Right Angle - 14 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 14

રાઈટ એંગલ

પ્રકરણ–૧૪

ઉદયભાઇ આમ બોલીને જતા રહ્યાં તેથી ધ્યેય સામે કશિશ જોઇ રહી કે એ શું રિએક્શન આપે છે પણ એના ચહેરા પર કોઈ હાવભાવ દેખાયા નહી.

‘બોલ ક્યુ મૂવી જોવું છે? ઇગ્લિંશ?‘ ધ્યેયએ એને ભણતો જ સવાલ કર્યો એટલે ઉદયભાઇએ જે ધમકી આપી તે વિશે કશિશ કશું કહેવા જતી હતી તે માંડી વાળીને એ બોલી,

‘નોઓ.....નો ઇગ્લિશ મૂવી...એઝ યુ નો હું તો હિન્દી ફિલ્મની આશિક છું. તારી ઇંગ્લિશ મૂવી સાવ ધડમાથાં વિનાની હોય છે. આમ તો તું કહ્યાં કરે છે કે હિન્દી મૂવી સાવ લોજિક વિનાની હોય છે પણ મને કહે કે સ્પાઈડર મેનથી લઇને હલ્ક સુધીની ઇંગ્લિશ મૂવીમાં ફેન્ટસી સિવાય ક્યું લોજીક હતું?‘

કશિશની લાંબી લચક દલીલ સાંભળીને ધ્યેય ખડખડાટ હસી પડ્યો,

‘તું સાયન્સની સ્ટુડન્ટ છે પણ સાવ લોજીક વિનાની દલીલ કરે છે.‘

‘ઓહ. રિયેલી? સાયન્સના નામ તમે મનફાવે તેવા લોજીક કરો તે થોડું ચાલે?‘ કશિશની વાત સાંભળીને ધ્યેય બોલ્યો,

‘અને તારા હિન્દી મૂવીમાં તમારો હીરો એક સાથે પચાસ પચાસના ઢીમ ઢાળી દે તેમાં ક્યુ લોજીક આવ્યુ?‘

‘લે મેં ક્યારે કહ્યું કે હિન્દી ફિલ્મમાં કોઈ લોજીક હોય છે?‘ એની દલીલ સાંભળીને ધ્યેયએ બે હાથ કશિશ સામે જોડતાં કહ્યું,

‘મારી મા...મને બક્ષ...હું નથી ઇગ્લિશ મૂવી બનાવતો કે નથી પ્રોડ્યુસ કરતો. આપણે હિન્દી મૂવી જોઇશું. બસ!‘ કશિશે એની સામે હસીને વિજયી સ્મિત ફરકાવ્યું.

બન્ને ઓફિસમાં ગયા. ધ્યેયે આજના બધાં કેસ રાહુલને સમજાવી દીધાં ને કેમ હેન્ડલ કરવા તેની સૂચના આપીને એ અને કશિશ કોર્ટ પ્રિમાસિસમાંથી બહાર આવ્યા. કશિશની કારમાં બન્ને બેઠાં કે તરત કશિશ બોલી,

‘ઉદયભાઇના વર્તનથી તું હર્ટ થયો હોય તો આઇ એમ સોરી!‘

ધ્યેયએ જવાબમાં સ્માઇલ કર્યું, પછી બોલ્યો,

‘લુક કિશુ...તું આજે ફ્રેશ થવા ઇચ્છે છે ને? ધેન ફરગેટ એવરીથીંગ...જસ્ટ એન્જોય એન્ડ ટ્રસ્ટ મી હું એમને સંભાળી લઇશ...સો નો મોર ટોક અબાઉટ ઇટ! ઓ.કે?‘

‘ઓ.કે.!‘ કશિશે કહ્યું. એ પછી સાંજ સુધી બન્નેમાંથી એકપણ જણે કેસનો ઉલ્લેખ ન કર્યો. બન્ને ખૂબ ફર્યા. ખૂબ મજાક–મસ્તી કરી. એક રેસ્ટોરન્ટમાં જમ્યાં. હિન્દી મૂવી જોઇ અને લાસ્ટમાં એક ગારમેન્ટ મોલમાં ઘૂસ્યા. ત્યાં ધ્યેયએ અનેક ટાઇપના ડ્રેસીસ ટ્રાય કરીને કશિશને ખૂબ હસાવી. સાંજે મોડેથી બન્ને ધ્યેયના ઘર પાસે આવ્યા એટલે ધ્યેય વિવેક કર્યો,

‘ચાલ ઘરમાં!‘

‘ના...હવે જાઉ. બહુ મોડું થઇ ગયું..‘ ધ્યેય ગાડીનું ડોર ખોલીને નીચે ઊતરવા ગયો ત્યાં કશિશ બોલી,

‘ધી, થેન્કસ ફોર એવરીથીંગ!‘

ધ્યેયએ થમ્સ અપની નિશાની કરીને બોલ્યો,

‘યુ આર ઓલ્વેઝ વેલકમ ડિયર!‘

કશિશે વેવ કર્યું અને કશિશ ગઇ ત્યાંસુધી એ બહાર ઊભો રહ્યો. પછી ધ્યેયએ ઘરમાં જઇને પહેલું કામ ઉદયભાઇને ફોન લગાવવાનું કર્યું. સામેથી બીજી જ રીંગે ફોન ઉચકાયો એટલે તરત ધ્યેય બોલ્યો,

‘લિસન મી ફર્સ્ટ, કોઈ ગુસ્સો નહીં જોઇએ. મારાં ઘરે આવી જા. પૂરી વાત સમજાવું છું. પછી તારે જે બોલવું હોય તે બોલ જે. હું રાહ જોઉં છું!‘ અને ધ્યેયએ ફોન કટ કરી નાંખ્યો. અને દસ મિનિટમાં ધ્યેયના ઘરની બહાર ગાડી પાર્ક થવાનો અવાજ આવ્યો અને ધ્યેયના ચહેરા પર સ્મિત આવ્યું!

‘જો, ઉદય પહેલાં જ કહી દઉં છું. એલફેલ બોલ્યા વિના તું જે પૂછીશ તેના જવાબ આપીશ પણ ગાળી ગલોચ કરી છે તો કોઇ વાતના જવાબ નહીં આપું.‘

ઉદય જેવો ઘરમાં દાખલ થયો કે તરત જ ધ્યેયએ એને ચીમકી આપી દીધી. ઉદય એટલું તો સમજતો હતો કે સામે ભલે દોસ્ત હોય પણ એ નામી વકીલ છે એટલે સમજી વિચારીને બોલવામાં સાર છે. પણ એને મનમાં ખટકો હતો કે રાતોરાત કેમ કશિશે એના પર કેસ કર્યો?

‘જો, હું ય તારી સાથે લડવા ઝઘડવા નથી આવ્યો. પણ મને એ કહે કે રાતોરાત એવું શું થયું કે કશિશે મારા પર કેસ ઠોકી દીધો.‘ ઉદયે પૂછયું એટલે ધ્યેયએ એની સામે નજર મિલવાતા કહ્યું,

‘એ વાતની તને ખબર હોય કે મને?‘ ધ્યેયએ સામો સવાલ કર્યો એટલે ઉદય એને તાકી રહ્યોં અને પછી ભડક્યો.

‘જો પાછી વકીલગીરી ચાલુ કરી.‘

ધ્યેય એની સામે શાંતિથી જોઇ રહ્યો. પગ પર પગ ચડાવીને આરામથી સોફા પર બેસતા બોલ્યો,

‘કશિશ થોડા સમય પહેલાં તારા ઘર આવી, ત્યારે એવું શું થયું હતું કે એને કેસ કરવા સુધી જવું પડયું?‘ ધ્યેયે જવાબ આપવાના બદલે સામો સવાલ કર્યો.

ધ્યેયના સવાલથી ઉદય ગૂંચવાયો, એની અકળામણ એના ચહેરા પર દેખાઇ રહી હતી,

‘એલા હું તને પૂછું તો તું સામે મને પૂછે છે? આ તારી કોર્ટ નથી એટલે સામા સવાલ પૂછીને મને કન્ફયુઝ કરીને તું કેસ જીતી જાય. સીધેસીધી વાત કર કશિશ કેસ કેમ કર્યો?‘

ધ્યેય સોફા પરથી ઊભો થઇને ઉદયની સામે પોતાના ટેબલ પર જ ગોઠવાયો.

‘જો મને જે માહિતી છે તે એટલી જ છે કે ગયા મહિને કશિશ તારા ઘરે આવી હતી ત્યારે એને કોઇક રીતે ખબર પડી કે એને મેડિકલમાં એડમિશન મળ્યું હતું, ઇન્ટરવ્યુ કોલ લેટર આવ્યો હતો પણ તે એના સુધી પહોંચવા ન દીધો. આ બધું કેમ અને કેવી રીતે થયું તે તું કહી શકે...હું નહી. મારી વાત સમજાય છે?‘

ઉદય આ સાંભળીને વિચારમાં પડ્યો. કશિશને કેવી રીતે ખબર પડી હશે? શું પપ્પાએ કહ્યું હશે? પણ પોલિસ સમન્સ આપી ગયો ત્યારે પપ્પાને પણ આઘાત લાગ્યો હતો. એનો મતલબ એમ કે એ જાણતા ન હતા. આખરે આખી વાતની કશિશને ખબર કેવી રીતે પડી? ઉદયે પોતાની મૂંઝવણ ધ્યેય સામે કાઢી,

‘મને એમ કે તે કહ્યું હશે!‘ એ બોલ્યો એટલે હવે ચમકવાનો વારો ધ્યેયનો હતો.

‘કેવી નાંખી દેવા જેવી વાત કરે છે? તારા ફેમિલિની મેટર મન શી રીતે ખબર હોય?‘ ધ્યેયએ ખભ્ભા ઉછાળ્યાં. ધ્યેયને તાજુબીએ વાતની હતી કે આખી ય વાતમાં પોતે ક્શા પિક્ચરમાં છે જે નહીં અને આ ઉદય કહે છે કે મેં કશિશને કહ્યું હશે. નક્કી કંઈક લોચો છે.

‘અરે યાર જે દિવસે કોલ લેટર આવ્યો ત્યારે હું ને તું જ તો કેરમ રમતાં હતા. યાદ કર. જૂન મહિનો ચાલતો હતો. તારે વેકેશન ચાલતું હતું, વરસાદ થયો ન હતો એટલે રોજ આપણે બપોરે બન્ને મારા ઘરે કેરમ રમવા બેસતા. એક દિવસ બપોરે ઘરમાં બધાં સુતા હતા ત્યારે પોસ્ટમેન રજિસ્ટર એ.ડી. કશિશના નામનું આપી ગયો હતો. મેં સાઇન કરીને લઇ લીધું હતું. યાદ આવ્યું?‘

બાર–તર વર્ષ પહેલાં બનેલી આવી સામાન્ય ઘટના તો કેવી રીતે ધ્યેયને યાદ હોય! એણે રુમમાં આંટા માર્યા. બહુ યાદ કર્યું ત્યારે એને એને આછું આછું યાદ આવ્યું કે રોજ તેઓ રમતાં હતાં ત્યારે ટપાલ તો ઘણી આવતી હોય પણ એક દિવસ રજીસ્ટર એ.ડી.થી એક લેટર આવ્યો હતો.

‘હા..મને યાદ આવ્યું. પણ મને શું ખબર હોય કે એ લેટરમાં શું છે? મને એટલું યાદ છે કે કીંગ અને કવર બાકી હતા કાઢવાના અને દાવ તારો હતો. છતાં તું એક મિનિટમાં આવું કહીને રુમમાંથી બહાર ગયો હતો. ખાસ્સી પાંચ મિનિટે તું આવ્યો હતો.‘ ધ્યેય આટલું બોલીને અટકી ગયો. એના મનમાં વિચાર આવ્યો કે કાશ પોતાને ખબર હોતે કે એ રજિસ્ટર એ.ડી.માં કશિશનો મેડિકલ કોલેજના પ્રવેશ માટેનો ઇન્ટરવ્યુ લેટર છે તો? તો કદાચ આ દિવસ આવ્યો ન હતો.

‘એ કોલ લેટરનું તે શું કર્યુ?‘

‘હું એ ફાડી નાંખવા ઇચ્છતો હતો, પણ મેં વિચાર્યું કે પપ્પાને જાણ કરીને ફાડું. એટલે પપ્પા બપોરે ઊઠયા ત્યારે મેં એને દેખાડ્યો હતો....અને..‘ અને ઉદયના મનમાં સ્ટ્રાઇક થઇ. એણે ચપટી વગાડી,

‘યસ...કોઇક રીતે કશિશેને આ કોલ લેટર મળ્યો હોવો જોઇએ. અથવા પપ્પાએ એ સાચવ્યો હોય અને એના હાથમાં આવ્યો હોય તેમ બને.‘

‘પણ અંકલ શું કામ આ કોલ લેટર સાચવે?‘ ધ્યેયના સવાલથી ઉદય વિચારમાં પડ્યો. એકાદ મિનિટ બન્ને વિચારતા રહ્યાં પછી બિઝનેસમેનને બિઝનેસ સિવાય બહુ મગજ દોડાવવું ન ગમતું હોય એમ ઉદય માથું ખંજવાળતા બોલ્યો,

‘છોડને યાર.. કશિશને જે રીતે ખબર પડી હોય તો શું ફરક પડે છે? મૂળ વાત પર આવ. તે કેમ એને કેસ કરવા ઉશ્કેરી? તું એને આવું જલદ પગલું લેતા અટકાવી શક્યો હોત ને?‘ ઉદયે ફટ દઇને ધ્યેય પર આરોપ ઠોકી દીધો. જે ધ્યેયને ગમ્યું નહીં. ગુસ્સો તો એને બહુ આવ્યો કે હમણાંને હમણાં ઘરમાંથી ઉદયને બહાર કાઢી મૂકે. પણ એની અંદર બેઠલાં વકીલમાં ગજબ ધીરજ હતી. સાથે સાથે આટલાં વર્ષોની દોસ્તી પર વિશ્વાસ હતો.

‘જો એકવાત સમજી લે...કોઈના પર આરોપ મૂકતા પહેલાં પુરાવા જોઇએ. એટલે ખોટી ફેંકા ફેંક ન કર. અને તું કેમ એમ માની લે છે કે મેં જ એને કેસ કરવા ઉકસાવી હશે? આટલાં વર્ષોની દોસ્તી પછી તું મને આટલો જ ઓળખે છે?‘

ધ્યેય નારાજ થઇ ગયો એટલે ઉદયને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળમાં કાચું કાપ્યું. બાર ધોરણ સુધી બન્ને સાથે ભણ્યા, સાથે રમ્યાં અને સાથે મોટા થયા. બાર પછી ધ્યેય કોલેજ અને પછી એલ.એલ.બી. કરવા માટે બાજુના શહેરમાં ગયો અને ઉદય મહેન્દ્રભાઇની જ્વલેરી બિઝનેસમાં જોડાઇ ગયો.પણ વેકેશન હોય કે ધ્યેય શહેરમાં આવ્યો હોય તો બન્ને ચોક્કસ મળતા. ધ્યેય માત્ર ઉદય સાથે જ નહીં પૂરા ફેમિલિ સાથે પૂરેપૂરો એટેચ હતો. ઉદય અને ધ્યેયની દોસ્તીના કારણે બન્ને પરિવાર વચ્ચે પણ સારો ઘરાબો હતો. એમા ય ધ્યેયની જેમ કશિશ ભણવામાં હોંશિયાર હતી, બન્નેની વાંચનથી લઇને સ્પોર્ટસ સુધીની હોબી કોમન હતી. ઉદય એક ભાઇ તરીકે કશિશને ગમતો પણ જ્ઞાન–ગમ્મત સાથે ઉદયને દૂર દૂરનો ય નાતો ન હતો. તેથી જે બૌધ્ધ્કિતાની કમી કશિશને ઉદયમાં અનુભવાતી તે ધ્યેય સાથે વાતચીત કરવામાં પૂરી થતી. એટલે જ ઉદયની એ બહેન છે તે કરતાં એક મિત્ર તરીકે બન્ને વચ્ચે પણ સારી દોસ્તી થઇ હતી.

‘આઇ એમ સોરી...પણ જો ને કશિશ કેવું કરી રહી છે? તારે અટકાવી જોઇએ ને?‘ ઉદયભાઇ બોલ્યા એટલે ધ્યેયએ એની સામે આકરી નજરે જોયું,

‘તું છે ને કશું સમજ્યા વિના બોલ બોલ કર્યા કરે છે. તે કેમ ધારી લીધું કે મે એને સમજાવી નહીં હોય?‘

‘તે પછી એનો વકીલ બનીને મારી સામે શું કામ લડે છે?‘ ઉદયભાઇ એ પૂછયું,

‘પહેલીવાત હું એનો કેસ નથી લડતો, બીજી વાત મારો જુનિયર લડે છે...અને...‘ ધ્યેય પૂરું બોલે તે પહેલાં તો ઉદયભાઇએ વચ્ચે બોલી પડ્યા,

‘મને મૂરખ સમજે છે? તું લડે કે તારો જુનિયર લડે બેવ એક જ વાત છે...સમજ્યો?‘ ઉદય બોલ્યો એટલે ધ્યેય ઝીણી આંખ કરીને એને જોઇ રહ્યો.

‘હું જે સમજું છું ને તે તું નથી સમજતો. મેં એને મારો જુનિયર ન આપ્યો હોત તો કશિશ બીજા કોઇ વકીલ પાસે ગઇ હોત! પછી ખબર પડતે, બીજો વકીલ તારા કે તારા પરિવારની શરમ ન રાખતે. અને આખી ય વાતને એવો વંળાક આપતે કે આબરુંના કાંકરા થઇ જાત. એટલે મેં એને મારો જુનિયર આપ્યો..‘ ધ્યેયએ ઉદયને સાચી પરિસ્થિતિનું ભાન કરાવ્યું એટલે પહેલીવાર એના મનમાંથી ધ્યેય પ્રત્યેની શંકા ઓછી થઇ.

ધ્યેય બહુ લાંબુ વિચારતો હતો. પોતે જ આક્ષેપબાજી કરવામાં ખોટી ઉતાવળ કરી નાંખી. ઉદય મૂળ મુદ્દા પર હવે આવ્યો,

‘હા, એ તે સારું કર્યું. પણ હવે કહે કે મારે શું કરવું કે કશિશ કોર્ટમાં લડવાનું માંડી વાળે?‘

‘તે તારા વકીલને પૂછયું જ હશે ને? એમને એમ તો તું કાંઇ મારી પાસે દોડી નહીં આવ્યો હોય!‘ ધ્યેયએ એને ટોન્ટ માર્યો.

ઉદયએ સબૂરી રાખી. ધ્યેયની વાત ખોટી નથી. પોતે વકીલના કહેવાથી જ આવ્યો છે. અત્યાર સુધી ધ્યેયનું વર્તન સહકારમય રહ્યું છે એટલે જો એ કશું પોઝિટિવ રિઝલ્ટ ઇચ્છતો હોય તો જરા સમજી–વિચારીને કામ લેવું પડે. આખરે આખી ય વાત જે રીતે વાજતેગાજતે કોર્ટે પહોંચી છે તે પાછી વળે તેવું તો કરવું જ પડે.

કામિની સંઘવી

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED