રાશ વડે મહામહેનતે ગાડુ ધીમું પાડે છે અને આગળ જુએ છે તો એક મોટું ઝાડ બરોબર રસ્તા માં આડુ પડ્યું છે, ગાડુ આગળ વધી શકે તેમ નથી. બધા નીચે ઉતારીને જુએ છે કે ઝાડ એટલું બધું મોટું છે કે કોઈ એક વ્યક્તિ તેને હટાવી શકે તેમ નથી. એવું લાગે છે કે બધાએ એકસાથે પ્રયત્ન કરવો પડશે. બાળકો અઘોર જંગલમાં ચારેબાજુથી આવતા જંગલી પ્રાણીઓના અવાજો સાંભળીને ગભરાય જાય છે. તેના માતાપિતા અને પેલો જુવાન ઝાડને હટાવવા ખૂબ જોર લગાવે છે પણ એ ટસ થી મસ નથી થતું. હવે બળદ વડે જોર લગાવવું પડશે, તેથી ગાયને એક બાજુ છોડી ને બળદ સાથે ઝાડ બાંધે છે. બળદ થી ઝાડ ખેચાવા લાગે છે અને બધા ઝાડને દૂર કરવામાં લાગી જાય છે. બધાનું ધ્યાન ઝાડ ખસેડવામાં છે અને પેલી ગાય છૂટી હોવાથી ચરવા માટે જંગલની અંદર જવા લાગે છે. રસ્તા પરથી અડચણ દૂર થાય છે અને બધા હાશકારો અનુભવે છે. બળદગાડુ જોતરી ને જુવે તો ગાય જંગલમાં અંદર જતી હોય એવું દેખાય છે. પેલો જુવાન ગાય લેવા તેની પાછળ જાય છે. પોતાના બાળકો, પત્ની અને માં ને ગાડામાં બેસાડીને એ ભાઈ પણ જુવાનની સાથે જાય છે. અહી ગાડામાં બધા એકલા અને ત્યાં બે મર્દના ફાડિયા જંગલમાં ગાયની પાછળ એકલા, મધદરિયે વહાણ ડૂબતું હોય એમ અધવચ્ચે જંગલ માં બધા બેઠાં છે. રાત પડવા આવી પણ હજી ગાય લઈને પેલા પાછા ના ફર્યા. ગાય પણ ખૂબ દૂર ચાલી ગઈ અને તેની પાછળ બંને પુરૂષ પણ. અચાનક ગાય ઊભી રહી જાય છે પોતાના કાન એક બાજુ ફેરવીને જુએ છે તો એક દીપડો ધીમે ધીમે તેની નજીક આવે છે. પાછળ આવતા એ બે લોકો આનાથી બિલકુલ અજાણ છે અને દીપડો પણ એ લોકોના આવવાથી અજાણ છે. દીપડો નજીક આવીને તરાપ મારે છે અને ગાય પાછી વાળીને દોડવા લાગે છે. ગાયને સામેથી દોડતી આવતી જોઈને બેઉ ને કોઈ ખરાબ થવાની આશંકા જાય છે. ધ્યાનથી જોવે છે તો પાછળ દીપડો દોડ્યો આવે છે. હાથમાં લાકડી લઈને બેઉ બહાદુરી પૂર્વક તેનો સામનો કરવા તૈયાર થઈ જાય છે. દીપડો એક નાનું હિંસક પ્રાણી હોવાથી સાહસિક લોકો પણ મજબૂત લાકડી વડે એનો સામનો કરી શકે છે. જ્યારે અહીંયા તો બે મરદમૂછાળા હાથમાં ડંડા લઈને ઊભા હતા. શિકાર માટે દીપડો ખૂબ ધમપછાડા કરે છે પણ ગાયને ઘેરીને ઉભેલા બેય માણસ એને સફળ થવા દેતા નથી. અંતે હારીને તે પાછો જંગલમાં જતો રહે છે. પછી બંને જણા ગાય લઈને ગાડા પાસે જવા લાગે છે. ત્યાં બધા એની રાહ જોતા હોય છે અને ત્યાંરે જ એ લોકો અંદરથી આવતા દેખાય છે. બધા હેમખેમ હતા એટલે સૌના જીવમાં જીવ આવ્યો. પાછા બધા ગાડુ સાબદુ કરીને નીકળી પડ્યા વતન ભણી. રાત પડી ગઈ હતી. જંગલ માં થયેલા વિલંબને કારણે અંધારામાં ગાડુ હંકારવું પડતું હતું. મારગ નો પાક્કો જાણનારો જ આ ગાઢ અંધારામાં આગળ વધી શકે એમ હતું. જુવાન હજી કાચો પડતો હતો અને ગાડામાં બેઠેલો પરિવાર વર્ષોથી શહેરમાં રહેતો હોવાના કારણે રસ્તો ભાળતો નહતો. બધા અટવાયા, કે હવે શું કરવું. પણ જ્યારે માણસ નું ચાલે નહિ ત્યારે એના વફાદાર પશુ એને સંભાળે. જે બળદગાડું લઈને બધા જતા હતા એ બળદ વર્ષોથી આ રસ્તા ઉપર ચાલતા એટલે એમના માટે એ રસ્તો રાત્રીના અંધારામાં પણ એકદમ જાણીતો હતો. એટલે બધાએ વાતચીત કરીને નક્કી કર્યું કે હવે આપણે બળદને એની મરજી પ્રમાણે જ્યાં જવું હોય ત્યાં જવા દઈશું. બધાને ભગવાન ઉપર અતૂટ શ્રઘ્ધા હતી અને બળદ પર પાક્કો વિશ્વાસ હતો કે એ તેમને પોતાના ગામ તરફ જ લઈ જશે. એટલે બધા નિશ્ચિંત થઈને બળદને આપમેળે ચાલવા દીધા. જંગલમાંથી બહાર નીકળીને પણ બળદ ઘણું ચાલ્યા અને એક નાનું એવું ગામનું પાદર આવ્યું ત્યાં આવીને ઊભા રહી ગયાં. પાદર સૂમસામ હતું, બધે અંધારું જ અંધારું હતું. કંઈ દેખાતું ના હોવાથી ગાડીમાં બેઠેલા કોઈને કંઈ ખબર નોહતી પડતી કે તેઓ ક્યાં આવી ગયા. અંતે પેલો જુવાન હેઠે ઉતરી ને તપાસ કરી તો તેને ખુશીનો પાર ના રહ્યો. ગાડુ તેના ગામમાં જ હતું. બધા ખૂબ ખુશ થયા. નીચે ઉતર્યા અને આખાય પરિવારે એ જુવાનનો આભાર માન્યો. પછી એ જુવાન બધાને પોતાને ઘરે લઈ ગયો અને રાત્રી રોકાણ કર્યા પછી સવારે ઘરે જતા રહેજો એમ કહ્યું. બધાએ હા પાડી અને પછી ગાડુ સીધુ જુવાનના ઘરે ગયું. બધા ખૂબ ખુશ થયાં એ જાણીને કે વતન પાછા ફરવા માટેનો તેમનો આ સફર કેટલો સાહસિક અને આનંદદાયી રહ્યો. બધા ખુશ હતા કેમ કે તેઓ હેમખેમ વતન પહોંચી ગયા હતા. બધા ખુશ હતા કેમ કે તેઓ પોતાના વતન માં હતાં.

સમાપ્ત !