ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૦
.....અમારે સામેની બાજુ જવાનું હતું એટલે બેઝમેન્ટમાંથી બહાર નીકળીને ગાડી જમણી બાજુ લીધી. ગાડી થોડીક રોંગ-સાઇડ ચલાવીને સામેની બાજુ કાશ્મીર જવાના રસ્તે લીધી. થોડીવાર રહીને જોહ્નનને ઉંગવાનું કહું એ પહેલાતો એ ઊંઘી ગયો હતો.
હવે આગળ.....
બટરચીકન ખાતા ખાતા જોહન અને મેં નક્કી કરી કાઢ્યું હતું કે, હવે આપડે અહિયાથી જયપુર થઈને દિલ્હી અને દિલ્હીમાં અંદરના સીટી વિસ્તારમાં ગયા વગર બાયપાસ રોડથી કાશ્મીર જવાના રસ્તા ઉપર ચઢી જઈશું. અહિયાથી જોહનના બોસે મોકલેલુ લોકેશન લગભગ ૧૨૫૦ કિમી દુર હતું. અમે એકધારી ગાડી ચલાવીએ તો પણ ૨૩ થી ૨૪ કલાક થાય. રવિવાર પતવામાં હવે માત્ર ૨ જ કલાકની વાર હતી. હજુ અમારે કાશ્મીર પહોચતા આજની આખી રાત અને કાલનો આખો દિવસ એટલેકે ૨૪ કલાક લાગવાના હતા. સોમવારના ૨૪ કલાક અમારે ગાડીજ ચલાવવાની હતી. એ સિવાય અમારે વચ્ચે-વચ્ચે જમવા, ચા-પાણી કરવા, ફ્રેશ થવા અને ડીઝલ પુરાવવા ઉભું રહેવું પડવાનું હતું એટલે એ બધો સમય ગણીએ તો મીનીમમ બીજા ૨-૩ કલાક.
જોહને કીધું કે, “બોસે ૩૬ કલાકની અંદર એમને આપેલા એડ્રેસ ઉપર લાશ લઈને પહોચવાનો ઓર્ડર આપ્યો છે. ૧૨ કલાક તો થઇ ગયા હતા હવે આપડી જોડે માત્ર ૨૪ કલાક જ છે”. ૨૪ કલાકમાં કાશ્મીર પહોચવું થોડું અશક્ય હતું પણ શક્ય બનાવવું જરૂરી હતું. અમે નક્કી કર્યું કે, આપડે માત્ર ડીઝલ પુરાવવા જ ઉભા રહીશું અને એ સમયેજ આપડે ચા-પાણી કરવાના હોય, ફ્રેશ થવાનું હોય, જમવાનું હોય જે પણ કરવાનું હોય એ કરી લેવાનું. ડીઝલ પુરાવવા ઉભા રહેતા ત્યારે જમવાનો સમય ન થયો હોય તો અમે જમવાનું પેક કરાવી લેતા અને ચાલુ ગાડીએ વારાફરતી જમી લેતા. નાસ્તાનો પણ પુરતો સ્ટોક કરી રાખ્યો હતો. ડીઝલ માટે અમે એવી જગ્યાએ ગાડી ઉભી રાખતા જ્યાં આ બધી જરૂરિયાતવાળી સગવડો હોય જેથી અમે બને એટલો વધારે સમય બચાવી શકીએ. બરફની સગવડ થાય તો ઠીક બાકી વાસ સહન કરી લેવાની એવું નક્કી કરીને આ આખો સફર અમે બને એટલી ઝડપી ગાડી ચલાવીને જેમ તેમ કરીને પૂરો કર્યો.
છેવટે અમે જોહનના બોસે આપેલા એડ્રેસ ઉપર લોકેશનની મદદથી રોશનીના મૃત્યુના ૩૬ કલાકની અંદર પહોચી ગયા. જે જગ્યાએ અમેં પહોચ્યા હતા એ જગ્યા ભારત-પાકિસ્તાન બોર્ડરથી ખુબ નજીક હતી. એ જગ્યા વર્ષોથી બંધ પડી ગયેલી કાપડની ફેક્ટરી હતી. આટલો લાંબો એકધાર્યો રસ્તો કાપ્યા બાદ અમારે અહિયાં પહોચીને માનસિક અને શારીરિક રીતે શશક્ત રહેવું ખુબ જરૂરી હતું, ખાસ કરીને મારે. માટેજ અમે ગાડીમાં વારાફરતી પુરતી ઊંઘ લીધા કરતા હતા. જોહ્નનની ફેમીલીને નક્કી કરેલા સમય પ્રમાણે હું ફોન કરતો રહેતો હતો જેથી જોહ્નનને મારા એ નાટક પર છેક સુધી શક ન જાય.
ગાડી જેવી ફેકટરીના મેઈન ઝાપા નજીક પહોંચી. એ મુખ્ય ઝાપા ઉપર એક ચોકીદાર ઉભો હતો. જોહ્નનની ગાડી નંબર જોઇને એણે એની કેબિનમાંથી એક કાગળ લઈને ઝાંપાની બહાર આવ્યો. એ કાગળમાં જોઈ જોઇને એણે અમારી આખી ગાડી ચેક કરી. એણે ધ્યાનપૂર્વક જોહ્નનને જોયો, મને જોયો, રોશનીની લાશને જોઈ. એના એ કાગળ પ્રમાણે મારા સિવાય બધુજ બરાબર હતું માટે મને અંદર જવાની ના પાડી. જોહને તરતજ ગાડીમાંથી ઉતરીને એને સાઈડમાં લઇ ગયો. જોહને એ વ્યક્તિ જોડે દોસ્તની જેમ વાત કરી અને પૈસા આપીને પટાઈ લીધો અને એ પણ સમજાઈ દીધોકે હું એનો ભાઈ છું. જોકે હું નાતો દેખાવથી કે નાતો એક પણ લક્ષણથી જોહન જેવા લાગતો હતો. પૈસાના જોરે ચોકીદારે ઝાપો ખોલ્યો અને જોહને ગાડી અંદર લઈને થોડે દુર એક જગ્યાએ પાર્ક કરી.
મુખ્ય દરવાજાથી અહિયાં સુધી મેં ઘણા લોકોને મશીનગનો સાથે અલગ અલગ જગ્યાએ છુપાયેલા જોયા. જોહને ડેકી ખોલીને રોશનીને કાઢી અને ખભે નાખીને અંદરની તરફ ગયો. હું પણ એની જોડેજ ગયો. જોહ્નનની બેગ મેં મારા ખભે નાખી દીધી હતી કારણકે એમાં નાની નાની વસ્તુઓ એવી ઘણી હતી જે કદાચ મને કામમાં આવી શકે. પેલી બંદુક તો મેં મારા ખીસામાંજ રાખી હતી જેથી જરૂર પડે ત્યારે તરત તેનો ઉપયોગ કરી શકાય. જોહન જેવી ભૂલ હું આવી ભયાનક પરિસ્થિતિમાં ન કરી શકું. જોહને બન્ને બંદુકો એની જોડે રાખવાના બદલે બેગમાં રાખી હતી અને એ બેગ પાછળ ડેકીમાં મૂકી હતી. એની એ ભૂલના કારણેજ જંગલમાં હું એના પર કાબુ મેળવી શક્યો અને અહિયાં સુધી પહોચી શક્યો.
જોહન રોશનીને લઇને એ બંધ પડેલી ફેકટરીના ૨ બેઝમેન્ટ નીચે ગયો અને સાથે સાથે હું પણ. ત્યાં પહોચતાજ એ દ્રશ્ય જોઇને હું અચંભિત થઇ ગયો. થોડેક દુર એક એવી જગ્યાએ છુપાઈ ગયો જ્યાંથી હું બધું જોઈ શકું પણ મને કોઈ ન જોઈ શકે.
જોહન, ત્યાં એક નાની કેબીન હતી ત્યાં ગયો ત્યાંથી એના બોસે જોહ્નનને એક ચીઠી આપી. એ ચીઠી જોહને રોશનીના જમણા પગના અંગુઠામાં લટકાઈ દીધી અને રોશનીને એક સ્ટ્રેચરમાં ઊંઘાડી દીધી. રોશની જેવી ત્યાં આશરે ૬૦૦ થી ૭૦૦ લાશો હતી, જેમના દરેક લોકોના પગમાં એવી ચીઠી લગાડેલી હતી. એ ચીઠી પર શું લખેલું હતું એતો મારા માટે દુરથી વાંચવું શક્ય નહોતું. થોડીક થોડીક વારે રોશની જેવી બીજી લાશો જોહન જેવા લોકો એક એક કરીને લાવતા રહેતા હતા. પેલી કેબીનમાં જઈને ચીઠી લઇને લાશોના પગ પર એ ચીઠી લટકાઈને લાશોને સ્ટ્રેચરમાં ઊંઘાડી દેતા. ત્યારબાદ કેબિનમાંથી બાકીનાં પૈસા લઈને જતા રહેતા. જોહન પણ એવીજ રીતે બાકીનું પેમેન્ટ લઈને ત્યાંથી નીકળી ગયો. થોડીક વાર રહીને જોહને મારી જોડે વાત કરવા મને ફોન કર્યો એટલે મેં એને એની ફેમીલી હવે સુરક્ષિત છે એવું કહીને ફોન મૂકી દીધો.
ફેક્ટરીની ઉપર એટલેકે જ્યાં ગાડી પાર્ક કરી ત્યાં નતો એક કુતરું જોવા મળે કે નતો એક લાઈટ ચાલુ હતી, સંપૂર્ણ અંધારું. જે લોકો મશીનગનો લઈને ઉભા હતા એ લોકો તો નરી આખે દેખાય નહિ એવી રીતે અને એવા યુનિફોર્મ પહેરીને છુપાયેલા હતા. પણ અહિયાતો આખો નજારોજ અલગ. કેટલી બધી લાશો અને કેટલા બધા લોકો જે આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા. બંદુકો સાથેની સશસ્ત્ર આર્મી, જરૂરી એવા બધા મેડીકલ સંસાધનો સાથે ડોકટરો, નર્સો, જોહનના બોસ જેવા ૧૦-૧૫ મેનેજર જેવા ગુંડાઓ અને બીજા ઘણા બધા લોકો. ચાઈનિઝ દેખાતા લોકો પણ ઘણા હતા. આ બધા ભેગા થઇને કશુક મોટું કાવતરું કરી રહ્યા હતા એવો મને અંદાઝો આવી ગયો. માણસો તો બધા જાણે પાકિસ્તાનની હોય એવું મને એમના પહેરવેશ પરથી લાગ્યું હતું. એમના હાથમાં બંદુકો, વોકી-ટોકી અને બીજા ઘણા બધા ગેજેટ્સ હતા, જાણે એક યુધ્ધની તય્યારીમાં હોય. થોડાક ઘણા આપણા દેશના લોકો પણ ત્યાં શામિલ હતા જે બેશક દેશના ગદ્દારો હશે. દરેક સ્ટ્રેચર ઉપર લાઈટ પડતી હોય અને દરેકના જમણા પગના અંગુઠામાં પેલી ચીઠી લટકતી હતી. એ ચીઠી પર શું લખેલું હતું એ મેં જોવાનો વ્યર્થ પ્રયત્ન ઘણી વાર કર્યો.
થોડી-થોડી વારે એક નાની અને ધીમા અવાજે જાહેરાત થતી હતી, ગુડિયા-૧ , ગુડ્ડુ-૧ પછી ગુડિયા-૨ ગુડ્ડુ-૨ પછી ૩, ૪, ૫ એમ જાહેરાત થયા કરે અને ડોકટરો જે મોટાભાગના ચાઈનિઝ લાગતા હતા એ લોકો દરેકને બે ઇન્જેક્શન આપતા, એક બાજું ઇન્જેક્શન આપતા જતા હતા અને બીજી બાજુ બહારથી આવતી લાશો વધતી જતી હતી. જાહેરાત પરથી મને એતો ખબર પડી ગઈ કે એ ચીઠી ઉપર શું લખ્યું હશે. જો પુરુષ હોય તો ગુડ્ડુ-૧,૨,૩...અને જો સ્ત્રી હોય તો ગુડિયા-૧,૨,૩...એવી ચિઠીઓ દરેક લાશ પર લગાડેલી હતી. આવીજ એક ચીઠી રોશનીના પગના અંગુઠા પર લગાડેલી હતી, “ગુડિયા-૩૬”.
.....વધુ ભાગ-૧૧માં
સુકેતુ કોઠારી