Preet ek padchhayani - 8 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૮

અન્વય માંડ માંડ બોલ્યો, તમે અહીં ??

સામેવાળી વ્યક્તિ એક ગુઢ હાસ્ય સાથે બોલી, હા હું અહીં...કેમ શું થયું ??

એટલામાં જ પ્રિતીબેન અને અપુર્વએ પણ એ વ્યક્તિને ત્યાં નજીક આવીને જોયો તો એ પણ અવાક થઈ ગયાં..

અન્વય : તમે જ હતાં ને જે મારી પત્નીને એમ્બ્યુલન્સમાં ઈમરજન્સીમાં માથેરાનથી હોસ્પિટલ લઈ આવ્યા હતાં ??

અપુર્વ અન્વયનાં ખભા પર હાથ મૂકી બોલ્યો, ભાઈ આ તો આપણને અહીં સુધી લાવ્યા એ ગાડીનાં ડ્રાઈવર છે તમે ભુલી ગયાં??...પણ તમે તો ગાડી લઈને ત્યાંથી નીકળી ગયાં હતાં તો અહીં કેવી રીતે ??

અન્વયને કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે અત્યારે...તેને એ બરાબર યાદ છે કે આ જ ભાઈ હતાં એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર...અને અપુર્વ ગાડીનાં ડ્રાઈવર કહે છે....

અન્વય મનમાં વિચારે છે તો બંને જગ્યાએ એ કેવી રીતે હોઈ શકે?? સામેવાળી વ્યક્તિ તો કંઈ બોલતી જ નથી કે કંઈ જવાબ પણ આપતી નથી... અન્વયને આ બધામાં સમય બગાડવો યોગ્ય ન લાગતાં તે બોલ્યો, જેક્વેલિન સિસ્ટર ક્યાં રહે છે ??

તે વ્યક્તિ બોલી, જેકી..મારી જેકી ?? અહીં બાજુનાં ઘરમાં એમ કહીને જોરજોરથી રડવા લાગ્યો...

પ્રિતીબેન : શું થયું ભાઈ ?? કેમ રડો છો ?? તમે શું થાવ એમનાં??

પ્રિતીબેનનાં વાક્યોની જાણે એનાં પર કંઈ અસર નાં થઈ..કોઈને કંઈ સમજાયું નહીં...તેણે કોઈ જવાબ ન આપ્યો અને વધારે જોરથી હિબકે હિબકે રડવા લાગ્યો.

અપુર્વ સીધો બાજુનાં ઘર પાસે ગયો..તેને થયું કે અહીં કોઈ રહસ્યમય બધું લાગી રહ્યું છે... ત્યાં જઈને તેણે એ બીજો લાકડાંનો દરવાજો ને ખખડાવવા ગયો ત્યાં તો દરવાજો ખુલી ગયો...અપુર્વ એ નજર કરી તો અંદર ધુમાડો હતો...અંદર કોણ છે શું છે કંઈ જ દેખાતું નહોતું...અપુર્વએ અંદર જવા વિચાર્યું પણ કંઈ દેખાય તો એ આગળ વધે ને??

અન્વય હજુ આ બધી મુંઝવણમાં જ છે કે આ બધું શું થઇ રહ્યું છે. એટલામાં પ્રિતીબહેને અન્વયને કહ્યું, ચાલ બેટા આપણી પાસે સમય બહુ ઓછો છે...લીપીને હજું સારી કરવાની છે તે ભાનમાં પણ નથી આવી...હવે તો ભગવાન પણ આપણી પ્રાર્થના નથી સાંભળી રહ્યાં. ત્યાં અપુર્વ ગયો છે બાજુમાં ત્યાં એ સિસ્ટરને મળી લઈએ...

અન્વય : મમ્મી એવું ન બોલો.. ભગવાન ક્યારેય આપણું ખરાબ નહીં કરે...આપણે કોઈનું ખરાબ નથી કર્યું.

અંતર બહુ જ ઓછું હતું છતાં શું થશે કોને ખબર?? અન્વય અને પ્રિતીબેન ત્યાં પહોંચે એ પહેલાં જ એક લોહીથી ખદબદ...ને ઉપર કાળાં બાળવાના નિશાન એવું કંઈક દેખાતું હતું...અપુર્વને ફક્ત એક એ હાથ જ દેખાયો...શરીરનો બીજો કોઈ જ ભાગ નહીં...એ ધીમે ધીમે નજીક આવતો ગયો‌.. ધુમાડાની વચ્ચે એક હાથ જ સ્પષ્ટ દેખાતો હતો એ હવે તેની તરફ આવી રહ્યો છે.જેમ જેમ નજીક આવવા લાગ્યો તેમ તેમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી...અપુર્વ બહાર નીકળવા પ્રયત્ન કરવાં લાગ્યો પણ જાણે એનાં પગ એ જગ્યાએ સ્થિર થઈ ગયાં છે...એ હલી જ નથી શકતો બહાર જવા માટે...એણે જોયું પણ ખરૂં કે અન્વય અને પ્રિતીબેન એની તરફ આવી રહ્યા છે પણ તેનાં મોઢામાંથી શબ્દો જ નીકળતાં બંધ થઈ ગયાં...તે કંઈ બોલી ન શક્યો... એટલામાં જ પ્રિતીબેનની અપુર્વ પર નજર પડતાં એમને લાગ્યું કે અંદર કંઈક અજુગતું છે એટલે એ લોકો ત્યાં ફટાફટ આવવા લાગ્યાં...પણ એ પહોંચે ત્યાં સુધીમાં તો એ હાથ અપુર્વની એકદમ નજીક આવી ગયો...અને ઝાટકા સાથે તેને અંદર ધસડી ગયો.....અને ફટાક કરતો દરવાજો બંધ થઈ ગયો......

*. *. *. *. *.

લીપી આંખો બંધ જ રાખીને થોડી હલવા લાગી.. આમતેમ પડખાં ફેરવવા લાગી...આ જોઈને પરેશભાઈ એકદમ ઉભાં થઈને લીપી પાસે આવ્યાં ને બોલ્યાં, શું થયું બેટા?? આંખો તો ખોલ..આ તારાં પપ્પા તારી પાસે જ છે....

તે આંખો બંધ હોવા છતાં તે બોલી લાઈટ બંધ કરો... બહું અજવાળું છે... મારાથી સહન નથી થતું...મને કોઈ બચાવી લો...મને કંઈ નહીં થાય ને??

પરેશભાઈ : બેટા લાઈટ તો બંધ છે‌.. તું આંખો ખોલીને તો જો... એકવાર તો મારી સાથે વાત કર દીકરા... તારાં પપ્પા તને કંઈ નહીં થવા દે ‌

પરેશભાઈ આ બોલી રહ્યા હતાં ત્યાં જ દીપાબેન પાણીની બોટલ ભરીને અંદર આવ્યાં...ને ફટાફટ લીપી પાસે આવીને બેસી ગયાં ને બોલ્યાં, બેટા એકવાર તો ઉઠ જો બધાં તારી રાહ જોઈ રહ્યા છે...તારી કેટલી ચિંતા થાય છે અમને...

એટલામાં જ લીપીએ પરેશભાઈનો હાથ પકડ્યો અને આંખ ખોલી..તેની આંખો લાલ છે...પણ તે અત્યારે નોર્મલ રીતે વાત કરી રહી છે...તે બોલી પપ્પા હું ક્યાં છું?? આ તો કોઈ હોસ્પિટલ જેવું લાગે છે..પણ હું અહીં ક્યાંથી આવી ??
અન્વય ક્યાં છે ?? અમે તો હનીમૂન માટે ગયાં હતાં ને ??

એ લોકોને સમજાઈ ગયું કે લીપીને એ લોકો ગયાં ને આ ઘટનાં બની પછીનું તેને કંઈ ખબર નથી...લીપીને શરીરમાં બહુ અશક્તિ લાગવા લાગી છે. તે ઉભી થવા માટે પ્રયત્ન કરવાં લાગી...દીપાબેન અને તેનાં પપ્પાએ તેને સપોર્ટ કર્યો પણ તેને આંખોમાં અંધારાં આવવા લાગ્યાં...એટલે એ લોકોએ તેને ફરી સુવાડી દીધી...

તે હવે સંપૂર્ણ ભાનમાં આવી ગઈ છે...પણ હજું તેનું વર્તન હજું પણ એટલું પહેલાં જેવું નોર્મલ નથી લાગી રહ્યું...તેને શરીરમાં દુખાવો થઈ રહ્યો છે...

દીપાબેન અન્વયનાં પપ્પાને ફોન કરે છે...તે હમણાં આવું છું કહીને ગયાં હતાં લગભગ અડધો કલાક થઈ ગયો પણ હજુ આવ્યાં નહોતાં. તેમનો ફોન પણ નોટરિચેબલ બતાવતો હતો..તેમણે અન્વય અને પ્રિતીબેન બધાંને ફોન કર્યા પણ કોઈની સાથે તેમની વાત થતી નથી.

તેમણે પરેશભાઈ ને પણ તેમના ફોનમાંથી ફોન કરવા કહ્યું પણ કોઈને ફોન ન લાગ્યો. એટલામાં એક સ્ટાફે આવીને કહ્યું કે તમારે રૂમ બદલવો હોય તો એક બીજો ડિલક્સ રૂમ ખાલી થયો છે... શાંતિથી સુઈ રહેલી લીપી એકદમ જાણે ગુસ્સે થઈને બોલવાં લાગી...નથી બદલવાનો રૂમ..તમને કંઈ તફલીક છે અમારા અહીં રહેવાથી ??

એ સ્ટાફ એકદમ ગભરાઈ ગયો..કારણ કે સ્પેશિયલ રૂમવાળા પેશન્ટ જો ફરિયાદ કરે તો સ્ટાફનું આવી બને.એ ધીમેથી ગભરાતાં ગભરાતાં બોલ્યો, એ તો પેલાંભાઈ હતાં ને એમણે અમને ગઈકાલે કહ્યું હતું પણ કાલે તો ખાલી નહોતો રૂમ એટલે આજે ખાલી થયો તો કહેવા આવ્યો. પરંતુ પરેશભાઈ સમજી ગયાં એટલે તેમને સાઈડમાં લઇ ગયાં અને બોલ્યાં, હા કંઈ વાંધો નહીં. જરૂર હશે તો કહીશું...એ સાંભળીને એ સ્ટાફ તરત ત્યાંથી નીકળી ગયો.

લગભગ કલાકેક પછી નિમેશભાઈ હોસ્પિટલ આવ્યાં. તેમની પાસે એક થેલી જેવું છે તેમાં કંઈક વસ્તુઓ છે. પણ રૂમમાં પ્રવેશતાં જ લીપીને જાગતી જોઈને તે સંતાડીને સાઈડમાં મુકી દે છે.આ વાત પરેશભાઈ અને દીપાબેને નોંધી...પણ એમને એમાં કંઈ તથ્ય લાગતાં તેમણે કંઈ પણ પુછ્યું નહીં અત્યારે.

નિમેશભાઈએ લીપીને પુછ્યું, કેમ છે બેટા?? સારૂં છે ને ??
લીપી : પપ્પા અન્વય ક્યાં છે ?? હું અહીં કેમ આવી એ આ લોકો તો કંઈ કહેતાં નથી...

નિમેશભાઈ : તારી તબિયત થોડી સારી નહોતી એટલે તને અહીં લઈ આવ્યાં હતાં બતાવવા. હમણાં અન્વય આવશે જ તેનું કામ પતાવીને..

લીપી : પપ્પા મને તમે ઘરે ક્યારે લઈ જશો?? મને ઘરે જવું છે.

પરેશભાઈ અને દીપાબેન એકબીજા સામે જોવાં લાગ્યાં કે હમણાં તો એ આ રૂમમાંથી પણ બહાર જવાની ના પાડતી હતી અને હવે ઘરે જવા માટે તૈયાર છે ??

પરેશભાઈ બીજું કંઈ પણ બોલ્યાં વિના એટલું બોલ્યાં, નિમેશભાઈ હવે લીપીને આપણે ઘરે જ લઈ જઈશું...બને એટલાં વહેલાં...હે ને લીપી બેટા??

લીપી ફરી નાનાં બાળકની જેમ બોલી, હા મને ઘરે જવું છે...

પરેશભાઈ ધીમેથી બોલ્યાં, લીપીને આજે જ ઘરે લઈ જઈએ... અન્વયને આવે કે તરત જ નીકળી જઈશું... ત્યાં સુધી હોસ્પિટલની બધી પ્રોસિજર પતાવી દઈએ...

લીપી શાંતિથી બેડ પર બેઠી છે...એટલે તેના સાસુ તેને થોડું ફ્રુટ્સને સમારીને આપે છે કે સરસ શાંતિથી વાત કરતી લીપીએ એ ડીશને ધક્કો મારી ને ફેકી દીધી ને બોલી, હું કોઈ દિવસ ફ્રુટ ખાઉં છું ?? એટલી પણ ખબર નથી પડતી??

દીપાબેન એકદમ ડધાઈ ગયાં..નિમેશભાઈએ તેમને ઈશારો કર્યો એટલે એ કંઈ બોલ્યાં વિના ચુપ રહ્યા...એટલે નિમેશભાઈ બોલ્યાં, તને શું ભાવે છે ?? તું શું ખાઈશ ??

લીપી : મને તો રોજ ચીકનમટર જોઈએ તમને નથી ખબર ??

આ સાંભળીને બધાં જ આશ્ચર્ય ચકિત થઈ ગયા...કારણ કે તે લોકો એકદમ ચુસ્ત બ્રાહ્મણ છે... ક્યારેય નોનવેજ ચાખવાની વાત તો દુર તેને અડ્યા કે જોયું પણ નથી...અને એમાં પણ દીપાબેન તો એકદમ રૂઢિચુસ્ત છે એ તો આવી વસ્તુની વાત પણ ન કરવાં દે....લીપીએ પોતે પણ જિંદગીમાં કોઈ દિવસ ચાખ્યું નથી..

ત્યાં લીપી બોલી, શું ઉભા રહ્યાં છો બધાં આમ?? મારા માટે લઈ આવો..મને બહુ ભુખ લાગી છે...અને મને ભુખ જરાં પણ સહન નથી થતી... હું ભુખ લાગે અને જો જમવા ન મળે તો શું કરૂં છું એ તો તમને હવે ખબર છે ને કે ભુલી ગયાં એ પણ ???

નિમેશભાઈ : હા બેટા હું લઈને આવું કહીને રૂમમાંથી બહાર નીકળ્યાં ને ક્યાંક બહાર ગયાં.

શું નિમેશભાઈ જે તેમની પુત્રવધુના કહ્યાં મુજબ ચીકનમટર લઈ આવશે ?? જો નહીં લાવે તો શું કરશે લીપી ?? શું થયું હશે અપુર્વ સાથે ?? અન્વય અને પ્રિતીબેન શું કરશે હવે ??

હજુ તો ખુલશે ઘણાં રહસ્યો, રોમાંચ માટે વાંચતાં રહો, પ્રિત એક પડછાયાની - ૯

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED