પ્રિત એક પડછાયાની - ૬૦ (સંપૂર્ણ) Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૬૦ (સંપૂર્ણ)

(આજે આપની ઈતેજારીનો અંત કરતો છેલ્લો અને અંતિમ એક મહાએપિસોડ મુકી રહી છું...મને આશા છે વર્તમાન સમયને સ્પર્શતો આ ધારાવાહિક વાર્તાનો અંતિમ તબક્કો આપ સહુને અચૂક ગમશે...... આપનાં પ્રતિભાવો આવકાર્ય છે.આખી ધારાવાહિક દરમિયાન આપ સહુએ મને બહું સારી રીતે સલાહ સૂચનોને પ્રતિભાવ આપી આવકારી એ માટે આપ સહુની ખૂબ ખૂબ આભારી છું....)


અન્વય અને અપુર્વ ગાડીમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં જ એમનું ઘ્યાન જાય છે કે લીપી તો ગાડીમાં સુતેલી છે... ફક્ત એનામાંથી રાશિની આત્મા બહાર નીકળી ગઈ છે. અન્વયે ધીમેથી દરવાજો ખોલીને લીપીને જગાડી. લીપી તો જાણે કંઈ થયું જ ન હોય એમ આળસ મરડીને બોલી," અનુ ક્યાં પહોંચ્યાં આપણે ?? મસ્ત ઉંઘ આવી ગઈ મને. આ કોઈનું ઘર છે કે શું ચાલ આપણે અંદર જઈએ..

અન્વયે કંઈ જવાબ ન સૂઝ્યો એણે ફક્ત માથું ધુણાવ્યું..ને લીપી બહાર નીકળી... ત્રણેય જણાં બંગલાની બહારનો વિશાળ કંમ્પાઉન્ડમાં ચાલીને એ ઘરના દરવાજા પાસે પહોંચ્યાં...કોઈની બચાવો...બચાવોની ઝીણી કીકીયારીઓ જાણે સંભળાઈને ફરી ફરી સમી જતી હોય એવું લાગી રહ્યું છે...

અપુર્વ કાન સરવા કરવાં લાગ્યો, " ભાઈ કંઈ સંભળાય છે ??"

અન્વય : " હા કોઈ છોકરીનો અવાજ...પણ જાણે અવાજ પરીચિત હોય એવું કેમ લાગી રહ્યું છે ??"

અપુર્વ ફરી કાન સરવા કરી સાંભળવા લાગ્યો ને અચાનક શું થયું કે દરવાજાને એક વાત મારીને કંઈ પણ કહ્યાં વિના અંદર ભાગ્યો. આટલાં મોટાં વિશાળ બંગલામાં ક્યાં જવું એ એને ન સમજાયું..‌તે આજુબાજુ જોઈને અવાજની દિશાને જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે...ને એક ચીસ ફરી સંભળાઈને સમી ગઈ એ સાથે જ અપુર્વ એકીશ્વાસે આરાધ્યા...કરતો સીડીમાં ભાગ્યો...ત્રણ ત્રણ પગથિયાં સાથે ચડતો તે હાંફતો ઉપર ગયો. પાછળ એ જ ઝડપે અન્વય અને લીપી ઉપર ચઢવા લાગ્યાં.

અપુર્વ એકપછી એક રૂમનાં દરવાજા પાસે પહોંચ્યો... બધાં દરવાજા બહારથી લોક છે... ત્યાં જ એક છેલ્લો રૂમ દેખાયો ને એ ત્યાં પહોંચ્યો...તો કોઈ આધેડ વયનો પુરૂષ દેખાયો...એકદમ કાળી પડેલી ત્વચા...ને પેટમાં વાગેલી બે ત્રણ બંદૂકની ગોળીઓને બાજુમાં બંદૂક...મંદ મંદ શ્વાસ ચાલી રહ્યાં છે... ફક્ત કંઈ ધીમો અવાજ આવી રહ્યો છે," બાપ એવો દીકરો, મનેય ન છોડ્યો જીવતો..."

આંખો તો ઢળેલી જ છે...એનો શ્વાસ જાણે અટકી ગયો છે..એ ફરી કંઈ બોલ્યો," મને મારી દો..હવે સહન નથી થતું..."

અપુર્વએ સાંભળ્યું જ સાથે જ બારણે રહેલાં અન્વય અને લીપીએ પણ આ સાંભળ્યું.. આ કોણ હશે ?? કદાચ કૌશલ...એ વાત પર સૌની નજર પ્રશ્નાર્થ નજરે એકબીજાં સાથે અથડાઈ...!!

અપુર્વએ એ વિશાળ રૂમમાં બધું જોયું કોઈને દેખાયું પણ જો આ કૌશલ હોય તો એનાં બોલવાં મુજબ નયન આહુજા ચોક્કસ અહીં હોવો જોઈએ એવાં એંધાણ આવતાં તે રૂમની બહાર નીકળ્યો. સામે એક દરવાજા પાસે નજર ગઈ. ખુલ્લો આડો કરેલો દરવાજો જોઈને અપુર્વની પહેલાં અન્વય ભાગ્યો પણ દરવાજો ખોલતાં જ એનાં પગ થંભી ગયાં.... પાછળ
અપુર્વ દોડતો આવ્યોને ઘુસ્યો...એની આંખો ફાટી ગઈ..બેડ પર બાંધીને સુવાડેલી આરાધ્યા...બેભાન અવસ્થામાં સોફ્ટબેડ પર પડેલી છે.

એક શુટબુટમાં સજ્જ પુરૂષ આજુબાજુ આંટા મારી રહ્યો છે.
ને બબડી રહ્યો છે. "આજે શું થયું છે મને આટલી સુંદર અપ્સરાને હું કેમ સ્પર્શી શકતો નથી મારાં હાથ કેમ ધ્રુજી રહ્યાં છે.... અચાનક એને બાંધ્યા પછી આ શું થઈ ગયું ?? હવે શું કરૂં ?? એક ઇન્જેક્શન આપી દઉં ?? પણ શું કરું... એનાં માટે નજીક તો જવું પડશે ને ?? જવાતું જ નથી...

ત્રણેય સમજી ગયાં કે આ ડૉ. આહુજા એટલે કે નયન જ છે..પણ મનોમન વાત કરી રહેલાં નયનની વાત સાંભળીને અપુર્વને મનમાં એક રાહત થઈ...એની આરાધ્યાને નયન કંઈ કરી શક્યો નથી. પણ અમદાવાદમાં રહેલી આરાધ્યા અહીં કેવી રીતે નયન પાસે પહોંચી એ કોઈને સમજાયું નહીં...વળી એક સુંદર સાડીમાં સજ્જ સાથે, ગળામાં મંગળસૂત્ર, ને માથે સિંદુર...જોઈને અપુર્વને ઝાટકો લાગ્યો.

કોઈને આરાધ્યા વિશે કંઈ જ સમજાઈ નથી રહ્યું... એનાં લગ્ન કોની સાથે ?? નયન સાથે ?? બીજાં કોઈ સાથે ?? અઢળક સવાલો બધાંનાં મનમાં ઉભરાઈ આવ્યાં..પણ ચબરાક નયન આજે આરાધ્યાને જોવામાં એટલો મશગુલ છે કે એને પાછળ ઉભેલા કોઈ દેખાતાં નથી.

એ ફરી બોલ્યો," એકવાર બોલી જા ને, જાગી જા..ખબર છે ને કે સુંદર છોકરીઓ માટે તો હું કંઈ પણ... કંઈ પણ એટલે કંઈ પણ... મારાં ડેડને પણ સટાક...સટાક..કરી દીધું ને?? થઈ ગયો સફાયો..આટલી ઉંમરેય એમનેય તું જોઈતી હતી મજા કરવાં...કરી દીધો ને ખેલ ખતમ...બસ હવે તો હું અને તું" કહીને આરાધ્યાની નજીક જવાં ગયો કે તરત જ ઉછળીને પડ્યોને દીવાલ સાથે અથડાયો...!!

અપુર્વએ ઝડપથી પહોંચીને એ પડેલાં નયનનાં પગ પર પગ મુકીને જોરથી દબાવ્યો. નયનની ચીસ નીકળી ગઈ. અન્વય અન્વય ઝડપથી આરાધ્યા પાસે પહોંચ્યો...એને જગાડવાની કોશિષ કરી... એકદમ અન્વયની નજર આરાધ્યાનાં ગળામાં રહેલા કાળા દોરા પર ગઈ... એમાં કંઈ ચકમક થઈ રહ્યું છે. અન્વયે કંઈ પણ વિચાર્યા વિના દોરો તોડી દીધો. દોરો એટલો મજબૂત છે કે તોડતાં અન્વયની આંગળીમાંથી લોહી આવી ગયું....

આ બાજું નયન બળ કરીને ઉભાં થવાની કોશિશ કરી રહ્યો છે ત્યાં એકાએક આખાં રૂમમાં સ્વિચ બંધ હોવાં છતાં લાઈટો ચાલુ બંધ થવા લાગી...ને લીપીમાં રાશિની આત્મા ફરી આવી ગઈ..ફરી એ જ બિહામણો ચહેરો...સહન ન થાય એવી દુર્ગંધભરી વાસને એ નયનની સમીપ પહોંચી. એણે અપુર્વને ત્યાંથી દૂર કર્યો.

નયન તો આ બિહામણાં ચહેરાને એકીટશે જોઈ જ રહ્યો...આજ સુધી તેણે ભૂતબૂતની વાતો સાંભળી છે પણ આજે જોઈ લીધું. એણે એકાએક હુમલો કરીને એની છાતીમાં એનાં એ મોટાં મોટાં અણીદાર ને ખૂંપી દીધાં.. રીતસરનું લોહી વહેવા લાગ્યું....

દોરો કાઢી દીધાંની થોડી જ ક્ષણોમાં આરાધ્યાએ શરીર હલાવ્યું. " અન્વય આરાધ્યા ઉઠ... આરાધ્યા તારાં શબ્દોની બહું જરૂર છે. આરાધ્યાએ આંખો ખોલી. એને કંઈ સમજાયું નહીં કે એ ક્યાં છે.

આરાધ્યા : " અન્વયભાઈ તમે અહીં ?? અને હું ક્યાં છું ?? હું તો એ હોલમાં હતીને... અહીં કેવી રીતે ??"

અન્વય : " હા બકા. તું અહીં કેવી રીતે પહોંચી એ મને જણાવ ઝડપથી."

" અપૂર્વનાં ફોટો સાથે લગ્ન કર્યા આરાધ્યા ત્યાં દીદાર હવેલી કેવી રીતે પહોંચી અને ત્યાંથી નયનને શોધવાં કેવી રીતે પહોંચી એ જણાવ્યું...ભાઈ મને તો ખબર નહોતી કેમ આમાં ખરેખર કોણ છે જેને મારે કોઈ પણ રીતે ત્યાંથી જતો અટકાવવાનો છે. મને કહેલ માહિતી મુજબ એ વ્યક્તિનાં ગળાનાં ભાગે એક સફેદ મોટું કોઢ જેવું નિશાન છે... હું એટલી પબ્લીકમાં કેવી રીતે એને શોધું.. હું દરેક વ્યક્તિને શંકાની નજરે જોતી રહી. ને ત્યાં જ ડૉ.આહૂજાની સ્પીચ પુરી થતાં એ અને એમનાં પિતા નીચે ઉતરી ગયાં.. પરંતુ થોડીવારમાં જ અચાનક એ એસી હોલમાં લાઈટો બંધ થઈ ગઈ. શું થયું કંઈ સમજાયું નહીં. હું થોડી ગભરાઈને સાવચેતીથી ઉભી રહી કારણ કે એટલાં મોટાં હોલમાં મોટાં મોટાં બિઝનેસમેનની મેદની વચ્ચે હું એક જ લેડીઝ હતી... મેં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરીને બંધ કરી દીધી. પણ કદાચ એ જ મારી ભૂલ થઈ. અચાનક કોઈએ પાછળથી આવીને મારૂં મોં દબાવ્યું ને મને પકડીને ક્યાંક ધસડવા લાગ્યું. પણ એ પકડ એટલી મજબૂત હતી કે હું કંઈ કરી ન શકી. પણ મને દીદાર હવેલીમાંથી મળેલી એ વસ્તુનો આત્મરક્ષા માટે ઉપયોગ કર્યો. એ પેકેટ એક હાથમાંથી ધીમેથી ખોલીને મેં મારાં શરીરની આજુબાજુ ફેરવી દીધું. બસ છેલ્લે મને ધસડી જતી એ વ્યક્તિનાં ગળામાં મને એક સફેદ ડાઘ દેખાયો. મને એટલું સમજાયું કે આ એજ વ્યક્તિ છે જેની મને તલાશ હતી....બસ પછી મને કંઈ જ ખબર ન પડી કે મારી સાથે શું થયું."

આ બધી જ વાત અન્વયની પાછળ આવી ઉભેલાં અન્વયે સાંભળી. એની આંખોમાં આંસું આવી ગયાં...તે ઝડપથી આવીને આરાધ્યાનો હાથ પકડીને નાનાં બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો‌...ને બોલ્યો, " આરૂ... આજે હું તને અને તારાં પ્રેમને માની ગયો. આટલો પ્રેમ તો કદાચ મને કોઈ ન કરી શકે...મારો પ્રેમ પણ કદાચ તારી આગળ બહું વામણો લાગે છે આજે મને...એક મૂકવાચા આપીને બંને હૈયાં એકબીજાને ભેટીને પ્રેમને વરસાવવા લાગ્યાં. એકબાજુ બે હૈયાઓ એકબીજાંનાં પ્રેમ ખાતર કેટલી કુરબાની આપીને પ્રેમને ઠાલવી રહ્યાં છે ત્યારે અન્વય તેમને એકાંત મળે માટે સામેની બાજું આવ્યો... જ્યારે બીજી બાજું કર્મોનું ફળ અહીં જ ભોગવી લેશે એવું લાગી રહ્યું છે.

રાશિની સાથે શિવાલયની આત્મા પણ એકબીજામાં ભળી ગઈ હોય એવું લાગ્યું ‌. ક્યારેક તે પોતાનો દેહ પુરુષ જેવો ક્યારેક કોઈ નમણી છોકરી જેવો કમનીય બનાવી દે છે...અવાજ પણ આવી રીતે બદલાય છે...એણે પુરુષ દેહ ધારણ કરીને તેણે નયનને ફંગોળ્યો હવામાં...ને હસવા લાગ્યો. તેણે ફંગોળતા જ એક ઝાટકે તેનાં ગળામાંથી એક માળા અને હાથમાં રહેલી ચકચકિત અંગુઠી કાઢી દીધી....ને હવામાં ઉછાળીને ગાયબ કરી દીધી.

નયન હાંફવા લાગ્યો... એઈડ્સ નામનાં રોગને લીધે તેની રોગપ્રતિકારક શક્તિ તો આમ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. પણ દવાઓનાં ઉંચા ડોઝને વળી દોરા ધાગાઓનાં જોરે તે હજું સુધી પોતાની જિંદગીની મજા કરી રહ્યો હતો...

એક અદ્ભુત મિલન બાદ આરાધ્યા નયન અને આત્માનો ખેલ જોઈ રહી પણ બધી જ વાતથી અજાણ એને એ તો સમજાયું જ કે આ વ્યક્તિ જ બધાનું જડ છે પણ સમગ્ર ઘટનાઓથી અજાણ એ આ દ્રશ્યને જોઈને ગભરાઈ. પણ અપુર્વનાં પકડેલા એ મજબૂત સાથે એને હિંમત આપી અને આંખોથી જ જણાવી દીધું કે તું ચિંતા ન કર હવે..મને બધી જ ખબર છે..

નયન તો હાંફતો ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો‌... બધું એકાએક શાંત પડ્યું. લીપી ફરી નોર્મલ બનીને બોલી, " અનુ ચાલો આપણે હમણાં જ પહોંચવાનું છે..એક મિનિટ પણ બગાડવી વ્યર્થ છે. બધાં સમજી ગયાં ને ચાલવા લાગ્યાં..પણ બધાંને નવાઈ લાગી એમ લીપીએ નાનાં છોકરાંને ધસડે એમ સહેલાઈથી જાણે નયનને ધસડીને ચાલવા લાગી. કૌશલ જે રૂમમાં હતો ત્યાંથી પસાર થતાં જ અપુર્વએ નજર કરી તો કદાચ કૌશલનું એ જીવન કાયમ માટે શાંત પડી ગયું હતું ને પ્રાણપંખેરું કાયમ માટે ઉડી ગયું હતું....

બંગલાની બહાર પહોંચતાં જ એક બીજી કાળાં કલરની જ મોટી ગાડી ઉભેલી દેખાઈ... બધાં જ લીપીએ કહ્યાં મુજબ ગાડીમાં બેસી ગયાં...લીપીએ સહેલાઈથી નયનને ઉંચકીને ગાડીમાં ધકેલ્યો ને એ ફરી એકવાર ડ્રાઈવરની બાજુની સીટ પર બેસી ગઈ....ને ગાડી શરૂં થઈ ગઈ.

ફરી એકવાર શિવમ અને રાશિ એકસાથે બેઠેલા દેખાયાં. બંને એકબીજા સામે પ્રેમભર્યું સ્મિત વેરતાં દેખાયાં... અન્વયનું હૈયું જાણે વલોવાવા લાગ્યું... છતાં ધીરજ અને સંયમ અને સમજદારીનો પર્યાય એટલે અન્વય. લીપીને સારી કરવાં પોતાનાં પ્રેમ ખાતર કંઈ જ બોલ્યો નહીં અને ચૂપ રહીને આંખો બંધ કરીને બેસી ગયો. ગાડી પૂરજોશમાં ચાલવા લાગી...ને એક ઝટકો આવ્યોને પવનનાં સપાટા સાથે અન્વય, અપૂર્વ અને આરાધ્યા ત્રણેયની આંખો મીંચાઈ ગઈ..


*****************

અન્વય, અપૂર્વ અને આરાધ્યા ત્રણેયની આંખો એક જોરથી થયેલા વીજળીનાં કડાકાભડાકા સાથે ખુલી ગઈ... ત્રણેય આજુબાજુ જોઈને એકબીજાં સામે જોવાં લાગ્યાં... ત્રણેય સાથે બોલ્યાં," આ તો દીદાર હવેલી છે.."

ફરી એકવાર નજર કરી તો હવામાં લટકતો નયન... માથું નીચે લટકી રહ્યું છે ને પગ ઉપર... લીપીમાં રહેલી આત્મા એને એક હાથની આંગળીથી એને પકડીને ઊભી ઊભી મંદ મંદ હસી રહી છે...

નયન :" મને શું કામ અહીં લાવ્યાં છે ?? આ શું છે ?? તું કોણ છે ?? મને શું કામ હેરાન કરે છે મેં શું કર્યું છે ??"

એ સાથે જ આખી હવેલીમાં ઝબૂક ઝબૂક થવાં લાગ્યું ને ભયંકર અવાજો આવવાં લાગ્યાં... લીપીનાં શરીરમાં અત્યારે રાશિનો છે ફોટો લટકી રહ્યો છે તેવો જ ચહેરો દેખાવા લાગ્યો....

રાશિ : "એક હત્યારો...એક બળાત્કારી. માનવતાહીન...ભૂલી ગયો...મને ?? મારી ઈજ્જત લૂંટનાર, મને મારાં શિવમથી સદાય દૂર કરનાર... કેટલીય છોકરીઓની જિંદગી બરબાદ કરનાર...અને હજુયે તારૂં મન નથી ભરાયું તે પોતાનાં એ ચેપી ખતરનાક રોગને ફેલાવી રહ્યો છે પણ ચિંતા ન કર...તારો હવે આખરી દાવ છે...પણ જીત તો મારી જ છે..."

નયન હજુય ન માન્યોને છુપાવેલી બંદૂક નીકાળી. જાણે આત્માઓનો મેળો એકસાથે અટહાસ્ય કરવાં લાગ્યો...પણ કોણ જાણે પહેલાં કરતાં ઘણો ઓછો અવાજ લાગી રહ્યો છે.

એટલામાં જ દીપાબેન અને નિમેષભાઈ આ અટહાસ્યને સાંભળીને બહારનાં ભાગમાં આવ્યાં. આરાધ્યા, અપુર્વ અને અન્વયને જોઈને ખુશ થયાં..પણ આ શું લીપી ન દેખાઈ..એક અલગ જ ચહેરો બિહામણો દેખાઈ રહ્યો છે અને એ કોઈ અજાણ્યા વ્યક્તિ પર લગાતાર હુમલો કરી રહી છે.. છતાંય એનું એક એક પગલું એવું છે કે તે એને મરવા નથી દેતી પણ એનાં કરતાંય વધારે કદાચ એ અનુભવી રહ્યો છે એવું એની કીકીયારીઓ ને ચીસો પરથી સંભળાઈ રહ્યું છે...

નયને બંદૂક તો નીકાળી પણ એ હાથમાં લેતાંની સાથે જ એ રાશિનાં એ એક ધક્કાથી ગોળી છૂટીને લગાતાર ત્રણ-ચાર ગોળીઓ છતનાં ભાગમાં આરપાર જતી રહી...

નયનની એટલી દયનીય સ્થિતિ જોઈને એક સમય માટે અન્વય અને બધાં જ પરિવારજનો પીગળી ગયાં...એમને થયું કે એ લોકો એક સમય માટે નયનને છોડી દેવાનું કહે...પણ નયનનાં જીવનભરનાં ઉધારજમાનાં ચોપડામાં એવી કોઈ બચત જ નહોતી જે તેને હવે આત્માનાં પ્રકોપથી બચાવી શકે...

નયન : "તું કોણ છે ?? અને મારી સાથે આ બધું શું કામ કરી રહી છે ?? મેં તારું શું બગાડ્યું છે ?? હું તો તને કે આ બધાં કોઈનેય ઓળખતો નથી.."

રાશિની આત્માએ પોતાનાં લાંબા અણીદાર ને વડે નયનનાં એ ગાલ પર લિસોટો કરી દીધો... ત્યાં એક ગોરાં ચહેરા પર ઉઝરડો દેખાઈ ગયો...પણ એને થયેલી એ પીડા નયનનાં મુખ પર સ્પષ્ટપણે વર્તાવા લાગી...

એકાએક આખી હવેલીમાં ઘોર અંધકાર છવાઈ ગયો..‌ને ભયંકર અવાજો આવવાં લાગ્યાં...નયન હજું તેનાં સ્વભાવ મુજબ ભાગવાનો એક નિષ્ફળ પ્રયત્ન કરવાં ગયો પણ એ પહેલાં જ કોઈએ કચકચાવીને એનો હાથ પકડ્યો અને હવેલીમાં રહેલી મશાલો જાતે જ પ્રજ્વલિત થઈ ગઈ....નયને એક ચહેરો જોયો ને ગભરાઈ ગયો...

નયન :" રાશિ...તે તો વર્ષો પહેલાં રાજહવેલીમાં આત્મહત્યા કરી હતી અહીં કેમ ??"

લીપીનાં ચહેરામાં જ એક રાશિનો સુંદર ચહેરો આજે વર્ષો બાદ નયનની સાથે સૌએ જોયો ને ખરેખર અનુભવ્યું કે રાશિને કલ્પના કરી હતી એનાં કરતાં પણ લાખોગણી વધારે સુંદર છે...એ ખરેખરમાં કેવી અદ્ભૂત હશે !!

રાશિની આત્મા જોરજોરથી હસવા લાગી ને બોલી, "તે મારાં શરીરને મારી નાખ્યું તું પણ મારી અતૃપ્ત આત્માને નહીં..એ આજે હવે તારો એક કમકમાટીભર્યો દર્દનાક અંત થશે ત્યારે આજે પાંચ આત્માઓ મુક્ત થશે..ને એ સાથે જ આ હવેલી આત્મામુક્ત બની જશે ને મેં જેનું શરીર ધારણ કર્યું છે એ પણ સદા માટે મુક્ત થઈ જશે...."

નયન હજું પણ નફ્ફટાઈની હદ વટાવતો બોલ્યો, " પણ તું હતી જ એટલી સુંદર કે હું મારી જાતને નહોતો રોકી શકતો... મેં તને પ્રેમથી કહ્યું તું પણ તું માની નહીં તો હું શું કરું. મારી પાસે તને પામવા બીજો કોઈ રસ્તો જ નહોતો..."

રાશિ : " સાચો પ્રેમ તો બલિદાન માગે...પણ તું તો દેહનો ભુખ્યો છે...પ્રેમ એકથી થાય હજારોથી નહીં.. કેટલાંય લોકોને તે આમ ભોગવ્યાં છે...લોકોને છેતર્યા છે..અરે ! ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનીને તારી પાસે આવતાં લોકોનાં ભોળપણનો સરેઆમ આટલાં વર્ષો ફાયદો જ ઉઠાવ્યો છે..આ તો કદાચ ગયાં જન્મની કોઈ જમાપૂંજી હશે કે આટલાં વર્ષો તું આમ મોજ કરતો રહ્યો... મારાં મૃત્યુ બાદ પણ આ કરતો રહ્યો. ને બધાંનાં શરીરમાં પ્રવેશીને તને મારીને મારી તેમજ અનેક લોકોની આત્માને તૃપ્તિ માટે પ્રયત્ન કર્યો...પણ આ બાબાઓનાં ઢોંગી ઈલાજોએ એમને આત્માથી મુક્ત કર્યાં પણ હું એમ જ ફરતી રહી.‌..ને છેલ્લે તે કરાવેલી પાંચ વર્ષ મને બાંધી રાખવાની વિધિ બાદ તું એ વાત જ ભૂલી ગયો ને મને એક મોકો મળી ગયો...વળી મારી આત્મા એવી જ વ્યક્તિનાં શરીરમાં પ્રવેશવા શક્તિમાન હતી જેમનો પ્રેમ આ કળયુગમાં પણ એટલો જ નિર્મળ હોય એક પ્રિત એવી કે જેનો પડછાયો પણ એટલો જ નિર્મળ હોય...એ મારાં ને શિવાયના મિલનનો દિવસને મને લીપીનો દેહ મળી ગયો...ને પછી એક કહાની શરું થઈ....!!

રાશિની આત્મા બધાં તરફ જોતાં બોલી, " મારો પણ આવો જ હસતો રમતો સુખી પરિવાર હતો....એકમેકનું પ્રતિબિંબ... સમર્પણની સ્વીકૃતિ...પરિવાર તો ઠીક મારી જે બીજી માં બની ગઈ હતી એવી જેક્વેલિન ચાચીને પણ તે આ દુનિયામાંથી વિદાય આપી દીધી..."

નયન : " મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે. હવે હું એવું કંઈ નહીં કરૂં.. હજું તો રાત્રે અબજોની જમીનની પ્રોપર્ટી માટે ડીલ કરીને આવ્યો છું.. મારાં બહું સપનાંઓ જોડાયેલા છે એની સાથે."

રાશિ : "તે એક સારું કામ કર્યું છે તારાં એ રાક્ષસી પિતાનો તે જ નિષ્ઠુરતાથી વધુ કરી દીધો...એ સાથે મારાં નાનાનીનીને દાદા દાદી તથા મારાં મામાને હંમેશાં માટે મુક્તિ અપાવી દીધી...એટલે હું તને છોડી દઉં છું...બસ તું જા તને જવાની છૂટ છે..."

અન્વય કે બીજાં બધાં કોઈને કંઈ જ સમજાતું નહીં કે આ રાશિની આત્મા શું કરી રહી છે... એકબાજુ તેનો ખેલ ખતમ કરીને એની મુક્તિ માગે છે બીજીબાજુ એ એને જવાં માટે કહી રહી છે...

નયન તો આ તકની જ લાભ જોઈ રહ્યો હતો. એ લથડતાં લથડતાં પણ હવેલીની બહાર જવા લાગ્યો‌...રાશિની આત્મા પાછળ ઉભી ફક્ત હસી રહી હતી. બધાં એકબીજાંની સામે જોવાં લાગ્યાં કે આ શું થઈ રહ્યું છે.

ને તરત રાશિની આત્મા ક્યાંક એક પતંગિયાંની માફક બહાર નીકળી ગઈ. લીપી પણ એની સાથે જ ગાયબ થઈ ગઈ. બધાં લીપી પણ ગાયબ થતાં ચિંતામાં આવી ગયાં કે નયન પણ ભાગી ગયોને લીપી પણ ગાયબ...હવે લીપીને શોધવી કેમ ?? બધાં પાછળ પાછળ બહાર આવ્યાં. બહાર ગાડી તૈયાર જ હોય છે. અંદર મંદ મંદ હાસ્ય કરી રહેલો શિવમ સૌને એમાં બેસવા આવકારે છે... બધાં ગભરાતાં ગભરાતાં બેસી ગયાંને ગાડી ચાલવા લાગી...

રસ્તામાં ક્યાંય નયન ન દેખાયો. બધાંને મનમાં નક્કી થઈ ગયું કે નયન ભાગી ગયો...પણ એકાએક પુરપાટ વેગે ગાડી ચાલ્યાં બાદ એક ગીચવસ્તીવાળાં વિસ્તારમાં ગાડી ઉભી રહી... લોકોનું ટોળું ભેગું થયેલું છે.. બધાં ઉતરીને કંઈક આશંકાઓ સાથે એ તરફ ભાગ્યાં.

લોકોનાં ટોળાંને વિખેરતી પોલીસની ગાડી આવી ગઈ. અન્વયે જોયું તો લોકોનાં મારથી મોતનાં મુખમાં પહોંચેલો નયન છે...ને સાઈડમાં ઉભેલી જોરજોરથી રડી રહેલી એક છોકરી છે.

બધાં જોવાં લાગ્યાં કે આ તો રાશિ જેવો જ ચહેરો છે પણ રાશિ નથી. પોલિસ ત્યાં ધેરાયેલા લોકોને પુછવા લાગી," શું થયું ?? કેમ આ વ્યક્તિની આવી હાલત કરી છે ??"

ટોળામાંનો એક વ્યક્તિ ગુસ્સામાં બોલ્યો, " આ નરાધમે આ સામે રહેલી દીકરી પર બળાત્કાર કર્યો છે અને હવે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. એની સુંદરતાને વેરવિખેર કરી નાખી.."

પોલિસ : " તારૂં નામ દીકરી ??"

એ છોકરી રડતાં રડતાં બોલી, " સૌમ્યા વિરાજ..."

આ નામ સાંભળતા જ અન્વય અને અપુર્વ એકબીજા સામે જોઈને ચોંકી ગયાં...

પોલીસે થોડાં લોકોને પોલીસ સ્ટેશન જવાં કહ્યું અને નયનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાં કહ્યું..‌.. લોકોનું ટોળું જોતજોતામાં વિખરાઈ ગયું...

એમ્બ્યુલન્સ આવતાં જ એણે નયનને ચેક કરતાં કહ્યું, " હી ઈઝ નો મોર...ને એક શબવાહિની માટેની વાનને બોલાવીને એ જતાં રહ્યાં."

ટોળું વિખરાતા એ છોકરી સરકીને અન્વયની નજીક આવતાં બોલી, " તારી લીપીમાં આ મારી સૌમ્યા માતાનો ચહેરો આવી ગયો છે કેટલાક વર્ષો પહેલાં મૃત્યુ પામી છે ને આજે લોકો દ્વારા જ આ નયનનું પ્રાણપિખેરુ ખૂબ દયાજનક રીતે ઉડી ગયું...."ને એકાએક છોકરી ગાયબ થઈ ગઈ.

નયન તો મૃત્યુ પામ્યો પણ લીપી તો ન મળી હજું શું જોઈએ છે આત્માને ??

પાછળ શિવાયની આત્મા આવીને બોલી, " બસ છેલ્લો પડાવ..." કહીને થોડે દૂર એણે ગાડી તરફ ઈશારો કર્યો. ને બધાં જ ત્યાં પહોંચી ગયાં.

ફરી એક સફર શરું થઈ અન્વય બહું ચિંતામાં છે. એને લીપી હવે પાછી મળશે કે બહું મોટો સવાલ થઈ ગયો છે... છતાંય બસ હવે કુદરત પર બધી જ આશા છોડીને અન્વયની સાથે જ બધાં પરિવારજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે....થોડી જ વારમાં ફરી એકવાર બધાં હવેલીમાં આવી ગયાં.

આખી હવેલી એક શાંત જગ્યા બની ગઈ છે. બધી જ મશાલો બુઝાઈ ગઈ....સૌએ જોયું કે એ રાશિની આંખમાંથી પડતું એ આંસુ આજે સાચે જ આંસુ સ્વરૂપે પડ્યું અને એ સાથે જ આખી હવેલીમાંથી ભય ગાયબ થઈ ગયો...એક સુંદર, સ્વચ્છ હવેલી બની ગઈ.

ત્યાં જ થોડીવારમાં એક સ્ત્રી ત્યાં હવેલીમાં આવી.. સુંદરતાનો એ પણ બીજો પર્યાય...પોતાનો પરિચય આપતાં બોલી, " હું નિયતિ..ખબર નહીં કુદરતી મને કંઈ સંકેત મળ્યો અને આજે વર્ષો બાદ મને અહીં આવવાં મજબૂર કરી દીધી. પણ તમે લોકો કોણ છો ?? "

અન્વયે ટુંકમાં બધી વાત જણાવી. ત્યાં જ એક અવાજ આવ્યો ઉપરથી બસ હવે છેલ્લું કામ કરોને અમને મુક્તિ આપો...મારી મુક્તિ ખાતર તમને લોકોને બહું પરેશાન કર્યાં...પણ બસ એ નયનનું મૃત્યુ થયું ને હવે મારી સાથે મારાં માતા-પિતા, જેક્વેલિનચાચીને શિવમ પણ હવે એક મુક્તિ મેળવી લેશે... જ્યારે એક દૃષ્ટ વ્યક્તિને બીજાં વ્યક્તિઓ એમનાં કર્મોની સજા આપી શકતાં નથી ત્યારે કમોતે મરેલાં લોકોની આત્મા અતૃપ્ત રહેતાં ભટક્યા કરે છે....બસ આ એક જગ્યાને ખોદીને ત્યાંથી અમારી લાશને કઢીને અગ્નિદાહ આપી દો...આ હવેલી કાયમ માટે પહેલાંની જેમ ધમધમતી બની જશે....એનો બધો જ હક આમની પાસે રહેશે જે આ કબાટમાં છે..."

નિયતિની સામે એક આત્માએ ઈશારો કરતાં કહ્યું આથી નિયતિએ એ કબાટ ખોલ્યું...અંદર આખી હવેલીની પ્રોપર્ટીનાં કાગળો છે...હવે રાજાશાહીનાં અંત બાદ એ એમનાં વારસદાર ગણાય પણ એ સરકાર દ્વારા એમને એમની રોયલ્ટી મળી શકશે...અન્વયે પણ એ કાગળો જોયાં ને આ માટે તેને મદદ કરવાં માટે કહ્યું...જેથી નિયતિને એક શાંતિ થઈ...

**************

થોડી જ વારમાં બધાંએ ત્યાંથી થોડી વસ્તુઓની મદદથી ખાડો ખોદીને રાશિ અને વિરાજની એ કોવાયેલી લાશને બહાર નીકાળી...અને સહેજ બહારનાં ભાગમાં બંનેની લાશને અગ્નિદાહ અપાયો....એ સાથે જ બધાંએ રાશિ અને શિવાયની આત્માને ખુશીથી એકરૂપ બનીને હવામાં વિલીન થતાં જોઈને એ સાથે જ દીદાર હવેલીનો દીદાર બદલાઈ ગયો...એક શુકૂનનો અનુભવ થવાં લાગ્યો. હવાની ઠંડી લહેરો અનુભવવા લાગી...

અન્વય : "લીપી ક્યાં ?? એ તો ન દેખાઈ..."

બધાં આમતેમ શોધવાં લાગ્યાં...ને એક રૂમમાં એ મોટાં બેડ પર સુતી દેખાઈ..અન્વય ઝડપથી પહોંચ્યોને હલાવી. આજે ઘણાં સમય જાણે આળસ મરડીને એક ખુશીથી હલકાં મન સાથે ઉઠીને અન્વયને જોઈને એને ભેટી પડી....!!

બીજાં દિવસે જ સવારે મહારાષ્ટ્રનાં બધાં જ ન્યુઝપેપરમાં મુખ્ય સમાચારમાં હેડલાઈન હતી, " ખ્યાતનામ ડૉ.નયન આહુજાનું શરમજનક કૃત્ય...લોકોએ જ બોલાવ્યો ખાત્મો.."
એ સમાચાર અન્વયે ઓનલાઈન ન્યુઝપેપરમાં જોયાં. બધાંને ખૂબ જ શાંતિનો અનુભવ થયો.

ફરી એકવાર નિયતિએ આ હવેલીને પહેલાં જેવી સુંદર, રમણીય અને ભયમુક્ત બનાવી દીધી. થોડાં જ સમયમાં નજીકમાં જ આલીશાન બંગલાને હોટેલો, રેસ્ટોરન્ટની બિલ્ડરો દ્વારા યોજનાઓ બહાર પડવાં લાગીને હવેલીની જાહોજલાલીને લીધે બહું ઉંચા ભાવે વહેંચાવા લાગી....!! હવેલીની રમણીયતાને કલાત્મકતાને નીહાળવા દેશવિદેશથી લોકો આવતાંને ભરપેટ વખાણ કરતાં.

અન્વય અને લીપીએ આજે ફરી એક નવી જિંદગીની શરૂઆત કરી...આજે ફરી એકવાર તે અન્વયની ફેવરિટ નાઈટી પહેરીને આવીને અન્વયને વીંટળાઈ ગઈને એને ચુંબનોથી નવરાવી દીધોને જાણે બંને વર્ષો બાદ એકબીજાંને મળ્યાં હોય એવો રોમાંચ અનુભવતાં તનમનથી હંમેશા માટે એક બની ગયાં...!!

સાથે જ અપુર્વ અને આરાધ્યાનાં સૌની હાજરીમાં વિધિવત શાહી લગ્ન યોજાયાંને બે હૈયાં કાયમ માટે એક થઈ ગયાં..!! બસ દરવર્ષે એકવાર દીદારહવેલી સૌ બે દિવસ રહેવા જવાનાં નિયતિનાં પ્રેમભર્યા આવકારને સૌએ સ્વીકારી લીધો અને બધાં જ આજે વર્ષો પછી પણ દર વર્ષે ત્યાં એકાદ બે વાર અચૂક જાય છે !!

" સંપૂર્ણ "

*. *. *. *. *.

આપને આ ધારાવાહિક કેવી લાગી.. આપનાં અમૂલ્ય પ્રતિભાવ અચૂક આપશો એવી આશા રાખું છું..

ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"